હૉસ્ટેલની જિંદગી ધીરે ધીરે થાળે પડવા માંડી હતી. કેટલાક નવા મિત્રો ઉમેરાયા પણ ખરા અને થોડો ઘણો આત્મવિશ્વાસ પણ વધ્યો. બંને કારણે શરૂઆતમાં જે પ્રકારનું અતડું વાતાવરણ લાગતું હતું તે બદલાયું. આમાં ત્રીજું એક પરિબળ મેં કાકાસાહેબ કાલેલકરના જીવનમાંથી પ્રેરણા લઈને ઉમેર્યું હતું. આ પરિબળ એટલે “પ્રવાસ એક મોટો શિક્ષક છે” તે સિદ્ધાંત. કૉલેજ સવારની હતી. બપોરે સાડા બાર વાગે નવરા થઈ જતા. ત્યારબાદ હૉસ્ટેલ પાછા આવી, જમી પરવારી, મારી વડોદરા ભ્રમણની યાત્રા શરૂ કરતો. આમેય બપોરે આરામ કરવાની ટેવ ન હોતી એટલે હું નીકળી પડતો. ક્યારેક બહાર નીકળી ડાબા હાથે ફતેહગંજ પોસ્ટઑફિસ વટાવી આગળ તે સમયે લગભગ નિર્જન કહી શકાય એવા કેન્ટોનમેન્ટ વિસ્તાર તરફ ચાલી નીકળતો. હું રોજનું સરેરાશ ચારથી સાડા ચાર કલાક ચાલતો. મારી પાસે તે વખતે સાયકલ નહોતી એટલે બસ અથવા ચાલવું બે જ વિકલ્પ હતા. મારે વડોદરાથી પરિચિત થવું હતું એટલે બને તેટલો બસનો ઉપયોગ ઓછો કરતો. કેન્ટોનમેન્ટ વિસ્તાર એ વખતે એક નાની લશ્કરી છાવણી જેવો લાગતો. E.M.E. એટલે કે ઈલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરીંગ સર્વિસિસનો આર્મીનો આ છાવણી વિસ્તાર હતો. આગળ જતાં એલ્યુમિનિયમ સેક્શનમાંથી ત્યાં સરસ મજાનું સર્વધર્મ મંદિર બનેલું. જેનું ડૉમ અને અંદરની સ્વચ્છતા તેમજ વાતાવરણ અત્યંત પ્રેરણાદાયી અને શાંત હતું. ઘણીવખત આ મંદિરના ગુંબજ નીચે ઊભા રહીને ભગવાનનાં દર્શન કરી મનની શાંતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં મૂકેલા બાંકડા પર નીરવ શાંતિ માણવી એ પણ એક લ્હાવો હતો.

મને આપણા દેશના સૈન્ચ માટે એક ઊંડા આદરની લાગણી રહી છે. આર્મી હોય, એરફોર્સ હોય કે નેવી, આપણી સરહદોને વિષમ પરિસ્થિતિમાં પણ જાનના જોખમે જાળવતા આ જવાં મર્દો માટે આજે પણ ખૂબ આદર અને લાગણી ધરાવું છું. ગ્રેજ્યુએટ થયા પછી ખૂબ મોટું આકર્ષણ મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસિસમાં જોડાવવાનું હતું. બીજી બધી જ રીતે એમાં પસંદ થવા માટેની લાયકાત મારી પાસે હતી. એક માત્ર ગેરલાયકાત હતી મારૂં વજન જે 50 કિલોથી ઓછું હતું. હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મારૂં વજન માત્ર સાડા અડતાલીસ કિલો હતું. આ દોઢ કિલો વજન એ વખતે વધુ હોત તો મારી જિંદગીની આખી રાહ બદલાઈ ગઈ હોત. મારા જ સહાધ્યાયી ચીટનીસ અને સાહની આ સેવામાં જઈ શક્યા. હું ન જઈ શક્યો. માત્રને માત્ર અંડર વેઈટ એટલે કે જરૂરિયાત કરતાં ઓછું વજન હોવાના કારણે. દોઢ કિલો કે તેથી વધારે વજન મારી પાસે હોત તો હું ધન્ય થઈ ગયો હોત. મારો સ્વભાવ જોતાં હું આજે પણ માનું છું કે, જો તક મળી હોત તો હું આ સેવામાં ઝળકી ઊઠ્યો હોત. હળવા હૈયે ક્યારેક હું કહું છું પણ ખરો કે, સિવિલિયન સર્વિસિસ અને તેથી આગળ વધીને આજના પૉલિટિક્સ ક્ષેત્રે તમારો દુશ્મન કોણ છે અને એ પીઠ પાછળથી ક્યારે ઘા કરશે તે કળી શકાતું નથી. મિલિટરી સેવામાં કમ સે કમ તમારો દુશ્મન કોણ છે અને કઈ દિશામાંથી તમારા પર હુમલો થશે તે નક્કી હોય છે. મોટો તફાવત છે આ જવાં મર્દની જિંદગીમાં અને શિયાળમાંની લુંચ્ચાઈભરી રમતોમાં. આ કારણથી આજે પણ ક્યાંય કોઈ લશ્કરી સેવાઓના ગણવેશમાં દેખાય છે તો એક અહોભાવ અને આદરની નજરે એને જોઈ રહું છું. દેશ માટે જાનફેસાની કરવા ઉપરાંત પણ આ સેવાના દરેક કાર્યમાં એક ઊંડી શિસ્તનો અનુભવ થાય છે. આ કારણથી મારી E.M.E.  કેમ્પસની મુલાકાત મને હંમેશા એક તીર્થાટનનો અનુભવ કરાવતી. આ કેમ્પસમાં જ્યારે પણ મિલિટરી ટાટુ અથવા કોઈ હથિયારોની પ્રદર્શનીના કાર્યક્રમ યોજાતા એ જેટલા દિવસ ચાલે તેટલા દિવસ વધુમાં વધુ સમય આ સેવાઓથી નીકટથી પરિચિત થવાનો મોકો હું માણતો. અત્યારે જ્યારે વજનની જરૂર નથી અને ડૉક્ટર કહે છે કે વજન ઘટાડો ત્યારે પેલું સાડા અડતાલીસ કિલો વજન અને એક સમયે હું જ્યાં પહોંચ્યો હતો તે સાડા અઠ્ઠાણું કિલો વજન બે વચ્ચેનો પચાસ કિલોનો તફાવત સાંઈઠના દાયકામાં મારૂં કૂલ વજન હતું તેટલો છે. આજે વજન ઘટાડવાનું છે આથી ઊલટું તે વખતે માત્ર દોઢ કિલો વધારે વજનની જરૂરિયાત હતી. આજે મારી દીકરી સપના જેની લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ અંગેના જ્ઞાનની ખ્યાતિ આ દેશની સરહદો પાર કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી છે તેના માર્ગદર્શન હેઠળ મેં છેલ્લા દોઢ વરસમાં સોળ કિલો કરતાં વધારે વજન ઘટાડ્યું છે. હજુ પંચોત્તેર કિલો સુધી જવાનું છે. ઘણું બધું છોડવું પડ્યું છે. આમ છતાંય વજન ઘટાડવાની ગતિ રગશીયા ગાડા જેવી રહી છે. ઘણી વાર હસવું આવે છે. એ જમાનો હતો જ્યારે સરળતાથી આઠ-દસ વાટકી ફ્રૂટ સલાડ, બાર-પંદર ગુલાબજાંબુ કે દસ-બાર દૂધીના હલવાનાં ચોસલાં ઠપકારી જતો હતો ત્યારે વજન વધતું નહોતું. આજે ? આ બધી જ પ્રકારની મીઠાઈઓ, તળેલું વિગેરે ખાવા ઉપર લગભગ પ્રતિબંધ છે. (જો કે, તક મળે ત્યારે ક્યારેક હાથ સાફ કરી લઉં છું !) અને એટલે જ પેલી “ન માંગે દોડતું આવે, રહે જો દૂર માંગે તો” પંક્તિઓ વજન અને ખોરાકની બાબતમાં મેં સાચી પડતી જોઈ છે.

એ જમાનાનું વડોદરા બહુ મોટી ઔદ્યોગિક પ્રવૃત્તિઓવાળું શહેર નહોતું. એલેમ્બિક, સારાભાઈ કેમિકલ્સ, સયાજી આયર્ન, યમુના મિલ, દિનેશ મિલ કે હિંદુસ્તાન ટ્રેકટ્રસ જેવા ગણ્યાંગાંઠ્યાં મોટાં એકમો અને કેટલાંક નાનાં એકમો વડોદરા શહેરને ઔદ્યોગિક પ્રવૃત્તિ પૂરી પાડતાં હતાં. બાકી આ શિક્ષણનું શહેર હતું. યુનિવર્સિટી અને તેના વિદ્યાર્થી શહેરની વસતીનો એક મોટો ભાગ હતાં અને શહેરના સામાજિક જીવનને પણ ભાતીગળ રંગે રંગાયેલું રાખતા. એક જમાનામાં આ શહેરમાં ઘોડાથી ખેંચાતી ટ્રામ ચાલતી અને આ શહેરના એક ખૂબ મોભાદાર ધનકુબેર એ ટ્રામમાં નોકરી કરતા એવું કહેવાય છે. વડોદરા સાઈઠના જમાનામાં એક શાંત, શૈક્ષણિક અને પેન્શનરો માટેનું શહેર હતું. સ્ટેશનથી વાડી, સ્ટેશનથી પાણીગેટ અને સ્ટેશનથી ખંડેરાવ માર્કેટ આ ત્રણ જ મુખ્ય રસ્તાઓ હતા. તેમાંય સ્ટેશનથી માંડવી સુધીનો રસ્તો એ વડોદરાની ધોરી નસ હતો. પંડ્યા હૉટેલથી સ્ટેશન સુધીનું બસનું ભાડું એ જમાનામાં માત્ર દસ પૈસા થતું. મારો બીજો રૂટ એ પંડ્યા હૉટેલ સુધી ચાલતા જવાનું પછી સ્ટેશન સુધી બસમાં અને ત્યાંથી પદયાત્રા શરૂ થાય તે કમાટી ગાર્ડન થઈ કોઠી, રાવપુરા, અમદાવાદી પોળ, મહાત્મા ગાંધી નગરગૃહ, સૂરસાગર, ન્યાયમંદિર થઈ માંડવી સુધી ચાલતી. રસ્તામાં રાવપુરા પાસે એક નાની પણ સરસ ભજીયાઉસળ અને સેવઉસળની દુકાન હતી. ચાર આનામાં તીખું તમતમતું મહારાષ્ટ્રીયન સ્ટાઈલનું સેવઉસળ મળતું. રાવપુરાથી આગળ ટાવરથી અમદાવાદી પોળ એ વિસ્તાર બજારનો મુખ્ય વિસ્તાર હતો. છેક માંડવી સુધી આ વિસ્તાર વિસ્તરેલો હતો. ક્યારેક મૂડ આવે તો માંડવીથી જમણી બાજુ વળીને વાડીનો રસ્તો પકડવાનો નહીં તો સીધા પાણીગેટ. પાછાં આવતાં અમદાવાદી પોળ સુધી તો અચૂક ચાલવાનું જ. ત્યાં પંચમુખી મહાદેવની પોળમાં ભવાનીશંકરભાઈ દસ્તાવેજવાળા એટલે કે ભવાનીશંકરભાઈ ઉપાધ્યાય રહેતા. વડોદરા શહેરમાં દસ્તાવેજોનું કામ અને લગભગ સૉલિસિટર જેવું જ કામ કરનાર ભવાનીશંકરકાકાની પ્રેક્ટિસ ધીકતી ચાલતી. એમનો દીકરો હરીશ મારો મિત્ર. એટલે પાછાં આવતાં સાંજ પડે. પંચમુખી મહાદેવની પોળના નાકે અથવા અમદાવાદી પોળના બસ સ્ટેન્ડે અમે લોકો મળીએ. બીજા મિત્રો પણ જોડાય. એક હરનીશ અમીન હતો. એક ભાલજા અને બીજા કેટલાક આ મંડળીમાં જોડાતા. લગભગ બે કલાક અમે અહીંયા ગાળીએ અને આઠ-સાડા આઠે છૂટા પડીએ. હું બસ પકડું સ્ટેશનની અને બાકીના પોતપોતાના ઘેર જાય. વડોદરામાં મારૂં ગ્રુપ એટલે કે મંડળી હવે બનવા માંડી હતી. અમદાવાદી પોળના બસ સ્ટેન્ડે ઊભા રહેવું એ લગભગ મારો નિત્યક્રમ બનતો જતો હતો. એકલતા હવે સાલતી નહોતી. ક્યારેક જતાં આવતાં સયાજીગંજ ઉતરી જતો અને વ્યાસ ટ્રાન્સપોર્ટવાળાં મારાં સવિતાબેન તેમજ ખાસ તો એમના દીકરાઓ શૈલેષ અને વિરેન્દ્ર સાથે થોડાક ગામગપાટાં કે ઈધર-ઉધરની વાત કરી લેતો. ધીરે ધીરે આ ક્રમ એવો વિકસવા માંડ્યો કે ક્યારેક સાંજે હરીશના ત્યાં જમી લીધું હોય અથવા કોઈ દોસ્તાર નાસ્તો કરાવે કે પછી સયાજીગંજમાં સવિતાબહેનના ત્યાં જમી લીધું હોય તો હું રઝળતો રઝળતો અગિયાર – સાડા અગિયારે હૉસ્ટેલમાં પહોંચતો. જ્યારે મારા પાર્ટનર કાંઈક વાંચતા હોય અથવા તો ઊંઘી ગયા હોય.

આ રઝળપાટમાં આખું વડોદરા એક કરતાં વધુ વખત ખૂંદી વળ્યો હોઈશ. લગભગ છ-આઠ મહિનામાં તો અહીંના સ્થાનિક રહેવાસીઓ કરતાં પણ કેટલાંક વિસ્તારોનું મારૂં જ્ઞાન વધારે હોય તેવું બને તેટલી હદે વડોદરાનો પરિચય કેળવી લીધો. સાથોસાથ બીજી હૉસ્ટેલમાં રહેતા મિત્રોને મળવા જતાં મિત્રવર્તુળ પણ વિસ્તરવા માંડ્યું. વડોદરા યુનિવર્સિટીની એક સારી બાબત એ હતી કે, હૉસ્ટેલમાં જુદી જુદી વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો. આર્ટ્સ, કોમર્સ, અન્જિનિયરીંગ, આર્કિટેક્ચર, આર્કિયોલોજી, વિજ્ઞાન, મેડિકલ કોઈ પણ વિદ્યાશાખા માટે હૉસ્ટેલ વ્યવસ્થા એક જ હતી. આ કારણથી જુદી જુદી વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓથી પરિચિત થવાનો અનાયાસે ઉત્તમ મોકો મળ્યો. વ્યક્તિત્વ ઘડતર માટે આ એક ઉત્તમ તક હતી. રૂમ નંબર છત્રીસ અને સાડત્રીસ એમ થઈ અમે છ પાર્ટનર હતા. એમાં ત્રણ એન્જિનિયરીંગમાં, એક મેડિકલમાં, એક વિજ્ઞાનમાં અને એક કોમર્સમાં એ રીતે વહેંચણી હતી. મારી સામેના રૂમમાં જ એન.આઈ.ડી. ના સિનિયર પ્રોફેસર અને ખ્યાતનામ શિલ્પકાર જયંતિ નાયક રહેતા. અત્યારે ટેક્ષેશન અને સંલગ્ન કાયદાઓના એક વરિષ્ઠ નિષ્ણાત તરીકે જેનું નામ બોલાય છે તે ગૌતમભાઈ ચોક્સી એસ. જે. હૉલમાં મારા જ ક્લાસમેટ પઢીયારના રૂમ પાર્ટનર હતા. સામ પિત્રોડા ડી. એમ. હૉલમાં રહેતા અને વડોદરાના સિનિયર તબીબ ડૉ. આનંદરાવ મારી હૉસ્ટેલમાં રહેતા. આવાં તો કેટલાંય નામ ગણાવી શકાય જે જુદા જુદા ક્ષેત્રમાં આગળ જતાં અગ્રણી તરીકે ખ્યાતનામ બન્યા. એમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓ પણ આવે, ક્રિકેટરો પણ આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કાનૂનવિદ પણ આવે, ઈજનેરો પણ આવે. આ વ્યવસ્થાને કારણે આગળ જતાં જુદા જુદા ક્ષેત્રોમાં તમારી ઓળખાણો હોય એ લાભ અનાયાસે ઊભો થઈ જતો. વડોદરા યુનિવર્સિટીમાં ભણવાની આ પણ એક વિશિષ્ટતા હતી. પ્રોફેસર આઈ.જી.પટેલ હોય, ડૉ. બકુલ ધોળકીયા હોય, ડૉ. રવિન્દ્ર ધોળકીયા હોય કે પછી નૉબેલ પારિતોષક જેમને મળ્યું તે વેંકી (વેંકટરામન) હોય. આ યુનિવર્સિટીએ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રભાવી બની ઝળકી ઊઠેલા નિષ્ણાતો આપ્યા છે. સમાજસેવાના ક્ષેત્રે પણ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા અને અમરસિંહભાઈ ચૌધરી સિવિલ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ હતા તે વાત એમ. એસ. યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાર્થીને ગૌરવાન્વીત કરે તેવી છે.

આ વડોદરા ભ્રમણ યાત્રામાં મેં ધીરે ધીરે કળેવર બદલવા માંડ્યુ. પ્રમાણમાં નવું ગ્રહણ કરવાની મારી શક્તિ સારી રહી હશે એટલે ખૂબ ટૂંકા સમયમાં તો મારો હુલીયો બદલાવા માંડ્યો. મને ખબર પણ પડે તે પહેલાં મારૂં વર્તન અને વ્યવહાર બદલાઈ રહ્યાં હતાં. એક નવો શોખ મેં કેળવ્યો હતો તે અંગ્રેજી પિક્ચરો જોવાનો. લીઝ ટેલર અને રિચાર્ડ બર્ટનથી માંડી ચાર્લી ચેપ્લિન અને સીન કૉનોરી અથવા પીટર ઓટુલ જેવાં નામોથી હું પરિચિત થતો જતો હતો. આ શોખમાં પણ જેમ્સ બૉન્ડનાં પિક્ચરો અને ચાર્લી ચેપ્લિન તેમજ અન્ય કલાકારોનાં કૉમેડી પિક્ચરોથી આગળ વધીને હવે હું પેનીક ઈન બેંગકૉક, ગન્સ ઑફ નેવેરોન, વ્હેર ઈગલ્સ ડેર, વૉન રોયન્સ એક્સપ્રેસ જેવાં ચલચિત્રો પણ જોવા માંડ્યો હતો. હિંમત એકઠી કરીને સરળ અંગ્રેજી વાક્યો સારી રીતે બોલતો થયો હતો અને ક્યારેક ક્યારેક કમ સપ્ટેમ્બરની અતિ પ્રચલિત ધૂન અથવા હાઉસ ઑફ બામ્બૂ કે પછી શૂગર શૂગર, હની હની જેવાં ગીતો પણ ગણગણાવા માંડ્યો હતો. અંગ્રેજી ઉચ્ચારો ધ્યાનથી સાંભળતો અને બહુ સારી રીતે એની નકલ શીખી લેતો. ધીરે ધીરે વાતચીતની અંગ્રેજી ભાષા પર મેં એટલું પ્રભુત્વ મેળવ્યું કે, ઘણા બધા હું કોઈ અંગ્રેજી માધ્યમની મોટી સ્કૂલમાંથી આવું છું એવું માનતા થઈ ગયા. આનું મૂળ કારણ મને ગુજરાતી અને હિન્દી તરફ સાહિત્ય અને ભાષાના કારણે આકર્ષણ હતું તે જ આકર્ષણ અંગ્રેજી માટે પણ ક્યાંક ધરબાયેલું પડ્યું હશે. એને વાતાવરણ મળ્યું. બીજ ઊગી નીકળ્યાં.

દરમિયાનમાં દિવાળી વેકેશન આવી ગયું. આપણે પહેલી ટેસ્ટમાં અત્યંત બહાદૂરીપૂર્વક નાદારી નોંધાવી હતી એ આગળ કહી ગયો છું. પ્રોફેસર દવે સાહેબ અને આર. કે. પંડ્યા સાહેબની મહેરબાનીથી હવે ફરી નાપાસ નહીં થવાય એટલો આત્મવિશ્વાસ આવી ગયો હતો. જૂનથી ઑક્ટોબરની મધ્ય સુધીના લગભગ ચાર મહિના મારા વડોદરા નિવાસના આ પહેલા ચાર મહિના મારા વ્યક્તિત્વને આમૂલચૂલ બદલી નાંખવા માટે કારણભૂત હતા.

દિવાળી વેકેશનમાં ઘરે જવા માટે મેં વડોદરા સ્ટેશનેથી ગુજરાત ક્વીન પકડી. ઊંઝા અને મહેસાણા બાજુના બે-ચાર મિત્રો ભેગા થઈ અમે સાથે મુસાફરી કરી રહ્યા હતા. ગામગપાટાં ચાલતા હતા ત્યાં મારી બાજુમાં બેઠેલા એક ભાઈએ થોડીક સાહજીક ચર્ચા અને પૂછપરછ શરૂ કરી. એમણે અંગ્રેજીમાં પૂછ્યું અને આપણે ધમધમાટ ચર્ચાનો દોર આગળ ચલાવ્યો. અમદાવાદ ઉતર્યો ત્યારે છૂટા પડતાં એ ભાઈએ કહ્યું કે, મારી લઢણ અને ઉચ્ચારો સારાં હતાં. થોડુંક વધારે ધ્યાન અપાય તો એમનાં જ શબ્દોમાં કહું – “આઈ વીલ બી અ ગુડ કન્વર્શનીસ્ટ”. આ સજ્જને ઉતરતાં ઉતરતાં એમની ઓળખાણ આપી. મને અટક બરાબર યાદ નથી, બનતા લગી “તોપખાને” અથવા એવી જ કોઈ મહારાષ્ટ્રીયન અટક હતી, આ સાહેબ વિસનગર કૉલેજમાં અંગ્રેજી ભણાવતા હતા !!

અમદાવાદ સ્ટેશને ઉતર્યા

પહેલીવાર ઘરે જઈ રહ્યો હતો

બાપા લેવા માટે સામે આવ્યા હતા

સાંજે દિલ્હી એક્સપ્રેસમાં જવાનું હતું

વચ્ચે થોડોક સમય હતો

મિત્રો છૂટા પડ્યા

સાંજે દિલ્હી એક્સપ્રેસ પકડી ઘરે પહોંચ્યા

નાની-નાની વસ્તુઓ મેં ઘર માટે લીધી હતી

એમાં બે મુખ્ય ચીજો હતી –

એક, મગફળીનો ભૂકો કરવાનો પતરાંનો સંચો

કારણ કે મારી માના દાંત હવે જવા માંડ્યા હતા

વ્રત કે એકાદશી સમયે એને આ ઉપયોગી બને તેમ હતું

બીજું, એક ડબલ વૉલવાળું મિલ્ક કૂકર

એમાં બહારથી વૉલ ખોલી પાણી ભરાતું અને પછી દૂધ ગરમ મૂકો એટલે

દૂધ ગરમ થાય ત્યારે પેલું પાણી વરાળ થઈ સિસોટી વગાડે.

દૂધ ઊભરાય નહીં

આ બંને વસ્તુઓ મારી મા માટે હતી

બાપા માટે શું ખરીદવું એ મારી સમજ બહારનો વિષય હતો

એટલે...

એમના માટે મેં લીધા હતા ત્રણ સરસમજાના ખાદીના ગજવાના રૂમાલ

આ બધું પેલી ટ્રંકમાં મૂક્યું હતું

પણ એથીયે આગળ વધીને

એક બીજી મૂર્ખામી કરી હતી –

હૉસ્ટેલમાં બ્રેડ બટર વાળો આવ્યો ત્યારે

એની પાસે એ વખતે પૉલસન બટર મળતું હતું

તેનું એક પેકેટ અને બ્રેડ મંગાવ્યા હતા

મારા ખ્યાલમાં નહોતું કે, આ બટર ગરમીમાં પીગળી જાય

પરિણામે બ્રેડ તો સચવાઈ પણ

બેગ ખોલી ખૂબ ઉત્સાહથી બટરનું પેકેટ હાથમાં લીધું ત્યારે

એમાંનું અડધું અડધ પીગળીને વહી ગયું હતું.

મારાં કપડાની પણ હાલત થઈ ગઈ હતી

બાકી હતું પાંચસો ગ્રામ વિષ્ણુરામનો ચેવડો અને

પાંચસો ગ્રામ જગદીશની ભાખરવડી જે સહી સલામત હતાં

આમ, દિવાળી વેકેશન માણવા આપણે ઘરે પરત આવ્યા

એક આ પૉલસન બટરે જો લાજ જાળવી હોત તો ?

બાકી બધું સમુંસૂતર ઉતર્યું

ચાર મહિના પછી આ ઘર જેને એક વહેલી સવારે અલવિદા કહીને

દિલ્હી એક્સપ્રેસમાં વડોદરા જવા નીકળ્યો હતો

તે ઘેર સાંજની દિલ્હી એક્સપ્રેસમાં પાછો આવ્યો

હા !

આ વખતે પણ સામાન ઊંચકવા અને મને લેવા

સોમાજી સ્ટેશને આવ્યો હતો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles