મંદિરમાં મંગળાની આરતી હમણાં જ પૂરી થઈ હતી.
નવા દિવસનું સુંદર મજાનું પ્રભાત ઉઘડ્યું હતું.
નવી સ્ફૂર્તિ અને જોમથી સૌ પ્રફુલ્લિત જણાતા હતા
દર્શનાર્થીઓની ભીડ મંદિરમાં હતી.
આવા સમયે...
એક સુરદાસ મંદિરમાં પ્રવેશે છે
ભક્તિભાવથી લીન મુદ્રામાં એના રોજના ખૂણે પ્રભુની મુર્તિ સામે હાથ જોડી ભાવ સમાધિમાં ઉતરી જાય છે.
એના માટે આ રોજની ક્રિયા છે.
એક દિવસ કોઈક ટીખળીએ એને પુછ્યું-
“સુરદાસજી ! આપ ભગવાન સામે આ રીતે હાથ જોડી ઊભા રહો છો તે શું તમને ભગવાન દેખાય છે?”
પેલા ભક્ત સુરદાસે મોં પર જરા પણ અણગમો લાવ્યા વગર અત્યંત સાહજીકતાથી સ્મિત સાથે આ ભાઈને જવાબ આપ્યો-
“ભાઈ ! કર્મ સંયોગે હું જોઈ શકતો નથી. એ મારી કમનસીબી છે. પણ એથી શું ફરક પડે છે?
મારો ભગવાન તો મને જુએ જ છે ને.
હું તો એના દરબારમાં હાજરી પુરાવવા આવું છું.
મારો વહાલો મને જુએ એટલો ભયો ભયો
મારે મન હું ભગવાનને જોઉ એના કરતા ભગવાન મને જુએ એ વિશેષ અગત્યનું છે અને એટલે જ મંદિરના આ નિશ્ચિત ખૂણામાં મને અસીમ શાંતિ મળે છે. હું આનંદિત બનીને ભાવવિભોર બની જાઉ છું. વળી એક વધુ દિવસ અંધાપાનો ઓછો થાય છે અને પ્રભુની આ દુનિયામાં એના સ્મરણ સાથે જીવવાનું ચાલ્યા કરે છે. આટલું ઘણું છે મારા માટે.”
પેલો ભાઈ શરમિંદો બની ગયો.
સમગ્ર પ્રસંગમાંથી બોધ એ લેવાનો છે કે કોઈપણ પરિસ્થિતિને હકારાત્મકતાથી અને શ્રધ્ધાથી સ્વીકારતાં શીખો. દ્રષ્ટિ નહીં હોય તો ચાલી જશે પણ દ્રષ્ટિકોણ સાચો રાખો તો જીવન મધુવન બની જશે.
કવિ પ્રભુલાલ દ્વિવેદીની આ પંક્તિઓ-
“ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી
એ જ શૂરા જે મુશીબત જોઈ ગભરાતા નથી”.