આઠમા ધોરણમાં આવ્યાના છ મહિનામાં જ અવનવા અનુભવોમાંથી પસાર થવાનું બન્યું. ગુજરાતી પ્રાથમિક શાળાઓમાંથી અને તેમાંય છ ધોરણ સુધી મેં જ્યાં અભ્યાસ કર્યો તે રાજપુર પ્રાથમિક શાળાના વાતાવરણમાંથી હાઈસ્કૂલના બદલાયેલા વાતાવરણમાં અને પ્રમાણમાં વધુ હરિફાઈ સાથે પનારો પડે તેવા વાતાવરણમાં હું દાખલ થયો. મારા માટે આ એક જુદા જ પ્રકારનો અનુભવ હતો. હજુ શિક્ષણકાર્યની બરાબર શરૂઆત થાય ત્યાં જ યુનિફોર્મમાં ચડ્ડી પહેરવાના મુદ્દે વિદ્યાર્થીઓએ પાડેલી હડતાળ અને પ્રિન્સિપાલ ભાવસાર સાહેબે ચાણક્ય બુદ્ધિથી તેનો કરેલો નિકાલ મને બે વસ્તુ શીખવી ગયાં. કોઈ પણ પ્રકારની હડતાલ સાથે વિદ્યાર્થી અવસ્થામાં પનારો પડ્યો હોય એવો આ પહેલો પ્રસંગ હતો. નિશાળમાં ભણવા જ જવાનું હોય અને તેમાં સાહેબ કહે તે પ્રમાણે જ ચાલવાનું હોય એવું વિચારવા ટેવાયેલ મારા મનમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સામે પણ વિરોધ કરી શકે અને તેમાંયે હડતાલ જેવું અંતિમ શસ્ત્ર ઉગામી શકે તેની તો ક્યારેય કલ્પના જ નહોતી કરી. આવું કશું થઈ શકે તે કોઈએ કહ્યું હોત તો મેં માન્યું જ ન હોત. અત્યાર સુધી નિશાળ જઈ માત્ર એક જ સત્તા એક સત્તા જોઈ હતી અને તે સત્તા સાહેબોની – અમારા શિક્ષકોની હતી. સ્કૂલમાં શિક્ષક અબાધિત અધિકાર અને સત્તા ભોગવે તે ખ્યાલ એલ. એસ. હાઈસ્કૂલના પ્રવેશ સમયે જ વિદ્યાર્થી આગેવાનોએ ખોટો પાડ્યો. એક રીતે કહીએ તો સંઘબળ અને બીજી રીતે કહીએ તો પોતાની તાકાતના જોરે ઊભું કરેલ વર્ચસ્વ આ બંનેનો સમાવેશ હડતાલ સમયે જોવા મળ્યો. આ વર્ચસ્વ સ્થપાયું હોત તો કદાચ ભવિષ્યમાં પણ નાના-મોટા પ્રસંગોએ વિદ્યાર્થી આગેવાનોએ એક યા બીજા પ્રકારનું વિરોધ પ્રદર્શન કર્યું હોત. સદનસીબે આ પ્રકારનું કાંઈ થયું નહીં. સંઘબળ અને કાંઈક અંશે કહીએ તો અપરિપક્વ વિચારધારાવાળી વિદ્યાર્થી આગેવાની ભાવસાર સાહેબની પરિપક્વ અને શાંત પ્રકૃતિના હાથે માત ખાઈ ગઈ. ભાવસાર સાહેબ નખશીખ ગાંધી વિચારધારા આત્મસાત કરીને જીવનાર વ્યક્તિ હતા. કથની અને કરણીમાં જરાયે ભેદ રાખ્યા વગર જીવનાર આ વ્યક્તિ માટે મારા મનમાં એક પૂજ્યભાવ સાથેની છબી અંકિત થઈ, જે આજે પણ જળવાઈ રહી છે.
ગાંધીજી કે ગાંધી વિચારધારાને સમજવાનો બહુ મોકો નહોતો મળ્યો. હું ચોક્કસપણે માનું છું કે, ભાવસાર સાહેબે એ દિવસે ગાંધી વિચારધારાનું એક નાનું બીજ મારા મનમાં વાવ્યું જે કાળક્રમે અંકુરિત થઈ વડલાની જેમ ફૂલ્યું ફાલ્યું. ગાંધી વિચારધારા અને તેની આજના સમયમાં સુસંગતતા અથવા આવશ્યકતા વિષયને લઈને ઘણી જગ્યાએ મેં મારા વિચારો પણ વ્યક્ત કર્યા છે. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ, જ્યાં માનવી સ્વકેન્દ્રી બન્યો છે. પોતાના સિવાય કોઈનો જ વિચાર નહીં કરવાનો અને ઉપભોકતાવાદની ચરમસીમાએ જીવવાનું એ આજના યુગનું લક્ષણ બન્યું છે. એક પ્રકારના અજંપા અને તમસે માણસના મનમાં કબજો લઈ લીધો છે. એ સતત તાણમાં જીવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ પ્રમાણે, આવનાર વર્ષોમાં વધુને વધુ માણસો જીવનપદ્ધતિના રોગો જેવા કે, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, તાણ, સ્ટ્રોક, ડીપ્રેશન વિગેરેથી પીડાઈને મરશે. આ પરિસ્થિતિથી બચવું હોય તો ક્યાંક આપણે આપણી જાત સાથે સમાધાન સાધતાં શીખવું પડશે. અપેક્ષાઓની મર્યાદા બાંધતા શીખવુ પડશે. ભૌતિકવાદ અને ઉપભોક્તાવાદને નાથતાં શીખવું પડશે.
આ કરવું હોય તો એનું પહેલું પગથિયું પ્રાર્થના છે. ગાંધી વિચારધારા આજના સમયમાં પ્રસ્તુત કે અપ્રસ્તુત એ ચર્ચાની શરૂઆત હું –
“રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ.
ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સનમતિ દે ભગવાન.”
આ ધૂનથી કરૂં છું. હું જાતે જ આ ધૂન ગવડાવું છું અને દસ મિનિટનાં આ આયામને અંતે જ્યારે ઑડિયન્સને પૂછું છું કે, “સારૂં લાગ્યું ?” “કાંઈક હળવાશ લાગી ?” અને જવાબમાં જે પ્રતિસાદ મળે છે તે પ્રાર્થના થકી તાણ એટલે કે સ્ટ્રેસ હળવું થાય છે તેનો જીવંત દાખલો છે. જો આ વાત માનીએ તો શરૂઆતથી જ એમ કહી શકાય કે, નિયત સમયે પ્રાર્થનાથી પોતાની સભાની શરૂઆત કરનાર મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
એથીયે આગળ વધીને કહું તો, સતત તાણ નીચે જીવતા આજના જમાનાના માણસ માટે ગાંધીવિચાર જ્યારે ગાંધી હયાત હતા ત્યારે જેટલો પ્રસ્તુત ન હોતો તેથીયે પણ વધુ પ્રસ્તુત છે. મનની શાંતિ અને પ્રસન્નતા એ તમે કેવું જીવન જીવો છો એની ગુણવત્તાની પારાશીશી છે. એ જમાનો મેકઅપનો કે ફોટોગ્રાફ્સ માટે તૈયાર થવાનો નહોતો છતાં ગાંધીના ચહેરા પરનું નિર્મળ હાસ્ય અને તણાવમુક્ત મુદ્રા મેં બહુ ઓછા નેતાઓના મ્હોં પર જોઈ છે અને એટલે જ ભાવસાર સાહેબે હાઈસ્કૂલ પ્રવેશની શરૂઆતમાં જ પોતાના આચરણથી ગાંધીવિચારનું બીજ મારા નાનકડાં મગજમાં વાવ્યું હતું જે આજે વટવૃક્ષ બનીને ફૂલ્યું ફાલ્યું છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. ભાવસાર સાહેબની મારા ઘડતરમાં આ એક મોટી દેન છે.
આ જ રીતે, મુંબઈ જવાનું થયું, જે પણ મારા માટે બહુ રોમાંચક અનુભવ હતો. કુદરતના રૌદ્ર રૂપને બરફના કરાના વરસાદના તોફાનરૂપે જોયું. બરફના કરાનું આવું તોફાન તે પહેલાં નહોતું જોયું અને ત્યારબાદ પણ આ લખું છું ત્યા સુધી નથી જોયું. ત્યારબાદના બહુ જ ટૂંકા ગાળામાં બંદૂકમાં દારૂ ભરતા થયેલો ધડાકો પણ ધ્રુજાવી નાખે તેવો અનુભવ હતો. મારા ત્યાં સારા-ભલા પ્રસંગે કે વાર-તહેવારે બંદૂક ફોડવાનો રીવાજ હતો, પણ જ્યારે આ બંદૂક ફોડવા માટે ફોડનારની આંગળી ઘોડા ઉપર મૂકાય ત્યારે હું મારી પરસાળના થાંભલાની આડશ લઈ બે કાનમાં આંગળી નાંખી સંતાઈ જતો. આ ભડાકાએ મારી આ બધીયે બીકના ફૂરચા ઉડાડી દીધા. ત્યારબાદ તે જમાનામાં જેનું ચલણ હતું તે લક્ષ્મીછાપના મોટા ટેટા કે સૂતળી બોંબનો ગમે તેવો ધડાકો થાય મેં ક્યારેય કાનમાં આંગળા ઘાલ્યાં નથી. જેનાથી તમને બીક લાગતી હોય એ પરિસ્થિતિ સામે આવી ભટકાય અને તમે એમાંથી અડીખમ બહાર આવી જાવ તો ભવિષ્યમાં કદીયે આવી પરિસ્થિતિ તમને બીવડાવી શકતી નથી. આ મોટો બોધપાઠ મને અકસ્માતે થયેલા બંદૂકના ભડાકાએ શીખવાડી દીધો.
સામે દિવાળી આવી રહી હતી. ઘરે નવી નવી વાનગીઓ બની રહી હતી. મારા માટે દારૂખાનાનો સ્ટોક પણ મારા બાપા લઈ આવ્યા હતા. એ જમાનામાં પાંચ રૂપિયાનું દારૂખાનું પંદર લિટરના તેલના ડબ્બાને ઢાંકણું નંખાવી બનાવેલ ઢાંકણાવાળા ડબ્બાને પૂરેપૂરૂં ભરી દેતું. શિવાકાશીનું દારૂખાનું સારું ગણાતું. તાજમહાલ છાપના લાલ ટેટાની સેર, ચકલી છાપ કે વિષ્ણુ છાપ ટેટાનો પાંચ નંગનો પાટલો, તારામંડળ, ફૂલઝડી, કોઠી, ભોંયચક્કરડી (જલેબી) તેમજ લવિંગિયા અને હવાઈ તેમજ કોઠીનો આમાં સમાવેશ થતો.
મારે હવાઈ વિશે ખાસ કહેવું છે. હવાઈ એક પતરાંની દાબડી જેવું કન્ટેનર હતું, જેમાં દારૂ ભરીને પડખામાં આવેલ એક કાણામાંથી જામગરી લગાવેલી રહેતી. દિવાસળી ચાંપીએ એટલે બે-ત્રણ ચકરડાં જમીન પર ફરીને ઝુઉઉઉઉ. કરતી આ દાબડી હવામાં ઊંચકાતી અને આકાશમાં જતી. આ હવાઈ ઉપર જતી હોય ત્યારે એની આજુબાજુ તણખાનું એક વર્તુળ રચાતું જે જોવાની મજા આવતી. આ બધું સમુ-સૂતરું ઉતરે તો સારૂં. નહીંતર આ હવાઈ ટેટાની જેમ ધડાકો થઈને ફાટે, આડી ઊડે અથવા કોઈના કપડામાં કે ઘરમાં ઘૂસી જાય ત્યારે અકસ્માત સર્જાતો. આ દાબડી નીચે પડે ત્યારે લાલચોળ દેખાતી. ક્યારેક આ ખોખું ઘાસની ગંજી કે છાપરાં પર પડે ત્યારે આગ લાગવાના બનાવો પણ બનતા. આ બધાં કારણોને લઈને સરકારે પતરાની હવાઈનું ઉત્પાદન કરવા તેમજ વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. આમ, પતરાની ડબ્બીવાળી હવાઈ એક ઈતિહાસ બની ગઈ અને તેની જગ્યાએ વાંસ કે લાકડાની સળી પર બાંધેલ પૂંઠાનું રૉકેટ અસ્તિત્વમાં આવ્યું જે અત્યારે પણ વપરાય છે.
અત્યારે હવાઈ કાગળ અને પૂંઠામાંથી બનાવેલ કન્ટેનરની અંદર દારૂગોળો ભરી બનાવાય છે. આ રૉકેટ એને ઊભું રાખ્યું હોય તે આકાશમાં જઈ નીચે પડે ત્યાં સુધીમાં મોટા ભાગે બૂઝાઈ જાય છે. એટલે અકસ્માત જવલ્લે જ થાય છે.
તે જમાનામાં ગંધરફ ભરીને લોખંડની કોઠી પથ્થર ઉપર કે દિવાલ સાથે અથડાવીને ફોડતા. સરકારે કેટલાય વર્ષોથી આના ઉપર પણ સલામતીના બહાને પ્રતિબંધ મૂક્યો છે એટલે આ આઈટમ પણ હાલ બજારમાં વેચાતી નથી.
ત્રીજી આઈટમ જે અત્યારે જોવા નથી મળતી તે ભીંતભડાકા છે. જો કે, અત્યારે ખૂબ નાની સાઈઝમાં “પૉપ-અપ્સ” કરીને એક ચાઈનીઝ બનાવટની આઈટમ વેચાય છે જે અગાઉ મળતા ભીતભડાકા સાથે સરખાવી શકાય તેવી નથી. ભીંતભડાકા એટલે લખોટા જેવડી એક પેકેજમાં મૂકેલ આઈટમ હતી. જરાક પણ અથડાય તો ધડાકો થાય અને બધું સળગે. એ કારણસર સરકારે આ આઈટમના ઉત્પાદન-વેચાણ અને તબદીલી પર પ્રતિબંધ મૂક્યો છે. આડી ફાટેલી હવાઈ અને ભીંતભડાકા આગ અને અકસ્માતનું કારણ બને તેવા ભયથી સરકારે આ આઈટમો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
હું આઠમા કે નવમા ધોરણમાં હતો (બરાબર યાદ નથી) ત્યારે આ જ રીતે સિદ્ધપુરમાં મહેતાઓળમાં એક મકાનમાં આગ લાગી હતી અને ખૂબ મોટી જાનહાની સર્જાતાં રહી ગઈ હતી. એ જમાનામાં નગરપાલિકાઓ પાસે આગ સામે લડવા માટે આજના જેવાં અદ્યતન ફાયર ફાઈટર નહોતાં સિદ્ધપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ટન... ટન... ટન.. ઘંટ વગાડતું સ્થળ પર પહોંચ્યું અને કામગીરી શરૂ કરી ત્યારે એની હૉઝ પાઈપમાં કાણાં હોવાથી એ બહુ ઉપયોગી થઈ શક્યું નહોતું. સરવાળે સહિયારા પુરૂષાર્થથી આ આગ પર કાબૂ મેળવાયો હતો.
આવી જ એક દિવાળીમાં એક નાનું છમકલું મારા હાથે પણ થયું હતું. જામગરી સળગાવીને ફેંકેલ એક ટેટો ફૂટ્યો નહીં. એ ટેટો હું પાછો ઘરમાં તો લઈ આવ્યો, પણ બુદ્ધિના પ્રદર્શનરૂપે ઘરમાં દીવડું સળગતું હતું તેના ગોળા પર મૂક્યો. માંડ થોડી વાર થઈ હશે ત્યાં ધડામ્ દઈને આ ટેટો ફૂટ્યો. સાથે જ દીવડાના ગોળાનો કચ્ચરઘાણ નીકળી ગયો. કાચની કરચો ચારે તરફ ઊડી. થોડીક મને પણ વાગી. એમાંથી એક જમણી આંખની સહેજ નીચે અને એનાથી થોડી મોટી જમણા હાથના કાંડા તથા કોણી વચ્ચે વાગી. રૂમમાં અંધકાર છવાઈ ગયો. કાનમાં ધાક પડી ગઈ. કાંઈ સૂંઝતું નહોતું. મારી મા બીજા રૂમમાંથી એ તરફ આવે અને દિવાસળી પેટાવે તે પહેલાં તો આપણા રામે જોરદાર પોક મૂકી. એ રડવાનું મને વાગ્યું હતું કે બીગ લાગી એના માટે નહોતું, પણ માનો માર ખાવો પડશે એ બીકે હતું. મેં પોક મૂકી. સદગત ગોળો ફૂટી ગયો એના નામની !!!
ખેર ! મારી માએ ક્યાંકથી બાકસ શોધી ફાનસ સળગાવ્યું. આખા રૂમમાં કાચની કરચો ઊડી હતી એટલે મને જ્યાં છું ત્યાં જ બેસી રહેવા કહ્યું અને પહેલાં સાવરણી લઈને બધી કરચો વાળીને ભેગી કરી. આ પત્યું ત્યારે એણે જોયું તો મારા હાથમાંથી લોહી નીકળતું હતું અને આંખ નીચે પણ એક નાનો ઘા પડ્યો હતો. માથાના વાળમાં પણ થોડીક કરચો ઘૂસી ગઈ. બરાબર બધું જોયા બાદ એણે રૂ સળગાવી એની રાખ મારા બંને ઘા ઉપર દબાવી દીધી. આશ્ચર્ય એ વાતનું હતું કે, જરાય ડાંટ ન પડી. મારી મા મને સમજાવી રહી હતી. આ કરચ સહેજ ઉપર વાગી હોત તો આંખ જાત. ખેર ! આંખ બચી ગઈ. ડાંટ ન પડી અને માની શિખામણથી કામ ચાલી ગયું.
માની નજરમાં કાંઈક અજુગતું થવામાંથી હું બચી ગયો એની નિરાંત હતી. એ નજર જાણે કે કહી રહી હતી, “સોયનો ઘા શૂળીએ સર્યો”. એની ટેવ મુજબ એણે એક આડી અને એક ઊભી દિવેટ ઘીમાં પલાળી દેવઘર પાસે દીવો પ્રગટાવ્યો. ખોળો પાથરી બધા દેવોને અને તેમાંય ખાસ મા શક્તિનો એણે આભાર માન્યો. મારી મા અને જગતજનની વચ્ચેનો આ સંબંધ કાયમી હતો. એણે જ તો મને શીખવાડ્યું હતું કે, “અમે તો તારાં ખોટાં મા-બાપ છીએ. ખોવાઈ જઈશું. શિવ અને શક્તિ એ જ તારા સાચાં મા-બાપ છે.”
મારી માને જગતજનની પાસે કાકલૂદી કરી આભાર માનતી જોઈ ત્યારે મનમાં થતું હતું, આ કરતાં તો એણે મને મારા આ પરાક્રમ માટે એક લપડાક મારી દીધી હોત તો ઓછું વાગત !
મને દારૂખાનું ફોડવાનો ગાંડો શોખ હતો. મારી દિવાળી વાઘબારસથી શરૂ થઈ લાભપાંચમ સુધી ચાલતી. વળી, પાછું થોડું દારૂખાનું બચાવીને દેવદિવાળીની રાત માટે તો રાખવાનું જ. થોડી ઘેલછા ગણો કે સમજનો અભાવ. દારૂખાનું ખરીદવા માટે ક્યારેક મેં કજિયા પણ કર્યા છે. મારા બાપાની સ્થિતિ આવકની દ્રષ્ટિએ કાંઈક બહુ સારી નહોતી. આમ છતાંય સાચા અર્થમાં કહીએ તો પેટે પાટા બાંધીને પણ એમણે દિવાળી, દશેરા (અમારે ત્યાં પતંગ દશેરાએ ઊડે) અને હોળીના તહેવારોમાં સૌથી સવાઈ વસ્તુઓ લાવી આપી છે. હું જરાય સંકોચ વગર કહી શકું કે, અમારી આર્થિક સ્થિતિ ગમે તે રહી હોય, મારો પતંગ અને દોરી પાછળનો ખરચ કે દારૂખાના પાછળનો ખરચ આજુબાજુમાં સૌથી વધારે હતો.
દિવાળીના તહેવાર પછી કાત્યોકનો મેળો આવે, જેનું વર્ણન અગાઉ લખાઈ ગયું છે એટલે પુનરૂક્તિમાં નથી પડતો. આ મેળો જાય એટલે સ્કૂલ પાછી શરૂ થાય. એલ. એસ. હાઈસ્કૂલમાં દાખલ થયા બાદનું મારૂં આ પહેલું દિવાળી વેકેશન આ રીતે ઘટનાસભર બની ગયું.
સ્કૂલ ખૂલી. અભ્યાસ રાબેતા મુજબનો શરૂ થયો ત્યાં જ એક દિવસ સરકારી ટિકિટો ચોંટાડેલું એક ખાખી પરબીડીયું ટપાલમાં મારા ઘરે આવ્યું. સાંજે હું સ્કૂલેથી છુટીને ઘરે પહોંચ્યો ત્યારે મારી માએ મને વધામણી આપી. મુંબઈમાં જે પરીક્ષા આપી હતી તેમાં હું પાસ થયો હતો અને હવે બીજી પરીક્ષા માટે એકાદ મહિના પછી પાછા મુંબઈ જવાનું હતું.
મને ખૂબ જ આનંદ થયો. સ્વાભાવિક હતું. જો કે, આટલાં વર્ષો બાદ હું એ નથી કહી શકતો કે એ આનંદ પરીક્ષામાં પાસ થવાનો હતો કે ફરી એકવાર મોહમયી મુંબઈની યાત્રાએ જવાનો ?
હું માનું છું કે, પરીક્ષાઓ તો ઘણી પાસ કરી, પણ બાકી રહેલું મુંબઈ જોવાશે એ આનંદ ચોક્કસ પરીક્ષામાં પાસ થવાં કરતા વધારે નહીં પણ કમ સે કમ એટલો તો હશે જ.
મુંબઈ...
પ્રથમ પરીક્ષામાં પાસ થયા.
બીજી કસોટીમાંથી હવે પસાર થવાનું હતું.
જોઈએ આગળ શું થશે.
ફરી એક વાર મુંબઈ મુલાકાતનાં શમણાં મારી આંખમાં હડીયાપાટી કાઢી રહ્યાં હતાં.
એ રાત્રે સૂતો ત્યારે...
તાલાવેલી હતી બીજે દિવસે સ્કૂલમાં જઈ...
વધામણી ખાવાની.
પપ્પુ પાસ હો ગયા થા !