પરીક્ષામાં પ્રથમ આવ્યા, અભિનંદન!

જીવનની પરીક્ષામાં પ્રથમ આવવાનું હજુ બાકી છે.

 

પરીક્ષા અને શિક્ષણ અંગેની ચર્ચામાં આગળ વધીએ.

હવે તમારો દીકરો કે દીકરી મોટા થઈ રહ્યા છે.

એમણે એમની ક્ષમતા પ્રમાણે કોલેજમાં કે અન્ય કોઈ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ લઈ લીધો હશે.

હવે કોલેજમાં શિક્ષણ શરૂ થશે.

હજુ પણ તમારો દીકરો કે દીકરી મુક્ત અને પરિપક્વ વિચારવા માટે સંપૂર્ણ સુસજ્જ નથી.

એની નજર સામે ડિગ્રી છે. એ માને છે કે ડિગ્રી હાથમાં આવી એટલે “કર લો દુનિયા મુઠી મેં” સિદ્ધ થયું.

જે પરિસ્થિતિ બારમા ધોરણ પછી આવી હતી......

તેનાથી સહેજ જુદી જાતની પરિસ્થિતિ રાહ જોઈ રહી છે.

હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કે પછી પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ કે પછી કોઈ મલ્ટીનેશનલ કે કોમર્શિયલ અથવા વિદેશની કોઈ યુનિવર્સિટીમાં શિક્ષણ લેવા માટે ઊડી નીકળવું.

આ બધું ન થાય તો પછી ?.......

શિક્ષિત બેકાર ! ! !

ઘરનો વેપાર ધંધો હોય તો ગાદીએ બેસો.

ન હોય તો ?

બેકારનું લેબલ મારી હતાશામાં સરી પડો.

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ દુનિયામાં ડિપ્રેશનનો રોગ સૌથી વધુ ભારતમાં છે. આ દેશમાં દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ હતાશામાં સબડે છે.

૭૫ ટકાથી વધુ ડિપ્રેશનના કેસ ૨૪ વરસથી નીચેના વયજૂથમાં છે.

એક બાજુ આપણે કહીએ છીએ “સાવિદ્યા યા વિમુક્તયે”

“મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા”

 આને માનીએ તો સીધો પ્રશ્ન થાય......

તમે એવું કેવું શિક્ષણ મેળવ્યું કે બેકારીમાંથી બહાર નીકળી રોજીરોટી નથી રળી શકતા ?

આ કેવું શિક્ષણ કે “શિક્ષિત બેકાર”

તમારા નામની આગળ પાછળ લાગતું રહે.

ક્યાંકને ક્યાંક આપણે આપણી જાતને તપાસવાની છે.

કોઈ પદવીદાન સમારંભમાં વક્તવ્ય આપતા મૂર્ધન્ય સાહિત્યકાર અને ચિંતક તેમજ શિક્ષણવિદ્ ફાધર વૉલેસે આ સંદર્ભમાં કાંઈક આમ કહ્યું છે –

પદવીદાન સમારંભમાં

સાક્ષરોની સમક્ષ

શિષ્ટ ભાષણોના તાલે

તમારા હાથમાં મરોડદાર અક્ષરોવાળો

એક કાગળ મૂકાય તે માટે ને ?

એ કાગળ

તમારી ડિગ્રીનો હશે

તમારી લાયકાતનું પ્રમાણપત્ર હશે

શાનું પ્રમાણપત્ર ?

શાની લાયકાત ?

પદવી મળી એટલે...

જીવનમાં ઝૂઝવાની યોગ્યતા સિદ્ધ થઈ એવું હોતું નથી

હાથમાં કાગળીયાં આવ્યાં એટલે

મનમાં અને દિલમાં જરૂરી સંસ્કારો પડ્યા એમ પણ નથી

પરીક્ષા માટેની તૈયારી અને જીવન માટેની તૈયારી

એ કાંઈક જૂદી જ વસ્તુઓ છે.

પરીક્ષામાં પ્રથમ આવ્યા ?

શાબાશ

પણ હજુ જીવનમાં પ્રથમ આવવાનું બાકી છે !

- ફાધર વાલેસ

પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે પછી ઉચ્ચ શિક્ષણ માટેની કોઈ મહાવિદ્યાલય કે યુનિવર્સિટી હોય, જ્ઞાનપ્રાપ્તિના વિવિધ તબક્કે માર્ગદર્શક તરીકે માસ્તર એટલે કે શિક્ષક અથવા ગુરૂની ભૂમિકા બહુ જ અગત્યની છે. ઈશ્વરની આરાધના અને પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ ગુરૂની કૃપા અને માર્ગદર્શન ન હોય તો કામ અધૂંરૂં રહે છે અને એટલે જ કહ્યું છે –

“ગુરૂ ગોવિન્દ દોનોં ખડે, કા’કો લાગૂં પાઁય

બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય”

આમ, ગુરૂનું મહત્વ ગોવિંદ એટલે કે ભગવાન કરતાં પણ વધુ ગણ્યું છે. કારણ કે એના દ્વારા અપાયેલ જ્ઞાન અથવા માર્ગદર્શન થકી જ યોગ્યતા પ્રાપ્ત કરીને વિદ્યાર્થી અથવા શિષ્ય પ્રકાશમાન દિપક સમાન પરમાત્મા સુધી પહોંચી શકે છે.

ભારતની વાત કરીએ તો, ગુરૂની ભૂમિકા આથીયે આગળ વધીને રાજ્ય કે સમાજ ઉપર આપદા આવે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે પણ માર્ગ દર્શક તરીકે ખૂબ અગત્યની બની રહે છે. ધનનંદની અત્યાચારી અને અધર્મી રાજ્ય વ્યવસ્થાને વિદાય કરી એની જગ્યાએ ચંદ્રગુપ્તની સુચારૂ અને સક્ષમ રાજ્યવ્યવસ્થા સ્થાપવામાં પંડિત વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની ભૂમિકા આપણને સહુને સુવિદિત છે જ. તે જ રીતે પોતાના ગુરૂ રામદાસના અક્ષયપાત્રમાં સમગ્ર રાજ્ય મૂકી દેનાર છત્રપતિ શિવાજી નીતિ અને ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થા આપે તેવો ગુરૂનો આદેશ અને એના અનુસંધાને શિવાજી મહારાજના તે આદેશના પ્રતિકરૂપે ભગવો ધ્વજ સ્થાપી સ્વામી રામદાસના પ્રતિનિધિ તરીકે રાજ્ય કરનાર શિવાજી મહારાજનું જીવન આજે પણ આજે ભારતના ઈતિહાસનું એક જ્વલંત પ્રકરણ છે.

આમ, ગુરૂ ઈશ્વરની પણ ઉપર છે, માતા-પિતાથી પણ ઉપર છે અને એવા સક્ષમ ગુરૂ સાથે ઘડાયેલી વ્યક્તિ પછી ભલે તે શ્રીકૃષ્ણ અને સુદામા હોય અથવા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હોય, અર્જૂન હોય, અશ્વત્થામા હોય કે કર્ણ હોય, સક્ષમ ગુરૂના માર્ગદર્શન વગર ઈતિહાસનાં આ અમરપાત્રો કેટલું કાઠું કાઢી શક્યાં હોત એ મોટો સવાલ છે.

પુત્ર અને શિષ્ય પિતા અથવા ગુરૂ કરતાં સવાયા પાકે અને ગુરૂ કે પિતા અનુક્રમે પોતાના શિષ્ય કે પુત્રના નામે ઓળખાય એ સર્વોત્તમ પરિસ્થિતિ છે.

આ તર્કને આગળ વધારીએ તો આત્મબળ અથવા સ્વબળથી ખ્યાતિ મેળવે તેવા વ્યક્તિત્વનું ઘડતર કરનાર પરિબળ એટલે શિક્ષક.

સમય કોઈની રાહ જોતો નથી. નિરંતર ચાલતી ઘડતરની આ પ્રક્રિયામાં ઘડાતા ઘડાતા સમય ક્યાં વિતી ગયો એનો ખ્યાલ પણ નથી રહેતો.

પરીક્ષામાં પ્રથમ આવનારને પણ ફાધર વાલેસ કહે છે

“શાબાશ ! પણ હજુ જીવનમાં પ્રથમ આવવાનું બાકી છે !! “

આમ કોલેજ કે યુનિવર્સિટીનું શિક્ષણ તમને વિષય જ્ઞાન આપે છે. જીવન જ્ઞાન નથી આપતું. જીવન જીવવાની કળા પણ નથી શીખવતું.

એ માટે તમારે કોઈકના અનુભવની યુનિવર્સિટીમાંથી કાંઈને કાંઈક મેળવવાનું છે.

ભણતર પત્યુ.

કદાચ એ ચણતરની પ્રક્રિયા હતી.

એણે તમારામાં એક ક્ષમતા ઊભી કરવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.

પણ.....

એ ગણતર નહીં આપી શકે.

ગણતર માટે અનુભવથી મોટો શિક્ષક બીજો કોઈ નથી.

એક નાનો પ્રસંગ લખું.

આજથી લગભગ પાંત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. અમારા બાળકોને અમે લૉ ગાર્ડન ફરવા લઈ ગયા હતા. એ વખતે લૉ ગાર્ડનમાં આટલી ભીડ નહોતી રહેતી. એક ખૂણામાં સરસ મજાની લૉન પર અમે જગ્યા લીધી. બાળકો આજુ બાજુ રમતાં હતાં. અનેક લોકો પોતાના બાળકોને લઈને અમારી માફક જ આવતા હતા. એમાં મેં જોયું તો એક વિદેશી બહેન કાનમાં મ્યુઝિક સાંભળવાનું ઈયરફોન નાખીને ધીરે ધીરે ટહેલતી આગળ વધી રહી હતી. પાછળ એનું લગભગ અઢી થી ત્રણ વર્ષનું બાળક મસ્તીથી ચાલી રહ્યું હતું. આમાં......

એકા એક પેલા બાળકને ઠોકર વાગી અને એણે ગડથોલિયું ખાધું

સરસ મજાની ધરો (લૉન) હતી એટલે ખાસ વાગ્યું નહીં હોય. તો પણ રડવા માંડ્યું.

બાજુમાંથી પસાર થતાં કોઇ કે આ બહેનનું ધ્યાન દોળ્યું

બહેને પાછળ વાળીને જોયું. બાળક નીચે પડેલું હતું. માનવ સહજ સંવેદનાથી હું એ બાળકને ઉભું કરવા જતો હતો. પેલી બહેને ખૂબ જ નમ્રતા પૂર્વક આભાર સાથે મને આમ ન કરવા દીધું.

તેમણે બાળક સામે જોઈને એને ઊભો થઈને ફરી પાછો ચાલતો થવા માટે થોડા સત્તાવાહી સ્વરે કહ્યું.

મનમાં થયું કેવી મા છે આ.

આ બધી ભાંજગડ વચ્ચે મેં જોયું કે બાળક ઊભું થયું અને એની મા તરફ ચાલવા માંડ્યુ.

ના તો એની મા યે કિડીને ધત્તા કરી

ના તો પેલા બાળકને ઊચકી લઇને ખૂબ વ્હાલ કર્યુ.

આ બધું જરા જુદું લાગ્યું એટલે મેં ખૂબ જ નમ્રતા પૂર્વક પૂછ્યું “આ બાળકને મદદ કરવાની આપે ના કેમ કહી”

એનો જવાબ સાંભળી હું છક થઇ ગયો. એણે કહ્યું “જુઓ મહાશય આ બાળકને આ દુનિયામાં મોટું થવાનું છે તેને કોઈ ગંભીર ઇજા થઇ નથી કે મારે મદદ કરવા જવું પડે. એ જ્યારે મોટો થશે અને આ દુનિયા સાથે એનો પનારો પડશે ત્યારે પોતે પડે આખડે તો એણે જાતે જ ઊભા થતાં શીખવું પડશે.

આવી લાગણી દર્શાવી મદદ કરવાથી તો એનું મનોબળ નબળું પડશે જે મને નહીં પોસાય કે એને પણ નહીં પોસાય.”

આવું આપણે વિચારીએ છીએ ખરા?

લાગણીના અતિરેકમાં આપણે આપણાં સંતાનોને ક્યારેક વધારે પડતા લાડ લડાવીને પરાધીન નથી કરી દેતા?

જો આ વાત સમજાય તો ફાધર વાલેસે દીક્ષાંત પ્રવચન માં જે વાત કહી છે તે આપો આપ સમજાઈ જશે.

તમારા દીકરો કે દીકરી જીવનની પરીક્ષામાં પ્રથમ આવે તે માટે ક્યારેય વિચાર્યું છે ખરું ?

વિચારી લેજો

પરીક્ષામાં પ્રથમ આવી ડિગ્રી સર્ટીફીકેટ મેળવવું જેટલું અગત્યનું છે તેટલું જ અગત્યનું જીવનની પરીક્ષામાં પ્રથમ આવવાનું છે.

સંમત હો તો આજથી જ કામે લાગી જાવ.

શુભકામના !

ઈશ્વરના આશીર્વાદ તમારા અને તમારા સંતાનો ઉપર હંમેશા ઊતરતા રહે.

અને છેલ્લે.....

મારા પરમ મિત્ર અને સુજ્ઞવાચક દિલીપભાઇ શુકલે પરીક્ષા માટે કેટલીક પંક્તિઓ લખી મોકલી છે એને સાભાર અહી ઉતારું છું.

પરીક્ષા તું એમ ના સમજતી

કે.....

હું તને આપવા આવ્યો છું

તું માપ જે સર્વ ને

હું...

તને માપવા આવ્યો છું.

દરેક વિદ્યાર્થી આ પંક્તિઓ ગોખી કાઢો

અને....

આત્મ વિશ્વાસ સાથે પરીક્ષામાં બેસે

સફળ થાય એવી શુભકામનાઓ...


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles