એન્જીનિયરીંગ કોલેજ શરૂ થઈ
નવું વાતાવરણ
નવા મિત્રો
નવા અનુભવ
નવા અડપલા.
કોલેજ શરૂ થઈ. મારો નંબર બીજા ડિવીઝનમાં હતો જેમાં અડધા સિવિલના અને બાકીના મિકેનિકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ હતા. અહીં મને પરિચય થયો ઊંઝાના ગિરીશ આચાર્યનો. મારી માફક એ પણ રેલવેની નોકરી કરતા બાપનું સંતાન હતુ. એના મોટા ભાઈ ગુજરાત વિદ્યુત બોર્ડમાં નોકરી કરતા હતા અને પાદરા રોડ પર આવેલ જી.ઈ.બી. વસાહતમાં રહેતા હતા. આચાર્ય અટક એટલે Aથી શરૂ થાય એ કારણથી સિવિલ એન્જીનિયરીંગનું લીસ્ટ પૃરું થાય એટલે મિકેનિકલ વિદ્યાર્થીઓમાં એનુ નામ પહેલુ આવે. એવો જ એક બીજો વિદ્યાર્થી હતો આઝાદ. મૂળ સરદારજી પણ બાપા પોલીસ ઈન્સ્પેકટર તરીકે વડોદરા ખાતે નોકરી કરે એટલે લગભગ ગુજરાતી સરદાર કહીએ તો ચાલે. બીજો એક સરદારજી અમારા ક્લાસમાં હતો રામગઢીયા અટક લખે. આઝાદ પ્રમાણમાં સરળ અને બહુ માયાળું વ્યક્તિ જ્યારે હરજીત પૂરો ખટપટી અને ધંધાદારી માણસ. એડમિશન લીધુ સિવિલ એન્જીનિયરીંગમાં પણ ફેબ્રિકેશન અંગેની કામગીરી એના પિતાશ્રી કરે એટલે એનો જીવ આ ધંધા સાથે જોડાયેલો. માણસ મજાનો. કેટલાક પરિચયો થયા અને ધીરે ધીરે કોલેજમાં શરૂઆતનું એક ગ્રૂપ ઊભું થયું. આ ગ્રૂપમાં મહેસાણાનો ભાઈ અતુલ શાહ, સાબરકાંઠામાંથી આવતો ભાઈ રમણીક ત્રિવેદી, મૂળ વડોદરા રહેતા કિરીટ વ્યાસ, ચંદ્રમોલી પાઠક, એસ. બી. પટેલ, આર. ડી. પટેલ, આઈ. ડી. પટેલ, બીજા બે વ્યાસ બંધુઓ મહેશ એન. વ્યાસ (ઇલેક્ટ્રિકલ) અને રજનીકાંત પી. વ્યાસ (મિકેનિકલ) હતા. આ શરૂઆતનું ગ્રૂપ હતુ એમાંથી કેટલાક કાયમી મિત્રો બની રહ્યા જેમાં હરજીતસિંહ, અતુલ શાહ, રમણીક ત્રિવેદી જેવાં નામો ગણી શકાય. આગળ જતાં એક વધુ નામ આમા ઉમેરાયુ જે હતુ હરીશ ભવાનીશંકર ઉપાધ્યાય ઉર્ફે ભાઈ આમ અમારો સિનિયર પણ વચ્ચે ક્યાંક ગુટલી મારી એટલે અમારી સાથે થઈ ગયો. અમદાવાદી પોળ ઊભા રહેવાનુ અમારું જે ગ્રુપ બન્યું એમા હરીશ ઉપાધ્યાયથી શરૂઆત થઈ. એના પિતાશ્રી ભવાનીશંકર ઉપાધ્યાય વડોદરામાં તે સમયે દસ્તાવેજ લખનાર અને સોલીસીટરનું કામ કરનાર એક મોટું નામ હતું. તે સમયે તેમનું ઘર પંચમુખી મહાદેવની પોળમાં હતુ એટલે હરીશની પોળની બરાબર બાજુમાં અમદાવાદી પોળનું બસ સ્ટેન્ડ બન્યું. ધીરે ધીરે કરતાં અમારા મિત્રમંડળનું એક મિલન સ્થાન બન્યું. ત્યાનાં સ્થાનિક મિત્રો હરનીશ અમીન, ભાલજા અને બીજા કેટલાક પણ અમારા સાથી બન્યા. આમાંના મોટા ભાગના અમેરિકા જતા રહ્યા છે અને એ કારણે સંપર્ક લાંબો ચાલ્યો નહીં. પણ શરૂઆતની અમારી મિત્રાચારી ખાસ્સી ગાઢ અને પરાક્રમો પણ એવાં જ. અમદાવાદી પોળ એટલે માથાભારે વિસ્તાર ગણાય એટલે આમેય બધા પોતાને ખેરખાં સમજે. કેટલાક ઓવરસીઝ વિદ્યાર્થીઓ સાથે પણ પરિચય થયો જેમાં સૂર્યકાંત એમ. પટેલ (પિન્ટો), રમેશ પટેલ (સ્માર્ટી) અમારા ક્લાસમેટ હતા. વડોદરામાં જ શાળાનો અભ્યાસ કરીને ત્યાના ગર્ભશ્રીમંત કુટુંબમાં ગણી શકાય એવા કેટલાક વિદ્યાર્થીઓમાં એલમ્બિકવાળા ચીરાયુ અમીન પણ એકાદ વરસ માટે અમારી પ્રથમ વરસની બેચમાં હતા. રાવપુરામાં દાંતના ડોક્ટર તરીકે ખ્યાતનામ ડો. ગજેન્દ્રભાઈ ત્રિવેદીનો દીકરો કવીન્દ્ર, એક પ્રવીણ આઈ. પટેલ જે હાથીપોળમાં રૂમ રાખી રહેતો તે પણ આગળ જતાં સારા મિત્ર બન્યા. સુરેન્દ્ર બી. પટેલ, આર. ડી. પટેલ અને ઇશ્વરભાઇ ડી. પટેલ આ ત્રણની ત્રિપુટી હતી. છેલ્લે છેલ્લે એમનામાંથી સુરેન્દ્ર બી. પટેલ અને આર. ડી. પટેલ સાથે પણ મિત્રાચારી થઈ.
