ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
હમણાં ચીને ‘ઝીરો ટોલરન્સ કોવિડ પોલીસી’ને હળવી કરી અને લોકોને બહાર નીકળવાની તેમજ પ્રવાસ કરવાની છૂટ મળી ત્યારથી ચીનનું વાતાવરણ જાણે કે બદલાઈ ગયું છે. હમણાં જ ચીનનું ચંદ્ર પર આધારિત નવું લુનાર વર્ષ શરૂ થયું જેની ઉજવણી ચીની પ્રજાએ એવી તો ધમાકેદાર કરી જાણે કોવિડ હવે ચીનમાંથી બિસ્તરાં-પોટલાં બાંધીને વિદાય થઈ ગયો છે. તહેવારો દરમિયાનની મુસાફરી કોવિડ પહેલાં જે સ્તરે હતી તેના લગભગ ૯૦ ટકા જેટલે પહોંચી ગઈ. આને પરિણામે ઊભા થતા જોખમને નજરઅંદાજ ન કરીએ તો પણ લોકોનો આ ઉછાળા મારતો મૂડ ચીનની અર્થવ્યવસ્થા માટે એક સારી નિશાની છે. માણસોથી ઊભરાતા પ્રવાસન સ્થળો અથવા સિનેમાગૃહો જોતાં એવું લાગતું હતું કે જાણે ત્રણ વર્ષ જૂનો ઝીરો-કોવિડ પ્રયોગ હવે પૂરો થયો છે.
લગભગ ત્રણ વર્ષ સુધી, ચીન કોરોના પ્રત્યે તેના અભિગમને વળગી રહ્યું. આ નીતિને કારણે અભૂતપૂર્વ આર્થિક નુકસાન અને વ્યાપક હતાશા ફેલાઈ. ૨૦૨૨માં, વૃદ્ધિ ઝડપથી ધીમી પડી, કંપનીના નફામાં ઘટાડો થયો અને યુવા બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી. વધતી જતી જાહેર અશાંતિ અને નાણાકીય દબાણ વચ્ચે, સરકારે ગયા મહિને અચાનક અભિગમ બદલ્યો અને ઝીરો-કોવિડ નીતિનો ત્યાગ કર્યો. લોકો લાંબા સમયથી પ્રતિબંધો હળવા થવાની રાહ જોતાં હતા, ત્યારે ચીને કોઈ ચોક્કસ પૂર્વતૈયારી વિના પ્રતિબંધો ઉઠાવતા મહામારીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું. જોકે પરિસ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી છે.
ચીન કોવિડ આઇસોલેશનના ત્રણ વર્ષ પછી વિશ્વ સાથે ફરીથી જોડાઈ રહ્યું છે ત્યારે ચીન પાસેથી વિશ્વને ઘણી આર્થિક અપેક્ષાઓ છે. કડક ઝીરો-કોવિડ વ્યૂહરચનાએ વ્યવસાયોને ગૂંગળાવી દીધા હતા, જે હળવી થતાં વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં જોમ આવવાની અપેક્ષા છે. કોવિડ લોકડાઉન અને અન્ય નિયંત્રણોએ ચીનને બાકીના વિશ્વ સાથે જાણે કાપી નાખ્યું હતું, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી હતી અને વેપાર તેમજ રોકાણના પ્રવાહને નુકસાન પહોંચાડ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર હવે ઉર્જાની અછત, ધીમી વૃદ્ધિ અને ઊંચા ફુગાવા સહિતના નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ચીનનું ફરીથી ખોલવું ખૂબ જ જરૂરી અને પ્રોત્સાહક બની રહેશે એવી અપેક્ષા છે.
આ પ્રકારનો ફૂલગુલાબી મૂડ ચીનની અર્થવ્યવસ્થા માટે જેટલો સારો છે એટલો પ્રેસિડેન્ટ શી જીનપીંગ માટે પણ છે, કારણ કે ઝીરો-કોવિડ નીતિને કારણે લોકોમાં વ્યાપેલા ગુસ્સા અને લોકજુવાળને કારણે જીનપીંગ માટે ખાસ્સું ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. આ પ્રકારની વ્યાપક છુટછાટો અને તહેવારની મોસમને કારણે ઓમીક્રોન જેણે છેલ્લા મહિનામાં ચીનને દઝાડ્યું હતું તે ફરીથી માથું ઊંચકી શકે છે. જોકે ચીની સરકારે વિગતો સાથે એક નોધ બહાર પાડીને કહ્યું છે કે, આ ‘એક્ઝિટ વેવ’ બહુ ઝડપથી પૂરું થાય એવાં એંધાણ મળી રહ્યા છે.
એકબાજુ વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે ત્યારે આ વર્ષે વિશ્વની બીજા ક્રમની મોટી અર્થવ્યવસ્થા ચીન માટે વપરાશને ખૂબ જ જરૂરી પ્રેરક બળ તરીકે જોવામાં આવે છે. ચીનની સ્ટેટ કાઉન્સિલે કહ્યું કે રાષ્ટ્રને તેની વપરાશ પુનઃપ્રાપ્તિને વેગ આપવાની જરૂર છે. ચીનના રિયલ એસ્ટેટ, પરિવહન, રહેઠાણ અને કેટરિંગ પ્રવૃત્તિમાં રિકવરી સાથે ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં નાના વ્યવસાયોમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો હતો. જોકે ચાઇના રિયલ એસ્ટેટ ઇન્ફર્મેશન કોર્પ.ના ડેટા અનુસાર રહેણાંક મકાનોના વેચાણમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૪ ટકા ઘટાડો થયો હતો, જે સૂચવે છે કે આ ક્ષેત્ર ચિંતાનો વિષય છે. આ સમયગાળામાં ચીનમાં શિપમેન્ટમાં ૨૪.૪ ટકાનો ઘટાડો થયો, જે દર્શાવે છે કે પ્રતિબંધો હટાવ્યા પછી પણ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની રિકવરી માટે આગળનો રસ્તો કેટલો લાંબો છે. ચીનની ઐતિહાસિક મિલકત મંદી અને સંભવિત વૈશ્વિક મંદી પણ નવા વર્ષમાં ચીન માટે માથાનો દુખાવો પેદા કરી શકે છે.