featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

દુબઈ વિશ્વના અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દુબઈ સરકાર તેમને લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ ઓફર કરીને અને વિદેશીઓ માટે ઘર ખરીદવા પરના નિયંત્રણો હળવા કરીને આકર્ષિત કરી રહી છે.

દુબઈનું પ્રોપર્ટી માર્કેટ અર્થવ્યવસ્થામાં લગભગ ત્રીજા ભાગનું યોગદાન આપે છે. કોવિડ-૧૯ રોગચાળાની પરિસ્થિતીને દુબઇએ સારી રીતે સંભાળી છે ઉપરાંત વિદેશીઓને અર્થવ્યવસ્થામાં મોટો હિસ્સો આપવાના ઉદ્દેશ્યની પહેલને કારણે તે સાત વર્ષની મંદીમાંથી બહાર આવી રહ્યું છે. નવા નિયમો હેઠળ, જો રોકાણકારો ઓછામાં ઓછા બે મિલિયન દિરહામની મિલકત ખરીદે તો તેઓ ૧૦ વર્ષના વિઝા મેળવી શકે છે.

સંયુક્ત આરબ અમીરાતની વસતીમાં ૮૦ ટકાથી વધુ વિદેશી રહેવાસીઓ છે અને તેઓ દાયકાઓથી અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. તેઓ મોટે ભાગે ખાનગી-ક્ષેત્રની નોકરીઓ કરે છે અને અહીં આવેલા વિશ્વના કેટલાક સૌથી મોટા મોલમાં મિલકત અથવા ખરીદી પર તેમના નાણાં ખર્ચે છે. ભારતીયો, ખાસ કરીને, દુબઈ રિયલ એસ્ટેટના ટોચના ખરીદદારોમાં સતત સ્થાન મેળવતા રહ્યા છે.

વૈશ્વિક પ્રોપર્ટી માર્કેટમાં તાજેતરમાં તેજી જોવા મળી રહી છે. સ્વિસ અબજોપતિ અર્નેસ્ટો બર્ટારેલી જૂનમાં લગભગ ૯૨ મિલિયન પાઉન્ડ (૧૦૮ મિલિયન ડોલર)માં લંડનના વિશિષ્ટ બેલગ્રેવિયા જિલ્લામાં ઘર ખરીદશે તેવું કહેવાય છે, અને ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલ મુજબ લંડનથી ૨૦ માઇલ પશ્ચિમમાં એક એસ્ટેટ ૧૨૫ મિલિયન પાઉન્ડમાં વેચાઈ છે. અમેરિકામાં જો ત્સાઈની બ્લુ પૂલ કેપિટલે તાજેતરમાં જ ડેન ઓચની માલિકીનું ન્યૂયોર્ક પેન્ટહાઉસ ૧૮૮ મિલિયન ડોલરમાં હસ્તગત કર્યું હતું, જ્યારે એશિયાનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ હોંગકોંગમાં ૮૨ મિલિયન ડોલરમાં નવેમ્બરમાં વેચાયું હતું. આમ, કોવિડ પછીની આ પ્રોપર્ટી માર્કેટની તેજીનો લાભ દુબઈને પણ મળી રહ્યો છે.

ભારતમાંથી પણ ઘણા અબજોપતિ દુબઈ સહિત વિશ્વભરમાં મિલકત ખરીદી રહ્યા છે. સાથે જ આવા ધનીકોનો ભારત છોડવાનો એક નવો સિલસિલો શરૂ થયો છે. માઈગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સના એક અહેવાલ મુજબ કોરોનાકાળ પછી ૨૦૨૨માં આવા ૮૦૦૦ ધનીકો ભારત બહાર સ્થળાંતર કરી ચૂક્યા છે. જોકે આ મામલે ભારત એકલું નથી. વિશ્વમાં ધનીકોના દેશ છોડવાના મામલે ભારત ત્રીજા ક્રમે છે, પહેલા બે ક્રમે રશિયા અને ચીન છે. આ બંને દેશોમાં તો ધનીકો માટે દેશ છોડવાનું કારણ યુદ્ધ, કોવિડ લોકડાઉન કે રાજકીય છે. ભારત પછી દેશ છોડવાને મામલે હોંગકોંગ, યુક્રેન અને બ્રિટનનો નંબર આવે. આ સામે આવા ધનીકોને આકર્ષતા દેશો તરીકે યુએઇ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર ઊભરી રહ્યા છે. ધનીકો સ્થળાંતર કરીને આ દેશોમાં જવાનું પસંદ કરી રહ્યા છે.

વિશ્વ બેંકે ૨૦૨૨ અને ૨૦૨૩ માટે યુએઇના વૃદ્ધિ અનુમાનને તેના અગાઉના અનુમાન કરતાં અનુક્રમે ૧.૨ ટકા અને ૦.૭ ટકાથી સુધાર્યું છે. વિશ્વ બેંકના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર, નોન-ઓઇલ સેક્ટરના વિસ્તરણને પગલે યુએઇની જીડીપી ૨૦૨૨માં ૫.૯ ટકા અને ૨૦૨૩માં ૪.૧ ટકા વધવાનો અંદાજ છે. ડેટા દર્શાવે છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ની તમામ અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે ધીમી વૃદ્ધિ જોવા મળશે જ્યારે યુએઇ ૨૦૨૩માં ગલ્ફ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આરબ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થાએ એવા યુએઇએ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં બિન-તેલ વેપારમાં ૧૭ ટકાનો વધારો નોંધાવ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે કેવી રીતે યુએઈએ કોવિડ-પ્રેરિત વૈશ્વિક મંદીમાંથી મજબૂત પુનઃપ્રાપ્તિ કરી છે કારણ કે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને પર્યટનમાં તેજી આવી છે, પરંતુ તે પણ દર્શાવે છે કે શા માટે ગલ્ફ રાજ્ય મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ સાથે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક અને વૈશ્વિક સ્તરે અગ્રણી નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles