featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)        

ઑપેક પ્લસ દેશોએ મે ૨૦૨૩થી અમલમાં આવે તે રીતે રોજના ૩૬ લાખ બેરલ પ્રતિદિન જેટલો ક્રૂડ ઑઇલનો ઉત્પાદન કાપ મૂકવાનું નક્કી કર્યું છે. આની સાથે ચીનની અર્થવ્યવસ્થા ગતિ પકડી રહી હોવાથી ચીન તેમજ રિઝર્વ ક્રૂડ ઑઇલ ભંડારોમાં ખાલી થયેલ જથ્થો ભરવા માટે અમેરિકા પણ ક્રૂડ ઑઇલની ખરીદી માટે બજારમાં આવે એ બંને ધારણાઓ હેઠળ આગામી સમયમાં ક્રૂડ ઑઇલના ભાવ પ્રતિ બેરલ ૮૦ ડૉલરને કૂદાવી જાય એવી શક્યતાઓ બાબત નિર્દેશ કરવામાં આવ્યો હતો. ભારતને આને કારણે વધારાનું વિદેશી હૂંડિયામણ વાપરવું પડશે એ ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

        ભારત એશિયાના દેશોમાં રશિયન ક્રૂડ ઑઇલનું બીજા નંબરનું આયાતકાર છે, જે આંતરરાષ્ટ્રીય દબાણ તેમજ પ્રતિબંધોને નહીં ગણતકારતા રશિયા પાસેથી વધુ ને વધુ ક્રૂડ ઑઇલ ઇમ્પોર્ટ ચાલુ રાખે છે. એક બાજુ યુનોના દેશો તેમજ અમેરિકાએ યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું બંધ કર્યું છે, એ સંજોગોમાં ચીન અને ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદાર તરીકે ઉપસ્યા છે.

        બ્લુમ્બર્ગ અનુસાર રશિયાએ ભારતને ક્રૂડના સીધા વેચાણ ઉપર મોટું ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કરી છે. એક બાજુ યુરોપ અને અમેરિકામાં રશિયા-યુક્રેન યુદ્ધના ઓછાયામાં રશિયન ક્રૂડની માંગ ઘટી રહી છે ત્યારે ચીન અને ભારત દ્વારા રશિયા પાસેથી મોટા જથ્થામાં ક્રૂડની ખરીદી, એના માટે સારી એવી રાહત પૂરી પાડે છે. રશિયા ઉરાલ ગ્રેડનું ક્રૂડ ઑઇલ ભારતને ૩૫ ડૉલર પ્રતિ બેરલ જેટલા કન્સેસનથી ઑફર કરી રહ્યું છે, જેથી ભારત વધુમાં વધુ ખરીદી રશિયા પાસેથી કરે.

        ત્યાર બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ દસ ડૉલર વધ્યા છે, જેનો અર્થ રશિયાના કન્સેસનના કારણે બેરલ દીઠ ચાલુ ભાવ કરતાં વધુ વળતર મળ્યું છે. રશિયા સાથે કોન્ટ્રાક્ટ કર્યા પ્રમાણે ભારતે પંદર મિલિયન બેરલ જેટલું ક્રૂડ રશિયા પાસેથી ખરીદે એ માટેના પ્રયત્નો ચાલુ છે. એશિયાના બીજા ક્રૂડ ઇમ્પોર્ટર તરીકે ભારત એવા ગણતરીના દેશોમાં છે, જે રશિયા પાસેથી ક્રૂડની આયાત આંતરરાષ્ટ્રીય દબાણ તેમજ પ્રતિબંધોની ગજવે ઘાલીને વધારી રહ્યું છે. રશિયન ક્રૂડનો સપ્લાય એક બાજુ યુરોપ અને અમેરિકાના દેશોમાં ઘટી રહ્યો છે તેની સામે ભારત અને ચીન એના મુખ્ય ખરીદારો છે.

        રશિયાએ તો રૂપી-રૂબલના ચલણમાં પેમેન્ટ અપાય તે માટે પણ સંમતિ દર્શાવી છે, જેને કારણે ભારત માટે રશિયામાંથી ક્રૂડ ખરીદવું વધુ આકર્ષક બનશે. જોકે હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી અને રશિયાના વિદેશ મંત્રી સરગેઇવ લાવરોવની બે દિવસની ભારતની મુલાકાત દરમિયાન આ મુદ્દો ચર્ચાવાની પૂરી શક્યતા છે.

        નિષ્ણાતોના જણાવ્યા મુજબ દર સિઝનમાં થાય છે તે મુજબ ઓછી માંગના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ નજદીકના ભવિષ્યમાં પુરવઠાનો ભરાવો અને નબળી માંગને કારણે પ્રતિ બેરલ ૬૮ જેટલા નીચા આવી શકે છે. જૂન અને જુલાઈ બાદ ભારતમાં વળી પાછી આ માંગ વધશે એવો અંદેશો છે. ભાવ આ જ લેવલે સ્થિર રહે અથવા એમાં કાપ મુકાય એવી શક્યતા જૂન અને જુલાઈ મહિનાઓમાં સંભવી શકે છે, જે ત્યાર બાદ ભારતમાં શરૂ થનાર તહેવારોની મોસમ વગેરેને કારણે પાછી વધી શકે છે.

        આમ, ઑપેક+ દેશોએ મૂકવા ધારેલ ઉત્પાદન કાપને તેમજ અમેરિકા પોતાના ખાલી થયેલ રિઝર્વને ભરવા માટે ખરીદી કરે તે કા૨ણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધે તેવી શક્યતા જણાતી હતી પણ અત્યારે વાસ્તવિકતા એથી ઊલટી છે. અમેરિકાએ પોતાના ખાલી થયેલા રિઝર્વ ભરવા વિશ્વબજારમાંથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું હાલ પૂરતું માંડી વાળ્યું છે, એટલે આ ભાવ વધવાની બદલે ઘટશે એવી શક્યતાઓ છે. બીજી બાજુ રશિયા ભારતને ડિસ્કાઉન્ટ આપે છે, તેમ બંને રીતે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ ફ્રૂડ ઑઇલના ભાવવધારાને કા૨ણે વધારે ઘસાય તેવી શક્યતાઓ હાલ પૂરતી ટળી છે.   

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles