એક પરીક્ષા તમારા બાળકનું ટેલેન્ટ ક્યારેય નક્કી ન કરી શકે.
જ્યારથી પરીક્ષા નામનો શબ્દ સમજતો થયો ત્યારથી કોઇપણ પરીક્ષામાં નાપાસ નથી થયો.
પરીક્ષા આવે એટલે મા ‘જરા અભ્યાસમાં ધ્યાન રાખજે બેટા, હવે પરીક્ષા બહુ દૂર નથી’ એટલું કહે ખરી પણ રમતગમત અને રખડવાથી માંડીને મારી કોઈ પણ દિનચર્યા પર પ્રતિબંધ ના આવે.
મને બરાબર યાદ છે. હું એન્જીનીયરીંગના ચોથા વરસમાં હતો. ત્રીજું સેમેસ્ટર એટલે કે એપ્રિલ મહિનામાં પરીક્ષા માથે હતી, બરાબર ત્યારે જ એક મોટી દુર્ઘટના ઘટી.
શરૂઆતમાં થોડા દિવસ તાવ આવ્યો, ઉધરસ અને ગળામાં દુ:ખવાનું શરૂ થયું. બરાબર એના ત્રીજા કે ચોથા દિવસે ડૉ. શિરીષ પુરોહિતે નિદાન કર્યું કે તને મિશલ્સ એટલે કે ઓરી નીકળ્યા છે. એ દિવસે બપોર સુધીમાં તો મોં આખું લાલઘૂમ થઈ ગયું. શરીર આખાયે મોટી અળાઈઓ નીકળી હોય તેવું અને ખાંસી તેમજ ગળામાં દુ:ખાવો વધતો ગયો.
મારો રૂમ પાર્ટનર મેડિકલમાં હતો. સાંજે એ કોલેજમાંથી આવ્યો એટલે જાણે કે બહુ મોટી દુર્ઘટના ઘટી હોય એમ એણે જાહેર કર્યું, ‘Missels is highly infectious’ એટલે કે ઓરી અત્યંત ચેપી રોગ છે. બીજું વાક્ય હતું, ‘You need to be Isolated’, તારે બધાથી અલગ રહેવું પડે.
મને સીધો જ લઈ જઈને કારેલીબાગમાં આવેલી ચેપી રોગોની હોસ્પિટલ (I D Hospital)માં દાખલ કરી દીધો. મેં પત્રથી ઘેર જાણ કરી એટલે ચોથા દિવસે મા અને બાપા વડોદરા પહોંચ્યા. મને હવે સારું હતું અને આઇડી હોસ્પિટલમાંથી રજા મળી. અલબત કફ સિરપ જેની બ્રાન્ડ મને હજુય યાદ છે, Benadryl Expectorant, પેરાસીટામોલની ગોળીઓ અને બીજી કેટલીક દવાઓ મને આપી હતી. મા ઘરેથી સાકર અને વરિયાળી લઈ આવી હતી. એણે માટીની એક મોટી કુલડીમાં પલાળી અને એ પાણી મને પીવા માટે આપવાનું શરૂ કર્યું. રાત્રે પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષના અગિયાર દાણા, સવારે પાણીમાં મસળીને પી જવાના. એ ઉપરાંત એણે જે માનતા કરવાની હશે એ તો કરી જ હશે.
અશક્તિ ભયંકર લાગતી હતી. વાંચવા બેસવાનો પ્રયત્ન કરીએ તો કદાચ પહેલું કફ સિરપ ઘેનનું કામ કરતું હતું. આમ પરીક્ષાને માંડ દસ દિવસ હતા ત્યારે આ પરિસ્થિતિ હતી. મા અને બાપા અમારા એક સગાને સગાને ત્યાં ઉતર્યા હતા. બીજે દિવસે હું એમને મળવા માટે ગયો.
પરીક્ષામાં મારું શું થશે એની અત્યંત ચિંતા હતી. જો પરીક્ષા ના આપીએ તો ફાઇનલ યરમાં એ ફરી આપવી પડે એટલે વધારાનો બોજ માથે પટકાય. આ બધી ચર્ચાની પુર્ણાહુતી કરતાં માએ કહ્યું, ‘બેટા, વધારેમાં વધારે શું થશે? તું નાપાસ તો નહીં થાય. ભગવાનનું નામ લઇ પરીક્ષા આપી દે. છેલ્લા વરસમાં બોજો લઈને બેસવું યોગ્ય નથી.’ વળી પાછું એની લાક્ષણિક ઢબથી ઉમેર્યું, ‘જો બેટા, ઘોડા ઉપર ચડે એ પડે પણ ખરો. વધારેમાં વધારે એકાદ-બે વિષયમાં નાપાસ થવાશે એ જ ને? કોઈ ચિંતા નહીં રાખવાની.’ બાપા એ પણ વાતમાં સંમતિસૂચક પોતાનું ધુણાવ્યું અને હળવેકથી મારી પીઠ ઉપર ધબ્બો મારી એમની સંમતિની મહોર મારી દીધી. અંતે મેં પરીક્ષા આપી. ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું. એ સેમેસ્ટરમાં ફર્સ્ટ ક્લાસ ન લાવી શક્યો પણ ફાઇનલ યરમાં કોઈ બોજા વગર જઈ શકાયું અને છેલ્લા વરસનાં બંને સેમિસ્ટરમાં સરસ માર્કસ સાથે બેચરલ ઓફ એન્જિનિયર (સિવિલ)ની ડિગ્રી મેં યુનિવર્સિટીમાં રેન્ક અને ડિસ્ટિંકશન સાથે પસાર કરી. માની એ શિખામણ ‘ઘોડે ચડે તે પડે પણ ખરો’ અને ‘પરીક્ષાના પેપર તારી જિંદગી નથી લખવાનાં’ કાયમ માટે યાદ રહી ગયું.
મેં મારા કોઈ પણ બાળકને ક્યારેય પરીક્ષા માટે ટેન્શનમાં નથી મૂક્યું જેનો મને આનંદ છે. આજે આ વાત લંબાણથી એટલા માટે લખું છું કે હવે બોર્ડની પરીક્ષાઓ આવશે. ખાસ કરીને બારમા ધોરણના પરીક્ષાર્થીઓ અને તેમનાં મા-બાપ અત્યારે જાણે કે કોઈ યુદ્ધ લડવાનું હોય તે રીતે કામે લાગશે.
કારકિર્દી ઘડવા માટે પરીક્ષાને ગંભીરતાથી લેવી જોઈએ
પણ એ પરીક્ષાનું પરિણામ એ જ સર્વસ્વ છે એવું માનનાર વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એમનાં માબાપો માટે મારા એક whatsapp મિત્રએ મોકલાવેલ પોસ્ટ અક્ષરશ: નીચે ઉતારું છું.
વાત કંઇક આ પ્રમાણે છે -
જાપાનમાં પરીક્ષા પહેલાં બાળકોના માતપિતાને સ્કુલના આચાર્યએ એક પત્ર લખ્યો જેનો ગુજરાતીમાં અનુવાદ નીચે પ્રમાણે છે.
વ્હાલા વાલી મિત્રો,
મને ખબર છે કે તમે તમારા બાળકના પરીક્ષામાં સારા પ્રદર્શનને લઇને ખુબજ ચિંતિત છો.
પરંતુ એક વસ્તુ યાદ રાખજો, આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્યના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી.
આમાં કેટલાક ભવિષ્યની મોટીમોટી કંપનીના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવાની કોઈ જરૂર નથી.
આ બાળકોમાં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાનના ગુણની કોઈ જરૂર નથી.
કેટલાક સારા રમતવીરો પણ છે જેમના માટે આ તમામ વિષયોને સમજવાની કોઈ જરૂર નથી. તેમના માટે ફિટનેસ પૂરતી છે.
જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના સ્વાભિમાનનું અપમાન કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.
જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે. તારો જન્મ તો આ બધા કરતા મહાન કાર્ય કરવા માટે થયો છે.
જો તે ઓછા માર્ક્સ લાવે તો કહી દો કે તું અમારો વ્હાલો દીકરો કે દીકરી છે અને અમે તને ખુબજ પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા જીતી લેશે.
એક 100 માર્ક્સના પેપર થી તમારા બાળકનું ટેલેન્ટ ક્યારેય નક્કી ના થઇ શકે.
તમારાં બાળકોને એક સારા માણસ બનવાની શિક્ષા આપજો.