મનમાં ઘડેલી ભાવિની મધુર કલ્પનાઓ શું થશે મારું? કંઈ જ સમજાતું નહોતું
હોળી(ધૂળેટી)નો દિવસ આમ રંગે ચંગે અને ઉમંગે પસાર થયો. લોકોને રંગથી અને ક્યાંક તો પાકા રંગ અથવા કાળાશ મોઢે ચોપડવાની આ પ્રવૃત્તિ મારા માટે નવી હતી. મને એમાં મનોરંજન મળ્યું એના કરતાં એક છુપો અણગમો વધુ પ્રબળ બન્યો. મા હોલિકાદહન અને ધૂળેટીનું મહત્વ સમજાવતાં ધૂળેટી વિષે કહેતી કે દુષ્ટ હિરણ્યાકશ્યપની બહેન હોલિકા પ્રહલાદજીને લઈને અગ્નિજ્વાળાઓમાં બેઠી. આ બનાવ બન્યો ત્યાં સુધી નગરજનોનો જીવ અધ્ધર હતો. આવા કુમળા અને નિર્દોષ બાળકને આ રીતે પોતાના ખોળામાં બેસાડીને પોતે અગ્નિથી નહીં સળગે એ વચનને કારણે માદોન્નત હોળીકા પોતાના ભાઈ હિરણ્યાકશ્યપની મદદે આવી હતી. અત્યાર સુધી પહાડ ઉપરથી ગબડાવ્યાથી માંડી ગાંડા હાથીની સામે મોકલીને પ્રહલાદનું કાસળ કાઢી નાખવાનો એક પણ ઉપાય કારગત નિવડયો નહોતો. નારાયણનો પરમભક્ત આ બાળક જે રીતે બચી જતો હતો તે જોતાં હિરણ્યાકશ્યપને હવે આ બાળકથી ખરેખર ભય લાગવા માંડ્યો હતો. યેન કેન પ્રકરેણ એનું કાસળ કાઢી નાખવા શું કરવું તેની ચિંતાએ હિરણ્યાકશ્યપની ઊંઘ હરામ કરી દીધી હતી ત્યારે નાની બહેન હોળીકા એની મદદે આવી અને આ બાળકને લઈને પોતે અગ્નિમાં બેસશે. પોતાને અગ્નિ નહીં બાળે તેવું વરદાન હતું. પણ પ્રહલાદને આવું કોઈ વરદાન નહોતું. નગરજનો એક છૂપી આશંકા અને ભયથી દુખી હતા અને એટલે હોળીને દિવસે આખો દિવસ માત્ર ધાણી-ચણા ખાઈને ભૂખ્યા રહ્યા હતા. સાંજ પડી, હોળી પ્રગટી અને અગ્નિપ્રવેશ કરનાર હોળીકા સ્વયં એમાં ભરખાઈ ગઈ તેમજ ભક્ત પ્રહલાદ આગની આ જ્વાળાઓમાંથી હસતો-રમતો બહાર આવ્યો ત્યારે સમગ્ર નગરમાં આનંદ પ્રસરી ગયો અને સૌના ઘેર લાપસીનાં આંધણ મુકાયાં. આજે પણ આ ઘટનાને યાદ કરી હોળી ભૂખ્યા રહી, સાંજે હોલિકાદહન બાદ મિષ્ટ ભોજન જમાય છે.
આ આનંદની અભિવ્યક્તિ બીજા દિવસે એકબીજાને ગુલાલથી રંગીને, ગુલાલની છોળો ઉડાડીને થાય છે. ઢોલ અથવા ડફના સાથે આનંદ વ્યક્ત કરતા ટોળાને ઘેરૈયા કહેવાય છે. મૂળ પ્રયોજન પોતાનો નિર્દોષ રાજકુંવર બચી ગયો તેનો આનંદ વ્યક્ત કરવાનું હતું. પણ આજે તો સાપ ગયા અને લીસોટા રહ્યા, મૂળ વાત ક્યાંય વિસરાઈ ગઈ અને ધૂળેટીનો આનંદ ઉત્સાહ નિર્દોષ રીતે માણવાને બદલે આ તહેવારને આપણે જાતજાતના નુસ્ખાઓથી સામેવાળાને રંગી નાખવાનો તહેવાર બનાવ્યો છે. આજે પણ ઉત્તર ભારતમાં હોળી બહુ આનંદપૂર્વક અને આપણી સંસ્તૃતિને શોભે તે રીતે ઘણી જગ્યાએ ઉજવાય છે. હોળીના દિવસે કાદવસ્નાન તો વ્યૂહરચનાના ભાગરૂપે કરવું પડ્યું પણ મને ક્યારેય ધૂળેટીનો આ તહેવાર અને એની ધિંગામસ્તી ગમ્યાં નથી.
હોળી વીતી ગઈ હતી, દિવસો પસાર થતા જતા હતા, વાતાવરણમાં હવે ગરમી વરતાવા માંડી હતી. યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાંથી પસાર થતો ત્યારે આંબા પર ઝૂલી રહેલ મરવા જોતાં મને મારા ઘરની સાથેના ખેતરમાં ઉભેલા એ પાંચ આંબા યાદ આવતા. શાસ્ત્રીજીના બંગલે પણ ચાર-પાંચ આંબાનાં ઝાડ હતાં, કિરીટ પટેલના ખેતરમાં પણ આંબો હતો અને પાઠશાળાને અડીને ખડાલીયા હનુમાન તરફ જતાં ભટ્ટજીનું આંબાવાડિયું હતુ તેમાં પણ ખાસાં આંબાના ઝાડ હતાં. આ આંબા ઉપરની કેરીઓ ક્યારેક પવનથી નીચે પડે, ક્યારેક વાંદરા આવ્યા હોય તે કૂદાકૂદ કરે એટલે નીચે પડે તો ક્યારેક ચૂપચાપ અમારો એકાદો સાથી બે-ચાર કેરીઓ તોડી લાવે અને પછી પાઠશાળાના અધ્યયન મંદિરના ચોકમાં અથવા અન્નક્ષેત્ર પાસેની પડાળીમાં અમે આ કેરીને કાપી એના પર મરચું-મીઠું-ખાંડ નાખી એક નાની શી ઉજાણી કરી નાખતા. કેરીઓનું મૂલ્ય નહોતું પણ ક્યારેક ભટ્ટજીના આંબનું રખવાળું કરતા કચરા ભીલની નજર ચુકાવી કેરીઓ તોડી લાવવામાં જે આનંદ હતો તે અમુલ્ય હતો. ખડાલીયા હનુમાનના બરાબર સામે આવેલુ ખેતર મારા સહાધ્યાયી શાંતુ પટેલનું હતુ જેમાં પણ આંબા હતા. આમ, ફાગણ મહિનો ઉતરે ત્યારથી અમારી જ્યાફતોમાં કેરી, દેશી લાલ ગુંદા અને શાસ્ત્રીજીના બંગલે મોટા ગુંદા આપતું ગુંદાનું એક ઝાડ હતું, એ ગુંદા તેમજ શાસ્ત્રીજીના ઘરને અડીને જ ઊભેલી બોરસલીનાં પાકા બોરસલ્લાં ઉમેરાતાં. ક્યારેક ક્યારેક ઈશ્વર શંકર એના ખેતરમાંથી ગોરસ આંબલી લઈ આવતો. આમ કુદરતી રીતે મળતાં ઘણાબધાં ફળોના વૈવિધ્યપૂર્ણ આગમનનો આ સમય ખૂબ મજાથી વિતતો. આ કારણથી યુનિવર્સિટી કેમ્પસમાંથી પસાર થતાં આંબા ઉપર મોટા થઈ રહેલ મરવાઓને જોતો ત્યારે મને અચાનક અમારી એ રઝળપાટ અને મિજબાનીઓ યાદ આવતી. ભર બપોરની ગરમીના કારણે લૂ લાગી જશે એવું તે સમયે ક્યારેય વિચાર્યું નહોતું. કુદરતના સાનિધ્યમાં અને કુદરત સાથે જીવવાનો એ અદ્દભુત અનુભવ મને વડોદરામાં લગભગ એક વરસ પૂરું થવા આવ્યું તો પણ વિસરાતો નહોતો. બે-એક અઠવાડીયાં બાદ તો પરીક્ષા થવાની હતી. બધા હવે ગંભીરતાથી એ તૈયારીઓમાં પડ્યા હતા. સિનેમા જોવાનું અને બહાર રખડવાનું લગભગ બંધ હતું. હું પણ મારી રીતે વાંચન કાર્યમાં પરોવાયો હતો.
પણ ત્યાં એક દિવસ...
રાત્રે થોડી અસુવિધા લાગવા માંડી
સહેજ શરદીની અસર હોય, નાક બળતું હોય એવું થવા માંડ્યું
છીંકો અને ઉધરસ પણ ચાલુ થઈ ગયાં
શરદી થઈ હશે એમ માની
કપાળે બામ લગાવી એ રાત્રે જરા વહેલો સૂઈ ગયો.
ઊંઘે મને ક્યારેય દગો દીધો નહોતો
એ રાત્રે નાક બંધ થતું હતું અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હોય તેવું લાગ્યું.
શરીર તૂટતું હતું, માથું દુખતું હતું
ઘેર હોત તો માએ મારી ચિંતા કરી હોત
તુલસી અને ગંઠોડા નાખી ઉકાળો બનાવી પીવડાવ્યો હોત
મારે કપાળે બામ ઘસી આપ્યો હોત
માથું દબાવી આપ્યું હોત
મને હળવેકથી ધૂંસો ઓઢાડીને એ મારી સારવારમાં લાગી હોત
ભૂતકાળના બે-ત્રણ પ્રસંગો નજર સામે આવી ગયા
બાજુમાં મારા સાથીદારો ઘસઘસાટ ઊંઘતા હતા
રૂમમાં નિરવશાંતિ હતી
ટેબલ પર પડેલા એલાર્મ ઘડિયાળનું રેડિયમ ડાયલ
રાતના સાડા ત્રણ વાગ્યા તેમ બતાવતું હતું
કોણ જાણે કેમ મને કંઈક ખરાબ થવાનું છે એ ભયે એક લખલખું આવી ગયું.
મારી આંખમાંથી આંસુ નીકળીને ગાલ પસાર કરી ઓશિકાને ભીંજવી ગયું..
મા ખૂબ યાદ આવી ગઈ
જેમતેમ કરી સવાર પડી
ડો.પુરોહિતનું દવાખાનું અગિયાર વાગ્યે ખૂલતું
ડોક્ટર સયાજીગંજના દવાખાનાનું કામ પતાવી બાર વાગે આવતા
આમારું યુનિવર્સિટી દવાખાનું હતું પણ ત્યાં મોટેભાગે કોઈ જતું નહીં
કહેવાતું કે ત્યાં ગયેલો સાજો માણસ પણ માંદો પડીને આવે એવા સિધ્ધહસ્ત ડોક્ટર હતા.
હું ધીરે ધીરે તૈયાર થઈને પંડ્યા હોટેલ
ડો.શિરીષ પુરોહિતના દવાખાને પહોંચ્યો
કેસ કઢાવ્યો. ડોક્ટર આવ્યા. ત્યાં મારો નંબર આવ્યો એટલે એમની બાજુમાં મૂકેલા સ્ટૂલ પર જઈને બેઠો.
ડો.પુરોહિતે મને તપાસ્યો પછી...
એમણે જે નિદાન કર્યું તેણે મને થથરાવી દીધો
એ નિદાન હતું મને મીઝલ્સ એટલે કે ઓરી થયાં છે તેનું.
તેમણે સલાહ આપી તાત્કાલિક હોસ્ટેલ છોડી
કારેલીબાગ ખાતે આવેલી ઇન્ફેકશીયસ ડીસીઝ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઈ જવાની
ઓરી ચેપી રોગ હતો હોસ્ટેલમાં રહી શકાય નહીં
એમણે કેટલીક દવાઓ આપી, કફસીરપ લખી આપ્યું
હું દવાખાનાનાં પગથિયાં ઉતરી શૂન્યમનસ્ક હોસ્ટેલ તરફ રવાના થયો
ID હોસ્પીટલમાં એકાંતવાસામાં રહેવાની...
ત્યાં આવા ચેપી રોગના દર્દીઓ સાથે સંપર્કમાં આવવાની
કલ્પના માત્ર મને ધ્રુજાવી ગઈ
ડો.પુરોહિતના કહેવા મુજબ બરાબર ઠીક થતાં દસ-બાર દિવસ લાગવાના હતાં
ત્યારબાદ પણ થોડુંક સાચવવું પડે
હું હોસ્ટેલ પહોંચ્યો શું કરવું તે કંઈ જ સમજાતું નહોતું
કોઈ આંતરપ્રેરણાનો દોરાયેલ હું વર્તી રહ્યો હતો
કબાટ ઉપરથી મારી નાની બેગ ઉતારી
બે-ચાર જોડ કપડાં અને વાંચવા માટે એક-બે પુસ્તકો મૂક્યા
સારો એવો તાવ હતો તેમ છતાંય બહાર નીકળી રિક્ષા પકડી હું પહોંચ્યો
એસ.ટી. ડેપો પર
લગભગ દોઢેક વાગ્યાના સમયે ઉપડતી એક બસમાં જગ્યા મળી ગઈ
સાંજે સુરજ આથમે તે પહેલાં સિધ્ધપુર પહોંચી ગયો
તાવ હતો, થોડીક અશક્તિ પણ વરતાતી હતી છતાંય
બસસ્ટેશનથી ઘર સુધી ચાલી નાખવા સિવાય કોઈ રસ્તો નહોતો
ઘરે પહોંચી અને બેગ મૂકી
મારી મા ના મોઢા પર આશ્ચર્ય અને પ્રશ્ન હતો
કેમ એકાએક???
જાણ પણ ન કરી
મારા ચહેરા પર ઓરીના કારણે થોડી રતાશ આવી ગઈ હતી
મા એ કપાળે હાથ મૂક્યો અને જાણે કે કરંટ લાગ્યો હોય તેમ પાછો ખેંચી લીધો
અરે ! આટલો બધો તાવ છે તને બેટા !
શું થયું તને?
મારો જવાબ હતો ઓરી
મા એ મને ID હોસ્પીટલમાં જવાનું ન કહ્યું
તાત્કાલિક ખાટલો ઢાળી ગોદડું નાખી મારા માટે પથારી કરી દીધી
બાજુમાંથી સોમાજીને બોલાવી લીમડાની થોડી ડાળીઓ તોડાવી બારણે બાંધી દીધી.
શીતળામાની માનતા માની દીધી
ડો.પુરોહિત માટે આ ચેપી રોગ ઓરી હતો
મા માટે એ શીતળામાનો એક પ્રકારનો પ્રકોપ હતો
મારી સારવારમાં કોઈ જ દવા લેવાની નહોતી
ખાલી તાવ આવે તો એ માટે ગોળી અને ઉધરસ માટે કફસીરપ
દિવસ પસાર થવા માંડ્યા
એકબાજુ ઓરીનો પ્રકોપ અને બીજી બાજુ
ઝડપથી નજદીક આવી રહેલ પરીક્ષા
મનમાં ઘડેલી ભાવિની મધુર કલ્પનાઓ
શું થશે મારું?
કંઈ જ સમજાતું નહોતું.