એન્જીનિયરીંગના ફાઇનલ યરના પ્રવેશદ્વારે
ફાઇનલ યર સુધી પહોચતાં પહોંચતાં તો અમે બરાબર ઘડાઈને ઘંટ થઈ ગયા હતા. આ મુકામ તય કરતાં કરતાં કેટલાક પ્રોફેસરો અમારા લાડલા તો કેટલાક ‘હેન્ડલ વિથ કેર’ એટલે કે જરા બચકે રહેવું પડે તેવા અને કેટલાક સમય પૂરતા સહપ્રવાસી જેવા બની રહ્યા હતા. સિવિલ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મિકેનિક્સ આમ તો બે જુદા જુદા વિભાગો કહેવાય પણ એકબીજા સાથે સઘન રીતે જોડાયેલા હતા. પ્રો. એલ. બી. શાહ અમારા ડિન હતા, તો ડૉ. એસ. એમ. સેન વાઇસ ડિન હતા. સિવિલ ડિપાર્ટમેન્ટના હેડ હતા પ્રો. ઓ. એચ. પટેલ, પ્રો. એન. એ. શાહ, ડૉ. આર. એમ. દવે, પ્રો. પી. એમ. મોદી, પ્રો. ભાવનાની, પ્રો. એન. પી. શાહ, સર્વેઇંગ જેમણે ભણાવ્યું તે પ્રો. સી. કે. શાહ અને હાઇવે એન્જિનિયરિંગવાળા પ્રો. કે. વી. ગૌતમ, કોઇ પણ અપવાદ વગર સક્ષમ અને વિદ્વાન પ્રોફેસર હતા. તેમના વિષય પર સારી પકડ અને એકાદ બે અપવાદને બાદ કરતાં એ વિષય સરસ રીતે વર્ગમાં પ્રસ્તુત કરવાની તેમની ક્ષમતા કાબિલે તારીફ હતી. પ્રો. દિઘે એપ્લાઈડ મિકેનિક્સ વિભાગના વડા હતા જેમની ટીમમાં પ્રો. એસ. કે. દામલે, પ્રો. પિયુષ પરીખની સાથે પ્રો. હિરયુ, પ્રો. ટી. ડી. ભાગીયા, પ્રો. કે. સૂરપ્પા, પ્રો. વી. એસ. થટ્ટે અને વ્યાખ્યાતા કક્ષાએ તે સમયે પ્રો. એમ. એન. કંથારીયા. પ્રો. આર. એમ. ભાગીયા, પ્રો. કે. સી. પટેલ, પ્રો. આર. એચ. શાહ. પ્રો. મહેન્દ્ર ભાવસાર, પ્રો. રશ્મિન પૂરોહિત, પ્રો. એ. વી. શ્રોફ, પ્રો. એ. કે. શાહ વિગેરે સક્ષમ પ્રાદ્યાપકોની મજબૂત ટીમ હતી.
લગભગ અમે ચોથા વરસમાં હતા ત્યારે પ્રો. દિપક કાંટાવાલા પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગમાં જોડાયા, લંડનથી ડોક્ટરેટ કરેલું, જેને એરિસ્ટોક્રેશી કહેવાય એ પ્રકારની રહેણીકરણી, લોહચુંબકીય વ્યક્તિત્વ, ટાઇ વગર ક્યારેય જોવા ન મળે, કાળી ભરાવદાર મૂછો અને વેધક આંખો. ડૉ. દિપક કાંટાવાલા જોડાયા ત્યારથી એક સક્ષમ અને દક્ષ પબ્લિક હેલ્થ એન્જિનિયર તરીકેની છાપ જાણે કે લઈને જ આવ્યા હોય તેવો આત્મવિશ્વાસ અને વિષય પરનો કાબૂ. આવી જ ક્ષમતા પ્રો. પિયુષ પરીખ, સોઇલ મિકેનિક્સના વડા, લંડનથી પીએચડી કરેલું, ફાંકડું ઇંગ્લિશ, ડ્રાફ્ટિંગ અને વહીવટી ક્ષમતાનો અદ્ભુત સુમેળ. પ્રો. મદન, જે તે વખતે યુનિવર્સિટીમાં પ્રો. વાઇસ ચાન્સેલર હતા, તેમના પ્રીતિપાત્ર અને યુનિવર્સિટી પાસે ધાર્યું કામ કરાવી શકે તે પ્રકારની ક્ષમતા, પ્રો. પિયુષ પરીખની આગવી મૂડી હતી. તેમની ટીમ એટલે પ્રો. અરવિંદભાઈ શ્રોફ. પ્રો. એ. કે. શાહ અને એમની સાથે જોડાયેલા લેબોરેટરી આસિસ્ટન્ટ પૂનમચંદ ગાંધી, અને એમના હાથ નીચે વસંતરાવ કદમ. ડૉ. પિયુષ પરીખનો એક રુતબો હતો.
પ્રો. એસ. કે. દામલે અમેરિકાથી સ્ટ્રક્ચર એન્જિનીયરિંગમાં એમ.એસ. કરીને આવ્યા અને શિક્ષણને જ પોતાનું સર્વસ્વ બનાવીને પૂરો સમય અધ્યયન કાર્યમાં જોડાઈ ગયા. સરળ સ્વભાવ અને સૌજન્યશીલતા એ દામલે સાહેબની આગવી મૂડી હતી. તેમની સાથેના સાથીઓમાં પ્રો. જે. કે. વ્યાસ પ્રો. ભાગીયા, પ્રો. આર. એચ. શાહ, પ્રો. થટ્ટે અને પ્રો. એવરાર્ડ.
આ બધાના હેડ પ્રો. એસ. એમ. દિઘે સાહેબ. એમનો સ્ટાફ એટલે એક ચુડાસમા ટાઈપીસ્ટ, જે સતત બીડી ફૂંકયા કરતો હોય અને બીજો એમનો પ્યુન વીરસિંગ નેપાલી. વીરસિંગને પુછીએ કે તારા ભગવાન કેટલા?
એનો જવાબ હોય ત્રણ.
બોલો કોણ?
જવાબ મળે પશુપતિનાથ, મદન સાબ અને દિંગે સાબ. (એ દિઘે સાહેબનો ઉચ્ચાર દિંગે કરતો હતો). દિઘે સાહેબ મૂળ રજવાડી માણસ. ખાસ એમને ભણાવવાનું આવતું હોય એવું ન હતું. ફેકલ્ટીમાં લટાર મારવા આવતા હોય એ રીતે આવે અને વિદાય થાય. એમને સર્વિસ ટી જોઈએ. નેસ્લેનું કન્ડેન્સ મિલ્ક વાપરે. એક વખતે આ વીરસિંગ નેપાલીએ સાહેબને કન્ડેન્સ મિલ્કની જગ્યાએ ફેવિકોલ નાખીને ચા પીવડાવી દીધી. ખબર પડી ત્યારે મોડું થઈ ગયું હતું. આમ છતાં દિઘે સાહેબનો એ છેવટ સુધીનો પ્રીતિપાત્ર રહ્યો.
એક ખાસ ઉલ્લેખ આમારા પ્રો. સવાણી સાહેબનો કરવો છે. ક્વોન્ટીટી સર્વેઇંગ્સ અને સિવિલ એન્જિનિયરિંગ પ્લાનીંગ એ શીખવાડે. સવાણી સાહેબની વિશેષતા એ કે એ કોઈપણ વિદ્યાર્થીને તેના નામ પરથી ન બોલાવે, એમને બધાના રોલ નંબર મોઢે. આના કારણે જ કદાચ મને આજે પણ ફાઇનલ યરમાં મારો નંબર ૧૨૨ હતો એ યાદ છે. સહેજ બેઠી દડીનું ભારે શરીર અને ચપટ ઓળાતા વાંકડીયા વાળ એમની ઓળખ. માણસ ભલા. તમે સાચેસાચું કહી દો તો માફ કરી દે પણ એમની નજરમાંથી તમે બહાર ડ્રોઈંગ કરાવ્યું છે કે ટોપો માર્યો છે તે છટકે નહીં. અમારે ત્યાં ફેકલ્ટીમાં કારખાનીસ કરીને ડ્રાફ્ટમેન હતા. પૈસાપાત્ર કુટુંબના નબીરાઓ એમની પાસે ડ્રોઈંગ કરાવીને અથવા બહાર કોઈ પાસે કરાવી લે એવું બનતું. પ્રો. સવાણીની નજરમાંથી એમાંનું કશું ના છટકે. પબ્લિક હેલ્થ વિભાગમાં કાંટાવાળા સાહેબની સાથે એક પ્રો. નવીન ભટ્ટ હતા. મેં આ વાત એટલા માટે લખી છે કે દરેક વિભાગના વિષય નિષ્ણાત અને શિક્ષકો એ વખતે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં શિક્ષણકાર્ય માટે ઉપલબ્ધ હતા. ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરોની ચેમ્બરો ભરીભરી લાગતી. અત્યારે બધું ખાલી ખાલી દેખાય છે. ઘણી બધી જગ્યાએ જગ્યાઓ ખાલી પડી છે. રાજ્ય સરકારની દખલગીરી ગણો કે ડાયરેક્ટર ઓફ ટેકનોલોજી એજ્યુકેશનની બેદરકારી, એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગની દશા બેઠી છે. આ એક જ ફેકલ્ટી એવી છે કે જેનું બધું જ ગાંધીનગરથી થાય છે. તેમની સર્વિસબુક સુદ્ધાં કોઈ અગમ્ય કારણોસર ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન પાસે રહે છે. એમ.એસ.યુનિવર્સિટીની બીજી કોઈ ફેકલ્ટી ઉપર સરકારનો આવો સીધો હસ્તક્ષેપ નથી.
હવે અમે ફાઇનલ યરમાં આવ્યા. ચોથા વરસથી ફાઇનલ યરમાં પહોંચી જવાનો થનગનાટ હતો. અમે હવે લગભગ લગભગ એન્જિનિયર બનવાની તૈયારીમાં હતા. છેલ્લું વરસ એ કારકિર્દીમાં સૌથી અગત્યનું વરસ હતું. છેલ્લું વરસ સિવિલ એન્જિનિયર તરીકે પણ આગળ કઈ દિશા પકડવી છે તે નિર્ણય કરાવનારું વરસ હતું. છેલ્લા વરસમાં અમારે સબ્જેક્ટ સ્પેશ્યલાઇઝેશન એટલે કે ઇલેક્ટિવ (પસંદગીનો વિષય) નક્કી કરવાનો હતો. દરેકને પોતાના કારણો હતા. છેલ્લું વરસ કારકિર્દી માટે પણ નિર્ણાયક વરસ ગણાય એટલે એમાં હાઇડ્રોલિક્સ, હાઇવે એન્જીનિયરીંગ, સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ, સોઈલ મિકેનિનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જીનિયરીંગ અને પબ્લિક હેલ્થ, એ વિષયમાંથી કોઈ પણ એક વિષય તરીકે પસંદ કરવાનો હતો. મોટાભાગે ગણિત સારું હોય અને સિવિલ એન્જીનિયરીંગ સ્ટ્રકચરની ડિઝાઇનમાં જેમને રસ હોય એ સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ પસંદ કરતા. જેને અનુકૂળ આવે એના માટે આ સ્કોરિંગ વિષય હતો કારણકે ડિઝાઇન કે દાખલો સાચો પડે એટલે પૂરા માર્ક્સ મળે. આગળ જતાં પણ કન્સલ્ટિંગ એન્જીનિયર બનવું હોય કે સ્ટ્રક્ચરલ ડિઝાઇન કંપનીમાં કામ કરવું હોય તો આ વિષય ઉપયોગી બને. બાકીના વિષયોમાંથી આપણે દરેકની પોતપોતાની અગત્યતા હતી પણ એમાં એક વાત નક્કી હતી કે ડિસક્રીપ્ટિવ એટલે કે વર્ણાત્મક થીયરીનો ભાગ પણ સારો એવો આવે. કેટલાક વિષયોમાં પ્રોફેસરો છૂટથી માર્ક્સ મૂકે એવા ઉદારદિલ હતા. એટલે હાઇવે એન્જિનિયરિંગ જેવો ઇલેક્ટિવ વિષય લેવા પાછળનાં કારણો મહદંશે ફાઇનલ યરમાં જિંદગી સરળતાથી ગુજરે અને તો પણ સારા માર્કસ આવી શકે તે હતું.
ત્યાર પછી હાઇડ્રોલિક્સ, પબ્લિક હેલ્થ એન્જીનિયરીંગ અને સોઈલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જીનિયરીંગ જેવા વિષયો હતા. હું પ્રો. પિયુષ પરીખની વાકછટા તેમ જ ભણાવવાની પદ્ધતિથી અભિભૂત હતો. બીજું, ચોથા વરસમાં આ લેબોરેટરીમાં પ્રો. પરીખે જે ફેરફારો કર્યા હતા તેને કારણે ટ્રાઈએક્સિયલ ટેસ્ટ માટેની તેમજ કન્સોલિડેશન માટે રૉ’જ ઓડોમીટર જેવી અદ્યતન સવલતો ઉભી કરાઇ હતી. આ પ્રકારની સવલતો ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પણ બહુ ઓછા પાસે હતી. આ કારણોને લઈને મેં સોઈલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જીનિયરીંગ વિષયને ઇલેક્ટિવ તરીકે પસંદ કર્યો. મારા સાથી મિત્રોને ક્યારેય હળવાશમાં કહેતો કે પાયો મજબુત નહી હોય તો કશું જ ટકવાનું નથી.
જમીન, એની જુદી જુદી પરિસ્થિતી, બોજ સહન કરવાની ક્ષમતા તેમજ જુદા જુદા પ્રકારના સ્ટેટિક, ડાયનેમિક, એસેંટ્રીક વિગેરે લોડ માટે કઈ રીતે પાયો ડિઝાઇન કરી શકાય અને એ માટે જમીનના પ્રકાર ઉપરથી તેની બેરિંગ કેપેસિટી વગેરેની ગણતરી જુદા વિકલ્પોમાંથી મજબૂત અને સલામત પાયો નાખવા માટે કયો વિકલ્પ પસંદ કરી શકાય એ શીખવાડતો વિષય જે મારા ફાઇનલ યર માટેના મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો. બસ હવે ચોથુ વરસ પૂરું કરીને છેલ્લાં વરસમાં આ વિષયના નિષ્ણાત બનવા મથવાનું હતું.