અમારી બેચની એક વિશિષ્ઠતા હતી. આમ તો એન્જીનિયરીંગના અભ્યાસક્રમમાં તે જમાનામાં છોકરીઓ જતી નહોતી. હજુય યાદ છે એક વખત ફિસપોન્ડમાં કોઈકે લખેલું “ટેક્નોલોજી હેઝ ઓન્લી બોયઝ્. યસ, ધેર આર ફ્યુ ગર્લ્સ બોયીશ !” મને લાગે છે આ મેણું ભાંગવાની શરૂઆત અમારી બેચથી થઈ. અમારી બેચમાં સિવિલ એન્જીનિયરીંગમાં માલતી ઘારપુરે અમારી સાથે હતી અને ઇલેક્ટ્રિકલમાં એવી જ એક બીજી વિદ્યાર્થીની હતી જેનું નામ યાદ નથી પણ બધા “પાપડી” કહીને એને ખીજવતા.
શરૂઆતમાં અંગ્રેજીનો વિષય ભાષા તરીકે ભણાવાતો. મિસીસ કરમચંદાની જે તે સમયના ગુજરાત રાજ્યના મુખ્ય વન સંરક્ષકનાં પત્ની હતાં (મારી યાદદાસ્ત સાચી હોય તો) અંગ્રેજી ભણાવતાં. શરૂઆતથી આપણે પાછલી બેન્ચ ઉપર બેસવાવાળા માણસ. આગળની હરોળમાં બેસીએ તો ગંભીરતાથી ભણવું પડે. પાછળ મારા જેવા બીજા ચાર પાંચ નમુનાઓ હતા. તે વખતે જ્યારે પ્રોફેસર બોર્ડ ઉપર કંઇ લખતા હોય ત્યારે એમની પીઠ ફરે એનો લાભ લઈ કંઈકનું કંઈક અળવીતરું કરી લેતા. એક વખત અંગ્રેજીના ક્લાસમાં ડોટ એટલે કે મીંડાં જોડવાની રમત રમતાં પકડાઈ ગયેલા. મિસીસ કરમચંદાનીએ પુછ્યું શું કરો છો? આપણે બિલકુલ નિર્દોષતાપૂર્વક સાચું કહી દીધું “મેડમ ડોટ રમતા હતા !” આ જવાબ સાંભળી આખો ક્લાસ હસી પડ્યો પણ મિસીસ કરમચંદાનીએ કહ્યું કે, “તમે આ રીતે ભણવાના નથી તો શું કામ ક્લાસમાં આવો છો?” જે સત્ય હતું તે આપણે ફરી કહ્યું “મેડમ આ પુસ્તક વાંચી ગયો છું એક કરતાં વધુ વાર”.
થોડીવાર તો લાગ્યું કે કંઈક મોટો બફાટ થઇ ગયો. ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો પણ મિસીસ કરમચંદાનીની ધીરજ અને સમજ બંનેને દાદ દેવી જોઈએ. એમણે બે ચાર પ્રશ્નો પૂછ્યા, સદનસીબે હું સાચા જવાબ આપી શક્યો અને અત્યંત ખેલદીલીપુર્વક એમણે કહ્યું કે, “You seem to be well verse with the subject but others are not. Your mischief certainly disturbs them. Don’t attend the class if you are doing so for getting the presence marked. You are exempted from attending the class if you so desire but should you attend the class then be sincerely attentive”. આપણને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. ત્યાર પછી ક્યારેય અંગ્રેજી વિષયનો ક્લાસ ભર્યો જ નહીં અને આમ છતાંય સારા માર્ક્સથી એ વિષય પસાર કર્યો.
આવી જ બીજી ગરબડ મશીન ડ્રોઈંગના ક્લાસમાં થયેલી. લોખંડવાલા સાહેબ (જેમની પહેલા અટક લોઢાવાળા હતી તે બદલીને લોખંડવાલા કરેલ) ખૂબ કડક વ્યક્તિ. નાની નાની વાતમાં બેઠી દડીનો આ માણસ ગુસ્સે થઈ જાય. એવું પણ કહેવાતું હતું કે એને વધારે ચીડવીએ તો પરીક્ષામાં તમારી સવાર પાડી દે. કોણ જાણે કેમ ગંભીરતા નામની ચીજ મારા જીવનમાં જ નથી. મારી સાથે બેઠેલ કોઈ પણ વ્યક્તિ જો મૂંગોમંતર થઈ બેસી રહે તો મને લાગે કે આ માણસ આપણાથી તો નારાજ નહીં હોય ને?. એટલે ક્લાસમાં કંઈકની કંઈક અળવીતરાગીરી કર્યા જ કરવાની. લોખંડવાલા સાહેબ નાકમાંથી બોલતા. એક વખતે ક્લાસ શરૂ થવાની વાર હતી. ડ્રોઈંગ હોલમાં અમે બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ત્યાં શું સુજયું કે મેં લોખંડવાલા સાહેબની સ્ટાઇલમાં એમની નકલ કરતા કહ્યું, “લૂક હીયર ! એરો શૂડ બી નેરો એન્ડ લાઇન શૂડ બી ફાઇન”.
નાકમાંથી તીણા અવાજે બોલાયેલા આ શબ્દો લોખંડવાલા સાહેબ બરાબર ક્લાસમાં દાખલ થતા હતા તેમના કાને પડ્યા. આપણે તો ગંભીરતાપૂર્વક બોર્ડ પર ડ્રોઈંગ પેપર ફિક્સ કરીને કામે લાગી ગયા. લોખંડવાલા સાહેબે આમતેમ જોયું પણ ખરું પણ કોઈ સગડ ન મળ્યા એટલે આપણે બચી ગયા.
એ દિવસે લોખંડવાલા સાહેબે એમનો ગુસ્સો અમારા બધા ઉપર ઉતાર્યો. કડકમાં કડક ચેકીંગ કરી એવી ખામીઓ કાઢી કે લગભગ કરેલુ કામ ફરીથી કરવું પડ્યું. બધા આનો ભોગ બન્યા પણ ક્લાસની એકતા એવી કે આ વાત ત્યાંની ત્યાં દબાઈ ગઈ. આપણે હેમખેમ એક મોટી ઘાતમાંથી ઉગરી ગયા.
પ્રેપરેટરી સાયન્સમાં હું સાવ બોઘો હતો.
બે વરસ અથડાયો કુટાયો
હવે ઘડાઈને ઘંટ બની ગયો હતો.
ક્લાસમાં ગંભીરતાથી ભણવું મારી પ્રકૃતી નહોતી.
આમેય ભણવા કરતા ક્રિકેટ, ડિબેટ અને યુનીયન ઇલેક્શન મને વધારે આકર્ષક લાગતાં.
હવે સાયકલ હતી એટલે રખડવાની નિર્બંધ સ્વતંત્રતા હતી.
વિસનગરમાં પડ્યો આખડ્યો પણ...
સાયકલ બરાબર આવડી ગઈ.
દરમિયાનમાં ઊંચાઈ પણ વધી
એટલે...
બે બ્રેક સાયકલની અને બે બ્રેક પગની.
સંતુલન જાળવવા માટે કોઈ તકલીફ વગર
સરકસના પ્રયોગની માફક છૂટા હાથે સાયકલ ચલાવતા પણ ફાવી ગયું. મોટાભાગે જેલરોડ આ માટે વધુ અનુકૂળ આવતો.
હોસ્ટેલમાં પણ અમારી ટોળી મજબૂત હતી.
રેગીંગ થતુ પણ બહુ માઈલ્ડ
અમારું તો નહીં જ.
એ સિવાય પણ ઘણી બધી હરકતો થતી
કોલેજમાં અને હોસ્ટેલમાં.
આ બધા વચ્ચે મજાની વાત એ હતી કે...
મારી પાસે જે બજેટ હતુ એમાથી ચોપડી ખરીદવાનું પોષાય તેમ નહોતું.
એક બાજુ ક્લાસમાં લબાડગીરી કરવાની
બીજી બાજુ ચોપડીઓ ખરીદી શકાય નહીં
આ પરિસ્થિતીએ પણ મને મોટો ફાયદો કરી આપ્યો.
આ અંગે હવે પછી.