Thursday, January 5, 2017
હાઉસીંગ બોર્ડની મારી નોકરી દરમ્યાન અગાઉ જણાવ્યું તે પ્રમાણે ચાર જુનીયર એન્જિનિયરો સાથે નીકટથી કામ કરવાનું થયું. સુરેશ બોઘાણી, વિક્રમ પરીખ, વિરેન્દ્ર શાહ અને હેમંત નાયક. આ ચારમાં વિરેન્દ્ર અને હેમંતને ચોથા તેમજ ફાઈનલ યરમાં મેં ભણાવ્યા હતા જે નાતો અહીં હાઉસીંગ બોર્ડમાં આગળ વધી રહ્યો હતો. આથી ઉલટું સુરેશ બોઘાણી અને વિક્રમ પરીખનો તો પરિચય જ હાઉસીંગ બોર્ડમાં આવ્યા બાદ થયો. પહેલાં વાત કરીએ સુરેશ બોઘાણીની. સમાજના સંસ્કારી કહી શકાય તેવા એક મોભાદાર જૈન કુટુંબમાંથી તેઓ આવતા હતા. મૂળ સૌરાષ્ટ્રના એટલે પેલો કાઠીયાવાડી ભાષાનો લહેંકો અને કોઠાસૂઝ બન્ને ખરાં. આ કુટુંબનાં ત્રણ સંતાનો સુરેશ, શૈલેષ અને દિપક એમાં સુરેશ બોઘાણી સહુથી મોટું સંતાન. જે વડોદરાથી જ સિવિલ એન્જિનિયરીંગ પાસ કરી અને નોકરીએ લાગ્યા હતા. શૈલેષ આર્કીટેકનું ભણતો હતો અને દિપક ઈજનેરીનું ભણતો હતો. મેં જ્યારે નોકરી જોઈન કરી ત્યારે એમનું કુટુંબ સાથે રહેવા નહોતું આવ્યું. થોડોક સમય તે વખતે જ્યારે હાઉસીંગ બોર્ડની કચેરી રાવપુરા લોહાણા બોર્ડીંગ બિલ્ડીંગમાં ભાડે બેસતી હતી અને ઇલોરા પાર્કમાં હજુ એનું નવું મકાન તૈયાર નહોતું થયું ત્યારે મને એક ફાયદો એ હતો કે મારી નવી ઓફિસ ભાસ્કર વિઠ્ઠલનો વાડો, માણેકરાવના અખાડા પાસે, દાંડિયા બજાર જ્યાં હું રહેતો હતો ત્યાંથી ચાલતા જઈએ તો દસ મિનિટના અંતરે હતી. પંચમુખી મહાદેવની પોળ અમદાવાદી પોળના અમારા અડ્ડાથી પણ એ દસ મિનિટ કરતાં વધારે અંતરે નહોતી. લગભગ વડોદરાના જે ખ્યાતનામ વ્યંજનો કહી શકાય તે દુલીરામના પેંડા, વિષ્ણુરામ અને જગદીશનો ચેવડો, કોઠી-રાવપુરા વચ્ચે મહારાષ્ટ્રીયન સેવઉસળ, બાલુભાઈના ખમણ, બુમીયાનું દૂધ કે શ્રીખંડ અને ખાસ તો કેનેરા કેફેનું પુનામિસળ, થોડે આગળ જાવ તો સૂરસાગરનું ખાણીપીણી બજાર, જમવું જ હોય તો ગુજરાત અથવા મહારાષ્ટ્ર ભોજનાલય આ બધું સાવ હાથ લાંબો કરીએ અને અડકી જવાય એવા અંતરે હતું. નજદીકમાં જ એક ભજીયાવાળાનું કેબિન હતું. બપોર પછી એ ધંધો શરુ કરતો. એકદમ ઝીણી ડુંગળીની છીણ અને સાવ વેફર જેવી બટાકાના પતીકા પાડી એમાંથી રીતસર એ પુરીની માફક ફુલે એવાં ભજીયાં બનાવતો. મારી સુરેશ બોઘાણી સાથેની દોસ્તી આ ભજીયાના નાસ્તાથી શરુ થઈ. એ સમયે પણ આ માણસ ઠાઠથી રહેતો. જમવા માટે સયાજીગંજમાં રજવાડી થાળી મળે તે રેસ્ટોરન્ટમાં એ જમવા જાય. એક દિવસ મને પણ આગ્રહ કરીને ખેંચી ગયા. રેસ્ટોરન્ટ ખરેખર ખૂબ સારી હતી મજા આવી. અમારો પરિચય વધતો ચાલ્યો. અમારી ઓફિસ લોહાણા બોર્ડીંગમાંથી ઈલોરા પાર્ક ખસેડાઈ અને મને પણ રહેવા માટે ત્યાં હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં સવલત મળી ત્યારે અમે વધુ નીકટ આવ્યા. આ નીકટ આવવાનું કારણ બોઘાણી સાથેના પરિચય કરતાં બીજું હતું. આમેય બોઘાણી સર્કલ ઓફિસમાં એટલે કે સીધા મારી ઓફિસમાં નહોતા પણ ડિવીઝન ઓફિસમાં કામ કરતા. અમે અહીંયાં રહેવા આવ્યા ત્યારે મારો મોટો દિકરો ચાલતા પણ નહોતો શીખ્યો. આ સમયગાળા દરમ્યાન મારી પત્નિને મોટી હૂંફ મળી બે વડીલોની. એક મારા સીનીયર કારકુન અનિલના બા અને બીજા સુરેશ બોઘાણીના બા. આ બન્ને ભેગા થઈને અમારા આ પ્રથમ સંતાનની કાળજી લેવામાં તેમજ નાની મોટી માંદગીના સમયે એમના અનુભવનો લાભ આપી ચિંતામુક્ત કરવામાં બહુ મોટું ભાગ ભજવ્યું. મારો મોટો દિકરો દાળભાત ખાતા સુરેશ બોઘાણીના ત્યાં શીખ્યો એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. આ કારણોસર અનિલ અને સુરેશ બોઘાણી સાથેના સંબંધોમાં એક આગવી આત્મિયતાની મીઠાશ ઉમેરાઈ જે કાયમ ટકી રહી. આજે પણ વડોદરા જવાનું થાય તો વિક્રમ પરીખ અને સુરેશ બોઘાણીને મળીએ ત્યારે આત્મિયતાની એ સોડમ હજુ અકબંધ છે એવો સુખદ અનુભવ થાય છે.
મૂળ વણિકનું જીવ એટલે સુરેશ બોઘાણીનું મન એકલી નોકરીથી સંતોષાતું નહોતું. એલ્યુમિનિયમનાં બારી-બારણાં અને નાનાં મોટાં બીજા ધંધા પણ એ કરી લેતા. હું જ્યારે એન્જિનિયરીંગ કોલેજમાં નોકરી કરતો હતો ત્યારે શાહ એન્ડ તલાટી કંપનીમાં સ્ટ્રક્ચરલ ડિઝાઈન માટે થોડું કામ ગૌતમભાઈ તલાટી અને મહેન્દ્રભાઈ ભાવસારના માર્ગદર્શન નીચે કરેલું. મને પણ આવા કોઈ ટેકનીકલ કામ હોય તો રસ પડતો. જો કે ધંધો કરવાની આવડત કે ત્રેવડ બન્નેનો મારા પક્ષે સદંતર અભાવ હતો.
આ પરિસ્થિતિમાં એક ઘટના ઘટી. મુંબઈની એક કંપની એમ. રસૂલને પ્રીસીઝન બેરીંગ ઈન્ડસ્ટ્રીઝના વિસ્તરણ માટેનું મોટું કામ મળ્યું. એમણે એમના બે સુપરવાઈઝર અનવર અને કયૂમને આ કામ માટે વડોદરા ભેગા કર્યા. આ કંપનીના ફાયનાન્સિયલ એડવાઈઝરશ્રી કિશોરભાઈ સુરેશ બોઘાણીના નિકટના સંબંધી હતા. આ બધી વ્યવસ્થાઓ ગોઠવવા તેઓ મુંબઈથી વડોદરા આવ્યા. એમ. રસૂલ એક મોટી કંપની હતી અને અખાતના દેશોમાં એનાં મોટાં કામ ચાલતા. પ્રીસીઝન બેરીંગ્સ જેવી જર્મન કોલાબોરેશનવાળી કંપની જ્યારે તેમને એજન્સી તરીકે પસંદ કરે ત્યારે બધી જ કડક ચકાસણીમાંથી પાર ઉતરવું પડે. સુરેશ બોઘાણી કિશોરભાઈને મને મળવા લઈ આવ્યા. વાત વાતમાં કિશોરભાઈએ સૂચન કર્યું કે તમે બન્ને ટેકનીકલ માણસો છો. ફીલ્ડવર્કનો પણ તમને અનુભવ છે. કંપનીના ફાયનાન્સિયલ એડવાઈઝર તરીકે મારે આ કામ જોવાનું છે. અહીંયા જે બે સુપરવાઈઝર મુક્યા છે તે અનવર અને કયૂમ કંપની સાથે વરસોથી કામ કરી ઘડાયેલા અને સક્ષમ માણસો છે. બાકીની કાર્યવાહી કેમ કરવી તે એમને ખ્યાલ છે. આમ છતાંય કંપનીની પદ્ધતિ પ્રમાણે અમારે એક સ્વતંત્ર એજન્સી જોઈએ જે સમયાંતરે સાઈટ પર કામ કેવું ચાલે છે તેનો અહેવાલ આપે અને ગુણવત્તા સાથે કોઈ ચેડા ન થાય તે જુએ. પ્રીસીઝન બેરીંગ્સ તે સમયે બેરીંગ્સના ક્ષેત્રે દેશની અગ્રણી કંપનીઓમાંની એક હતી અને વડોદરા પાસે માણેજા ખાતે આવેલ એનો પ્લાન્ટ અદ્યતન ટેકનોલોજી અને મશીનરી ધરાવતો હતો. કિશોરભાઈની વાત સાંભળી અમને તો બગાસુ ખાતા પતાસું મોંમાં પડી જાય એવી લાગણી થઈ. અમે આ કામગીરી કરવા અને તેમને તટસ્થતાથી અહેવાલ આપવા સંમતી આપી. પરિણામે દેશની જર્મન કોલાબોરેશન ધરાવતી એક અગ્રણી બેરીંગ કંપનીના મુંબઈના ગણમાન્ય આર્કીટેક દ્વારા ડિઝાઈન થયેલ અને ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનમાં જેને ખૂબ કડક સ્પેસીફીકેશનવાળું તેમજ જટિલ બાંધકામ કહેવાય તે અનુભવ લેવાનો રાજમાર્ગ અમારી સામે ખુલી ગયો. આગળ જતાં આમાંથી તો ઘણો મોટો વિકાસ થઈ શકે અને હાઉસીંગ બોર્ડ કે સરકારની અન્ય નોકરીઓ કરતાં વધુ સારી તક અને પ્રગતિ કરી શકાય એ વિચારે અમે રાજીના રેડ થઈ ગયા. દર રવિવારે હવે અમારે માટે કામનો એક અત્યંત નવો પ્રકાર અને ખાનગી ક્ષેત્રે કઈ રીતે કામ થાય છે તે જોવા સમજવા માટેની તક ઉભી થઈ.
સુરેશ બોઘાણી પાસે તે સમયે સુવેગા મોપેડ હતું. મારી પાસે તો સાયકલ જ હતી. લગભગ પંદર કિલોમીટર કરતાં વધારે અંતર જવા-આવવાનું સાયકલ દ્વારા શક્ય નહોતું. કારણ કે એમાં ઘણો મોટો સમય બરબાદ થાય તેવી શક્યતા હતી. બીજું સાયકલ અને સુવેગાનો મેળ મળે તેમ નહોતો. છેવટે અમે નક્કી કર્યું સુરેશ બોઘાણીના સુવેગા પર દર રવિવારે ડબલ સવારી ઈલોરા પાર્કથી માણેજા અપડાઉન કરવાનું. સવારમાં લગભગ આઠેક વાગ્યે અમારું આ સ્પેસશટલ ઉપડતું. સાઈટનું કામ પતાવતાં બે અઢી વાગ્યે તેવું બનતું. આથી પાછા આવતા મકરપુરાથી સહેજ આગળ પ્રતાપનગર તરફના રોડ ઉપર એક પંજાબી રેસ્ટોરાંમાં અમે છાપો મારતા. ભૂખ એવી કકડીને લાગી હોય કે એ રેસ્ટોરાંની તંદુરી રોટી, યલો તડકા દાલ અને ક્યારેક ચના મસાલા તો ક્યારેક મીક્ષ સબ્જી અમને છપ્પનભોગના થાળ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ અને મીઠાં લાગતાં. બહાર ન ખવાય અને એકદમ સ્પાઈસી અથવા ઓઈલી ખાવાથી એસીડીટી થાય એ ખ્યાલ હજુ અમારા મગજમાં અંકુરીત થયો નહોતો એટલે અમે યથાભૂખ ચાર-પાંચ તંદૂરી રોટી ઠપકારી જતા. જમ્યા બાદ અમારી સુવેગા સવારી લગભગ ચાર સાડા ચાર વાગ્યે ઘરે પહોંચતી ત્યારે કોઈ યુદ્ધના મેદાનમાંથી બહુ મોટું પરાક્રમ કરીને વીર યોદ્ધાઓ છાવણીમાં પાછા ફરે તેવા ગુમાન અને આનંદ સાથે અમે ઘેર પહોંચતા. “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી”નો પ્રત્યક્ષ અનુભવ અને તાલીમ અમે મેળવી રહ્યા હતા.
કામ જેમ જેમ આગળ વધતું ગયું અને ગેન્ટરી માટેના કોલમ કોઈપણ પ્રકારની એસેન્ટરી સીટી એટલે કે લાઈન બહાર ગયા વગર છેક મથાળે પહોંચ્યા ત્યારે અમારો આનદ અવર્ણનીય હતો. વચ્ચે એકાદ વખત મુંબઈથી કિશોરભાઈની સાથે શેઠીયાઓ પણ આવી ગયા અને કામની ગુણવત્તા તેમજ ગતિ જોઈ સંતોષ વ્યક્ત કર્યો. અમારા તેમજ અનવર અને કયૂમ માટે આ આનંદની બાબત હતી. પ્રીસીઝન બેરીંગ કંપનીના માણેજા પ્લાન્ટના જનરલ મેનેજરે પણ અમારા કામ તેમજ સલૂકાઈભરી વર્તણૂંકની તારીફ કરી.
દિવસો વીતતા જતા હતા. કામ આગળ વધે જતું હતું. એજન્સીઓનો તાલમેલ અને કામની ગતિ પકડાઈ ચૂકી હતી. બધું સમુસૂતર ચાલતું હતું. સહુ ખુશ હતા. પણ ત્યારે કદાચ અમે પેલી પંક્તિ ભુલી રહ્યા હતા જે કહેતી હતી –
‘એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી’
કોઈક ઘટના ક્યાંક આકાર લેવાની હતી.
પણ...
અમે તો અમારા તાનમાં ગુલતાન હતા.