featured image

દરેક વિભાગની એક વિશિષ્ઠતા હતી. એમાં ભણાવતા પ્રોફેસરોની પણ કેટલીક લાક્ષણિકતાઓ હતી. એક પ્રોફેસર જે ખાસ્સા સિનિયર ગણી શકાય અમને ભણાવતા

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગમાં આપણું ગાડું હવે ગાડી બની ચૂક્યું હતું

અને...

એ ગાડી ગીયરમાં પડી ચૂકી હતી.

 

        દરેક વિભાગની એક વિશિષ્ઠતા હતી. એમાં ભણાવતા પ્રોફેસરોની પણ કેટલીક લાક્ષણિકતાઓ હતી. એક પ્રોફેસર જે ખાસ્સા સિનિયર ગણી શકાય અમને ભણાવતા તેમની પાસે એક નોટ હતી. હું માનું છું કે છેલ્લાં કેટલાંય વરસોમાં એમાં એમણે કોઈ ઘટાડો વધારો કર્યો નહોતો. મજા તો એ આવતી કે એ નોટનું પાનું ઉપર ફરતા પંખાને કારણે ફરી જાય તો અડધો દાખલો આ પાના ઉપરથી અને બીજો અડધો દાખલો બાજુના પાના ઉપરથી એમ ભેગા થઈ જાય ! હું એમનો વિષય તેમજ નામ ઉલ્લેખ નથી કરતો કારણ કે આ ઉલ્લેખ પણ માત્ર લાક્ષણિકતા દર્શાવવા પૂરતો જ કર્યો છે કોઇની પણ ટીકા અથવા અણછાજતી કોમેન્ટ માટે નહીં. એ જ રીતે હીટ એંજીન્સનો વિષય શીખવાડતા અમારા બીજા એક પ્રોફેસર હતા જે બોલે ત્યારે લગભગ આંખો મીંચાઇ જાય. આ કારણથી એમની આંખો ખૂલી હોય ત્યારે મોં બંધ હોય અને મોં ખુલ્લુ હોય ત્યારે આંખો બંધ હોય. અંગ્રેજી પણ એમનું આગવું જ. અંગ્રેજી ભાષાનું સૌથી વધારે નિકંદન તો વર્કશોપમાં નીકળતું. આ સાહેબ પણ કઈ ગાંજ્યા જાય તેવા નહોતા. “આ પિરિયડ પછી મને મળજે” કહેવું હોય તો એ આરામથી “See me behind this period” કહી શકતા હતા ! અને “તારો ચહેરો મને યાદ છે” એમ કહેવું હોય ત્યારે બેધડક રીતે કહેતા કે “I can remember your mouth”. માણસ સારા પણ વિષય ઉપરની પકડ સાવ ઢીલી. પ્રો. આર. સી. પટેલ અને પ્રો. એ. ડી. પંડ્યાનું પુસ્તક ટેસ્ક્ટબુક તરીકે ચાલતું. દાખલા પણ એ એમાંથી બેઠા ગણાવે. આમ છતાંય વિદ્યાર્થીઓ એમને તંગ નહોતા કરતા એનાં બે મુખ્ય કારણો હતાં. પહેલું આ સાહેબ ક્યારેય હાજરી નહોતા પૂરતા એટલે મિનિમમ એટેન્ડન્સનો પ્રશ્ન એમના વિષયમાં થાય જ નહીં. બીજું આંતરીક મૂલ્યાંકન માટે જે ટેસ્ટ લેવાતા તેમાં પણ એ માર્ક્સ આપવામાં ખાસા લિબરલ રહેતા. અમે ઘણીવાર મજાકમાં કહેતા કે આ વિષયમાં ફર્સ્ટ ક્લાસથી નીચે માર્ક્સ લાવવા હોય તો ખાસ પ્રયત્ન કરવો પડે ! ફાઇનલ પરિણામમાં પણ આ વિષયમાં બે ચાર સેકન્ડ ક્લાસમાં હોય અને બાકી બધા ફર્સ્ટ ક્લાસમાં અને એની ઉપર જ હોય. આમેય અમારે આગળ જઈને આ હીટ એંજીન્સ અને સ્ટીમ સાથે પનારો પાડવાનો નહોતો એટલે અમે પણ આ વિષયમાં બહુ ઝાઝા ગંભીર નહોતા. માણસ ભલો હોય ત્યારે ક્યારેક એની ઉણપો દટાઈ જાય છે. મૂળ ઉત્તર ગુજરાત તરફના આ સજ્જન આ કારણથી જ લીવ એન્ડ લેટ લીવ એટલે કે જીવો અને જીવવા દોનાં સિદ્ધાંતને અનુસરીને ચાલી જતા.

        પહેલા બે વરસ દરમિયાન ફિઝીક્સ અને કેમેસ્ટ્રી વિષયો પણ હતા. કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં મોટા ભાગે ટાઈટરેશન અને સંયોજનો અથવા મિશ્રણને ઓળખવા માટેના પ્રયોગો આવતા. શરૂઆત પોટેશિયમ પરમેંગેનેટનાં ચોક્કસ નોર્માલીટીવાળા દ્રાવણને સલ્ફ્યુરીક એસિડ સાથે ટાઈટરેશન (ઘટક તત્વનું માપ કાઢવાનો પ્રયોગ) કરવાનું રહેતું. આ ઉપરાંત ઇનોર્ગીક અને ઓર્ગેનીક કેમેસ્ટ્રીના બીજા પ્રયોગો પણ હતા. આમાનું ઘણું બધુ FyBSCની કેમેસ્ટ્રી લેબોરેટરીમાં કરી ચૂક્યા હતા એટલે લેબોરેટરીમાં મારું ધ્યાન મોટાભાગે કામ પતે કંઈકને કંઈક સળી કરવાનું રહેતું. લેબોરેટરી ઇન્સ્ટ્રક્ટરની નજર ચૂકવી અમે ક્યારેક નાઇટ્રીક એસિડના બાટલામાં થોડો સલ્ફ્યુરીક એસિડ નાખી દેતા, ક્યારેક સિલ્વર નાઇટ્રીટને ગ્લુકોઝ સાથે કસનળીમાં ઉકાળી કાચની અંદરની બાજુ ચાંદીનું નાનું પડ ચડે એટલે અરીસા જેવી અસર આવે તેવુ કરવાનું, ક્યારેક કોપર સલ્ફેટ (મોરથુથુ)ના દ્રાવણમાં લોખંડની કોઈ વસ્તુ અથવા કોઈની પાસે ગજવામાં નાનું ચપ્પુ હોય તો તે લઈને ડૂબાડી એના ઉપર કોપર સલ્ફેટ પરથી તાંબુ છૂટું પડી તાંબાનો ઢોળ ચડે તે જોતા, ક્યારેક પારો ફાઉન્ટેન પેનની ક્લીપ પર ઘસી એને ચાંદીનો ચળકાટ આપતા આવું ઘણું બધુ કરતા. લેબોરેટરીના વાતાવરણમાં જાતજાતનાં કેમિકલ્સ જે પ્રમાણે પ્રયોગ ચાલતા હોય તે પ્રમાણે વપરાય જેન કારણે ઊભી થતી સલ્ફર ડાયોક્સાઈડની ગંધ અથવા હાઈડ્રોજન સલ્ફાઈડની સડેલા ઈંડા જેવી ગંધ ક્યારેક અસહ્ય બનતી. સામે એનીલીનની મિઠ્ઠી સુવાસ અને બેન્જીનની કડવી બદામના તેલ જેવી સુવાસ ગમતી. પ્લેટીનમ વાયરના લૂપમાં બોરેક્સ ઓગાળીને પરીક્ષણ માટે આવેલ પાઉડર સાથે એને ત્રેસ બર્નરની જ્યોતમાં ધરી જુદા જુદા રંગોની બીડ બને તેના ઉપરથી એનું પરીક્ષણ કરતા તો ક્યારેક આયોડાઈડ હોય તેની સાથે કસનળીમાં સલ્ફ્યુરીક એસિડ અથવા બ્રોમાઈડ હોય તેની સાથે આ જ પ્રકારની પ્રક્રીયા થાય અને આયોડીન કે બ્રોમિનનો રંગીન ધુમાડો નીકળે તે જોવાની મજા આવતી. પોટેશિયમ પરમેંગેનેટને કસનળીમાં ગરમ કરીએ એટલે ઑક્સીજન છૂટો પડે એમાં સહેજ સળગતી હોય એવી દિવાસળી કે બીજી કોઈ વસ્તુ ઉતારીએ એટલે એકદમ પ્રજ્વલીત થઈ ઊઠે તે જોવાની પણ મજા આવતી. કેમેસ્ટ્રી અને એની સાથે જોડાયેલ પ્રક્રીયાઓએ મને હંમેશા આકર્ષિત કર્યો છે. ઇનોર્ગીક હોય કે ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા પછી ફિઝીકલ કેમેસ્ટ્રી હોય આ બધા જ મારી પસંદગીના વિષયો હતા અને આ કારણથી લેબોરેટરીનો વર્ગ અને લેબોરેટરી મારા માટે મનગમતો સમય હતો. મોટાભાગે મને થીયરી કરતાં વાસ્તવિકતા સાથે જોડાયેલ પ્રેક્ટિકલમાં વધુ રસ પડતો અને એટલે કોઈપણ આપવાદ વગર લેબોરેટરીના વિષયમાં પ્રમાણમાં ઓછા પ્રયત્ને હું સારા માર્ક્સ મેળવતો. તેમાંય કેમેસ્ટ્રી કે ફિઝીક્સ અથવા અપ્લાઈડ મિકેનીક્સની પ્રાયોગિક પરીક્ષામાં મારા ક્યારેય ૫૦માંથી ૪૫ કરતાં ઓછા માર્ક્સ આવતા નહોતા. ક્યારેક અનાયાસે ભૂતકાળ સાથે સરખામણી થઈ જતી. પ્રેપરેટરી સાયન્સના એ દિવસો જ્યારે મારે કેમેસ્ટ્રીમાં ૫૦માંથી શૂન્ય માર્ક્સ આવ્યા હતા અને વિસનગર FyBSC કરી આવ્યા પછીનો હવેનો સમય એ તદ્દન વિપરીત છેડે ઊભેલી પરિસ્થિતિઓ હતી. કેમેસ્ટ્રીમાં ડો. જે. એસ. દવે સાહેબે મને પળોટ્યો. એવા બીજા બે અમારા આદરણીય પ્રોફેસરો હતા ડો. જે. એમ. લુહાર એટલે કે ડો. જયનારાયણ લુહાર, બરાબર મારા નામે નામ ! અને બીજા હતા પ્રો. એ. એમ. તલાટી. બંને સૌમ્ય પણ સારી રીતે સમજાવી શકનાર એટલે કે ઉત્તમ Teaching Power – શિક્ષણ ક્ષમતા ધરાવતી વ્યક્તિઓ હતી. (હમણાં છેલ્લે છેલ્લે એન્જીનિયરીંગ કોલેજમાંથી ૧૯૬૬માં જે બેચ ગ્રેજ્યુએટ થઈ તેના રીયુનીયનમાં ૨૦૧૭ની સાલમાં તલાટી સાહેબને મળવાનું થયું હતું એ વખતે એમની ઉંમર ૯૨ વરસ જેટલી હતી.

