featured image

ઘણા સમય પહેlલાં સાંભળેલી આ વાત છે. મૂળ બોધ એવો છે કે કોઈ પણ માહિતીને આધારે અથવા પહેલી છાપ પડે તેને આધારે ક્યારેય કોઈ નિર્ણય પર આવવું નહી

કોઈપણ બાબતે નિર્ણય પર આવતા પહેલા ખૂબ ધીરજથી પૂરી વિગતો ચકાસી જુઓ

ઉતાવળે અને માત્ર સપાટી પરની માહિતીને આધારે બાંધેલ ધારણા મોટાભાગે ખોટી અને ગેરમાર્ગે દોરનારી હોય છે

 

ઘણા સમય પહેlલાં સાંભળેલી આ વાત છે. મૂળ બોધ એવો છે કે કોઈ પણ માહિતીને આધારે અથવા પહેલી છાપ પડે તેને આધારે ક્યારેય કોઈ નિર્ણય પર આવવું નહીં જોઈએ. કોઈના પણ માટે તે સાચો છે કે ખોટો એ નિર્ણય પર આવતા પહેલાં જરાય ઉતાવળ કર્યા વગર મૂળ વાતને સમજવી જોઈએ, એનો સંદર્ભ સમજવો જોઈએ અને ત્યારબાદ સાચા ખોટાની પરખ કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ.

આ સંદર્ભમાં બે નાની ઘટનાઓ રજૂ કરવી છે. પહેલી ઘટનામાં એક પિતા-પુત્ર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. પુત્રની ઉંમર લગભગ ૨૪-૨૫ વરસની હશે. એ બારી પાસે બેઠો છે અને એકાએક ઉત્સાહમાં આવી બોલી ઊઠે છે, “પપ્પા પપ્પા જુઓ આ ઝાડ બધા પાછળની દિશામાં દોડી રહ્યા છે”.

પેલો પિતા આ સાંભળે છે. એના ચહેરા પર સહેજ મુસ્કાન આવી જાય છે. બાજુમાં બેઠેલું એક યુવા દંપતી આ જુએ છે અને પેલા યુવાનના બાળક જેવા વ્યવહાર પર મનોમન દયા ખાય છે. ત્યાં તો પેલો યુવાન ફરી ઉત્સાહિત સ્વરે કહે છે, “પપ્પા જુઓ આ વાદળાં આપણી સાથે દોડી રહ્યા છે”.

પેલા પિતાના ચહેરા પર થોડી મુસ્કાન આવી જાય છે પણ સાથે મુસાફરી કરતું પેલુ યુવાન યુગલ રહી શકતું નથી. એ વણમાંગી સલાહ આપી જ દે છે “આપ આપના દીકરાને કોઈ સારા ડોક્ટરને કેમ નથી બતાવતા?”

આ સૂચન સાંભળીને પેલા યુવાનના પિતા ફરી એકવાર મુસ્કુરાય છે અને કહે છે, “ભાઈ એ જ તો મેં કર્યું અને અત્યારે અમે સીધા હોસ્પિટલથી રજા મેળવીને ઘરે જઇ રહ્યા છીએ. મારો આ દીકરો જન્મથી જ દ્રષ્ટિહિન હતો. ખૂબ પ્રયત્નો પછી આપણા વિસ્તારના અતિકુશળ અને ખ્યાતિપ્રાપ્ત આંખના ડોક્ટરે ચક્ષુદાનથી આવેલી આંખ એને બેસાડી છે. ઓપરેશન સફળ થયુ અને હવે આ ઉંમરે મારો દીકરો આ દુનિયાને પહેલી વાર જોઈ રહ્યો છે !” પેલા યુગલનાં માથાં આ વાત સાંભળીને શરમથી ઝૂકી જાય છે. લાગે છે સલાહ આપવામાં બહુ ઉતાવળ કરી દીધી. મનોમન પસ્તાય છે કદાચ પોતાની જાતને જ પૂછી રહ્યાં છે “આવી અધીરાઈ ન કરી હોત તો”.

બીજો એક પ્રસંગ આનાથી સહેજ જુદો છે. એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે. વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ જહાજ પર એક યુવા દંપતી પણ છે. જ્યારે લાઈફબોટમાં ચડવાનો એમનો વારો આવે છે ત્યારે નાવ પર માત્ર એક જ વ્યક્તિ માટે જગ્યા બાકી છે. બરાબર આ જ પ્રસંગે પેલો યુવાન એની પત્નીને ધક્કો મારી હડસેલી દે છે અને પોતે લાઈફબોટ પર કૂદી પડે છે. ડૂબી રહેલા જહાજ પર પાછળ રહી ગયેલી તેની પત્ની ઘાંટો પાડીને એના પતિને એક વાક્ય કહે છે.

પેલા પ્રોફેસર બરાબર અહીં રોકાય છે અને વિદ્યાર્થીઓને પૂછે છે, “શું લાગે છે તમને? પેલી સ્ત્રીએ પોતાના પતિને શું કહ્યું હશે?”

લગભગ આખો ક્લાસ એક અવાજે બોલી ઊઠે છે કે એ સ્ત્રીએ કહ્યું હશે - “હું તને ધિક્કારું છું, તારાથી નફરત કરું છું I Hate You”.

પણ વર્ગમાં એક વિદ્યાર્થી બિલકુલ શાંત અને શૂન્યમનસ્ક બેઠો છે.

પેલા પ્રોફેસર એને પૂછે છે કે તેના મત પ્રમાણે પેલી સ્ત્રીએ શું કહ્યું હશે?

પેલો વિદ્યાર્થી ઘડીભર પ્રોફેસરની સામે તાકી રહે છે અને પછી કહે છે, “મને  લાગે છે કે એ સ્ત્રીએ કહ્યું હશે, “આપણાં બાળકોનો ખ્યાલ રાખજે”.

વિદ્યાર્થીનો જવાબ સાંભળી ઘડીભર તો પ્રોફેસર પણ આશ્ચર્યમાં પડી જાય છે. એ પેલા વિદ્યાર્થીને પૂછે છે કે “શું તેં આ વાર્તા અગાઉ ક્યાંય સાંભળી છે?”

પેલો વિદ્યાર્થી કહે છે, “ના સાહેબ”.

પ્રોફેસર ફરી પૂછે છે, “તો પછી તને આવો જવાબ મનમાં કેમ સૂજ્યો?”

પેલો વિદ્યાર્થી જવાબ આપે છે, “સાહેબ કેન્સરની અસાધ્ય બીમારીથી મૃત્યુ પામી રહેલી મારી માએ મારા પિતાને આ જ વાત કરી હતી”.

પ્રોફેસર એના ખભા પર હાથ મૂકીને થોડા લાગણી સભર અવાજે કહે છે, “બેટા તારો જવાબ સાચો છે”.

પ્રોફેસર થોડી વાર માટે અટકે છે અને કહે છે કે વાર્તા હજુ પૂરી નથી થઈ. એ પેલી વાતને આગળ વધારે છે જે કંઈક આ મુજબ છે-

જહાજ ડૂબી ગયું. સ્ત્રી મરી ગઈ. પેલો પતિ કિનારે પહોંચ્યો અને એણે પોતાનું બાકીનું જીવન એની એક માત્ર પુત્રીના લાલનપાલન અને ઉછેર પાછળ ખર્ચી નાખ્યું.

ઘણાં વરસો વીતી ગયાં. એક દિવસે એ વ્યક્તિ પણ મૃત્યુ પામ્યો. ત્યારબાદ એના કબાટને સમું નમું કરી વ્યવસ્થિત ગોઠવતાં પેલી છોકરીને એના પિતાની ડાયરી હાથ લાગી.

કુતૂહલવશ આ ડાયરીના પત્તા ઉલટાવતા એને ખબર પડી કે જે સમયે એના માતાપિતા પેલા જહાજ પર મુસાફરી કરી રહ્યા હતા તે સમયે એની મા એક જીવલેણ બીમારીથી પીડાતી હતી અને થોડાક દિવસ માંડ જીવી શકે તેવી પરિસ્થિતી હતી. આ પરિસ્થિતીમાં એના પિતાએ એક કઠોર નિર્ણય લેવો પડ્યો અને એ નિર્ણય અનુસાર એ લાઈફબોટ પર કૂદી પડ્યો. આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં એણે પોતાની પત્નીને ઉદ્દેશીને ડાયરીના એ પાને લખ્યું હતુ, “તારા વગર મારા જીવનનો કોઈ મતલબ નથી. હું તો તારી સાથે જ દરીયામાં સમાઈ જવા ચાહતો હતો પણ આપણા એક માત્ર સંતાનનો ખ્યાલ આવતાં તને એકલી છોડીને મારે આ રીતે ચાલી નીકળવું પડ્યું”.

જ્યારે પ્રોફેસરે વાર્તા પૂરી કરી ત્યારે સમગ્ર વર્ગમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. બધા જેને વિલન ધારતા હતા એ માણસ તો કંઈક જુદો જ નીકળ્યો. એને માથે વિલનનું લેબલ ચિટકાડી દેવામાં એમણે કેટલી ઉતાવળ કરી હતી નહીં ?

આ દુનિયામાં અનેક ઘટનાઓ એવી ઘટે છે કે જેમાં માત્ર સપાટી ઉપર જોઈને નિર્ણય બાંધીએ તો એ ખોટો પડે છે એટલે વાતના ઉંડાણમાં ગયા વગર, તથ્યાતથ્યનો વિચાર કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. ક્યારેક આપણે કોઈના પણ વિષે નિર્ણય બાંધવામાં ઉતાવળ કરી નાખીએ છીએ.

કોઈ વાત પર મનદુખ થયુ હોય અથવા ઝગડો થયો હોય અને તમારી પ્રિય વ્યક્તિ માફી માંગી લે તો એમ ના માનશો કે એણે ગુનો કાબુલી લીધો છે. એની જ ભૂલ હતી. શક્ય છે કે તે વ્યક્તિ સંબંધ જાળવી રાખવાનું વધારે મહત્વપૂર્ણ સમજતી હોય.

કેન્ટીન કે હોટેલમાં કોઈ દોસ્ત બહુ આગ્રહપૂર્વક તમારા હાથમાંથી બીલ ઝૂંટવીને ચુકવણી કરી દે છે એનો અર્થ એ નથી કે એનું ગજવું નોટોથી ઠસોઠસ ભર્યુ છે. કદાચ પોતાના દોસ્ત પ્રત્યેના પ્રેમને એ વધુ મહત્વ આપે છે.

ક્યારેક કોઈ મિત્રના ઘરે અથવા ઓફિસે મળવા જાવ અને એ બીજી કોઈ વ્યસ્તતા અથવા ચિંતાને કારણે તમને એ દિવસે બહુ સમય ન આપી શકે તો ખોટું ન લગાડશો. શક્ય હોય તો બે એક દિવસ પછી એને ફોન કરી અને હળવાશથી પૂછી શકાય કે ભાઈ હું મળવા આવ્યો ત્યારે આપ કોઈ દોડધામમાં હતા. મારે લાયક કોઈ કામ હોય અથવા હું ખપમાં આવી શકું તેમ હોય તો બેધડક કહેજો ને! આ વાત કેટલી સારી લાગે.

કોઈપણ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી અથવા છાપ ઉપરથી ધારણા ન બાંધો. કાઝી બનીને હકીકતોમાં ઉંડા ઉતર્યા વગર કોઈ જજમેન્ટ ન આપી નાખો. સિક્કાની એક બીજી બાજુ પણ હોય છે એનો સ્વીકાર કરો અને કોઈપણ વ્યક્તિને જો દોષી જ ઠેરાવતા હો તો ખાસ સલાહ છે, “સો ગળણે ગાળીને પાણી પીવો”.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles