featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)          

એક સરવે મુજબ ઑક્ટોબર, ૨૦૨૩માં પહેલી વાર જર્મન વ્યાપારમાં ખતરાની ઘંટડી વાગી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ૯૦૦૦ કંપનીઓમાં વ્યાપાર ઘટ્યો છે, જેને કારણે યુરોપની મોટામાં મોટી અર્થવ્યવસ્થા માંદગીમાં સપડાઈ છે. નિષ્ણાતો આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જર્મન અર્થવ્યવસ્થામાં મધ્યમસરના સંકોચનની અપેક્ષા રાખે છે. આ માટેનું કારણ ઊંચા વ્યાજદરો અને માંગમાં ઘટાડો છે. યુક્રેન યુદ્ધને કારણે ઊર્જાની સૌથી મોટી કટોકટી ગયા શિયાળા દરમિયાન જર્મનીએ વેઠી અને એને કારણે ઉત્પાદનથી માંડી રહેણાંક સુધીના વિસ્તારોને અસર થઈ. આટલું જેમ પૂરતું ના હોય તેમ અમેરિકન અર્થવ્યવસ્થા પણ મંદીતરફી ઝોક અનુભવી રહી છે. અમેરિકાનું આંતરિક દેવું વિક્રમી લગભગ ૩૨ ટ્રિલિયન ડૉલર, જે ભારતીય અર્થવ્યવસ્થાના કુલ ખર્ચથી આઠ ગણું વધારે થાય, તે સ્તરે પહોંચ્યું છે. સાથોસાથ અમેરિકામાં અત્યાર સુધી નહીં અનુભાવેલી બેરોજગારી પણ હવે માથું ઊંચકી રહી છે. 

          યુક્રેન યુદ્ધ હજુ ધીમું પડવાનું નામ નથી લેતું અને એને કા૨ણે રશિયા તેમજ યુક્રેન બંનેની અર્થવ્યવસ્થા જ નહીં પણ ઔદ્યોગિક અને સામાજિક આંતરમાળખાકીય સવલતોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આમ થવાને કારણે અત્યાર સુધી મહાસત્તા ગણાતું રશિયા અસ્ત પામ્યું છે અને હવે એ સ્થાન ચીને લીધું છે. સમગ્ર દુનિયા ચીન અને અમેરિકા બે છાવણીઓ વચ્ચે વહેંચાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુરોપ પણ આવનાર બેએક વર્ષ દરમિયાન તેની વિવિધ અર્થવ્યવસ્થાઓ મંદીના ચક્કરમાં ફસાય તે સ્થિતિએ પહોંચ્યું છે. 

          જર્મનીમાં જે બદલાવ આવી રહ્યા છે તેને કારણે, જેમ ઇરાન અને સાઉદી અરેબિયા ચીનની મધ્યસ્થીથી એકબીજાની નજદીક આવ્યા, એ જ રીતે તાજેતરની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખની બેજિંગની મુલાકાત અને જર્મની સાથે ચીનના સુધરી રહેલા સંબંધો યુરોપીય દેશોમાં પણ અત્યાર સુધીનું અમેરિકાનું એકહથ્થુ પ્રભુત્વ તૂટે અને એમાં ચીનનો પગપેસારો થાય તેવી શક્યતાઓનો નિર્દેશ કરે છે. આ સંજોગોમાં મંદીમાં સપડાયેલ જર્મનીની ઘરઆંગણાની માંગ તેમજ નિકાસ વ્યાપારમાં ઘટાડો જોતાં જર્મની પણ ચીન સાથે સંબંધો વિકસાવવાની શરૂઆત કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય. 

          ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ચીન સાથેના વ્યાપાર તેમજ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓમાં ઘટાડો થાય તે રીતે કાંઈ પણ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આજથી બેએક વર્ષ પહેલા ઑસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાને ‘પોતાનો દેશ અમેરિકાના ખોળામાં બેઠેલું ગલૂડિયું નથી’ કહી ચીન સાથેના એના સંબંધો તેમજ વિદેશ નીતિ પોતાના દેશ એટલે કે ઑસ્ટ્રેલિયાને નુકસાન ન થાય તે પ્રકારની હશે તેવો નિર્દેશ કર્યો હતો. 

          આમ, યુક્રેન યુદ્ધ ભલે મર્યાદિત રીતે યુક્રેન અને રશિયા વચ્ચેનું સીધું યુદ્ધ હોય અને તેમાં આડકતરી રીતે નાટો દેશો સંકળાયેલા હોય તો પણ આવનાર વર્ષોમાં બદલાતી જતી અર્થવ્યવસ્થા અને સામરિક ક્ષમતા અગાઉ રશિયા-અમેરિકા વચ્ચેનું જે ધ્રુવીકરણ હતું તેને બદલે હવે નવી મહાસત્તા તરીકે ચીનનો ઉદય અને રશિયાનો અસ્ત સૂચવે છે. આ બાબતને લક્ષમાં રાખી દુનિયાના દેશો ચીન અને અમેરિકાના દોન ધ્રુવ સાથે જોડાશે.

          આ પરિસ્થિતિમાં ભારત એક તટસ્થ રાષ્ટ્ર તરીકે કયાં સુધી પોતાનું સ્થાન જાળવી શકશે, તે શંકાનો વિષય છે. કહેવાય છે કે રસ્તાની બંને બાજુએથી સામસામે પથ્થરમારો થતો હોય ત્યારે રસ્તાની વચ્ચે ચાલનારને સૌથી વધારે જોખમ રહે છે, કારણ કે તેના ઉપર બંને બાજુએથી પથ્થરમારો થાય છે. આજની સ્થિતિમાં રસ્તાની બંને બાજુઓમાં એક બાજુ ચીન અને તેની છાવણી અને બીજી બાજુ અમેરિકા અને તેની છાવણી વચ્ચેથી એક તટસ્થ દેશ તરીકે ભારત ચાલવાનો પ્રયત્ન કરે તો બંને બાજુથી માથામાં પથરા વાગે તેવી સ્થિતિનું નિર્માણ થશે. જોઈએ, ડિપ્લોમસીના આ ક્ષેત્રે ભારત કઈ રીતે પોતાના સ્વાર્થને જાળવીને આગળ ધપાવે છે. ભારતીય વિદેશનીતિના ક્ષેત્રે આવનાર સમય ખૂબ અગત્યનો છે. 

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles