ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી-૨૦ ક્રિકેટ મેચ ત્રીજી નવેમ્બરે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાઇ. બરાબર તે જ સમયે દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી છે. હજુ તો શિયાળાની શરૂઆત જ છે ત્યાં તો રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણ એટલું વકર્યું છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. પહેલી નવેમ્બરે ગ્રાઉન્ડ પર ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ અને ડેનિયલ વેટ્ટોરી જેવો કોચ માસ્ક પહેરીને ઉતર્યા હતા. જો કે બાંગ્લાદેશના કોચના મતે બાંગ્લાદેશમાં પણ પ્રદુષણની સમસ્યા છે તેના મતે વાયુ પ્રદૂષણથી કોઈ મરી જવાનું નથી. માત્ર સવારના શરૂઆતના ત્રણ કલાક આ સમસ્યા રહેશે જેની કોઈ ચિંતા કર્યા વગર ખેલાડીઓ આ મેચ રમશે.
દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણની આ પરિસ્થિતિ જેને કારણે દિલ્હીની હવા ઝેરી બની છે તે સામે જાહેર આરોગ્યની કટોકટી (ઈમરજન્સી) જાહેર કરતી એડવાઈઝરી ઇસ્યુ કરી છે. એન્વાયરમેન્ટલ પોલ્યુશન કંટ્રોલ એજન્સીએ દિલ્હી અને એનસીઆરમાં ૫મી સપ્ટેમ્બર સુધી બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે આ ઉપરાંત શિયાળામાં ફટાકડા ફોડવા પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૫મી નવેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવા માટેનો આદેશ જાહેર કર્યો છે. આની સાથોસાથ એન્વાયરમેન્ટલ પોલ્યુશન કંટ્રોલ એજન્સીએ સ્વીકાર્યું છે કે હવા પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે ઊંચું ગયું છે અને નાગરિકોને સલાહ આપી છે કે જ્યાં સુધી વાયુ પ્રદૂષણનું આ સ્તર ઘટીને સલામત સ્થિતિએ ના આવે ત્યાં સુધી શક્ય હોય તેટલું બહાર ખુલ્લામાં આવવાનું ટાળે તેમજ ખુલ્લામાં કસરતો કે આઉટડોર જેવી પ્રવૃત્તિઓ પણ શક્ય તેટલી ઓછામાં ઓછી કરે.
હવાના પ્રદૂષણની આ સ્થિતિની સૌથી વધારે અસર બાળકો, વૃદ્ધો તેમજ શ્વાસનળી અને ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ પર થાય અને એને કારણે તેમણે પોતાના આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી બને. દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઇ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે આને કારણે પેદા થતા ધુમાડાથી ખૂબ મોટા પાયે પર્યાવરણ પ્રદૂષિત થાય છે આ રોકવા માટે યુપી, હરિયાણા અને પંજાબ ની સરકારે પરાળ સળગાવવા ઉપર પ્રતિબંધ મૂકી કાયદાકીય પગલાં લેવાનું વલણ અખત્યાર કર્યું છે. આમ છતાંય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટાબેઝ મુજબ એકલા હરિયાણામાં ૨૭ ઓક્ટોબરે પરાળ સળગાવાની ઘટનાઓ ૪૭૬ થી વધીને ૩૭૩૫ અને 30 ઓક્ટોબરે ૪૨૨૧ નોંધાઈ હતી. સરકારે આ પ્રદૂષણને રોકવા ખેડૂતો સામે સબંધિત પોલીસે સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. સરકારના આવા પ્રયત્નો બાદ પણ આ પ્રવૃત્તિને અટકાવી શકાઇ નથી.
માણસને જીવતા રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય અને કેમિકલ અથવા ધૂમાડો કે રજકણો જેવી કોઈ અશુદ્ધિ જેમાં ન ભળી હોય તેવી શુદ્ધ હવા જોઈએ છે. શિયાળામાં જેમ-જેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ હવાની ઘનતા વધતી જાય એને કારણે ધૂમાડો, અન્ય ઝેરી ગેસ, ધૂળ, સિમેન્ટ કે બીજા રજકણો જેવી અશુદ્ધિઓ આકાશમાં ઉપર જવાને બદલે ધરતી નજીક રહીને પ્રદૂષિત હવાથી ધૂંધળું વાતાવરણ પેદા કરે છે. આમ થવાને કારણે આરોગ્ય માટે જરૂરી શુદ્ધ હવાને બદલે પ્રદૂષિત હવા આપણાં ફેફસામાં જાય છે.
૨૯ નવેમ્બર થી ૨જી ડીસેમ્બર ૨૦૧૮ દરમિયાન અમદાવાદ ખાતે ૨૦મી નેશનલ કોન્ફરન્સ ઓન પલ્મનરી ડીસીઝીઝ યોજાઇ હતી. દેશભરમાંથી ૪૦૦૦ કરતાં વધુ શ્વાસ અને ફેફસાંના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત કેટલાક વિદેશી ડેલિગેટ્સ પણ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા આ કોન્ફરન્સના ઉદઘાટન વખતે ચાવીરૂપ ઉદબોધન આપવા માટે હું હાજર હતો ત્યારે સનોફી દ્વારા તૈયાર કરાયેલ આશરે ૧૦ મિનિટની એક સરસ મજાની ફિલ્મ પણ ઉદ્ઘાટન સત્રના પ્રારંભે પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ખૂબ અસરકારક રીતે હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને તેની માણસના સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર થાય છે તે વિશે નિષ્ણાતોના અભિપ્રાય સહ આ વિગતો આપવામાં આવી હતી.
આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિષે વાત કરીએ તો શ્વાસ લેવો (Breathing) એટલે ઓક્સિજન પ્રચૂર હવા ફેફસાંમાં ભરવી અને ઉચ્છ્વાસ બહાર કાઢવો એટલે શ્વસનતંત્રની મદદથી અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ હવાને બહાર ફેંકવી.
આપણા ફેફસાં લોહી શુદ્ધ કરવાનું કારખાનું છે. અહીં હ્રદયમાંથી અશુદ્ધ લોહી આવે છે અને ફેફસાંની અનેક નલીકાઓ તેમજ કોષોમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંનો ઓક્સિજન આ અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા માટે શોષી લે છે અને અંગારવાયુ પાછો ફેંકે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. હવે જો હવામાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય તો ફેફસાંની આ કામગીરીમાં દખલ પહોંચે છે અને ધીરે-ધીરે ફેફસાં ઘવાતા જાય છે. એમની શક્તિ ઘટતી જાય છે અને ક્યારેક એમાંથી શ્વસનતંત્રના દમ, ન્યુમોનિયા, ખાંસી કે ફાઇબ્રોસિસ જેવા રોગો પેદા થાય છે.
સામાન્ય રીતે ફેફસાંનો રંગ સ્વસ્થ્ય શરીરમાં ગુલાબી હોય છે. આ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના એક તજજ્ઞે મારી સાથે વાત કરતા એવું અવલોકન કર્યું કે પહેલાં કોઈ પણ કારણસર પંદરથી સોળ વર્ષના તરુણનાં ફેફસાં ખોલીએ તો એ ગુલાબી દેખાતાં હતાં. આજે દિલ્હીના પ્રદૂષણને કારણે આ ઉંમરે પણ ફેફસાં કાળાં પડી ગયેલા દેખાય છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણની માત્રા એટલી વધારે છે કે એક દિવસમાં માણસ ૨૦ સિગરેટ પીવે તેટલું નુકસાન આ પ્રદુષણથી ફેફસાંને થાય છે.
આ પ્રદૂષણ ક્રોનિક રેસ્પિરેટરી પલ્મનરી ડીસીઝ જે ફેફસાના કોષોને તોડી નાખે છે. ફેફસામાં આવેલી નાની હવા નલિકાઓ તેને નુકસાન થવાને કારણે એમ્ફિસમા અને બ્રોન્કાઇટીસ જેવા રોગો થાય છે જે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (સીઓપીડી) કેટેગરી હેઠળ આવતા મુખ્ય રોગો છે. દમ એક અત્યંત પીડાકારક અને લાંબા ગાળા સુધી માણસને હેરાન કરતો રોગ છે જે હવામાં તરતા એલર્જન્સ, હવાનું પ્રદૂષણ, ખોરાકને લગતી કેટલીક બાબતો, ધૂમ્રપાન અને અન્ય કારણોસર થાય છે. આ ઉપરાંત જેને કારણે ક્રોનીક રેસ્પીરેટરી ડિસિઝ એટલે કે વારંવાર થતા શ્વસન તંત્રના રોગો થાય છે તે ન્યુમોનિયા, ટ્યૂબરક્લોસીસ અને ફેફસાંના કેન્સર જેવા રોગોનું એક મહત્વનું કારણ પ્રદૂષણ છે.
વિશ્વમાં લગભગ ૨૪ કરોડ લોકો દમથી પીડાય છે તે સામે ભારતમાં ૧.૫ થી ૨ કરોડ લોકો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનીએ તો ત્રણ કરોડ લોકો દમના દર્દીઓ છે. વિશ્વમાં ૨૦ કરોડ લોકો ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (સીઓપીડી) થી પીડાતા હોવાનો અંદાજ છે જે સામે ભારતનો આંકડો ૩ કરોડ છે. વર્ષે લગભગ ૧૦ લાખથી એક કરોડ લોકો વિશ્વમાં ટીબીનો શિકાર બને છે જે સામે ભારતની સંખ્યા ૨૮ થી ૩૦ લાખ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો દુનિયામાં લગભગ એક અબજ લોકો ક્રોનીક રેસ્પિરેટરી ડીસીઝથી પીડાય છે. જે સામે ભારતનો આંકડો લગભગ ૫.૫ થી ૬ કરોડ છે. વિશ્વમાં કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ બે કરોડ જેટલી છે. જે સામે માત્ર ૨૦૧૬ના વરસમાં જ ભારતમાં ૧૦ લાખ કરતાં વધુ ફેફસાના કેન્સરના કેસ જોવા મળ્યા હતા.
પ્રદૂષણ કેટલું ભયંકર છે એનો ખ્યાલ ઉપરોક્ત બાબત પરથી આવી શકે છે. આ લેખમાં બીજી બે બાબતોની વાત કરવી છે. પહેલી છે હાઉસ એર પોલ્યુશન એટલે કે ઘરમાં થતું હવાનું પ્રદૂષણ. ભારતમાં આ કારણને લઈને પણ રોગોનું પ્રમાણ મોટું રહ્યું હોવાનું ૧૯૯૦ થી ૨૦૧૬ વચ્ચેના તારણો જણાવે છે. બહારના પ્રદૂષણને કારણે રોગ બોજ (ડિસિઝ બર્ડન) ૬ ટકા છે એ સામે જેની આપણે ભાગ્યેજ ચર્ચા કરીએ છીએ તે હાઉસહોલ્ડ પોલ્યુશન એટલે કે ઘરની અંદર થતાં પ્રદૂષણને કારણે ૨૦૧૬ના વરસમાં રોગ બોજ (ડિસિઝ બર્ડન) ૫ ટકા જેટલું રહ્યું હોવાનું અનુમાન છે.
ઘરમાં થતાં પ્રદૂષણનું મુખ્ય કારણ ચૂલો અથવા કોલસાની સગડીઓ સળગાવવાને કારણે પેદા થતો અને પછી શ્વાસમાં જતો ધુમાડો છે. આ ધૂમાડો ઉપરાંત ઘરમાં ધૂળ અથવા અન્ય રજકણો પણ હવામાં ભરેલા હોય તો એને કારણે કાર્ડિયો વૅસ્ક્યુલર ડિસિઝ, શ્વસન તંત્રના ક્રોનિક રોગો અને શ્વાસનળીથી નીચેના ભાગ એટલે કે ફેફસાંમાં થતું ઇન્ફેક્ષન વગેરે રોગો થાય છે. આમ ઘરની અંદર પણ જો ધુમાડો કે અન્ય કારણસર થતું પ્રદૂષણ ઘૂંઘવાયા કરતું હોય તો તે બહારના પ્રદૂષણ જેટલું જ ઘાતક છે.
બીજો મુદ્દો છે ફાઇન પાર્ટિકલ એર પોલ્યુશન એટલે કે અત્યંત સૂક્ષ્મ કણોને કારણે થતું હવાનું પ્રદૂષણ. આજના (૦૪-૧૧-૨૦૧૯) અખબારમાં અમદાવાદ સ્થિત એશિયાની મોટામાં મોટી સરકારી હોસ્પિટલે કૂવો ખોદનાર એક મજૂરના ફેફસામાં મોટા પ્રમાણમાં માટીના રજકણો જવાને કારણે એના ફેફસાની ક્ષમતા ૩૦ ટકા થઇ હતી, તે પેશન્ટને એક નવી જ સારવાર પદ્ધતિથી ૨૪ લીટર પાણીથી બંને ફેફસાં ધોઈ દર્દીને સંપૂર્ણ રોગમુક્ત કર્યો હોવાનો અહેવાલ આવ્યો છે. આમ માટીના સુક્ષ્મકણોએ ફેફસાં જામ કરી દીધા હોવાનું અને સરકારી હોસ્પિટલ દ્વારા આ પ્રકારના નવતર પ્રયોગથી ફેફસા ધોઈ અને સ્વચ્છ કરવાનો પ્રયોગ આવકારદાયક છે. અને તે સાથે સંકળાયેલા તબીબોની ટીમને આપણે અભિનંદન આપીએ છીએ. ખાણ, ખોદકામથી માંડી બાંધકામ ક્ષેત્ર અને અકીકના પોલીસિંગ જેવા ક્ષેત્રોમાં આવા સૂક્ષ્મ રજકણો શ્વાસમાં જાય તો ફાયબ્રોસિસ નામનો ભયંકર રોગ થાય છે. આપણા ભારતમાં મોટા મોટા મહેલોમાં રહેતા માલેતુજારોને જોઈએ તો તેમનો આ મહાલય બાંધનાર મજૂરો તેમજ એ માટેના મટીરીયલ પ્રોસેસ કરનાર કામદારોનાં ફેફસાં કેટલા ખવાયાં હશે એની ક્યારેક ચિંતા થતી હશે ખરી?
આ સૂક્ષ્મકણો જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે તેમાં એમ્બીયન્ટ પાર્ટીક્યુલેટ મેટર એટલે કે ૨.૫ માઈક્રોન અથવા એથી ઓછી સાઇઝ ધરાવતા એરો ડાયનેમિક્સ મટિરિયલ એ પ્રદૂષણનો મોટો ખતરો પેદા કરતું મટિરિયલ છે. આ મટિરિયલ શ્વાસમાં લેવાને કારણે દારૂ પીવો, બેઠાડું જિંદગી જીવવી, અથવા વધારે પણ પડતું મીઠું ખાવું (High Sodium Intake) ને કારણે થતા મોત કરતાં વધારે મોત આ આપણી નજરે પણ ભાગ્યે ચઢે એવા ૨.૫ માઈક્રોનથી નાના પાર્ટીકલ્સને કારણે થાય છે. આ કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હવામાં ૨.૫ માઈક્રોન એટલે કે PM ૨.૫ની માત્રા કેટલી હોવી જોઈએ એ અંગેની ગાઇડ લાઇન્સ ઇશ્યૂ કરી છે. આ ગાઈડ લાઈન્સ મુજબ PM ૨.૫ નું લેવલ સરેરાશ ૩૫ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે હોવું જોઈએ નહીં.
સમગ્ર વિશ્વમાં PM ૨.૫ ને શ્વાસ લેવાને કારણે ૪૦ લાખ કરતાં વધુ મોત તેને કારણે થતા હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર, ક્રોનિક લંગ ડીસીઝ અને રેસ્પીરેટરી ઈન્ફેક્શન અને શ્વસન તંત્રના ચેપને કારણે ૨૦૧૬ના વર્ષમાં થયા હતા.
બહારની હવામાં પ્રદૂષણની માત્રામાં ઓઝોન કેટલો છે એ પણ પ્રદૂષણની માત્રા નક્કી કરે છે. દુનિયાભરમાં આજે બહારની હવામાં ઓઝોનની માત્રા વધી રહી છે જેના કારણે ક્રોનીક લંગ ડીસીઝ એટલે કે ફેફસાંના રોગો થાય છે.