        આમ એન્જીનિયરીંગ કોલેજમાં ભણવાનું મારા માટે કોઈપણ પ્રકારની તકલીફ વગરનું, પ્રમાણમાં સરળ અને ઉત્તરોત્તર વધુને વધુ માર્ક્સ લાવતો જાઉં તેવું હતું. શરૂઆતમાં મને નહીં ફાવતા વિષયોમાં મશીન ડ્રોઈંગ અને ત્યારપછી સિવિલ એન્જીનિયરીંગ ડ્રોઈંગ વિષેની વાત કરી. સિવિલ એન્જીનિયરીંગ ડ્રોઈંગ એટલે કે જુદાં જુદાં પ્રકારના મકાનોનું પ્લાનીંગ અને આયોજન અમને પ્રો. સવાણી સાહેબ શીખવાડતા. જાડા કાચના ચશ્મા, સારું એવુ તેલ નાખી ઓળાવેલા વાંકડીયા વાળ, વેધક આંખો, બેઠી દડીનું શરીર અને વિષય ઉપરની સારી પકડ એમની વિશિષ્ટતા હતી. પણ સવાણી સાહેબની ખાસીયત તો બીજી જ હતી. એ દરેક વિદ્યાર્થીને નામથી નહીં પણ રોલ નંબરથી યાદ રાખતા. એમાં ક્યારેય ભૂલ ન પડે અને એટલે એમના સાથેના વ્યવહારમાં અમે પણ જાણે ડીજીટલ એન્ટીટી હોઈએ તેવા બની જતા. એમણે મને અટકથી કે નામથી ક્યારેય બોલાવ્યો નહોતો. મારો રોલ નંબર ૧૨૨ હતો અને એ જ સવાણી સાહેબ માટે મારી ઓળખ હતી. મને ડ્રોઈંગ સાથે હંમેશા તકલીફ રહી છે. મારે માટે એ વિષય થોડોક મુશ્કેલીવાળો રહ્યો પણ ધીરે ધીરે મહેનત કરીને એમાં પણ સારી એવી પકડ મેળવી લીધી. આગળ જતાં પેન્સીલ ડ્રોઈંગ ઉપરાંત એના ઉપર કાળી શાહીથી ઇંકીંગ કરવાની એક પ્રક્રીયા વધી. મને એ સારું ફાવતુ પણ મૂળે મજૂરી કરવાનો સ્વભાવ નહીં એટલે આ વિષયો ક્યારેય મારા પ્રિય વિષયો બની શક્યા નહીં.

        મકાનનું ડ્રોઈંગ કરીએ પછી એની ડિઝાઇન કરવી પડે અને આ વિષય પ્રો. કે. સુરપ્પા શીખવાડતા. ખૂબ જ હોશિયાર માણસ પણ વિદ્યાર્થીને રસ પડે તે રીતે વિષયની રજૂઆત કરવામાં થોડીક ઉણપ. આ ઉણપ પૂરી કરી એ વખતે ભારત સરકારના એક વિશિષ્ઠ કાર્યક્રમ હેઠળ અમારી કોલેજમાં મુકાયેલા કિરીટભાઇ પટેલે. કિરીટભાઇ પટેલ અમેરીકાથી પાછા આવ્યા અને ભારત સરકારની એક વિશિષ્ઠ યોજના “પુલ ઓફીસર્સ પ્લેસમેંટ” જે હેઠળ ભારત સરકાર વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને દેશમાં પરત આવેલ તેવા નિષ્ણાતોને જુદી જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં મોકલતી હતી. તે યોજના હેઠળ પ્રો. કે. સી. પટેલ અને પ્રો. એ. આર. શાહ એ અમારે ત્યાં મુકાયા. કિરીટભાઇ મજાના માણસ. અત્યંત આકર્ષક વ્યક્તિત્વ, સાલસ સ્વભાવ, મોતીના દાણા જેવા અક્ષર અને વિષય પરની પૂરી પકડ એમની વિશેષતા હતી. થોડું ઘણું સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ અમે કિરીટભાઇ પાસે પણ ભણ્યા.

        આ ઉપરાંત સોઇલ મિકેનીક્સ, હાઇવે એન્જીનિયરીંગ અને સર્વેઇંગ આ ત્રણેય વિષયો એમની સાથે સંકળાયેલ ટીચીંગ ફેકલ્ટીના વિશિષ્ઠ મહાનુભાવો અને એમાંય ફિલ્ડ વર્ક અથવા લેબોરેટરીના કામને લગતી કેટલીક રસપ્રદ બાબતો આજે પણ એવીને એવી સાંભરે છે.

        સૌથી વધુ મજા અને હેરાનગતી અમે વેઠ્યા વર્કશોપમાં. કાળા કે બ્લ્યુ ડ્રેસમાં રોબ મારવાનો જે શરૂઆતનો શોખ હતો તે રંધો મારવામાં અને ચિઝલથી કે વાંસલાથી લાકડું વેતરવામાં અને એમાથી ડવ ટેઇલ જોઇન્ટ કે એવા બીજા આકારો બનાવવામાં હવા થઈ ગયો. બરાબર ધગધગતા લોખંડ પર ઘણ મારીને એમાથી ષટકોણાકાર બનાવતાં બનાવતાં ખાસો પરસેવો પડી જાય. લેથ ઉપર ટર્નિંગ અને સાથોસાથ ફીટીંગ માટે કાનસ ઘસીઘસીને તૈયાર કરવાના જોબ એટલા સરળ તો નહોતા જ. ખાસ કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ જે ટેકનીકલ સ્કૂલમાંથી નહોતા આવતા તેમને માટે. પણ આ બધીય માથાકૂટ અને પરસેવો પાડવાની કસરતથી નીપજતો કંટાળો અમારું વર્કશોપનું અંગ્રેજી દૂર કરી દેતું.

આજે પણ વર્કશોપમાં વિવિધ રીતે બોલાતું અંગ્રેજી યાદ આવે ત્યારે ચહેરા પર સ્મીત આવી જાય છે.

વર્કશોપના એ આરી, રંધો, કાટખૂણો, ચીઝલ અને કાર્પેન્ટરી એટલે કે સુથારીકામ માટેની વિવિધ કવાયતો

સ્મિધી, ટર્નિંગ અને ફીટીંગમાં પણ ઘણ ઊંચકી અને ધબાધબ લોઢું ગરમ હોય ત્યાં સુધી જ ટીપી નાખવાનું

આ બધાની સાથોસાથ અત્યંત કડક

તીખા મરચાં જેવા અમારા વર્કશોપ સુપ્રિન્ટેન્ડેન્ટ

મિસ્ત્રી સાહેબ અને એમના આસિસ્ટન્ટ

સર્વેઇંગ માટે થિયોડોલાઇટ, ચેઇન અને કંપાસ સર્વે, કંટુર સર્વે અને છેલ્લે મહાબળેશ્વર સર્વેઇંગનો કેમ્પ

સર્વેઇંગ વિષય શીખવાડનાર પ્રો. સી. કે. શાહ કડક તો ખરા પણ ગજબની દાઝ રાખે. વિદ્યાર્થીઓમાં સી. કે. ચકલી તરીકે જાણીતા.

સોઇલ મિકેનીક્સમાં પ્રો. પિયુષ પરીષ અને લેબોરેટરીમાં જેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે તે પ્રો. આણંદભાઇ. કે. શાહ તે સમયે કોન્સોલિડેશન વિષયો લઇને રો ઓડોમીટર ઉપર પ્રયોગો કરી PhD કરી રહેલા એ. ડી. શ્રોફ સાહેબ.

જેમ અપ્લાઈડ મિકેનીક્સમાં ડાહ્યાભાઇ મિસ્ત્રી હતા એવા સોઇલ લેબોરેટરીમાં પુનમચંદ ગાંધી અને એટેન્ડેન્ટ વસંત રાવ અને આ બધાનાં લૂગડાં લઇને જાય તેવો પાર્ટટાઈમ પટાવાળો અને પાર્ટટાઈમ બિઝનેશમેન ધીરુ.

ઘણાં બધાં પાત્રો, ઘણું બધું વાતાવરણ

જુદા જુદા અનુભવો, કેટલાક ખાટા કેટલાક મીઠા

તો કેટલાક તીખા તમતમતા.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગમાં આપણું ગાડું હવે ગાડી બની ચૂક્યું હતુ

અને...

એ ગાડી ગીયરમાં પડી ચૂકી હતી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles