ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
ચીનના સત્તાવાર ડેટા દેશમાં કોરોનાવાયરસની સાચી અસરનું દૃશ્ય રજૂ નથી કરતાં એવું જણાવતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ મૃત્યુની ચીનની સત્તાવાર વ્યાખ્યાની ટીકા કરી છે. WHOના કટોકટી નિર્દેશક માઇક રાયને જણાવ્યું હતું કે, ચીનમાંથી પ્રસિદ્ધ થઈ રહેલા વર્તમાન આંકડાઓ હોસ્પિટલમાં દાખલ થવાના સંદર્ભમાં, ICU પ્રવેશના સંદર્ભમાં અને ખાસ કરીને મૃત્યુના સંદર્ભમાં મહામારીની સાચી અસરને દર્શાવતા નથી.
આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે વિવિધ માધ્યમો થકી મળતા સમાચાર મુજબ ચીનમાં કોવિડ ચેપમાં તીવ્ર વધારો થવાને પગલે વધુ દેશો ચીનના મુલાકાતીઓ પર મુસાફરી પ્રતિબંધો લાદી રહ્યા છે. ગયા મહિને બેઇજિંગે ત્રણ વર્ષથી વધુના સખત પ્રતિબંધો અચાનક હટાવ્યા ત્યારથી હોસ્પિટલો અને સ્મશાનગૃહ ભરાઈ ગયા છે. શાંઘાઈની ટોચની હોસ્પિટલોમાંના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે મેગાસિટીની ૭૦ ટકા વસતી હવે કોવિડથી સંક્રમિત થઈ શકે છે. તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિષ્ણાતોએ આ વર્ષે ચીનમાં ઓછામાં ઓછા ૧૦ લાખ કોવિડ-સંબંધિત મૃત્યુની આગાહી કરી છે.
તેમ છતાં ચીને ડિસેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર ૨૨ કોવિડ મૃત્યુ નોંધ્યા છે અને આવી જાનહાનિને વર્ગીકૃત કરવાના માપદંડને નાટકીય રીતે સંકુચિત કર્યા છે. ચીન ફક્ત તે જ કેસોની ગણતરી કરે છે જેમાં કોવિડને કારણે ન્યુમોનિયા અથવા શ્વસનતંત્રની નિષ્ફળતાનો સમાવેશ થાય છે. કોવિડ સંક્રમિત વ્યક્તિ અન્ય કોઈ કારણસર મૃત્યુ પામે તો તે કોવિડ મૃત્યુ તરીકે નથી નોંધાતુ.
યુએન એજન્સી વૈશ્વિક કોવિડ પરિસ્થિતિ પર સભ્ય દેશો વચ્ચે વ્યાપક બ્રીફિંગના ભાગરૂપે ચીની વૈજ્ઞાનિકોને મળી રહી છે. દરમિયાન, અગાઉની એક બ્રીફિંગમાં, WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પુનરોચ્ચાર કર્યો હતો કે એજન્સી ચીનમાં કોવિડ-૧૯ ચેપના વધારા અંગે ચિંતિત છે, બેઇજિંગને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ અંગે ઝડપી અને નિયમિત ડેટા પહોંચાડવા તેમજ રીઅલ-ટાઇમ વાયરલ સિક્વન્સિંગ માટે ફરીથી વિનંતી કરી છે. WHOએ કોવિડ મૃત્યુ સામે રક્ષણ આપવા માટે બૂસ્ટર ડોઝ સહિત રસીકરણના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશોએ ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. ચીને પ્રતિબંધોને ભેદભાવપૂર્ણ ગણાવીને તેની ટીકા કરી છે. તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીનને લક્ષ્યાંક બનાવતા કેટલાક દેશો દ્વારા અપનાવવામાં આવેલા પ્રવેશ પ્રતિબંધોમાં વૈજ્ઞાનિક આધારનો અભાવ છે.
પરંતુ WHO વડાએ આવા પગલાંને યોગ્ય ઠરાવતા કહ્યું કે ચીનમાં કોવિડના પ્રકોપ વચ્ચે કેટલાક દેશો તેમના પોતાના નાગરિકોને બચાવવા માટે દેશમાં આવતા પ્રવાસીઓનું પરીક્ષણ કરવા જેવા પગલાં લઈ રહ્યા છે તે સમજી શકાય એવું છે. યુરોપિયન કમિશને પણ જણાવ્યું હતું કે મોટાભાગના EU દેશો ચીનના પ્રવાસીઓ માટે પ્રી-ડિપાર્ચર કોવિડ ટેસ્ટિંગ દાખલ કરવાની તરફેણમાં છે. અમેરિકન પ્રમુખ જો બિડેને કહ્યું કે તેઓ ચીન જે રીતે કોવિડ મહામારીને સંભાળી રહ્યું છે તેનાથી ચિંતિત છે.
૨૫ નવેમ્બરે ક્વોરેન્ટીન હેઠળના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા બાદ ચીનના વીસથી વધુ શહેરોમાં વિરોધ ફાટી નીકળવાને પગલે ચીનને ગયા મહિને તેની ‘ઝીરો-કોવિડ’ નીતિ બદલવાની ફરજ પડી હતી. કોવિડ ચેપની લહેર હોવા છતાં બેઇજિંગ તેના નાગરિકો પરના મુસાફરી પ્રતિબંધો હટાવવાની યોજના ધરાવે છે. બીજી બાજુ ચીનમાં ‘ઝીરો-કોવિડ’ પ્રતિબંધો અચાનક હટી ગયા પછી દેશમાં તણાવપૂર્ણ વાતાવરણ છે. જે લોકો એક સમયે ઝીરો-કોવિડને ટેકો આપતા હતા તેઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે ત્રણ વર્ષના સખત પ્રતિબંધો શું અર્થહીન હતા કે લોકોને બચાવવા માટે મૂકવામાં આવેલી લગભગ તમામ નીતિઓ પડતી મૂકવામાં આવી છે? કોવિડ ચીનની વસતીમાં પ્રચંડ રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો એવું માને છે કે સરકારે ખૂબ જ ઉતાવળમાં લોકડાઉન ખોલી નાખ્યું છે.