આપણે PM ૨.૫ની વાત કરી. હવામાં આ કેટલું હોય તો એને સલામત ગણવું તે બાબત નીચેના કોઠા પરથી જાણી શકાશે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ (હવાની ગુણવત્તાનો ઇન્ડેક્સ)
અનુક્રમ નંબર |
રેન્જ |
કક્ષા |
૧ |
૧-૫૦ |
Good (સારી) |
૨ |
૫૧-૧૦૦ |
Satisfactory (સંતોષકારક) |
૩ |
૧૦૧-૨૦૦ |
Moderate (મધ્યમ) |
૪ |
૨૦૧-૩૦૦ |
Poor (ખરાબ) |
૫ |
૩૦૧-૪૦૦ |
Very Poor (અત્યંત ખરાબ) |
૬ |
૪૦૧-૫૦૦ |
Severe (તીવ્ર ખરાબી) |
એન્વાયરમેન્ટલ પ્રેફરન્સ ઇન્ડેક્સ ૨૦૧૮ મુજબ ભારત ૧૮૦ દેશોમાં ૧૭૭મા નંબરે હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ ૨૦૧૮ PM ૨.૫ થી પ્રભાવિત સૌથી વધુ પ્રદુષિત દેશોમાં બાંગલાદેશ (૯૭.૧૦) પ્રથમ ક્રમે, પાકિસ્તાન (૭૪.૨૭) અને ભારત (૭૨.૫૪) સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. ભારતના પ્રદુષિત શહેરોમાં ગુરગાવ, ગાજિયાબાદ, ફરીદાબાદ, ભિવંડી, નોઇડા, પટણા, લખનૌ અને દિલ્હી શહેરોનો સમાવેશ થાય છે.
એર વિઝ્યુઅલ વેબસાઈટ જોઈએ તો દિલ્હી વિશ્વનું સૌથી વધુ પ્રદુષિત શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે અને દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ ઢાકા કરતાં પણ સાત ગણો વધારે છે. જે શહેર વૈશ્વિક સરખામણીમાં બીજા નંબરે આવે છે તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મેનેજરે જ્યારે પોતે દિલ્હીના પ્રદુષણની ચિંતા નથી કરતો ત્યારે કદાચ એના મનમાં ઢાકા હશે પણ દિલ્હી તો ઢાકાનોય બાપ છે. જો કે ત્રીજી નવેમ્બરના રોજ દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા ખાતે તમારી ટી-૨૦ મેચમાં બાંગ્લાદેશે ભારતને ૭ વિકેટે પછાડ્યુ એટલે બાંગ્લાદેશની ટીમ થોડું નુકસાન વેઠીને પણ મોટી સિદ્ધિ મેળવી ગઇ એમ વિચારતી હશે.
૨૦૧૬થી શરૂ કરીને દિલ્હીમાં નોંધાયેલ મહત્તમ એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો નવેમ્બર ૬, ૨૦૧૬ (૪૯૭), નવેમ્બર ૯ ૨૦૧૭ (૪૮૬), ડિસેમ્બર ૨૩ ૨૦૧૮ (૪૫૦) અને નવેમ્બર ૩ ૨૦૧૯ (૪૯૪) રહી છે. આજે એટલે કે તારીખ ૪ નવેમ્બરના રોજ સવારે ૧૧.૫૫ મિનિટે લાલ કિલ્લા પાસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯, ઇન્ડિયા ગેટ ખાતે ૧૨.૪૦ મીનીટે ૪૯૬ અને દિલ્હી મેરઠ એક્સપ્રેસ-વે ૧૨.૩૦ મિનિટે ૪૯૩ અને અક્ષરધામ ખાતે ૧.૧૦ મિનિટે ૪૯૩ નોંધાવા પામી છે. આમ હજુ તો શિયાળાની શરૂઆત છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષમાં ખરાબમાં ખરાબ પ્રદૂષણ સ્તર દિલ્હીએ વટાવી દીધું છે. નવેમ્બર ૬, ૨૦૧૬ના આંકડા ૪૯૭ને આજે લાલ કિલ્લા ખાતે નોંધાયેલ ૪૯૯ એ પછડાટ આપી છે. શિયાળાની શરૂઆત છે, “The Worse is Yet to Come” એવું માનીએ તો દિલ્હીવાસીઓ માટે આવનાર સમય કોઈ સારાં એંધાણ આપતા નથી.
હવે અતિ સુક્ષ્મકણો PM ૨.૫ ની વાત કરીએ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ PM 2.5ની 60ની મર્યાદા સામે સોમવારે તારીખ (૪ -૧૧-૨૦૧૯) સવારે લગભગ ૧૧ થી ૧૧.૩૦ વાગ્યે આ સ્તર લગભગ ૧૦૦૦ના આંકડાને સ્પર્શી ગયું એટલે કે ઉચ્ચતમ PM ૨.૫ નું લેવલ સલામત કરતાં ૧૭ ઘણું વધારે હતું. આ હકીકતો જોયા બાદ દિલ્હીના પેલા તબીબ મિત્રે NAPCON ૨૦૧૮ના ૨૯ નવેમ્બરની એ સાંજે વાતચીત દરમિયાન મને કહ્યું હતું કે ૧૪-૧૫ વર્ષના તરુણનાં ફેફસાં પણ કાળા પડી જાય છે એટલી દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી છે કે એનસીઆરમાં એક દિવસ તમે શ્વાસોશ્વાસ લો તો ૨૦ સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ ફેફસામાં ભરશો એ વાત સ્પષ્ટ બને છે. દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોચતાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. દિલ્હીનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. કેન્દ્ર સરકારની એજન્સી System of Air Quality Forecasting And Research (SAFAR)ના જણાવ્યા મુજબ શુક્રવારે (૧-૧૧-૨૦૧૯) દિલ્હીના પ્રદૂષણમા ૪૬ ટકા પરાળના ધુમાડાનો હતો. EPC એ પંજાબ અને હરિયાણા પત્ર લખી પરાળ બાળવાની પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યુ છે. આપણે ત્યાં લોકશાહી સરકારો આ બાબતે કેટલા મક્કમતાથી પગલાં લે છે તે સુવિદિત છે.
આમ રાજ્ય સરકારો આમાં કેટલું કરી શકે એ જોવાનું રહે છે. પ્રશ્ન એ થાય કે શું દિલ્હી સાવ આટલું ખરાબ હતું કે સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેજા હેઠળ કામ કરતી એજન્સી SAFAR જે એર ક્વોલિટી ઇન્ડેક્સ ધ્યાન રાખે છે તેના આંકડા હું જોતો હતો. હજુ એક મહિના પહેલા જ સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૯ના દિવસે AQI ૬૩ હતી જે સપ્ટેમ્બર ૨૮, ૬૭, સપ્ટેમ્બર ૨૯એ ૬૦ અને સપ્ટેમ્બર ૩૦એ ૬૮, ઓક્ટોબર ૨ ના રોજ ૯૬ ઓક્ટોબર ૩ ના રોજ આ દિવસે આ સૌથી નીચેનું સ્તર જે સંતોષકારક કહેવાય ૧૪૧ પહોંચી અને ત્યાર બાદ સતત બગડતી રહી.
કોણ જવાબદાર છે એના માટે?
હજુ તો શિયાળો વધશે તેમાં રાત્રે અને વહેલી સવારે દિલ્હીની હાડ ધ્રુજાવી દે તેવી ઠંડીમાં જીવી જવા માટે લોકો ટાયર અને પ્લાસ્ટિકનો કચરો બાળશે. ક્યાંક લાકડાનો ધૂણો પણ થશે તો ક્યાંક રેલવેના કોલસાનો. આ બધો ધુમાડો દિલ્હીના વાતાવરણને ઓર બગાડવાનું કામ કરશે. દિલ્હી સરકાર ચોથી નવેમ્બર પછી વાહનો વાપરવા ઉપર ઓડ-ઈવન (એકીબેકી) નંબરોની પ્રથા જાહેર કરશે જે પ્રશ્નને વણસાવવાનું કામ કરશે. લૂટિયન્સ કે આનંદવિહારમાં આની અસર નહિવત થવાની છે. ૪થી નવેમ્બરે ૧૨ વાગે આનંદવિહારમાં એરક્વોલિટી ઇન્ડેક્સ ૧૧૫ હતી જે લગભગ લગભગ સંતોષકારક અને સામાન્ય કહી કહી શકાય. આ મુદ્દે બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. પંજાબ અને હરિયાણામાં કૂલ મળીને ૨૭ લાખ ખેડૂતો છે પણ પરાળ બાળવું ન પડે અને એનું કન્વર્સન ઉપયોગી ઉત્પાદન બનાવવામાં થઈ શકે એ માટે છેલ્લા એક વર્ષમાં ૬૩૦૦૦ ખેડૂતોને જ મશીન અપાયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કટાક્ષ કરતાં કહે છે આ રીતે પ્રશ્નોનો ઉકેલ આવતા ૩૦ વર્ષ લાગશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર જોકે આ વાતને રદિયો આપતા જણાવે છે કે તેમના મંત્રાલયે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો સાથે શ્રેણીબદ્ધ બેઠકો પરાળ બાળવાથી થતા પ્રદૂષણ અંગે યોજી છે. દિલ્હીના રસ્તાઓ ઉપર રોજ ૩૦ લાખ કાર ફરે છે. ઓડઈવન લાગુ થવાને કારણે તેની અડધોઅડધ થઈ જશે. આ સંખ્યા ૧૫ લાખની થઇ જશે જે દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બનવું જોઈએ. જાવડેકરના પ્રયત્નો અને કેજરીવાલની યોજના બંને સફળ થાય તો પણ દિલ્હીનું પ્રદૂષણ કાબૂમાં આવતા સમય લાગશે. સવાલ પ્રદૂષણને કારણે ઊભી થયેલી સમસ્યા અને નિવારણની છે. દિલ્હી NCRના નાગરિકો પ્રદૂષણને કારણે SMOGનું જે ખતરનાક કવર તેમની આસપાસ વીંટળાઈ રહ્યું છે તેનાથી ત્રસ્ત બનીને જોખમી રીતે જીવી રહ્યા છે. બાળકોની સ્કૂલો ૫ તારીખ સુધી બંધ રહેવાની છે. દર્દીઓ અને વૃદ્ધોની સ્થિતિ તો એથી પણ વધારે ખરાબ છે ત્યારે દિલ્હીમાં કેજરીવાલને નિશાન બનાવીને ‘આપ સરકાર કી કામયાબી - પહેલે અકેલે ખાંસતા તા અબ પૂરી દિલ્હી ખાસ રહી હે’ જેવા પોસ્ટરો મુકાયા છે. કેજરીવાલ આની સામે માસ્ક લઈને મેદાને પડયા છે અને બાળકોને હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીને પત્ર લખવા કહે છે. ક્યાંક કેન્દ્ર સરકાર સામે આંગળી ચીંધે છે. આવા કટોકટીના સમયે પણ રાજકીય પક્ષો એકબીજાના તરફ આંગળી ચીંધીને છીછરાપણાની નિર્લજ્જ ચેષ્ટાઓ કરી રહ્યા છે. એન્ટિપોલ્યુશન ધરણાં પર બેસવાથી દિલ્હીની સમસ્યા સુધરી જવાની નથી, નથી એ કેપ્ટન અરવિંદરસિંહ કે ખટ્ટરને પત્રો લખવાથી સુધરી જવાની. સરકાર અને પ્રજા બંનેના પક્ષે સહકાર સાધી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. આ સમસ્યા નથી એકલી સરકારથી ઊકલવાની પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર. કે નથી એકલી પ્રજાથી ઉકેલાવાની. કમસેકમ કુમળાં બાળકો, વૃદ્ધો, રોગીઓ જેમને આ સ્થિતી ઘાતક અસર કરી શકે છે તેમને માટે આ સમસ્યા પૂરતી રાજનીતિની રાક્ષસી રમતો પડતી મૂકવાનો. માણસમાં માણસાઈ નથી મારી પરવારી. એ સ્વયંભૂ પોતાની ઉપર નિયંત્રણ મૂકીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો અને કિસાન આગેવાનો પુરવાર કરે અને ચૂંટણીના મત ખાતર થઈને અમે માણસોના મોતનો સોદો નહીં કરીએ એ રાજકીય પક્ષો અને તેના ધુરંધર આગેવાનો પુરવાર કરે. નિર્દોષોના મોત પર મત ભારે પડે એ વાત આવી રાક્ષસી વૃત્તિ ધરાવતા રાજકીય પક્ષો સમજે એ આજનો તકાજો છે. દિલ્હીનું પ્રદૂષણ માનવસર્જિત છે તેનો ઉકેલ પણ માનવસર્જિત જ હશે. આવડા મોટા પ્રશ્નો સામે જનજાગૃતિ એક આંદોલનનું સ્વરૂપ ન લે ત્યાં સુધી માત્ર કાયદો અને સરકારો કોઇ પરિણામ હાંસલ નહીં કરી શકે. જો બધા એક થશે તો જ પ્રદૂષણ હારશે. અને જો પોલિટિક્સનું પાણીપત ચાલુ રહેશે તો પ્રદૂષણનો દાનવ અટ્ટહાસ્ય કરતો એનું નગ્ન નૃત્ય ચાલુ રાખશે.