featured image

ફરી એકવાર એન્ટ્રંસ ટેસ્ટ

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

 

એમ. એન. કોલેજમાં મેં લગભગ એક વરસ કાઢ્યું. આ કોલેજ અંગે કેટલીક રસપ્રદ વિગતો.

તા.16/02/2016નાં સંદેશ દૈનિકની મહેસાણા આવૃત્તિ ઉપર આધારિત કેટલીક વિગતો રસપ્રદ લાગવાથી આવરી લઉં છું. મા.ના. મહાવિદ્યાલય એટલે કે એમ. એન. કોલેજનું નામ શેઠ શ્રી માણેકલાલ નાનચંદ સાથે જોડાયેલું છે. આ મહાવિદ્યાલયનું ખાત મુહૂર્ત જે તે સમયના વડોદરા રાજ્યના દીવાન શ્રી બી. એલ. મિત્તલનાં હસ્તે સન ૧૯૪૬માં થયું હતું. આ સમગ્ર ઘટનાનાં પાયામાં શેઠ માણેકલાલ નાનચંદનું જે તે સમયે રૂ.૪,૦૦,૦૦૦ જેવી માતબર રકમનું દાન કર્યું હતું. એક વખતે મૂળ વિસનગરના વતની શેઠ માણેકલાલ નાનચંદ દોશી ભાવનગર જતા હતા. ગાડીમાં જ તેમને ગાંધીજીનો મેળાપ થયો. ગાંધીજી સાથે થયેલ વાતચીત પ્રમાણે તેમણે વિલાયતી કાપડના વેપારને તિલાંજલિ આપી પોતાના વતનમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે ઉપલબ્ધ બને તે હેતુથી નાણાંનો સદઉપયોગ કરવા વિસનગરમાં એક મહાવિદ્યાલય સ્થાપવાના હેતુથી તેમણે રૂ.૪,૦૦,૦૦૦ જેવી માતબર રકમ વડોદરા રાજ્યને આપી. શેઠ પોતે તો માત્ર છ ચોપડી સુધી જ ભણ્યા હતા પણ શિક્ષણ માટેની તેમની ધગશ અને ભાવનાએ આ દાન આપવા માટેની પ્રેરણા આપી હશે.

શેઠ માણેકલાલની આ માતબર સખાવતને વડોદરા રાજ્યે આવકારી અને એ વખતના દીવાન શ્રી બી. એલ. મિત્તલના શુભ હસ્તે ડિસેમ્બર ૧૯૪૫માં આ મહાવિદ્યાલય માટેના મકાનનું ખાત મુહૂર્ત થયું. જૂન ૧૯૪૬ના રોજ મહાવિદ્યાલયના મકાનમાં બેસી શકાય એવા ત્રણ ઓરડા તૈયાર થયા જેમાં આર્ટ્સ એટલે કે વિનયન વર્ગનો પ્રારંભ થયો.

પણ વિજ્ઞાનના શિક્ષણ માટે જરૂરી લેબોરેટરી સવલતો વિગેરે સાથેનું મકાન ઉપલબ્ધ નહોતું એટલે બરોડા કોલેજ, વડોદરામાં એમ. એન. કોલેજ વિસનગરનો વિજ્ઞાનનો પ્રથમ વર્ગ શરૂ કરાયો જે એક વરસ પછી જૂન ૧૯૪૭માં વિદ્યાર્થીઓ સહ વિસનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો.

ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર તે વખતે બંજર જેવો હશે જેના કારણે પ્રિન્સિપાલ ગોકાક સાહેબે આ કોલેજને “Princess of Desert” નાં ઉપનામથી નવાજી હતી. ૮૬ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરેલ આ મહાવિદ્યાલયમાં આજે (૨૦૧૮) લગભગ સાડા ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ સરસ્વતીની આરાધના કરે છે. ઇ.સ.૧૯૫૦માં જ ઇતિહાસ, ગણિત અને સંસ્કૃતનાં અનુસ્નાતક કેન્દ્રો શરૂ થયા. ત્યારબાદ અંગ્રેજી, અર્થશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવોવિજ્ઞાન વિગેરેના અનુસ્નાતક કેન્દ્રો આ મહાવિદ્યાલયનો ભાગ બન્યાં છે. મૌલિક સંશોધન થકી PhDની ડિગ્રી પણ અહીંયાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, રસાયણશાસ્ત્ર, સંસ્કૃત તેમજ ઇતિહાસ જેવા વિષયોમાં ઉપલબ્ધ છે. શિક્ષણની સાથોસાથ N.C.C. તેમજ ક્રિકેટ, હુતુતુ, ખોખો, હોકી અને એથ્લેટિક્સ જેવી પ્રવૃત્તિઓમાં પણ આ કોલેજ આગવું સ્થાન ધરાવે છે. N.S.S.ની પ્રવૃત્તિ પણ ચાલે છે. કોમ્પ્યુટર લેબોરેટરી અને ૬0,000 કરતાં પણ વધુ ગ્રંથો ધરાવતું વિશાળ પુસ્તકાલય આ કોલેજની જ્ઞાન સંપદામાં વધારો કરે છે.

હું ૧૯૬૩-૬૪નાં શૈક્ષણિક વરસ દરમિયાન આ કોલેજમાં FyBSC માત્ર એક વરસ માટે ભણ્યો ત્યારે પણ શિક્ષણનું સ્તર તેમજ ઇત્તર પ્રવૃત્તિઓ અને લેબોરેટરી જેવી સવલતોમાં વિસનગરની સરકારી કોલેજ ઉત્તર ગુજરાતનાં એક અગ્રણી શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત હતી. તે વખતે પિલવાઇમાં પણ કોલેજ શરૂ થવાની હિલચાલ હતી પણ વિસનગરની એમ. એન. કોલેજના પેંગડામાં પગ ઘાલે તેવી શિક્ષણ સંસ્થા તે વખતે ઉત્તર ગુજરાતમાં કોઈ જ નહોતી તેમ કહું તો જરાય અતિસંયુક્તિ નથી. જો કે ૬૦નાં દાયકા દરમિયાન પાટણ, સિધ્ધપુર, પાલનપુર જેવાં કેન્દ્રોમાં કોલેજ શિક્ષણ વિકસવા માંડ્યુ હતું. આમ છતાંય શિક્ષણની ગુણવત્તા તેમજ આંતરમાળખાકીય સવલતોની દ્રષ્ટિએ તે વખતે અંકુરિત થતી આ બધી સંસ્થાઓ ઘણી પાછળ હતી.

એમ. એન. સાયન્સ કોલેજમાં મારા પ્રવેશને દિવસો વીતી મહિનાઓ થયા અને ધીરે ધીરે શિયાળો વિદાય લઈ વસંતના વાયરા વાવા માંડ્યા. હવે પરીક્ષાની સિઝન ક્ષિતિજે ડોકાવા લાગી.

પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર અને એન્જીનિયરીંગ કે મેડિકલમાં જવા ધારતા વિદ્યાર્થીઓના રૂમમાં હવે લાઇટ મોડી રાત સુધી બળતી હોય એ સામાન્ય ઘટના હતી. મારું પણ ટ્યુશન અને વાંચવાનું બંને ચાલતું હતું. મનમાં કોઈ ઉચાટ નહોતો કારણ કે મારે ગુજરાત યુનિવર્સિટીમાં આગળ ભણવું નહોતું (પાછું વળીને આજે જોવું છું તો આ મારી બેવકૂફીની ચરમ સીમા હતી કારણ કે જો ફરી પાછું પ્રેપરેટરી સાયન્સ પછીના એન્ટ્રંસ ટેસ્ટમાં ભોપાળું નીકળે તો ધોબીનો આ કૂતરો ઘરનો કે ઘાટનો ક્યાંયનો રહી શકે તેમ નહોતો. પણ ઘણી વાતો આપણે અનુભવથી જ સમજીએ છીએ. આને મારી મૂર્ખતા કહેવી કે વધુ પડતી જીદ તે મને સમજાતું નથી પણ એક મોટું જોખમ જાણ્યા બુઝ્યા વગર મેં લીધું હતું. I had burnt all my bridges with my own hands. વિકલ્પના તમામ દરવાજાઓને મેં મારા હાથે જ ભોગળ ભીડી દીધી હતી.

છેવટે પરીક્ષા આવી પહોંચી.

આખું વરસ ક્રિકેટ અને સિધ્ધપુરના ફેરા ખાવામાં વિતાવ્યું હોય તે જોતાં આ પરીક્ષામાં આપણે ધાડ મારીશું એવી અપેક્ષા નહોતી.

થિયરીના પેપર્સ પ્રમાણમાં સારાં ગયાં. આ અભ્યાસે મને ફાયલમ મોલ્યુસ્કા ને મૃદુકાય કહેવાય અને સ્ફેરીકલ કેપને ગોલીય ટોપી કહેવાય, સીમ્પલ હાર્મોનીક મોશનને સાદી પ્રસંવાદી ગતિ કહેવાય જેવા પ્રમાણમાં અંગ્રેજી કરતાંય અઘરા લાગતા ગુજરાતી શબ્દો શિખવ્યા.

થીયરી પરીક્ષા પછી હવે પ્રેક્ટિકલ હતા.

તે પરીક્ષા પણ પતી ગઈ.

આમ વિસનગર ખાતેનું મારું રોકાણ લગભગ પૂરું થયું.

વળી પાછો ફરી એકવાર ગાદલાનો વીંટો વાળીને બિસ્તર બાંધ્યું અને ટૂંકમાં મારી જે કાંઇ માયામૂડી હતી તે ગોઠવી. સામાન હતો એટલે તારંગાથી આવતી સાંજની ગાડી જે મહેસાણા થઈ પાલનપુર જતી લોકલ ટ્રેન હતી તે પકડી. બેસતી રાતને અંધારે સિધ્ધપુર સ્ટેશન પર ઉતરણ કર્યું.

આ ગાડી તે વખતે સાંજે 07:30 વાગે સિધ્ધપુર પહોંચતી.

સામે લેવા માટે ઘરેથી એકબે જણા આવ્યા હતા એટલે સામાન એમને સોંપી રસ્તો પકડ્યો ઘરનો.

લગભગ 08:30 વાગે ઘરે પહોંચી સામાન મૂકી હાશકારો કર્યો. બાપા ક્યાંક બહારગામ ગયા હતા. માને પગે લાગ્યો. મારી મા પણ નમૂનો હતી. દીકરો જાણે વિલાયતથી બેરિસ્ટર થઈ પાછો આવતો હોય તેમ એણે એ સાંજે કંસાર રાંધ્યો હતો. કંસારમાં સારું એવું ચોખ્ખું ઘી નાખતાં જે સોડમ આવે એ ખરેખર મોંમાં પાણી લાવી દે તેવી હોય છે. કંસાર બનાવવામાં મારી માની માસ્ટરી હતી. તે રાત્રે કંસાર, દાળભાત, શાક જમી થોડી વાર વાતો કરતાં કરતાં ખાટલામાં લંબાવ્યું તે સવાર પડજો વહેલી.

વિસનગર સાથેનો મારો નાતો આમ પૂરો થયો.

ભાવિમાં શું લખાયું છે તે તો ખબર નહોતી.

પણ...

હવે એક જ રસ્તો અને છેલ્લી તક બાકી હતી.

વડોદરા એન્ટ્રંસ ટેસ્ટમાં બેસી એડમિશન મેળવવાની.

મારા માટે બાકીના બધા વિકલ્પો બંધ થઈ ચૂક્યા હતા

એટલે...

થોડાક દિવસ સિધ્ધપુર રોકાઈ સીધી વાટ પકડી વડોદરાની.

ત્યાં રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ડો.રમેશ શુકલ જે મેડિકલમાં અભ્યાસ કરતા હતા તેમની રૂમમાં રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

હજુ એન્ટ્રંસ ટેસ્ટને ચારેક અઠવાડીયાં બાકી હતાં.

આ વખતે પૂરું દિલ દઈને મહેનત શરૂ કરી.

એક માત્ર લક્ષ્ય હતું સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન મેળવવું.

દિવસો વિતતા જતા હતા

એન્ટ્રંસ ટેસ્ટની તારીખો નજીક આવી રહી હતી.

કરો યા મરોના નિર્ધાર સાથે Last Ditch Battle એટલે કે આખરી અથવા અંતિમ મોરચાનું યુધ્ધ લડવાનું હતું.

કરો યા મરોમાં બીજો વિકલ્પ આપણને ખપતો નહોતો.

અને એટલે આપણે સૂત્ર બદલીને કવિ નર્મદની નીચેની પંક્તિઓ અપનાવી.

“સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે”

ફતેહ છે આગેની આશા અને વિશ્વાસ સાથે

મેં એન્ટ્રંસ ટેસ્ટની પરીક્ષા માટેની તૈયારીને

વધુ વેગવંત બનાવી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles