Tuesday, January 10, 2017
મારો ભાષા પરનો કાબૂ અને પ્રમાણમાં સારી એવી વિકસીત તર્કબુદ્ધિ મને ગ્રુપ ડીસકશનમાં સારી કામ આવશે એવો વિશ્વાસ હતો. આમ છતાંય મારા પ્રો. શ્રીકંટૈયા પાસે હું માર્ગદર્શન માટે ગયો. મને અનુભવ થયો કે આ મુલાકાત ખૂબ ઉપયોગી હતી. ગ્રુપ ડીસકશન અંગે સમજાવતાં પ્રો. શ્રીકંટૈયાએ કેટલીક પ્રથમ દ્રષ્ટિએ નાની પણ ખૂબ ઉપયોગી એવી ટીપ્સ મને આપી. એક મહત્વની બાબત સમજાવતાં તેમણે કહ્યું કે એક સારા મેનેજરનું મહત્વનું લક્ષણ પોતાની સાથે જોડાયેલી ટીમના સભ્યોને બોલવા દેવા અને પોતે ધ્યાનથી એમની વાત સાંભળી તેમાંથી સાર ગ્રહણ કરવો જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કામ આવે તે છે. તમે સીનીયર છો એટલે બધું જ જ્ઞાન તમારામાં સંચિત થઈ ગયું એવું નથી. બીજું જુદા જુદા દ્રષ્ટિકોણથી એક જ પરિસ્થિતિને જોઈએ તો એનાં વિવિધ પાસાંઓ સમજીને સમતુલાપૂર્વક નિર્ણય લેવાનું સરળ બને છે. તેમણે મને કહ્યું કે Manage શબ્દનો અર્થ સમજવો હોય તો એને વચ્ચેથી તોડી નાંખો. હવે બે શબ્દ બન્યા Man અનેAge. તે જ વ્યક્તિ સારું વ્યવસ્થાપન કરી શકે અથવા એને લાયક હોય જે Ageએટલે કે પરિપક્વતાને પામ્યો હોય. મને સમજાવ્યું કે એ વ્યક્તિ જે અભ્યાસ, અનુભવ કે અન્ય કોઈ કારણોસર પરિપક્વ બન્યો છે તે જ Manage કરી શકે. ટૂંકમાં Man who has come to an age can only Manage. કેવી અદભૂત સમજ આ શબ્દમાં ભરેલી પડી છે નહીં. Managerનો અર્થ આ જ પદ્ધતિથી કાઢીએ તો બે શબ્દ મળે Man અને Ager. પોતાની આવડત, અનુભવ, અભ્યાસ અને બુદ્ધિક્ષમતાથી બીજામાં પરિપક્વતાનું સિંચન કરીને એમને દોરી શકે તે વ્યક્તિ મેનેજર કહેવાય. આમ, મેનેજર શબ્દ વ્યક્તિ કેવી હોવી જોઈએ તેની વ્યાખ્યા નક્કી કરે છે. માત્ર હોદ્દો મળી જવાથી મેનેજર બની શકાતું નથી. સત્તા હશે તો કદાચ કોઈ સામે નહીં બોલે પણ પાછળ જરુર વાત થશે અને આવી વ્યક્તિ પોતાના સહકર્મીઓનું દિલ નહીં જીતી શકે.
આમ, એક સારા મેનેજર બનવાનું લક્ષણ આવડત અને શૈક્ષણિક લાયકાત તો છે જ પણ સાથોસાથ એ આવડત હંમેશા વધતી રહે તે માટેની અભ્યાસુ વૃત્તિ પણ છે.
અગાઉ કહ્યું તેમ કોઈપણ એક વ્યક્તિ પાસે બધું જ જ્ઞાન હોતું નથી અને એટલે એનો પ્રયાસ એની સાથે જોડાયેલ સહકર્મીઓ અથવા ઘરના વડીલ તરીકે કુટુંબનું કોઈપણ સભ્ય મર્યાદાભંગ કર્યા વગર પોતાને જે કંઈ કહેવું હોય તે કહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવાનો હોવો જોઈએ. આ બાબત ધ્યાને લઈએ તો સહુને કહેવા માટે પ્રોત્સાહિત કરવાની અને ધીરજથી સાંભળીને એમાંથી સાર ગ્રહણ કરવાની વૃત્તિ એ સારા મેનેજર બનવા માટે પાયાની જરુરીયાત છે. પ્રો. શ્રીકંટૈયાએ મને સમજાવ્યું કે ગ્રુપ ડીસકશનમાં પોતે જ બધું જાણે છે તેમ સમજી આક્રમકતાથી પોતાનો કક્કો ખરો કરાવવા મથનાર વ્યક્તિ સામાન્ય રીતે પસંદગીને પાત્ર બનતી નથી. કોઈ એક મુદ્દા પર જો ચર્ચા શરુ કરવાનું કહેવામાં આવે તો જે વિષય હોય એને અનુરુપ બે-ચાર મહત્વના મુદ્દા રમતા મુકી વિષય મુકી દેવો સાથોસાથ એ પણ કહી દેવું કે આ મારાં પ્રાથમિક મંતવ્યો છે જે ચર્ચા શરુ કરવાના ઉદ્દેશથી મુકું છું. ફરીવાર વિગતે વાત કરવા યોગ્ય સમયે હું ચર્ચામાં જોડાઈશ. મુદ્દા ટૂંકા પણ સ્પષ્ટ હોવા જરુરી છે. ત્યારબાદ જે ચર્ચા થાય તે ધ્યાનથી સાંભળવી અને યોગ્ય સમયે પોતાનું મંતવ્ય સ્પષ્ટ રીતે વ્યક્ત કરવું. પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં જે કંઈ અભિપ્રાય આપવો હોય તે ટૂંકમાં અને સ્પષ્ટ આપવો. જે રીતે વધુ બોલનાર ગ્રુપ ડીસકશનમાં બહુ સફળ નથી થતો તે જ રીતે સાવ ઓછું બોલનાર અથવા નહીં બોલનાર વ્યક્તિ જે પોતાનો અભિપ્રાય અથવા નિર્ણય સ્પષ્ટતાથી નથી આપતો તે પણ પસંદગીને પાત્ર બનતો નથી. પ્રો. શ્રીકંટૈયાની આ સલાહે મને વિચારતો કરી મુક્યો. મને પેલી પંક્તિઓ યાદ આવી ગઈ –
તારી વીણાના તાર
તું એટલા ઢીલા ન મુક
જેથી વાગે નહીં.
તારી વીણાના તાર
તું એટલા તાણી ન રાખ
જેથી તૂટી એ જાય.
મને લાગ્યું કે જેમ વીણા જેવા તંતુવાદ્યને વગાડવું સમતુલીત તણાવ માંગી લે છે તે જ રીતે કોઈપણ મેનેજર પછી તે સરકારમાં હોય, કોઈ ખાનગી સંસ્થામાં હોય કે પછી કુટુંબનો વડો હોય. જો આ ન સમજે તો કાં તો તાર તૂટી જાય અથવા વાદ્ય બેસૂરું વાગે.
થોડા દિવસો બાદ હું ગ્રુપ ડીસકશન અને વ્યક્તિગત ઈન્ટરવ્યુની આ પ્રક્રિયામાંથી પસાર થવા આઈઆઈએમ, અમદાવાદ પહોંચ્યો. પહેલાં વ્યક્તિગત ઈન્ટરવ્યુ માટે જેમને મળવાનું થયું તે આ પ્રવેશ પ્રક્રિયાના અધ્યક્ષ હતા. હું દાખલ થયો અને ગુડ આફ્ટરનૂન સર, આઈ એમ જયનારાયણ વ્યાસ કહી ઉભો રહ્યો ત્યારે એમણે સામે પડેલી ખુરશી તરફ અંગૂલીનિર્દેશ કરતાં કહ્યું “આઈ એમ પ્રો. રંગરાજન !ટેઈક યોર સીટ યંગમેન.”
આ પ્રોફેસર ડૉ. રંગરાજન જેમણે મારો ઈન્ટરવ્યુ લીધો તેમની સાથે આગળ જતાં ઋણાનુબંધ કઈ રીતે જોડાવાના હતા તે પણ ખ્યાલ નહોતો અને ભવિષ્યમાં જે વ્યક્તિ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર, ગવર્નર ત્યારબાદ આંધ્રપ્રદેશના ગવર્નર અને પછી વડાપ્રધાનની એડવાઈઝરી કાઉન્સિલના અધ્યક્ષ બનશે તે તો કલ્પના બહારનો વિષય હતો.
આ ડૉ. રંગરાજન આગળ જતાં ચાર વરસ માટે જે સંસ્થાનો હું ચીફ એક્ઝીક્યુટીવ બનવાનો હતો તે ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના બોર્ડમાં પ્રો. મોટે સાથે નીમાશે એવો તો વિચાર જ ક્યાંથી આવે ? મારો પર્સનલ ઈન્ટરવ્યુ પણ અપેક્ષા કરતાં ખૂબ સારો ગયો. ડૉ. રંગરાજન જેવા ધુરંધર આટલું સૌમ્ય વ્યક્તિત્વ ધરાવી શકે તે અનુભવ મારા માટે જીવનનું એક મીઠું સંભારણું બની ગયું.
ગ્રુપ ડીસકશનમાં કોઈ પ્રોજેક્ટ થકી વિસ્તાર વિકાસ એટલે કે એરીયા ડેવલપમેન્ટનો વિષય હતો. આર્થિક પ્રગતિથી માંડી રોજગારી સુધીના એના હકારાત્મક પાસાં થકી એ વિસ્તાર વિકાસનો ઉદ્દીપક બની શકે તેની સાથોસાથ પ્રદૂષણ અને ખેડૂત જમીન ગુમાવે તેને કારણે થનાર નુક્સાન અંગેનો પણ ઉલ્લેખ કર્યો. છેવટે આ પ્રોજેક્ટ કયો છે અને કયા સ્થળે કરવાનો છે તે જાણ્યા વગર એની વિસ્તાર વિકાસના ઉદ્દીપક તરીકે શું અસર થાય તે કહેવું યોગ્ય નહીં રહે તેમ કહી સમાપન કરતાં મેં સ્પષ્ટ મંતવ્ય આપ્યું કે “માત્ર ઔદ્યોગિક પ્રોજેક્ટથી જ વિકાસ થાય તે માનવું વધુ પડતું છે અને સંબંધીત વિસ્તાર તેમજ ત્યાંની કુદરતી પરિસ્થિતિ અને ત્યાં રહેતી પ્રજાની વિશીષ્ટ ક્ષમતા ન સમજીએ ત્યાં સુધી કોઈ નિર્ણય ન લઈ શકાય. આમાંની એક અથવા બીજી વિશેષતાઓને કારણે ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં વિસ્તાર વિકાસના ઉદ્દીપક તરીકે અલગ અલગ પ્રવૃત્તિઓ હોઈ શકે.
ગ્રુપ ડીસકશન પુરું થયું. મારી ક્ષમતા મુજબ મેં ભાગ લીધો હતો એ સાચું પણ આ તબક્કે પહોંચેલા બધા જ પોતપોતાની રીતે વિશીષ્ટ વ્યક્તિત્વો અને ક્ષમતા ધરાવતા ધુરંધરો હતા. આ છેલ્લી હરિફાઈમાં આપણે ગજ વાગશે કે કેમ ? આ મુદ્દે મનમાં અવઢવ જરુર હતી. એકબાજુ આ કસોટીમાંથી પણ પસાર થઈ જ જવાશે એવો આત્મવિશ્વાસ તો બીજીબાજુ દેશભરમાંથી કડક ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થી આવેલા ફાઈનાલીસ્ટો.
ગ્રાન્ડ ફીનાલેનો આ અનુભવ જોરદાર રહ્યો. પણ...
મન ક્યાંક ડગુમગુ થતું હતું.
ખેર, જે થવાનું હશે તે થશે.
આપણે જે કંઈ થઈ શકે તે બધું જ કર્યું હતું.
અંગ્રેજીમાં જેને કહે છે તે “I had put my Best foot forward”
ક્રિકેટની ભાષામાં કહીએ તો ફ્રન્ટફૂટ પર રમવા જતાં ક્લીન બોલ્ડ કે કેચ આઉટ થઈ શકાય
એલબીડબલ્યુ તો નહીં જ !
જે થાય તે....
આઈઆઈએમ, અમદાવાદના ગેટમાંથી બહાર નીકળ્યો અને સ્ટેશન જવા માટે રીક્ષા પકડી
ત્યારે...
મનમાં છુપો આનંદ હતો
મારા સપનાની કોલેજની આટલી લાંબી મુલાકાતનો અને...
બીજો ડૉ. રંગરાજન જેવા નિષ્ણાત સામે ઈન્ટરવ્યુ માટે બેસવાનો.
ખેર...
આઉટ થઈશું તો પણ એક દિગ્ગજને હાથે ને ?
અને
પસંદ થયા તો ?
ડૉ. રંગરાજનની કસોટીમાંથી પસાર થવું એ જ મોટી સિદ્ધિ હશે.
રાહ જોવાની હતી હવે પરિણામની.