featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

ઇજિપ્તની પ્રાદેશિક ગેસ હબ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના મુખ્ય નિકાસકાર બનવાની વર્ષોજૂની મહત્વાકાંક્ષા યુરોપમાં નિકાસ અટકી જવાથી જોખમમાં હોવાનું જણાય છે. વધુ ખરાબ સ્થિતિ તો એ હતી કે ઇજિપ્તમાં તેના પોતાના પાવર પ્લાન્ટને સપ્લાય કરવા ગેસ ન હોવાને કારણે ઉનાળામાં વારંવાર પાવરકટ જોવા મળ્યો. અત્યારે ઇજિપ્ત દેવાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. LNG નિકાસથી આવતા વિદેશી હૂંડિયામણની આજે ઈજિપ્તને ખાસ્સી જરુર છે.

ઇજિપ્ત પાસે પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં માત્ર બે લિક્વિફેક્શન પ્લાન્ટ છે. સાયપ્રસ અને ઇઝરાયેલ પાસે ગેસના મોટા ક્ષેત્રો છે અને તેમની સ્થાનિક માંગ ઓછી હોવાથી તેઓ ગેસને લિક્વિફેક્શન પ્લાન્ટ થકી LNGમાં ફેરવી યુરોપમાં એક્સ્પોર્ટ કરી શકે છે. ઈજિપ્તનું સૌથી મોટું ગેસ ફિલ્ડ, ૨૦૧૭થી કાર્યરત ઝોહર છે, જેનાથી દેશની ગેસ મહત્વાકાંક્ષાઓને વેગ મળ્યો છે. અંદાજિત ૮૫૦ બિલિયન ક્યુબિકમીટર ગેસ સાથે, ઇજિપ્તના કુલ ગેસ આઉટપુટના ૪૦ ટકા જેટલો હિસ્સો ઝોહરમાંથી આવે છે, જે ૨૦૨૨ના આંકડાઓ અનુસાર ઇજિપ્તના લગભગ ૧૪ વર્ષના સ્થાનિક વપરાશ બરાબર છે.

યુક્રેન યુદ્ધના પરિણામે યુરોપમાં ઉર્જા કટોકટીએ ગેસના ભાવમાં વધારો કરી ઇજિપ્તને તક પૂરી પાડી. ૨૦૨૨માં LNG નિકાસ ૮.૯ બિલિયન ક્યુબિકમીટરની ટોચે પહોંચી હતી, જેનાથી ઈજિપ્તની આવક ત્રણગણી વધી ૮.૪ બિલિયન ડોલરની થઈ. જોકે, ફેબ્રુઆરીમાં કુદરતી ગેસના ભાવમાં વૈશ્વિક ઘટાડાને પરિણામે ઇજિપ્તને ગેસ નિકાસમાંથી થતી આવક ૫૦ ટકા ઘટી. એપ્રિલમાં, ગેસ નિકાસની કિંમતમાં ઘટાડાથી ઇજિપ્તની વેપાર ખાધ વાર્ષિક ધોરણે લગભગ ૨૪ ટકા વધી હતી. જૂનથી LNGની નિકાસ શૂન્ય રહી છે કારણ કે ઉનાળામાં ઘરેલું વીજળીની માંગ ખૂબ ઊંચી હતી.

ઇજિપ્તે ડીઝલ અને ઇંધણ તેલની આયાત બંધ કરી દીધી છે, માટે તેના પોતાના પાવર પ્લાન્ટને સપ્લાય કરવા વધુ ગેસની જરૂર છે. જોકે સરકારે જુલાઈમાં નિર્ણયને ઉલટાવી ફરીથી ઇંધણ તેલ અને ડીઝલની આયાત કરવાનું શરૂ કર્યું હતું. વધતી વસતી સાથે ઇજિપ્તની વીજળીની માંગ કુદરતી રીતે દર વર્ષે વધે છે. સામે ૨૦૨૩ના બીજા ક્વાર્ટરમાં ટેકનિકલ સમસ્યાઓને કારણે કુલ ગેસનું ઉત્પાદન ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

ઑગસ્ટમાં, રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતાહ અલ-સીસી આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપનીઓ BP અને Eniના સીઇઓને મળ્યા હતા, જેમણે ઇજિપ્તમાં અબજો ડોલરની રોકાણ યોજનાઓની જાહેરાત કરી હતી. આ રોકાણો સમયાંતરે થશે અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપી શકે છે અથવા સ્થિર કરી શકે છે.

ઝોહરનું ઉત્પાદન બે વર્ષથી ઘટી રહ્યું છે. ઇજિપ્ત ઇઝરાયલી ગેસની આયાત કરી તેને LNGમાં પરિવર્તિત કરી નિકાસ કરી રહ્યું છે. ઇઝરાયેલનું ગેસ નેટવર્ક ઇજિપ્ત સાથે પાઇપલાઇન દ્વારા જોડાયેલું છે. ૨૦૨૨માં, ઇઝરાયેલે ઇજિપ્તને ૫.૮૧ બિલિયન ક્યુબિકમીટર ગેસની નિકાસ કરી હતી, જે એક રેકોર્ડ સ્તર છે. ઇજિપ્ત, ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયને ગયા વર્ષે જૂનમાં EUને ગેસની નિકાસ વધારવા ‘ઐતિહાસિક સમજૂતી’ પર હસ્તાક્ષર કર્યા હતા અને ઓગસ્ટમાં ઇઝરાયેલે ઇજિપ્તને ગેસની નિકાસ વધારવા મંજૂરી આપી છે. જોકે, વધારે ઇઝરાયેલી ગેસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડની જરૂર છે, જે ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પાડોશી સાયપ્રસ પણ ગેસ-સમૃદ્ધ દેશ છે. પરંતુ સાયપ્રસના ગેસ ક્ષેત્રોથી ઇજિપ્ત સુધી પાઇપલાઇન નથી. આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓ પાઇપલાઇનમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે, પરંતુ સાયપ્રસ પોતાનું ફ્લોટિંગ LNG ટર્મિનલ રાખવા માંગે છે, જે ઇજિપ્તને બાયપાસ કરશે. અમેરિકા ફ્લોટિંગ ટર્મિનલને બદલે ઇજિપ્ત માટે પાઇપલાઇનની તરફેણમાં છે. કોઈપણ સંજોગોમાં, આ પાઇપલાઇન પૂર્ણ થવામાં વર્ષો લાગશે.

આ બધા વચ્ચે ઇજિપ્તની ગેસ હબ બનવાની મહત્વાકાંક્ષાઓ સામે પ્રશ્નાર્થ લાગેલું છે. નવા ભંડારો ન મળે ત્યાં સુધી ઇજિપ્તની LNG નિકાલ ઇઝરાયેલ અને સાયપ્રસના ગેસ પર નિર્ભર છે. આ ગેસ પ્રવાહમાં વધારાની સંભાવના હાલ તો દેખાતી નથી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles