ओ मेरे जीवन में चमका सवेरा
ओ मिटा दिल से वो ग़म का अँधेरा
रँग बहारों ने भरा मेरे जीवन में
એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગ એટલે કે કલાભવનમાં સિવિલ એન્જીનિયરીંગના ડિગ્રી કોર્ષમાં પ્રવેશ મેળવવો એ મારા માટે શમણાં સાચાં પડવાની પળ હતી. આ પળ પામવા માટે મેં ખાસ્સું વેઠ્યું હતું. કેટ કેટલાય વિચારો અને આશા નિરાશા વચ્ચે હું ફંગોળાયો હતો. અનુભવનો અભાવ અને કોઈ દોરનાર નહીં એ સ્થિતિને કારણે માત્ર લાગણીનો દોરાયો હું જે નિર્ણય લઈ બેઠો હતો તેમાં એવી પરિસ્થિતી ઊભી થઈ હતી કે જીતવા માટે પાંચ રન અને એક બોલ બાકી હોય. તમારી પાસે એક માત્ર વિકલ્પ છેલ્લા બોલમાં છ રન સ્કોર કરવાનો હોય તેવી મારી પરિસ્થિતી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ FyBSC પાસ કરીને એન્જીનિયરીંગના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકાય તેમ હતું. આ અભ્યાસક્રમ FyBSC પછી ત્રણ વરસનો હતો. પણ કોઈ અગમ્ય કારણોસર મેં બધાં જ વિકલ્પ બંધ કરી દીધા હતા. FyBSCનું વરસ જાણે ક્રિકેટ રમવા માટેનું વેકેશન મળ્યું હોય તે રીતે સિધ્ધપુર અને વિસનગર વચ્ચે આવન-જાવન કરતાં અને ક્રિકેટ રમીને સંતોષ માનતાં મેં પસાર કર્યું હતું. આને પરિણામે FyBSCમાં જરૂરી ટકાવારી મેળવવા માટે મેં કોઈ પ્રયત્ન નહોતો કર્યો. લાગે છે કે માધ્યમ ગુજરાતી હતું અને જો મન મક્કમ કરીને મેં અભ્યાસ કર્યો હોત તો ગુજરાત યુનિવર્સિટીની કોઈ કોલેજમાંથી પણ B.E. (Civil) થઈ શકાયું હોત. લટકામાં બે વરસ પણ બચ્યાં હોત !
આમ કરવાના બદલે મેં એક માત્ર વિકલ્પ એન્ટ્રંસ ટેસ્ટનો પસંદ કર્યો. આ ખરેખર જોખમી કામ હતું. કોઈપણ કારણસર જો જરૂરી ટકાવારી ન આવી હોત તો મારી પાસે સિવિલ એન્જીનિયર બનવાનો કોઈ જ રસ્તો નહોતો. આમ એન્ટ્રંસ ટેસ્ટના પરિણામની સફળતા અને એમ. એસ. યુનિવર્સિટીની એન્જીનિયરીંગ કોલેજમાં B.E.(Civil)ના ડિગ્રી કોર્ષમાં એડમિશન એ મારા માટે છેલ્લા બોલે વાગેલી સિક્સર હતી. આ સિક્સર એવી હતી કે જેને પરિણામે બધીય અનિશ્ચિતતાનો અંત આવ્યો. કારણ કે મેં નક્કી કરેલ અભ્યાસક્રમમાં પ્રવેશ મળી ગયો.
રાવપુરા પોસ્ટઓફિસથી તાર મોકલ્યા બાદ હું બહાર આવ્યો. મારી આજુબાજુનું વડોદરા મને આટલું સુંદર ક્યારેય નહોતું લાગ્યું. માણસનું મન ખુશ હોય ત્યારે આજુબાજુની દુનિયા પણ જાણે ખુશીમાં ઝૂમતી હોય એવું દેખાય છે. મારા માટે કદાચ જિંદગીના સૌથી વધુ ખુશીના દિવસોમાંનો આ એક દિવસ હતો. સાંજના લગભગ ચાર સાડા ચારનો સમય થયો હશે. મેં રાવપુરાના રસ્તે સ્ટેશન તરફ ચાલવા માંડ્યુ. થોડે દૂર જતાં જ પેલી ભજીયાઉસળની દુકાન પર નજર પડી. ઉત્સાહમાં અત્યાર સુધી ઝાઝો ખ્યાલ નહોતો આવ્યો કે હું સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે જમ્યો હતો. પરિણામની ચિંતામાં ઊભા શ્વાસે જમ્યો હતો એટલે જમવામાં કંઇ ભલીવાર નહોતો આવ્યો. હવે ચિંતાનાં વાદળો વિખરાઈ ચૂક્યાં હતાં. મન હળવું ફૂલ થઈ ગયું હતું એટલે ભૂખ લાગી છે તે ખ્યાલ આવ્યો. હું ભજીયાઉસળની એ નાનકડી દુકાનમાં પગથિયાં ચડી ગયો અને ખાતાં જ કપાળે પરસેવો આવે એવું તીખું તમતમતું ભજીયાઉસળ ખાધું. આમેય મોં બળતું હતું. પેટમાં જગ્યા પણ હતી અને તરસ પણ લાગી હતી એટલે બે ગ્લાસ પાણી ગટાગટાવી તૃપ્તિનો ઓડકાર ખાધો. બીલ ચૂકવી નીચે ઉતાર્યો. મેં અમદાવાદી પોળ તરફ ચાલવા માંડ્યુ. ત્યાંથી આગળ ગાંધીનગર ગૃહ (ટાઉન હૉલ) પાસે પ્રતાપ અને મોહન બે થિયેટર હતા. એમાથી એકમાં મારા ફેવરેઇટ એક્ટર રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર અને સાયરાબાનુનું આઈ મિલન કી બેલા ચલચિત્ર ચાલતું હતું. સાડા છ વાગ્યાનો શો હતો. બુકિંગ ચાલુ હતું. ટિકિટ મેળવવામાં કોઈ તકલીફ પડી નહીં. મેં અપરસ્ટોલની એક ટિકિટ કઢાવી અને એ સાંજે આઈ મિલન કી બેલા ચલચિત્ર મન ભરીને માણ્યું. શો છૂટ્યા બાદ બહાર આવીને અમદાવાદી પોળથી બસ પકડી. હવે મારું ગંતવ્ય સ્થાન હતું સયાજીગંજ હેવમોર. સયાજીગંજ ઉતરીને મારી પ્રિય એવી હેવમોર રેસ્ટોરંટનો દરવાજો ધકેલીને વિજયી શહેનશાહની અદાથી દાખલ થઈ ખૂણાના ટેબલ ઉપર મેં સ્થાન લીધું. આજની સાંજ મારે મન ભરીને માણવી હતી. હેવમોરનું એ સાંજનું મારું મેનૂ હતુ છોલેપુરી અને એ પત્યા બાદ કસાટા આઇસ્ક્રીમ. મજા આવી ગઈ. એ જમાનામાં માતબર કહી શકાય એવી બે રૂપિયા ટીપ વેઇટરને આપીને હું બહાર પડ્યો ત્યારે પગ ધરતી પર પડતા નહોતા. મારા પસંદીદા ગીતની પંક્તિ અનાયાસે હોંઠો પર આવી ગઈ.
“पंछी बनूँ उड़ती फिरूँ मस्त गगन में
आज मैं आज़ाद हूँ दुनिया की चमन में
ओ मेरे जीवन में चमका सवेरा
ओ मिटा दिल से वो ग़म का अँधेरा
रँग बहारों ने भरा मेरे जीवन में
आज मैं आज़ाद हूँ दुनिया की चमन में”
આજે ખાસ્સો 12 રૂપિયા જેવો ખરચ સિનેમા અને ડીનર પાછળ કરી નાખ્યો.
ખેર ક્યારેક બાપા પાસેથી સાંભળ્યું હતું-
“યાવદ્ જીવમ્ સુખમ્ જીવેત્
રૂણમ્ કૃત્વા ધૃતમ્ પિબેત્”
આજે જાણે અજાણે મારાથી ચારવાકની દેવું કરીને પણ ઘી પીવું વાળી શિખામણનો અમલ થઈ ગયો.
આજનો દિવસ જ ખાસમ ખાસ હતો ને? પરિણામના આગલા દિવસે ચિંતાને કારણે ઉંઘ નહોતી આવતી આજે વધારે પડતો આનંદ અને ભવિષ્યની રંગીન કલ્પનાઓએ મારો કબજો લઈ લીધો હતો. ખાસ્સી મોડા સુધી ઉંઘ ન આવી.
બીજા દિવસે આગળની વિધિ અંગે જાણકારી મેળવવા જમ્યા બાદ બપોરે એન્જીનિયરીંગ કોલેજનો રસ્તો પકડ્યો. ફી ભરવા માટેની સ્લીપ કઈ રીતે મેળવવી તેમજ જે કંઇ સૂચનાઓ હોય તે વિશે પૂરી માહિતી મેળવી લીધી. પહેલાં વડોદરા એક વરસ અને ત્યારબાદ વિસનગર એમ જાતજાતના કૂવાનાં પાણી પીને હું હવે થોડો ઘડાયો હતો. પૂછપરછ કરવામાં હવે જરાય ક્ષોભ નહોતો થતો. બધું સરળતાથી ચાલી રહ્યું હતું. ફી ભરવા માટે જરૂરી રકમ સિવાય બાકીની બધી જ જોગવાઇ આપણી પાસે હતી. આ માટે એક જ રસ્તો હતો. સિધ્ધપુર જઈને બાપા પાસેથી પૈસા લઈ આવવાનો. મેં સિધ્ધપુર જવા માટે બીજે દિવસે સવારની ગુજરાત ક્વીન પકડી અને અમદાવાદ થઈ સિધ્ધપુર પહોંચી ગયો. મારી મા અને બાપા બંને ખુશ ખુશ થઈ ગયા. જમી કરીને નવરા થયા બાદ મેં ધીરે રહીને ફી ભરવા અંગેની વાત મૂકી. આટલા પૈસા બાપા પાસે હાથવગા ન હોય એ મને ખબર હતી. આટલી ફી ભરવા પૂરતી અને પછી ત્રણ ચાર મહિનાના ખરચ પૂરતી જ ચિંતા હતી આગળ તો સ્કોલરશીપનો હપ્તો મળે એટલે વ્યવહાર નભી જાય તેમ હતો. ત્યાં સુધીનો એક મોટો મોટો અંદાજ મૂક્યો તો લગભગ ૫૦૦ રૂપિયા જોઈએ. તેમાં પણ હાલ ૩૦૦ રૂપિયા હોય તો ચાલે બાકીના દોઢ બે મહિના પછી મળે તો પણ ચાલે.
મારા બાપાની મોટામાં મોટી ખાસિયત એ હતી કે એમણે ક્યારેય મારી જરૂરિયાત પૂરી કરવા માટે એમણે શું જુગાડ કરવો પડશે એની મૂંઝવણ મારા સામે પ્રગટ કરી નહોતી. આ ગુણને કારણે મેં હંમેશાં મારા બાપાને જીવન યુદ્ધના એક અણનમ યોદ્ધા તરીકે જ જોયા હતા અને આજે પણ એ જ આદરથી એમનું સ્મરણ કરું છું. મેં જે ઉંમરે એન્જીનિયરીંગ ભણવા માટે વડોદરા જવાની વાત કરી ત્યારે મારા બાપા નોકરીમાંથી રિટાયર્ડ થઈ ચૂક્યા હતા. ઘરે રહીને જે ભણાય તે ભણો એવું અધિકાર પૂર્વક મને કહી શકાયું હોત. આગળ ભણવું હોય તો ભણો પણ સાથે ટ્યુશન કે બીજુ કાંઇ કરીને પોતાનો ખર્ચો રળી લો એવું પણ કહી શકાયું હોત. આથી તદ્દન ઉલટું મારા બાપાએ મને હંમેશાં આગળ વધવા માટે પ્રેર્યો અને ગમે તે રીતે જુગાડ કરીને પણ મારી જરૂરિયાતો પૂરી કરી. કદાચ મારા માબાપ એક એવું ઝાડ ઉછેરી રહ્યા હતા કે જેનાં ફળ ખાવાનો એમની પાસે સમય રહેવાનો નહોતો. અરે ! એ ઝાડના છાયામાં પણ બહુ લાંબો સમય એમને બેસવાનું નહોતું. જે દુન્યવી ગણતરીથી વ્યવહારુ નહોતું એવું નિસ્વાર્થ કામ જાતે ઘસાઈને, હસતાં હસતાં મને કદીયે એમની મજબૂરી કે મુશ્કેલીનો જરા સરખો પણ ખ્યાલ ન આવે તે રીતે એમણે કર્યું અને એટલે જ મારા માબાપની આ તપશ્ચર્યાને હું ઋષિકાર્ય ગણું છું.
ખરો ચમત્કાર તો બીજા દિવસે થયો. આટલા વરસોમાં મારી માને પણ કોઈક કોઈક વખત ક્યાંકથી પૈસા મળતા. ક્યારેક મોટા માસી આપે, ક્યારેક બળેવ નિમિત્તે મારા રંગૂનવાળા શાંતિમામાનું મની ઓર્ડર આવે, ક્યારેક મામાને ઘેર ગયા હોઈએ અથવા પ્રસંગ હોય તો એમનો વ્યવહાર આવે. કુલ ચાર ભાઈ-બહેનોમાં મા સૌથી નાની હતી. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ પણ સૌથી નાની હતી. એ હંમેશ સંકડાશમાં રહીને જીવી હતી. પણ એ દિવસે તો એણે કમાલ કરી નાખી. આમ તો ક્યારેક ક્યારેક ઘરમાં અડી પડ્યું હોય, કોઈ મહેમાન આવ્યા હોય અને તાત્કાલિક કંઈક મંગાવવું હોય તો મા અમારા ઘરની સંકટ સમયની સાંકળ હતી. એની પાસે હોય ત્યાં સુધી એ વ્યવહાર ગબડાવ્યે જતી પરિણામે જે કંઇ નાની મોટી એની બચત હોય તે ઘસાયા કરતી. મા એના પૈસા કબાટમાં, ટ્રંકમાં, ડબ્બામાં એમ જુદી જુદી જગ્યાએ રાખતી. એ દિવસે ચા પીવાઇ ગયા બાદ એણે આ બધી જ જગ્યાએથી જે કંઇ મૂડી હતી તે ભેગી કરી અને મારા હાથમાં આપી મને કહ્યું ગણ. ૧૦, ૫, ૨ અને ૧ રૂપિયાની નોટ સુધી આ બધી નોટો ગણીને મેં કહ્યું ૩૫૭ રૂપિયા થાય છે. માએ કહ્યું ૩૦૦ રૂપિયા રાખ તારું કામ નભી જશે. ૫૭ મને પાછા આપ. અહીં વગડામાં બેઠા છીએ અણધારી જરૂર પડે તો મને જોઈએ. પછી બાપા તરફ ફરીને એણે કહ્યું હવે બાકીના ૨૦૦ રૂપિયાની વ્યવસ્થા તમે કરી દેજો એટલે ચાલશે. બાપાએ હંમેશ મુજબ એમની લાક્ષણિક લઢણમાં જવાબ આપ્યો “સબ હો જાયેગા”. બાપા ક્યારેક મૂડમાં હોય ત્યારે હિંદીમાં એકાદ બે વાક્યો ઠપકારી દેતા. રેલવેની નોકરીની કદાચ આ અસર હતી.
જેની ચિંતા હતી તે વાતનો માએ એક ક્ષણમાં જ નિકાલ લાવી દીધો. માના મારી ઉપર અનેક ઉપકારો છે. પણ આ ઘટના મારા સ્મરણપટલ પર એવી જડાઈ ગઈ કે સમગ્ર વિદ્યાર્થીકાળ દરમિયાન ત્યારબાદ મેં ઘરેથી એક પૈસો માંગ્યો નથી.
પૈસાની જોગવાઈ થઈ ગઈ. સમય હતો હજુ બે ત્રણ દિવસ રોકાઈને મેં ફરી પાછી વડોદરાની વાટ પકડી. આ વખતે ઓછામાં ઓછાં પાંચ વરસ ત્યાં રહેવાનુ એ સ્પષ્ટ ખ્યાલ સાથે હું સિધ્ધપુર છોડી રહ્યો હતો.
મારા વિદ્યાર્થી જીવનમાં કારકિર્દીના પ્રથમ તબક્કે આવેલી એક મોટી આંધી આ રીતે પસાર થઈ ગઈ. સાથો સાથ ઘણું શીખવાડતી ગઈ.
આજે પણ ક્યારેક મા યાદ આવે ત્યારે ઘણું બધુ યાદ આવે છે. પણ હું એન્જીનિયર બનું તે માટેની જરૂરી નાણાં વ્યવસ્થાના પાયામાં માની અનેક અપદાઓ વેઠીને કરેલી બચતની આ પવિત્ર મૂડી અને એના આશીર્વાદ છે.
આ કારણથી ત્યારબાદ કદીયે કોઈ પરીક્ષામાં હું ફેઇલ નથી થયો અને ક્યારેય મારી ભાવિ કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઊભો નથી થયો.