Thursday, October 8, 2015
ટ્રેનિંગની શરુઆત રુપે પહેલું પગથિયું સિવિલ એન્જિનિયરીંગ કોન્ટ્રાક્ટસ ઉપર તે સમયે આવતાં પુસ્તકોમાં સારામાં સારું અને સરળમાં સરળ પુસ્તક કે.એન. પંડ્યાનું હતું. તે મંગાવી લીધું અને વાંચવાની શરુઆત કરી. જુદા જુદા પ્રકારના કોન્ટ્રાક્ટ અને ટેન્ડર ફોર્મથી માંડીને કોન્ટ્રાક્ટ એક્ટની વિવિધ જોગવાઈઓ મુજબ કામ કરાવનાર એટલે કે હાઉસીંગ બોર્ડ અને કરનાર એજન્સીની અરસપરસ શું જવાબદારી ઉભી થાય અને તે માટે કાયદાની જોગવાઈઓથી સુસંગત શું કાર્યવાહી કરવાની રહે તે બાબતે ભણવા માંડ્યું. સિવિલ એન્જિનિયરીંગ કોન્ટ્રાક્ટસ માટે મહદ્અંશે બી ફોર્મમાં ટેન્ડરો મંગાવાતાં. સહુથી પહેલું આ ફોર્મ કેવું હોય તેનો એક નમૂનો મેળવી લીધો. બાંધકામનો કોઈપણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એટલે એ ચોક્કસ જાહેરાતના રુપે બહાર પડે. ફોર્મ ઈશ્યુ કરવાની અને ખાસ તો સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય બાબત વિશેષ ધ્યાન રાખવું પડે. જરુરી અર્નેસ્ટ મનીનું ચલાન અથવા ડ્રાફ્ટ ટેન્ડર ફોર્મ સાથે જોડેલું હોય તે જ ટેન્ડર છેવટે ચકાસણીમાં યોગ્ય ગણાતું. કોન્ટ્રાક્ટરની કેટેગરી મુજબ એનું સર્ટીફીકેટથી માંડી બીજાં બધાં ડોક્યુમેન્ટ ચકાસવાના રહેતાં અને ખાસ તો આ ટેન્ડર અધિકૃત અધિકારી ખોલે ત્યારે શું કાર્યવાહી કરવી ? નિર્ધારીત ફોર્મેટમાં કંપેરેટીવ સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવું ? અને એ બધામાં હાજર બીડરની સહી તેમજ કોઈને કંઈ વાંધો હોય તો લેખિતમાં લેવો જરુરી હતો. શરતી ટેન્ડર અથવા અધુરી વિગત સાથે ભરેલું ટેન્ડર કે પછી જરુરી ડોક્યુમેન્ટ કે અર્નેસ્ટ મનીનો ડ્રાફ્ટ સામેલ ન હોય તેવું ટેન્ડર અથવા કોઈપણ પ્રકારની અસંદિગ્ધતાવાળું ટેન્ડર પણ આ અંગેની યોગ્ય નોંધ સાથે નામંજુરી માટે અધિકૃત ઓથોરીટી પાસે રજૂ કરવાનું રહેતું. આ બધી પ્રક્રિયામાં ક્યાંય પણ ચૂક થાય તો સમગ્ર બાબત વિવાદી બની જાય અને ન્યાયની કોર્ટ સમક્ષ પણ મામલો જાય. તે ઉપરાંત જે તે કામ શરુ કરવામાં મોડું થાય. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં માત્ર ટેકનીકલ જ્ઞાન એકલું ન ચાલે. કોન્ટ્રાક્ટ અને નાણાંકીય બાબતોના કાયદા અંગેનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ પ્રક્રિયામાં મને ઘણા બધા અન્ય શબ્દો પણ જાણવા મળ્યા. જેમાંનો એક હતો ‘ગવર્મેન્ટ રીઝોલ્યુશન’ એટલે કે જીઆર. આગળ જતાં મને સમજાયું કે આખી સરકારને જો બે કોઈ શબ્દો દોરતા હોય તો તેમાંનો એક હતો ‘જીઆર’ અને બીજો હતો ‘બીસીએસઆર’. બીસીએસઆર એટલે બોમ્બે સિવિલ સર્વિસ રુલ્સ. જે સરકારમાં નોકરી કરતાં કર્મચારીઓની સેવાઓને નિયંત્રીત કરે છે. આવો જ એક શબ્દ સામો મળ્યો ‘શિડ્યુલ ઓફ રેટ્સ’ એટલે કે નિર્ધારીત ભાવોનું પત્રક “એસ.ઓ.આર.” અને ‘રેટ એનાલીસીસ’ એટલે કે ભાવ ગણતરીનું પૃથ્થકરણ. મારા કામમાં કાર્યપાલક ઈજનેરોએ મોકલેલ ટેન્ડરની દરખાસ્તોને મંજૂર માટે પ્રોસેસ કરી આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરને અથવા આગળ મોકલવાનું હતું. સાથો સાથ ટેન્ડરની શરતો મુજબ સમય મર્યાદામાં વધારો એટલે કે એક્સટેન્શન ઓફ ટાઈમ લીમીટ અને પેનલ્ટી એટલે કે દંડની દરખાસ્તો તેમજ જ્યાં કામ નિયમ મુજબ નક્કી કરેલાં સ્પેસીફીકેશન કરતાં ઓછું થયું હોય ત્યાં રિડ્યુસ રેટ એટલે કે આરઆર મતલબ સંબંધિત આઈટમમાં સજા પેટે ભાવ ઘટાડાનું પણ હતું. આ બધું સમજતાં ખાસ્સા પંદર દિવસ લાગ્યા. દરમ્યાનમાં કામ શરુ થઈ ગયું હતું એટલે કામ કામને શીખવે તે પ્રમાણે નોટીંગ ડ્રાફ્ટીંગ પણ શીખાતાં ગયાં જે મારા માટે બીજો નવો અનુભવ હતો. પત્રવ્યવહાર માટેના મુસદ્દા પણ મારા થકી જતા એટલે વળી પાછા બે નવા શબ્દ મળ્યા ‘ડીઓ’ યાને ડેમી ઓફીશીયલ ઉર્ફે અર્ધ સરકારી પત્ર જે સંબંધિત અધિકારીને નામ જોગ લખાય. બીજો શબ્દ મળ્યો ‘સેવિંગ્રામ’. આ કાગળ મુદ્દાવાર ટૂંકમાં જ હોય પણ એ પોસ્ટમાં મોકલેલો ટેલીગ્રામ છે એમ ગણી એને અગત્યતા અપાતી. વળી પાછા એક નવા શબ્દે ડોકાચીયું કાઢ્યું ‘સ્મૃતિપત્ર’ એટલે કે રીમાઈન્ડર. આ બધું શીખતાં શીખતાં અનિલ એના રમૂજી સ્વભાવ પ્રમાણે ક્યારેક ક્યારેક કોઈ ઓફિસમાં બનેલ બનાવ ઉપરથી ટૂચકા પણ કહી નાંખતો. એક અધિકારીને કોઈ પત્ર ફાઈલ કરવાની જગ્યાએ “ફાXના” લખવાની ટેવ હતી. એ ઓફિસના એક સીનીયર ક્લાર્કે આનો અર્થ “ફાડી નાંખો” સમજીને ઘણી બધી ફાઈલોનો ભાર ઓછો કરી નાંખ્યો હતો ! એ જ રીતે “Put up” રિમાર્ક લખેલા કાગળોનું પોટલું બાંધીને એક કર્મચારીએ છાજલી પર મુકી દીધું હતું ! ઘણા સમય સુધી આ કાગળો પાછા ન આવતાં તપાસ કરતાં અધિકારીને ખબર પડી કે આવી રિમાર્ક લખેલા કાગળ તો જવાબ અપાવાને બદલે અભરાઈએ ચડી જાય છે ! પછી જો મજા થઈ છે !!
એ મહિનાનો ઉત્તરાર્ધ શાખામાં ટેબલે ટેબલે થતું કામ સમજવામાં ગયો. આમાં કેશબુક કઈ રીતે લખાય ? ત્યાંથી માંડીને સ્ટોર કીપરની કામગીરી અને ટેન્ડર ક્લાર્કથી માંડીને અન્ય કામગીરીનો બે બે દિવસ સંબંધિત ક્લાર્કની સાથે જરાય છોછ વગર એમની જ ચા પીને અનુભવ મેળવ્યો. જેના પરથી કામકાજનું બિલ બને તે મેઝરમેન્ટ બુક (એમબી) કઈ રીતે લખાય ? ટુલ્સ એન્ડ પ્લાન્ટ રજીસ્ટરમાં લાલ પેનથી ક્યારે એન્ટ્રી થાય ? સ્ટીલ અને સિમેન્ટ જેવાં મટીરીયલ કઈ રીતે ઈસ્યુ કરાય ? મટીરીયલ એટ સાઈટ એકાઉન્ટ શું ? અને અનમેઝર્ડ ક્વોન્ટીટીનું પેમેન્ટ કઈ રીતે થાય ? મેઝરમેન્ટ બુક લખતાં હીડન મેઝરમેન્ટ એટલે કે પાયો અને સ્ટીલના એ કામગીરી દેખાતી હોય ત્યારે જ રેકોર્ડ થવા જોઈએ. એ કામગીરી દેખાતી બંધ થઈ જાય ત્યારપછી આ મેઝરમેન્ટ રેકોર્ડ કરવા તે ગેરરીતિ છે. કામનું સુપરવીઝન કઈ રીતે કરવું ? અને નીચેના એન્જિનિયરોએ લખેલ એમબીમાં મેન્ડેટરી દસ ટકા ચેકીંગ કઈ રીતે બતાવવું ? આ બધું ઝીણવટપૂર્વક શીખી ગયો. મહિનાને અંતે મને લાગ્યું કે અનિલની મદદથી મળેલ આ જ્ઞાન કોઈપણ શોર્ટ ટર્મ કોર્સમાં છ મહિનામાં ન મેળવી શકાયું હોત. મારામાં એક નવા જ આત્મ વિશ્વાસનો સંચાર થયો. અડતાલીસ કિલોની આ કાયા હવે ડી.કે. દેસાઈને સબક ભણાવવા માટે બિલકુલ તૈયાર હતી.