featured image

કલાભવન, કલાભવન, કલાભવન.....

મારી સરસ્વતી સાધના માટે હવે હું તારે ખોળે.

 

વડોદરા પહોંચીને બીજા દિવસે મેં કોલેજની ફી ભરવાનું કામ કર્યુ. આ બે વરસમાં મેં એક નવી ક્ષમતા ઊભી કરી હતી. સામાન્ય રીતે શરમાળ પ્રકૃતિનો હું માણસ તેને બદલે આ બે વરસમાં મારામાં એવું પરીવર્તન આવ્યું કે હું વાડ સાથે વાત કરતો થઈ ગયો. આના મૂળમાં બીજું કોઈ જ કારણ નહોતું. હું એવું માનું છું કે દરેકમાં ભગવાને કંઈક ને કંઈક ક્ષમતા આપી જ હોય છે. જ્યાં સુધી સામે ચાલીને પરિસ્થિતી તમારી બોચી ન પકડે ત્યાં સુધી તમે રણછોડ બનીને ભાગતા ફરો છો પણ જ્યારે પરિસ્થિતી તમારી બોચી પકડે અને એને પહોંચી વળવા સિવાય બીજો કોઈ જ ઉપાય ન દેખાતો હોય ત્યારે તમારામાંની પેલી છૂપાઈ રહેલી Talent એટલે કે વિશિષ્ઠ આવડત બહાર આવે છે. ઘરના તદ્દન રક્ષણાત્મક (Protective) વાતાવરણમાંથી એકાએક વડોદરાના પ્રમાણમાં ઘણા બધા પ્રગતિશીલ અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ફેંકાવાના કારણે ધીરે ધીરે આ ક્ષમતા મારામાં વિકાસવા માંડી. આ ક્ષમતા વિકાસવાના કારણે મને કોઇની પણ સાથે વાતની શરૂઆત કરવામાં જે ક્ષોભ લાગતો હતો તે અદ્રશ્ય થઈ ગયો એટલે સાચા અર્થમાં હું Extrovert અથવા બહિર્મુખી પ્રતિભા ધરાવતો થઈ ગયો.

એન્જીનિયરીંગ કોલેજની ફી ભરવા માટે સ્લીપ લેવાની હતી અને કેટલાક ડૉક્યુમેન્ટ આપવાના હતા. આ બધું કરવામાં મને પહેલી ઓળખાણ થઈ નરેશ શાહ નામના એક વ્યક્તિ સાથે. આ નરેશ શાહ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના સ્ટાફમાં મારા ખ્યાલ પ્રમાણે Accounts વિભાગમાં હતા. આગળ જતાં આ પરિચય નજદીકી ઓળખાણ અને પછી સ્ટાફમાં જોડાયો ત્યારે Friends Societyનાં સભ્ય તરીકેની નિકટતામાં પરિણમવાનો હતો. કાઉન્ટર પર ઊભાં ઊભાં મારો નંબર આવ્યો ત્યાં સુધી હું નરેશ શાહની વર્તણૂક જોયા કરતો હતો. થોડો વાતોડિયો માણસ ઘાંટા ઘાંટી કરે પણ સરવાળે મને ઉપજવાળો માણસ લાગ્યો. તે જ ઓફિસમાં એક શાંતિલાલ શાહ પણ હતા. જે સાવ તેલમાં માખી ડૂબી હોય તેમ મૂંગા મૂંગા પોતાનું કામ કર્યા કરતા.

મારો નંબર આવ્યો એટલે કોઈ પ્રયોજન વગર મેં નરેશ શાહને બિરદાવ્યા. કહ્યું, “બાપુ કામનો બોજો બહુ છે તમારે આજ કાલ !” આવું અવલોકન કોને ન ગમે. એમણે મારા સામે જોઈ સ્મિત કર્યું. મારી રસીદ વિગેરે જોઈ બાકીના ડૉક્યુમેન્ટ ચકાસી કહ્યું બધુ જ બરાબર છે. સામેથી મેં કહ્યું, “મળતા રહીશું”. એમણે પણ કંઇ ઓછા ઉતરે તેમ નહોતા એમણે કહ્યું, “હા હવે ઓછામાં ઓછા પાંચ વરસ તો તું અમારે માથે ભાગેલો જ છે ને ભાઈ”. આ કહ્યું ત્યારે નરેશ શાહને કદાચ ખબર નહીં હોય કે શબ્દશ: આવનાર સમયમાં હું એમના માથે જ ભાંગવાનો છું. આ ઓળખાણની શરૂઆત હતી જેને કારણે એન્જીનિયરીંગ કોલેજની વહીવટી શાખામાં આપણે પગ મૂકવાની જગ્યા ઊભી થઈ ગઈ. આ કોઈ નાની વાત નહોતી કારણે કે સ્કોલરશીપથી માંડીને પરિક્ષા ફોર્મ ભરવું, ટર્મ ફી ભરવી વિગેરે અને છેલ્લે રેલવે કન્સેશન સુધીની બાબતોમાં આ ઓળખાણને કારણે ઘણી બધી રાહત મળી હતી.

ફી ભરાઈ ગઈ એટલે નિરાંતનો શ્વાસ લીધો. હવે આવતી ટર્મ એટલે કે છ મહિના બાદ ફી ભરવાની ત્યારસુધીમાં તો બીજી વ્યવસ્થા થઈ રહેશે એટલે કોઈ ચિંતા નહીં.

આ એન્જીનિયરીંગ કોલેજ એટલે કે કલાભવન વિશે પણ થોડું લખવાનું ઉચિત સમજુ છું. આ સંસ્થા શરૂ કરવાનો હુકમ વડોદરા રાજ્યના નવા દીવાન મણીભાઈ જશભાઇએ પોતાના હોદ્દાનો હવાલો સંભાળ્યો તે જ દિવસે એટલે કે ૨૫, માર્ચ ૧૮૯૦નાં રોજ વડોદરા રાજ્ય તરફથી બહાર પાડયો હતો. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય અને પ્રજાની ઉન્નતિ માટે જે ઉત્તમ કાર્યો કર્યા છે તેમાં કલાભવનનું સ્થાન અગ્રીમ હરોળમાં મૂકી શકાય. ઔદ્યોગિક કેળવણી અંગેની જુદી જુદી શાખાઓમાં શિક્ષણ આપવા માટેની આ સંસ્થા શ્રીમંત મહારાજા સાહેબે શરૂ કરી અને એના સંચાલનનું કામ માત્ર ૨૭ વરસના દેશી યુવાન શ્રી ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જરને સોંપ્યું. કલાભવનનું શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવતુ અને બીજી ભાષા તરીકે અંગ્રેજીનું જ્ઞાન પણ આપવામાં આવતુ કારણ કે શ્રી ત્રિભોવનદાસ ગજ્જરની એવી માન્યતા હતી કે ઔદ્યોગિક શિક્ષણ માતૃભાષામાં આપાય તો જ વિદ્યાર્થીઓ તે બરાબર ગ્રહણ કરી શકે. ૧૮૯૦નાં ઓગસ્ટ માસથી જ કલાભવન શરૂ કરવામાં આવ્યું. એની શરૂઆત જ એવી ધમાકેદાર હતી કે શરૂઆતમાં જ ૮૦૦ વિદ્યાર્થીઓએ દાખલા થવા માટેની અરજી કરી.

  • કલાભવનમાં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં શીખવાડાતા તેવા વિષયો માટે ચિત્રશાળા
  • શિલ્પ અને એન્જીનિયરીંગનાં વિષયો ઉપરાંત શાળામાં ફર્નિચર બનાવવાનું પણ શિક્ષણ
  • મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટમાં શીખવાડાતા તેવા વિષયોમાં યંત્રશાળા
  • પ્રો. ટી. કે. ગજ્જરના માર્ગદર્શન નીચે કલાભવનમાં ઊભી થયેલ રસાયણ અને રંગશાળા જેમાં રસાયણીક પૃથક્કરણ તેમજ BSC જેટલી કક્ષાનું રસાયણનું સૈદ્ધાંતિક જ્ઞાન ઉપરથી રંગ અને રંગના ધંધાનું વ્યાવહારિક જ્ઞાન અપાતું.
  • ખેતીવાડીને લગતા વિષયો અંગેનું રસાયણીક પૃથક્કરણ શીખવાડાતી ખેતીવાડી સંસ્થા અને
  • ભાષા અને શિક્ષણ શાસ્ત્ર શાળા

જેવા વિભાગો હતા.

કલાભવન શરૂઆતથી જ એક ખ્યાતનામ સંસ્થા તરીકે સમગ્ર દેશમાં જાણીતી થઈ અને સ્વાભાવિક રીતે જ એનું નામ શરૂઆતથી જ રાજ્યમાં ખૂબ પ્રસંશા પામ્યું.

મુંબઈ રાજ્યના તે વખતના કેળવણી ખાતાના વડા ચેટફીલ્ડે લખ્યું હતું “કલાભવન દેશની ઔદ્યોગિક કેળવણી વિશેના પ્રશ્નનો નિવેડો લાવશે”.

૧૦મી ઇંડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ વેબે લખ્યું હતું “વડોદરાની  કલાભવનની મુલાકાતે મને જેટલો આનંદ આપ્યો છે તેટલો આનંદ ભારતની બહુ ઓછી સંસ્થાઓની મુલાકાતે મને આપ્યો હશે. મારી માતૃભૂમિ આયર્લેંડમાં પણ આવી સંસ્થાની જરુર છે”.

આમ સ્થાપનાથી શરૂ કરીને જ કલાભવન દેશની અગ્રિમ સંસ્થા તરીકે વિકસી. ૧૯૦૪-૧૯૦૮માં સ્વદેશી ચળવળે આ સંસ્થામાં નવો પ્રાણ પુર્યો. ૧૯૦૪માં ૨૨૪ વિદ્યાર્થીઓ હતા તે વધીને ૧૯૦૮માં ૪૮૫ અને સને ૧૯૦૯માં ૫૨૩ વિદ્યાર્થીઓ થયા. ૧૯૨૯-૩૦માં પ્રિન્સિપાલ વોરાના વડપણ હેઠળ કામ કરતી આ સંસ્થાએ એન્જીનિયરીંગની જુદી જુદી શાખાઓમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી.

સને ૧૯૪૮માં બરોડા એન્જીનિયરીંગ કોલેજ શરૂ કરવામાં આવી અને ડિગ્રી માટે વર્ગો શરૂ થયા. ૧૯૪૯માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના પછી કલાભવન દેશની અગ્રગણ્ય સંસ્થા તરીકે એનો ભાગ બની. તે સમયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ વિષયોમાં ડિગ્રી અને ડિપ્લોમા, ટેક્સ્ટાઈલ કેમેસ્ટ્રી, વણાંક અને સ્થાપત્યમાં ડિપ્લોમા સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા હતી. (સૌજન્ય: પ્રો. ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જરની જીવનકથા: પ્રાચ્યવિદ્યા મંદિર: મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય વડોદરા)

આ સંસ્થાના પ્રણેતા પ્રો. ત્રિભોવનદાસ ગજજરની યાદગીરીમાં યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ટી. કે. ગજ્જર હોલ બાંધવામાં આવ્યો જે આજે પણ પ્રો. ગજ્જર સાહેબની યાદગીરી છે.

આજે ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠીત ગણાતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેમના નામ સાથે જોડાયેલો છે તે શ્રી ઢુંઢીરાજ ગોવિંદ ફાળકે પણ કલાભવનના વિદ્યાર્થી હતા. એ વાત કલાભવનની ૧૨૫ વરસની ઉજવણી પ્રસંગે યોજાયેલ સમારંભ પ્રસંગે તા. ૨૫ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી અને મુંબઈથી ખાસ આ માટે આવેલ એમના વંશજને વિશિષ્ઠ સન્માન એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

આમ ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગ, કલાભવન એ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલ અને ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહેલ ભારતની એક અગ્રણી ટેકનિકલ એજ્યુકેશન સંસ્થા હતી. આવી ભવ્ય ભૂતકાળ ધરાવતી અને તે સમયે સિવિલ એન્જીનિયરીંગમાં એક એકથી ચડિયાતાં રત્નો કહી શકાય તેવા પ્રો. પી. જે. માદન, શ્રી એસ. બી. જુન્નરકર, પ્રો. દિઘે, પ્રો. એન. એ. શાહ, ડો. આર. એમ. દવે, પ્રો. પિયુષ પરીખ, ડો. દિપક કાંટાવાલા, પ્રો. કે. એસ. હિરયુર, પ્રો. કે. સુરપ્પા, પ્રો. એસ. કે. દામલે તેમજ બીજા ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ ખ્યાતી અને નામના ધરાવતા શૈક્ષણીક ફેકલ્ટીના વિદ્વાન શિક્ષકો પાસે ભણવાનો મોકો હવે ઉપલબ્ધ બનવાનો હતો. એ સમય હતો જ્યારે એમ. એસ. યુનિવર્સિટી અને કલાભવન બંનેની યશ કિર્તિ ચરમ સીમાએ હતાં.

આ પાશ્ચાદ ભૂમિકા સાથે હું ચોક્કસ કહીશ કે કલાભવનમાં પ્રવેશ મળે તે માટે ભલે મારી જીદ ગણો તો જીદ અને મૂર્ખામી ગણો તો મૂર્ખામી વધારાનાં બે વરસ ગુમાવ્યાં તેનો ભવિષ્યમાં કદીય અફસોસ થવાનો નહોતો. કલાભવન આમ મારા માટે સિવિલ એન્જીનિયર બનવાની મહેચ્છા પૂરી કરવા માટેનું વિદ્યાતીર્થ બન્યું.

ત્યારે પણ કલાભવનનું મારે મન જબરદસ્ત આકર્ષણ હતું.

કલાભવનમાં પ્રવેશ- મારી સ્વપ્ન સિદ્ધિનું

કલાભવન આવનાર પાચ વરસ માટે વિદ્યામંદિર

મારી સરસ્વતી સાધનાનું મંદિર

અનેકવિધ ઘડતર જ્યાં થવાનુ હતુ તે વિદ્યાધામ.

કલાભવનમાં પ્રવેશ મારા માટે કદાચ જીવનની અત્યાર સુધીની સૌથી મોટો સિદ્ધિ હતી.

કલાભવન, કલાભવન, કલાભવન.....

મારી સરસ્વતી સાધના માટે હવે હું તારે ખોળે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles