તમારા પુત્ર / પુત્રીને હોનહાર અને નીડર વ્યક્તિ બનાવવા છે?
પરીક્ષા વિશે જે લખ્યું તેને ખૂબજ સુંદર પ્રતિસાદ મળ્યો છે.
આ લેખને ૪૬ કરતાં વધુ લોકોએ તો પોતપોતાની રીતે શેર કર્યો છે. કદાચ આવનાર ત્રણ-ચાર કલાકમાં આ આંકડો ૫૦ને પાર કરી જશે. લગભગ ૨૦૦ લોકોએ તેને લાઈક કર્યો છે. મારા પેજ પર ૨૩૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ આ લેખ વાંચ્યો.
કુલ મિલાકે લગભગ ૨૦ હજાર વ્યક્તિઓ સુધી આ વાત પહોંચી.
પરીક્ષાર્થીઓના અને સમાજના વ્યાપક હિતમાં આ લેખ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે તમે પણ તમારા મિત્રવર્તુળમાં આ લેખ વધારેમાં વધારે શેર થાય તેવું કરશો તો કોઈ બાળકને ડિપ્રેશનમાં જતું કે આત્મહત્યાનું અંતિમ પગલું લેતા રોકી શકશો.
એક મોટું પુણ્યકાર્ય તમારા માધ્યમથી થશે એટલે પરીક્ષા અંગેનો આ લેખ “એક પરીક્ષા તમારા બાળકનું ટેલેન્ટ ક્યારેય નક્કી ન કરી શકે” એકદમ વાયરલ થાય તેમાં મારા સાથે જોડાયેલ એક એક વાચકનું યોગદાન અમૂલ્ય છે.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેણે દુનિયાને લોકશાહીની વ્યાખ્યા આપી તેણે પોતાનો દીકરો જે શાળામાં ભણતો હતો તેના હેડમાસ્ટરને ઉદ્દેશીને પોતાના પુત્રની કેળવણી બાબત જે પત્ર લખ્યો છે તે અદભૂત છે. અમેરિકાના આ મહાન પ્રેસિડન્ટ વિશે માહિતી તેમજ એ પત્રનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરું છું.
અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln)નો એક પ્રેરક પત્ર
અબ્રાહમ લિંકન(1809-1865) અમેરિકાના સોળમા પ્રેસિડેન્ટ (1861-1865) હતા. વિશ્વસ્તરના સર્વકાલીન શ્રેષ્ઠતમ રાજપુરુષોમાં અબ્રાહમ લિંકનની ગણના થાય છે. કલાત્મક સાહિત્ય ઉપર અદ્ભુત પ્રભુત્વ ધરાવતા લિંકને ઈતિહાસમાં પોતાનું સ્થાન વિશિષ્ટ રીતે કંડારી દીધું છે.
પોતાની જીવનરીતિ તથા જીવન દર્શન વડે પણ લિંકને જગતને પ્રભાવિત કર્યું છે.
લોકશાહી સરકાર વિષેની નીચે આપેલી ગહન અર્થપૂર્ણ વ્યાખ્યા લિંકન તરફથી દુનિયાને મળેલી એક અણમોલ ભેટ છે.
“લોકો વડે ચાલતી, લોકો માટે ચાલતી અને લોકોની બનેલી સરકાર - Government by the People, for the People and of the People”
આવા અબ્રાહમ લિંકને શાળાના હેડમાસ્તરને સંબોધીને એક પત્ર લખ્યો છે. નિશાળમાં પોતાના દીકરાને ભણવા મૂકતી વેળાએ એ પત્ર લખાયો હશે. વિશ્વસાહિત્યનાં પ્રેરણાત્મક મુક્તકોમાં આ પત્રની ગણના થાય છે. શિક્ષણ એ ફક્ત પુસ્તકિયા ભણતર નથી, અને એ માત્ર શાળાકીય પ્રવૃત્તિ નથી પણ જીવન ઘડતર માટે જીવનભર ચાલનારી વિકાસની સતત પ્રક્રિયા છે. આ વાત લિંકનને સમજાઈ હતી. પોતાના વિચારોના નિચોડરૂપે શિક્ષણ સમગ્રનું ‘હાર્દતત્ત્વ ’(ન્યુક્લીઅસ) શું હોવું જોઈએ એ વાત લિંકને આ પત્ર દ્વારા દુનિયાને જણાવી છે.
આપણા સમાજમાં શિક્ષણ અંગે જે પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં આ ઐતિહાસિક પત્ર માત્ર શાળાના આચાર્યને જ નહીં પરંતુ શાળાના દરેક શિક્ષકને, દરેક માતાપિતાને, ખુદ વિદ્યાર્થીને પણ—અરે કહો કે દરેકે દરેક નાગરિકને પ્રેરણાદાયી છે.
પત્ર
પ્રિય ગુરુજી,
બધા માણસો ન્યાયપ્રિય નથી, નથી બધા સત્યનિષ્ઠ - એ ક્યારેક તો મારો દીકરો શીખશે, પણ તેને એટલું શીખવાડજો કે જગતમાં દરેક બદમાશોની સાથોસાથ એક સચ્ચરિત્ર ઉત્તમ પુરુષ પણ મોજૂદ હોય છે.
સ્વાર્થી રાજકારણીઓ જગતમાં છે, એ સાથે ત્યાગપરાયણ નેતા પણ છે.
દુશ્મન છે, તો મિત્ર પણ છે.
મને ખબર છે બધી વાતો એકદમ શીખવાડી દેવાતી નથી…
પણ વખત આવ્યે તેના મનમાં ઠસાવજો,
કે પરસેવો પાડીને કમાયેલી કોડી રૂપિયા કરતાંય મૂલ્યવાન છે.
શાળામાં એ વાત એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં ખુમારીપૂર્વક નિષ્ફળતા વહોરવી એ કેટલુંય અધિક આદર અને ગૌરવપ્રદ છે.
પોતાની કલ્પના અને વિચારો પર તેને દૃઢ વિશ્વાસ રાખવાનું કહેજો, ભલે બીજા લોકો એ વિચારોને ભૂલ ભરેલા કહેતા હોય.
તેને કહેજો કે ભલાની સાથે ભલી રીતે વર્તવું, સખતની સાથે સખત બનીને.
મારા દીકરાને એ સમજાવી શકો તો જોજો.
જ્યાં વિચાર્યા વિના બધા દોડી જાય છે એવા ગાડરિયા પ્રવાહમાં ન તણાવાની તાકાત કેળવવી પડશે.
વળી, એને કહેજો કે સૌનું સાંભળવું તો ખરું જ, પણ સાચની ચાળણીમાંથી ચાળીને જે બરાબર લાગે તે જ સ્વીકારવું. ફાવે તો એને શીખવાડજો.
મનમાં દુ:ખ હોય તો યે હસતા રહેવું. અને એ પણ શીખવાડજો કે
આંસુ વહી આવે તો પણ તેની શરમિંદગી ન હોય.
વાંક દેખાઓથી દૂર રહેવા અને ખુશામદખોરોથી સાવધ રહેવા કહેજો.
તેને એ બરાબર સમજાવજો કે તેણે તમામ શ્રમ અને બુદ્ધિ વાપરીને કમાણી કરવી. પણ કદીય વિક્રય ન કરવો હ્રદય અને આત્માનો !
હોંકારા-પડકારા કરતાં ધૂતકારનારાઓનાં ટોળા તરફ આંખ આડા કરવાનું તેને શીખવજો.
અને તેને મનમાં ઠસાવજો કે જે સાચું અને ન્યાયી લાગે તે માટે દૃઢતાથી લડી લેવું.
તેના પર મમતા રાખજો, પણ લાડ ન લડાવશો, કેમકે આગમાં તપ્યા વિના લોખંડમાંથી કદી પોલાદ બનતું નથી. તેને અધીર બનવાનું ધૈર્ય આપજો અને શૌર્ય દાખવવાની ધીરજ.
બીજું એક એને એ કહેવાનું કે પોતા પર દૃઢ વિશ્વાસ હશે તો જ માનવજાતિ પર ઉદાત્ત શ્રદ્ધા રહેશે.
માફ કરજો ગુરુજી,
હું વધારે પડતું બોલું છું, ઘણી વધારે અપેક્ષા રાખું છું…
પણ જુઓ, તમારાથી થાય એટલું કરજો,
મારો દીકરો- એ બહુ નાનો ને મીઠડો છે.
એ. લિંકન
(સહી)
તમારા દીકરા કે દીકરી માટે પરીક્ષા એ જીવનનું કેન્દ્ર બિંદુ ના બનાવતા. અબ્રાહમ લિંકનના શબ્દોમાં કહીએ તો એ વાત એને શીખવજો કે છેતરપિંડી (અથવા પરીક્ષામાં ચોરી કરવા) કરતાં ખુમારીપૂર્વક નિષ્ફળતા વહોરવી એ કેટલુંય અધિક આદર અને ગૌરવપ્રદ છે.
તમારા સંતાનોને શીખવજો કે ગાડરિયા પ્રવાહમાં ન તણાય.
સાંભળે સૌનું પણ કરે મનનું.
પોતાની પસંદગી જે કાંઈ હોય એમાં તે ટોચ પર પહોંચે, કમસેકમ પહોંચવાનો પ્રયત્ન કરે અને ધ્યેય પ્રાપ્તિ માટે મચી રહે.
દુ:ખ આવે ત્યારે ભાંગી ન પડે.
પોતાની જાત પર પણ મશ્કરી કરતાં શીખી લે.
ક્યારેક આંખમાં ઝળઝળીયાં આવી જાય કે અવાજ ગળગળો થઈ જાય તો એ માનવ સહજ લાગણી છે, આંખમાં આંસુ આવે તેમાં શરમિંદગી ન હોય.
દિલમાં જ્યારે લાગણીઓનું ધમાસણ મચે અને એનું પ્રેશર એકદમ વધી જાય ત્યારે મુક્ત મને રડી લેવું. એ પ્રેશર કુકરનો વાલ્વ છે એવું એને સમજાવજો.
દેખાદેખીથી દૂર રહેવું.
નકલચી ન બનો.
આપણો જન્મ એક વિશિષ્ટ કાર્ય માટે થયો છે અને ઈશ્વરનું એક સુંદર સર્જન આપણે પણ છીએ.
તેમ સમજીને
“રામ રાખે તેમ રહીએ ઓધવજી
હે આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી”
શક્ય તેટલું આત્મસાત કરી
અવધૂતી મસ્તીમાં જીવતાં અને નિજાનંદનો અમૂલ્ય ખજાનો શોધી કાઢતાં તમારા બાળકને શીખવાડજો.
ચુગલીખોરોથી દૂર રહેવું.
ખુશામતખોરો તો ગોળ હશે ત્યારે મંકોડાની માફક આવવાના જ છે.
તમે જરાક પડો છો એમ લાગશે કે તરત એ બધા નવા માલિકોની શોધમાં ઉપડી જશે.
એનો બહુ અફસોસ ન કરશો.
તમારા બાળકને નિર-ક્ષીર વિવેક કરીને મિત્ર અને માણસની પસંદગી કરતાં શીખવજો.
“શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક,
જેને દુઃખમાં પામીએ તે લાખોમાં એક”
હિતેચ્છુ અને સાચા મિત્રોના ટોળાં નથી હોતાં, આંગળીને વેઢે ગણાવી શકાય એટલા પણ મળી જાય તો પોતાની જાતને સદનસીબ સમજજો.
તમારા બાળકને પણ વણમાગી સલાહ ન આપતા.
ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું તે શીખવજો.
એને એ શીખવજો કે તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે હાર નથી સ્વીકારતા.
એને કોઈ પણ એક, પછી તે કુદરત હોય, ઈશ્વર હોય કે અન્ય કોઈ શ્રદ્ધા કેન્દ્ર, એમાં સ્વાર્થ વગરની સમર્પિત શ્રદ્ધા રાખવાનું શીખવજો.
આમ થશે તો એ આપત્તિ વખતે તૂટી નહીં જાય.
પૈસો જ સર્વસ્વ નથી, માણસ છીએ તો માણસાઈથી વરતવા શીખવાડજો
પોતાના પાસે જે કાંઈ હોય પછી એ પૈસો, આવડત કે વિચારો વહેચીને જીવતાં શીખવજો.
આમાંથી અડધા ગુણો પણ જો બાળકમાં ઊભા કરી શકશો તો તમારું બાળક દુનિયાના કોઈપણ ખૂણે પાછું નહીં પડે.
એ એક ઉત્તમ પુત્ર કે પુત્રી બનશે.
નાગરિક બનશે.
બૌદ્ધિક કે વૈજ્ઞાનિક બનશે.
ચિત્રકાર કે સંગીતકાર બનશે.
વકીલ કે ડોક્ટર બનશે.
સાહિત્યકાર કે શિલ્પકાર બનશે.
રાજનીતિમાં જશે કે સમાજ નીતિમાં
આવું વ્યક્તિત્વ હંમેશા કંઇક આપી છૂટશે અને...
એક સમય એવો આવશે કે તમે એના નામથી ઓળખાશો
ત્યારે માનજો કે તમારી સાધના સફળ થઈ છે.
તમે વાવેલા આંબાને કેરી આવી છે.
યાદ રાખો...
सर्वत्र जयमिच्छेत् पुत्रात शिष्यात पराजयम्।
શિષ્ય કે પુત્રના નામે ઓળખાવું એનાથી વધુ ગૌરવશીલ બીજું કાંઈ નથી
પરીક્ષાઓ તો આવશે ને જશે.
પરિણામો પણ આવશે ને ભુલાશે.
નહીં ભુલાય એના વ્યક્તિત્વની અમીટ છાપ.
હળવા ફૂલ થઈ જજો
મોજમાં રહેજો
જિંદગીનું અંતિમ લક્ષ ડોક્ટર કે એન્જિનિયર બનવું એ નથી
સારા હોનહાર અને નીડર વ્યક્તિ બનવું તે છે.
તમારા પુત્ર-પુત્રીને પરીક્ષાઓ માટે મારી શુભેચ્છા, શુભકામના
અને હા.....
તમને પણ