Wednesday, March 25, 2015
ધીરુભાઈ ઠાકર સાહેબ સાથે બહુ અંગત અને દીર્ઘ પરિચય છે એમ કહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત નથી. જે કાંઈ પરિચય છે તેના આધારે ઠાકર સાહેબના વ્યક્તિત્વને વર્ણવવાનો પ્રયાસ કદાચ સાવ તળેટીમાં ઉભા રહીને એવરેસ્ટની ગરિમા અને ઉંચાઈને શબ્દદેહે રજૂ કરવાનો એક આયામ બની રહે એ મર્યાદાથી વાકેફ હોવા છતાં પણ ધીરુભાઈ ઠાકર અભિનંદન ગ્રંથ પ્રકાશન સમિતિ વતી આદરણીય ડા. કુમારપાળ ભાઈએ મને આ ગ્રંથના પાના ઉપર હાજરી પૂરાવવાની જે તક આપી તેને જતી ન કરવાનો લોભ પણ રોકી શકતો નથી એટલે મારી મર્યાદિત સમજ મુજબ આ પ્રયાસ કરુ છું. તેમાં ક્યાંક તૃટિ જણાય તો એ માટે અગાઉથી જ માફી માગી લઉં છું.
થોડાંક વરસો પહેલાં ગુજરાત વિશ્વકોશના એક અંકના વિમોચન નિમિત્તે બે ઉત્તુંગ ગિરિશિખરો જેવાં વ્યક્તિત્વ પરમ આદરણીય સ્વર્ગસ્થ કે.કા.શાસ્ત્રીજી અને એટલા જ આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકર સાહેબ સાથે એક મંચ પર બેસવાનું નિમિત્ત મને પ્રાપ્ત થયુ હતું. તેમના વ્યક્તિત્વની શીતળતા અને ગરિમાનો આટલા નિકટથી એ પહેલો અનુભવ હતો. છેક અઢી ત્રણ વરસ બાદ થોડાક સમય પહેલાં ઠાકર સાહેબ સાથે ખાસ્સો બે કલાક જેટલો સમય ગાળવા મળ્યો. ગુજરાત વિશ્વકોશ ભવનની એમની ઓફિસમાં એક ઢળતી બપોરે ગાળેલ એ સમય મારા માટે એક કરતાં વધુ કારણસર અવિસ્મરણીય બની રહ્યો. તે દિવસે ભગવાન શંકરને શીરે અર્પિત થતા બિલિપત્રનાં ત્રણ પાનની માફક અમારા સંબંધોનું બિલિપત્રીકરણ થયું જે મારે માટે યાદગાર પ્રસંગ હતો.
આ બિલિપત્રનું પહેલુ પાન એટલે જેણે એની સ્થાપનાનાં એકસો પચ્ચીસ વરસ હજુ ગઈ સાલ જ પૂરાં કર્યાં (૧૯૮૧-૨૦૦૬)તે સિધ્ધપુરની લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલયના અમે બન્ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. મારી માફક વિદ્યાર્થી અવસ્થાનાં ઠાકર સાહેબનાં સંસ્મરણો પણ એટલાં જ સતેજ. એમના એક-બે શિક્ષકો પાસે અભ્યાસ કરવાનુ મારે પણ બન્યુ હતું. આજે હું એ હાઈસ્કુલના કેળવણી મંડળનો પ્રમુખ છું અને અમે ઈ.સ. ૨૦૦૭નું વરસ સવાસો વરસની ઉજવણી રૂપે ઉજવી રહ્યા છીએ ત્યારે શાળાના હયાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદીમાં કદાચ સહુથી સિનિયર ઠાકર સાહેબ હશે. એમની સાથેના મહાનુભાવોમાં બ્રહ્મર્ષિ વિદ્યાલય નડિયાદના સ્થાપક અને સંસ્કૃતના પરમ વિદ્વાન શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનો પણ સમાવેશ કરી શકાય અને એવા જ અમારા વડીલ પોસ્ટ વિભાગની સુદીર્ઘ સેવાઓ બાદ અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ગંગાપ્રસાદ સાંકળેશ્વર દવે સાહેબનો પણ આ સિનિયર મોસ્ટ ત્રિપુટીમાં સમાવેશ કરી શકાય.
બિલિપત્રનું બીજું પાન તે મારા મોસાળ વિરમગામ અને થોડોક સમય વિસનગરના કોલેજ અભ્યાસ સાથે સંકળાયેલ ડા. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ જે ડા. કે. બી. વ્યાસના નામે જાણીતા હતા તે ઠાકર સાહેબના પ્રોફેસર અને ગુજરાતી વિષય લઈને તેમને આગળ અભ્યાસ કરવા પ્રેરનાર બળ હતા તેવું જાણવા મળ્યું. મેં વિસનગરમાં એફ.વાય.બી.એસ.સી.નો અભ્યાસ કર્યો ત્યારે ડા. કે.બી. વ્યાસ ત્યાં પ્રિન્સિપાલ હતા. વ્યાસ સાહેબની લાક્ષણિક્તાની ઘણી બધી વાતો એ દિવસે થઈ. બિલિપત્રનું ત્રીજું પાન પણ તે જ દિવસે જોડાયું. મારી એક ભત્રીજી શેફાલી, ઠાકર સાહેબના મોટાભાઈના દોહિત્ર ડા. હરિશભાઈ ભટ્ટ, મુંબઈ, સાથે લગ્ન સંબંધે જોડાયેલી છે. આમ, પરિચયની ડાળ ઉપર ત્રિવિધ સંબંધોનું બિલિપત્ર તે દિવસે પાંગર્યું.
ત્યારબાદ જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી નિમિત્તે ગુજરાતી વિશ્વકોશમાં નિયમિત યોજાતી વ્યાખ્યાનમાળામાં ભારતનો વસતી વધારો અને અન્ન સમસ્યા વિષયને લઈને દોઢેક મહિના પહેલાં ફરી એકવાર ઠાકર સાહેબ સાથે સમય ગાળવાની તક મળી.
બસ ! આટલો ટૂંકો પરિચય અને આમ છતાંય ઠાકર સાહેબની સૌમ્યતા અને એમની વડીલાઈ કે વિદ્વતાનો જરાય બોજ ન લાગે એટલી સરળતાએ મારા મનમાં એક અમીટ છાપ ઉભી કરી દીધી. મને લાગે છે કે એમના વ્યક્તિત્વનું આ સહુથી મોટું જમા પાસું છે. ગુજરાતી વિશ્વકોશ માટે એક તપસ્વીની દૃઢતાથી અત્યંત પાંખાં સાધનો અને કાંઈક અંશે દિશાવિહીન પરિસ્થિતિથી શરૂઆત કરી આજે કોઈપણ ગુજરાતીને ગૌરવ થાય એવું સરસમજાનું ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન તેમના માર્ગદર્શન અને પ્રેરણા નીચે ચાલે છે. એમણે અમારા મુરબ્બી દેરાસરી સાહેબ જેવા અનેક વિદ્વાનોને એમના નિવૃત્તિકાળમાંથી બહાર કાઢી સક્રિય કર્યા છે એટલું જ નહીં પણ એમનું સંચિત જ્ઞાન સંકલિત બને અને એમાં અન્યોનો અનુભવ પણ જોડાય એ રીતે સમગ્ર વ્યવસ્થા ગોઠવી ગુજરાતની ભાવિ પેઢી ઉપર એક મોટું ઉપકારક કામ તેમના હાથે થયું છે.
જીવનના આઠ દાયકા વિતાવ્યા છતાં આજે પણ વિચારોની સ્પષ્ટતા અને સરસમજાની યાદશક્તિના માલિક ઠાકર સાહેબ અમારા છે એમ એટલા માટે કહું છું કે એ અમારી સવાસો વરસ જૂની એલ. એસ. હાઈસ્કુલના શ્રેષ્ઠત્તમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના એક છે. આજે પણ સિધ્ધપુરના એમના વિદ્યાર્થીકાળના સંસ્મરણો અને સિધ્ધપુરની પુરી ભૂગોળ ખૂબ લાક્ષણિક્તાથી અને લાગણીપૂર્વક ઠાકર સાહેબ મમળાવી શકે છે. હાઈસ્કુલમાં એમને ભણાવનાર શંકરલાલ વૈજનાથ પાધ્યા સાહેબ કે પછી ગુજરાતી વિષય લઈને આગળ અભ્યાસ કરવા પ્રેરનાર ડા. કે.બી. વ્યાસ જેમ એમના શિક્ષક કે પ્રોફેસર હતા તેમ મારા પણ હતા એટલે એ સંબંધે ઠાકર સાહેબને અમારા વડીલ ગુરુભાઈ પણ ગણી શકાય. એમને માટે સમગ્ર ગુજરાત આજે ગૌરવ લઈ શકે એમાં કોઈ શંકા નથી પણ અમારું સિધ્ધપુર અને એલ. એસ. હાઈસ્કુલ એમના થકી ગૌરવાન્વિત થયા છે તેનો ઉલ્લેખ અને ઋણ સ્વીકાર કરી મને આ તક આપવા માટે ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિનો આભાર માની ઠાકર સાહેબને આવનાર સમય નિરામય આયુષ્ય આપનાર અને હજુ પણ વધુ યશદાયક અને પ્રવૃત્તિશીલ નીવડે એવી પ્રાર્થના સહ વિરમું છું.
નોંધઃ કદાચ ઉપર પણ વિશ્વકોશ જેવો કોઈ પ્રોજેક્ટ નીકળ્યો હશે એટલે અમારા ઠાકર સાહેબને ભગવાને તા. 22 જાન્યુઆરી 2014ના રોજ પોતાની પાસે બોલાવી લીધા. સદેહે ન હોવા છતાં ઠાકર સાહેબ એમના પ્રદાન થકી હંમેશાં જીવંત રહેશે. સરસ્વતીના આ પનોતા પુત્રને મારી શ્રદ્ધાવંદના.