Thursday, February 23, 2017
કોઈપણ બાળકની ઉંમરમાં એ સમજણું થાય ત્યારથી પચ્ચીસ વરસ સુધી એના સર્વસમાવિષ્ટ વિકાસની ઉંમર હોય છે. આ દરમ્યાન સાહજીક કુતૂહલથી એ ઘણું શીખે છે. આ ઘડતરમાં ઘણાં બધાં પરિબળો ભાગ ભજવે છે. કહેવત છે – “સોળે સાન, વીસે વાન અને પચ્ચીસે પુરાં” આમ, પચ્ચીસ વરસ સુધીનો આ ગાળો માત્ર શારીરિક વિકાસ જ નહીં પણ બૌદ્ધિક વિકાસનો પણ ઉત્તમ સમય છે.
રાજપુરમાં લગભગ ચૈત્ર-વૈશાખ મહિનામાં રામલીલા આવતી. અભિનય અને વાર્તાના માધ્યમ થકી નાયક ભાઈઓ કોઈને કોઈ ઐતિહાસિક, સામાજીક કે રાજકીય ઘટના ઉપર આધારીત પ્રસંગને પોતાના અભિનયથી રજૂ કરતા. સામાન્ય રીતે એમનો પડાવ પંદરેક દિવસનો રહેતો. રાત્રે સાડા આઠ-નવ વાગ્યે બધા જમીપરવારી લે એટલે પેટ્રોમેક્સના અજવાળે કામચલાઉ પડદા બાંધી આ લોકો ખેલની શરુઆત કરતા. પહેલી એન્ટ્રી અચૂક રીતે વિદૂષક અથવા રંગલાની થતી. વિદૂષક પોતાના લગભગ બેસૂરો કહી શકાય તેવા અવાજે “વ્હાલી વીજળીને કેમ લાગી વાર” ગાતો ગાતો પ્રવેશતો. એના ચેનચાળા જોઈ બાળકો તાળીઓના ગડગડાટ અને કીકીયારીથી એને વધાવી લેતાં. એની પાછળ પાછળ “વ્હાલા સજવા રહી તી શણગાર....” એમ સ્ત્રીવેશે પાઉડરના લપેડા અને લીપસ્ટીક લગાડી તૈયાર થયેલ વીજળી અથવા રંગલી આવતી. પુરુષ જ આ પાત્ર ભજવતો એટલે વીજળી અથવા રંગલીના ડાયલોગ અને નખરાં સિવાય એમાં સ્ત્રીનાં બીજાં કોઈ લક્ષણો જોવા મળતાં નહીં. આ રંગલો અને રંગલી અથવા વિદૂષક અને વીજળીનું કામ તે દિવસે શેનો ખેલ રજૂ થવાનો છે એની પૂર્વભૂમિકા બાંધી માહિતી આપવાનું રહેતું. ક્યારેક થોડોક સમય રમકડાંની તલવારો લઈ પટાબાજી ખેલતો રંગલો કે વિદૂષક કોઈ ઐતિહાસિક પ્રસંગની યશોગાથા રજૂ થવાની હોય ત્યારે જાણે પડકાર ફેંકતો હોય તેમ –
તલવાર મારી ચકચકે
લોહી તારું ચાખવા
આવીજા મેદાનમાં
તારા બાપનું નામ રાખવા
લલકારતો ત્યારબાદ નાટ્યપ્રયોગ શરુ થતો. બરાબર જમાવટ થાય એટલામાં વચ્ચે મધ્યાંતરનો પડદો પાડી દેવાતો.
એની સાથોસાથ સીધું, દૂધ, ચા વિગેરે માટેની બોલીઓ શરુ થતી. આ પ્રયાસ બીજા દિવસ માટેનું સીધું (ઘી, ગોળ, આટો, તેલ, મસાલો, ખાંડ વગેરે) મેળવી લેવાનો હતો. જેમ જેમ કોઈ દાતા કશું જાહેર કરે તેમ તેમ જે ચોકમાં આ નાટ્યપ્રયોગ (રામલીલા) થતો ત્યાં આવેલ સિકોતર માતાના નામની જય બોલાતી. આ આયામ લગભગ પંદરેક મિનિટ ચાલતો.
ત્યારબાદ એક ખૂબ રસપ્રદ રજૂઆત આવતી. ભુંગળ, હાર્મોનિયમ, ઢોલક વિગેરેના સથવારે ગામડામાં પ્રચલિત ગીતથી શરુઆત થતી. આ ગીત અટકાવી પોતાની પસંદગીનું ગીત ગવરાવવું હોય તો ઓછામાં ઓછી પાવલી (પચ્ચીસ પૈસા)થી ચાલતું ગીત કટ કરી પોતાની પસંદનું ગીત ગવરાવી શકાતું. આ ગીતને કટ કરવું હોય તો એટલે કે અધવચ્ચે રોકીને પોતાની ફરમાઈશ ગવરાવવી હોય તો ડબલ પૈસાથી કટ કરી શકાતું. ઘણીવાર ચડસાચડસીમાં બે જૂથો સામસામે આવી જાય ત્યારે આ બોલી ખૂબ ઉંચી રકમ સુધી જતી. ક્યારેક આમાંથી ઝગડો પણ થતો અને એકાદ ગામડામાં તો ફાયરીંગ પણ થયું હતું.
સામાન્ય રીતે –
મણિયારો
રામાપીરનો હેલો
હોલડું
કોઈ એક વ્યક્તિનું નામ વચ્ચે મુકી ગવાતું મશ્કરી ગીત –
ચેહરાભઈને બાર બાયડીઓ
હમચુડુલ્યો બચુડુલ્યો
એક બાયડી તો બોડી હતી
બોડી કે મારે કાંસકો જોઈએ
શહેરમાં જવાતું નથી
કાંસકો લવાતો નથી
બોડી બઈ મનાતાં નથી
હમચુડુલ્યો બચુડુલ્યો
આવું બાર જોડકણાં સાથે આ ગીત ગવાતું અને ભરસભામાં કોઈની મશ્કરી કરવા / ફિલમ ઉતારવા આની ફરમાઈશ થતી. બધા આને હળવાશથી જ લેતા.
આ આખાય નાટકમાં સ્ત્રીનાં પાત્રો પણ પુરુષો જ ભજવતા એટલે રાત્રે “મોટા ઘરની વહુ” નાટકમાં રમા શેઠાણી બન્યો હોય એ સવારમાં અડધો મેકઅપ ચીતરાયેલો હોય અને ઓટલે દાંતણ કરવા બેસે તે દ્રશ્ય વરવું કહેવાય કે મનોરંજક કહેવાય એ સમજ પડે એટલી તે વખતે અમારી ઉંમર નહોતી.
દશેરા વખતે જો આ તરગાળા ભાઈઓ આવ્યા હોય તો છેલ્લે દિવસે રામ-રાવણના યુદ્ધની તલવારબાજી થતી. આ તલવારબાજીના પટા ખેલવાનું ખરેખર ઉચ્ચ કૌશલ્ય આ કલાકારો પાસે હતું. આમાં વચ્ચે એક પાત્ર ‘રાવણની માસી’ પણ બનતું. આ પાત્રનો ઉદભવ કઈ રીતે થયો હશે તે હજુ સુધી સમજી શકાયું નથી. આ તલવારબાજી ખેલનારને પાણી ચડે તે માટે ઢોલી ધૂરબાંગ ધૂરબાંગ ધૂરબાંગ એમ ઢોલ વગાડતો. આને બુંગીયો કહેવાય કે નહીં એ મારી સમજનો વિષય નથી પણ ભલભલાને શૂરાતન ચડાવી દે એવું વાતાવરણ જરુર ઉભું થતું. આ ખેલ અમુક હદથી લાંબો નહોતો ચાલવા દેવાતો. કહેવાતું કે આ બન્ને પાત્રોને શૂર ચડ્યું છે. ગામના ચાર-છ બળુકા યુવાનો એમની વચ્ચે પડી પકડી લે અને તલવાર છોડાવી દે તો પણ પેલો ધ્રુજતો હોય અને હાકોટા કરતો હોય એ દ્રશ્ય ખરેખર બીક લાગે તેવું હતું.
આ રામલીલાની વાત થઈ. ધુળેટીને દિવસે આવી જ પટાબાજી રાજપુરના ઠાકોરવાસમાં ખેલાતી. આમાં એક હાથમાં તલવાર, બીજા હાથમાં ઢાલ (ઢાલ ન હોય તો તલવારનું મ્યાન અને એ પણ ન રાખવું હોય તો જોડો) રાખી આ તલવારબાજીના વિવિધ પ્રયોગો થતા. અહીંયા એક મંગાજી ઠાકોર જે અમારા પાડોશી મોડાજી ઠાકોરની દિકરી હિરાબેન સાથે પરણ્યા હતા તેમના કૌશલ્યનો દબદબો રહેતો. ધૂળેટીના નમતા બપોરે ઠાકોરવાસમાં ઢોલ વાગે એટલે અમે દોડી જતા.
આ રામલીલા જોવા માટે જગ્યા રોકવામાં મારા મિત્રો વચ્ચે હરીફાઈ થતી પણ છેવટે સહુથી આગળ એક નાની ઢોલકી ઉપર ગોદડી પાથરીને કાન્તિ ભાયચંદ મારા માટે જગ્યા રિઝર્વ કરી નાંખતો. અત્યારે હજાર - બે હજારની ટીકીટો ખરચીને પણ જે મજા નાટકમાં નથી આવતી તેવી મજા અમારી આ ફ્રી પાસ સીસ્ટિમવાળી રામલીલા જોવામાં આવતી. એમાં પણ મારા ઘરની બરાબર સામે અંબાજી માતાના મંદિરે જ્યારે આંગી દેવા માટે આ લોકો આવે અને ભૂગળ વાગે ત્યારે મા ના પ્રાંગણમાં પગે ઘૂઘરા બાંધીને મા ને આંગી ભરતો કલાકાર સમગ્ર વાતાવરણને પવિત્રતાથી ભરી દેતો.
રાજપુરમાં બીજી મજા લગ્નસરામાં આવતી. એ વખતે બાળલગ્નો પર પ્રતિબંધ નહોતો. દર ઉનાળામાં મારા બે-ચાર સહાધ્યાયીઓ પરણી જતા. વરરાજા પરણવા માટે જાય તે પહેલાં રાજપુર ગામમાંથી સરસમજાનાં શણગારેલાં એક કે બે ગાડામાં મૂરતિયો અને એની સાથે મૂરતિયાની બહેનો વિગેરે રાજપુરના મહાદેવથી શરુ કરી, ખડાલીયા હનુમાન, મૃત્યુંજય મહાદેવ, અંબાજી મંદિર, ગોગા બાપજી અને સિકોતર માતાના દર્શને નીકળતા. આ દરેક જગ્યાએ વરરાજા દર્શન કરે અને અણવર મંદિરમાં ટકો (જૂના ત્રણ પૈસા) મુકે એવો રિવાજ હતો. આ જોવાની ખૂબ મજા આવતી. મારા ઘણા સહાધ્યાયીઓ ચોથા કે પાંચમા ધોરણમાં હતા ત્યારે પરણી ગયેલા !
જે રીતે આ વેલડુ નીકળતું તે જ રીતે ગામમાં જાન આવે ત્યારે પણ બહેનો દેકારો બોલાવી દેતી. એમનાં કેટલાંક સ્ટાન્ડર્ડ ગીતો હતા. જેમાંનાં એક-બે મને હજુય યાદ છે.
પહેલું....
ચ્યોંથી આયા રે, ચ્યોંથી આયા રે
પેલા વિલાયતી વોંદરા ચ્યોંથી આયા રે
બીજું....
ફટાણા ગીત છે એટલે એક જ પંક્તિ લખીશ –
‘આવડો મોટો ચ્યોં થ્યોતો.....’
સામ સામે જાણે કે યુદ્ધનો માહોલ સર્જાયો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું. કહેવાય છે કે પહેલાં પાટીદારોમાં દર બાર વરસે એક જ દિવસ લગ્ન થતાં એટલે ઘોડીયા લગ્ન પણ કરી નખાતાં જેમાં બન્ને બાળકો બિચારાં આ દુનિયાના કોઈ જ જ્ઞાન વગર એકબીજાના જનમ જનમના સાથી બની જતા. ખેર, હવે તો બધું બદલાઈ ગયું છે.
કોઈ મિત્રની જાનમાં બીજે ગામ જઈએ ત્યારે અમને એ સમજ પડી ગઈ હતી કે પહેલાં મોંચો (ખાટલો) રોકી લેવાનો. એકવાર એ રીઝર્વેશન થઈ ગયું એટલે કોઈ જ ચિંતા નહીં. સવારમાં કોઈના ખેતરે બોર ઉપર જઈ પ્રાતઃકર્મ પતાવાનું અને બપોર બાદ તો જાન વળાવી દે એટલે સાંજે ઘરભેગા. પહેલાં વરકન્યાને ગામના તોરણથી ઘરે લઈ જતા હોય ત્યારે આગળ ઘરના વડીલ ચાલતા અને ‘ભલો’ ગાતા. હવે આવું બધું નથી થતું.
જુદી જુદી કોમોમાં જુદાં જુદાં રિવાજો હતા. ક્ષત્રિય ઠાકોર ભાઈઓમાં માત્ર પુરુષો જ જાન લઈને આવતા અને ‘ખાંડુ’ અથવા ‘વેલડુ’ કહેતા. મૂલતઃ ઉગ્ર સ્વભાવની કોમ એટલે બહેનો ફટાણાં ગાય તેમાંથી ક્યારે તલવારો ખેંચાઈ જાય એનું કંઈ ઠેકાણું નહીં એ કારણથી આ રિવાજ પડ્યો હશે. આપણે દહેજની વાત કરીએ છીએ પણ ક્ષત્રિય ઠાકોર ભાઈઓમાં વરપક્ષવાળાએ કન્યાને ચડાવો તેમજ નિર્ધારીત કરેલ રોકડ રકમ આપવાની રહેતી. આ લેણદેણ પુરી ન થાય ત્યાં સુધી કન્યા ચોરીમાં આવતી નહીં.
રબારી કોમના રિવાજો વિશે ઘણું લખી શકાય તેમ છે પણ એ જમાનામાં એકસાથે એક ગામમાં પાંચ-સાત મૂરતિયા પરણવા જવાના હોય તો મોભામાં સહુથી મોટું ઘર હોય એની જાન સહુથી છેલ્લી પહોંચે પણ એ પહોંચે નહીં ત્યાં સુધી બાકીની જાન આવી ગઈ હોય તો પણ એ ગામમાં પ્રવેશતી નહોતી.
ખેર, હવે આમાંનું લગભગ બધું જ બદલાઈ ગયું છે. ભણતર વધ્યું છે, સમૃદ્ધિ વધી છે, સામાજીક જાગૃતિ પણ આવી છે તેની સાથોસાથ રિવાજો પણ બદલાયા છે. ઘણા બધા સમાજો હવે સમૂહલગ્નને પ્રાધાન્ય આપતા થયા છે. આ એક સારી વાત છે.
આમ આ બાળવિવાહના પ્રચલિત રિવાજને કારણે મેં મારા ઘણા બધા સહાધ્યાયીઓની જાનમાં જવાનો અને તેમના લગ્ન માણવાનો લ્હાવો લીધો છે. એ જમાનામાં બાળલગ્ન ઉપરાંત એક બીજું દૂષણ પાટીદાર ભાઈઓમાં સાટા અથવા પેટા પદ્ધતિનું હતું જેમાં પોતાની દિકરી સામા ઘરે આપે તો જ દિકરા માટે વહુ મળે. જો દિકરી ન હોય તો અન્ય કોઈના હવાલે એટલે કે પેટામાં લગ્ન કરી શકાય. પાટીદાર સમાજે આજે ખૂબ પ્રગતિ કરી છે. શિક્ષણથી માંડી સામાજીક રીતરિવાજોના ક્ષેત્રે આ સમાજને ક્રાંતિકારી સુધારાઓ કરીને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એક અત્યંત પ્રશંસનીય બાબત છે. જો કે અત્યારે બધા સમાજોની માફક પાટીદાર સમાજમાં પણ દિકરાઓ કરતાં દિકરીઓની સંખ્યા ઘટી રહી છે. પરિણામે બધી યોગ્યતા હોવા છતાં કન્યા ન મળે તે સ્થિતિ આવી છે. આ પરિસ્થિતિએ પાટીદાર સમાજની માફક અન્ય સમાજોમાં પણ સમસ્યા ઉભી કરી છે. એની પહેલી અસર ગોળ અને વિસ્તારમાંથી બહાર રાજ્ય બહારથી અન્ય સમાજની દિકરીઓ આવતી થાય તે નવાઈ નથી રહી. વળી પાછું ક્યાંક ક્યાંક “સાટા/પેટા”નું દૂષણ પણ ડોકાચિયાં કરવા માંડ્યું છે એવા અહેવાલ છે. બધા જ સમાજોએ આ માટે આત્મચિંતન કરવું જોઈએ. દિકરી એ સાપનો ભારો છે અને દિકરો વંશ વધારે છે આ વાત વાહિયાત છે. આ માન્યતાને કારણે આજે સ્ત્રીભૃણ હત્યાનું દૂષણ વકર્યું છે. કોઈપણ સુધરેલ સમાજ માટે સ્ત્રીભૃણ હત્યા અને દિકરી-દિકરા વચ્ચેનો ભેદભાવ કલંકરુપ છે. આ ભેદભાવ ઉભો કરીને આજે આપણે સામાજીક સમસ્યાઓથી માંડી અનેક દુષણોને ઘર દેખાડ્યું છે. આ ભયાનક સમસ્યાનો વિચાર કરીએ ત્યારે એનાં દુરોગામી પરિણામો ચિંતા પેદા કરાવે તેવાં દેખાય છે. બેટી બચાવો અને બેટી ભણાવો એ સૂત્રો અને અભિયાનની અસર થવા માંડી છે પણ હજુ ઘણી લાંબી મઝલ કાપવાની છે.
આમ....
રાજપુરની એ પ્રાથમિક શાળામાં ભણતાં ભણતાં
માણેલ એ રામલીલાઓ
રંગલા-રંગલી કે વિદૂષક-વીજળીનાં પાત્રો
મણિયારો કે રામાપીરનો હેલો
હોલડું કે ચેહરાભઈની બાર બાયડીઓ
મેકઅપના થપેડા સાથે
વરવા ચહેરે, અડધી ઉંઘ ભરેલ આંખે
ઓટલે બેસીને દાંતણ કરતી પેલી રમા શેઠાણી
રાવણ અને રામનું યુદ્ધ
સહાધ્યાયીઓનાં બાળલગ્ન
જાનમાં જવાની મોજ અને
અન્ય ગામની જાન આવે ત્યારે
સામસામે ગવાતાં લગ્નગીતો અને ફટાણાની રમઝટ
આ બધું આજે ઈતિહાસ બની ગયું છે
આજની યુવાન પેઢીને ભાગ્યે જ આમાનું કંઈ સમજાય
પણ....
અવર્ણનીય આનંદ અને નિર્દોષ મોજમજાનો
એક ખજાનો
આજની પેઢી જન્મી તે પહેલાં અમારી પેઢી ઉછરતી હતી ત્યારે લૂંટાઈ ગયો
આજે ?
માત્ર એની યાદો ઈતિહાસ બનીને રહી ગઈ છે.
સંસ્કૃતમાં કહ્યું છે –
તેહી નો દિવસા ગતાઃ ।
અમારા તે દિવસો ગયા
દિલ એક મંદિર ફીલમના આ ગીતથી
સમાપ્તિ કરીએ –
दिन जो पखेरु होते, पिंजरे में मैं रख देता
पालता उनको जतन से
पालता उनको जतन से, मोती के दाने देता
सीने से रहता लगाए