featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

જી-૨૦ શિખરવાર્તા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી જુદાજુદા ફોરમ હેઠળ જે ચર્ચા-વાર્તાઓ થઈ છે એમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ એક પણ મુદ્દે સંમતિ સધાઈ હોય તેવું બહાર આવ્યું નથી. દરેક શિખરવાર્તા પૂરી થાય એટલે જે-જે મુદ્દે સમજૂતી થઈ હોય એ મુદ્દાઓને આવરી લેતું એક ‘જોઇન્ટ ડિકલેરેશન’ બહાર પડે છે. આ જાહેરાત એ કોઈ પણ શિખરવાર્તાની ચરમ સિદ્ધિ છે. આ વખતે આ પ્રકારનું જોઇન્ટ ડિકલેરેશન બહાર પડશે કે કેમ તે બાબતે અમેરિકાએ શંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે, અમે આશા રાખીએ કે આવું જોઇન્ટ ડિકલેરેશન બહાર પડે પણ ‘ઈટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ટ્વેન્ટી ક્લોક્સ ટુ ક્લીક ટુગેધર.’

સામાન્ય રીતે રાજદ્વારીઓ કોઈ પણ વાત ગોળમાં વીંટાળીને કહેતા હોય છે. કેટલાક ઇશારા એવા હોય છે કે એમાંથી ભાવિના સંકેત શોધવાના હોય, અમેરિકાનો આ ઇશારો આ દિશામાં છે એવું દેખાઈ રહ્યું છે. આ જી-૨૦ શિખરવાર્તાને અંતે અમેરિકા કાંઈક અંશે એની કૂટનીતિમાં સફળ થયું છે, કારણ કે, એમની મહત્ત્વની અને અંતિમ બેઠકમાંથી ચીન અને રશિયા બંને ખસી જાય તે સ્થિતિ ઊભી થઈ છે. પ્રગતિ મેદાન ખાતે ‘ભારત મંડપમ્’માં યોજાનાર શિખરવાર્તામાં ચીન અને રશિયા ગેરહાજર રહેશે એ બહુ સારા સમાચાર તો નથી જ. આમ તો આ બધા દેશો ભેગા થઈને દુનિયાના કુલ આઉટપુટના ૮૫ ટકા પેદા કરે છે એમાંથી ૪૦ ટકાથી વધારે વૈશ્વિક નેતાઓ હાજરી આપશે એવું અંદાજિત છે. આ સભ્યોને સર્વસ્વીકૃત હોય તેવું ડિકલેરેશન તૈયાર કરવાનું કામ ભારત માટે સરળ નહીં હોય.

આ ડોક્યુમેન્ટના પાયાના મુદ્દાઓ સસ્ટેનેશલ ડેવલોપમેન્ટ ગોલ્સ, ગ્રીન ડેવલોપમેન્ટ રીફોર્મ ઓફ મલ્ટીલેટરલ ડેવલોપમેન્ટ બેન્ક, ડીજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટક્ચર, જેન્ડર ઇક્વાલિટી અને વધુ ઝડપી તેમજ સર્વસમાવેશક વિકાસ માટેનો રોડમેપ રહેશે. દિલ્હી આ માટે ભાગ લઈ રહેલા દેશોમાં જે મતભેદો છે તે શક્ય તેટલા ઘટાડી શકાય તેવું ડ્રાફ્ટ તૈયાર કરવા મહેનત કરી રહ્યું છે.

પ્રશ્ન એ છે કે જો આ જાહેરાત માત્ર ફિલોસોફિકલ જ બની રહે તો એક વર્ષની મહેનતને અંતે એમાંથી કાંઈ નક્કર નીકળશે નહીં. જોકે એથી પણ ખરાબ પરિસ્થિતિ તો આ સમિટને અંતે કોઈ જ મુદ્દે સંમતિ ન સાધી શકાય અને એક વર્ષની ચર્ચાઓ લગભગ નિષ્ફળ ગઈ છે એવું ચિત્ર ઊભું થાય તે હશે.

ભારત માટે આ અણગમતી પરિસ્થિતિ હશે એમાં કોઈ શંકા નથી. રશિયા તેમજ પશ્ચિમના દેશો યુક્રેનના મુદ્દે એકબીજા સામે આક્ષેપબાજી કરે તે સ્થિતિ પેદા થઈ શકે છે. રશિયાના વિદેશમંત્રી સરગેઈ લાવરોવે ઇશારો કર્યો છે કે, જો કૉન્ફરન્સમાં યુક્રેન અને બીજી બાબતોએ રશિયાનો મત વ્યક્ત નહીં થાય તો આવા જોઇન્ટ ડિકલેરેશનને નહીં થવા દે. રશિયાના પ્રમુખ પુતીન અને ચીનના પ્રમુખ જીનપીંગ દ્વારા ગેરહાજર રહેવાનો નિર્ણય પણ આ જ દિશામાં ઇશારો કરે છે.

આ સંદર્ભે ભારતીય વિદેશમંત્રી જયશંકરે કહ્યું છે કે, ‘આ પ્રકારનું જોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર ના પડે તેમાં કશું જ અજૂગતું નથી અને ભારતને એની સાથે જોડવાની કોઈ જરૂર નથી.’ ભારત આજકાલ આંતરરાષ્ટ્રીય ફોરમોમાં ઝળકવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે ત્યારે જી-૨૦ બાદ જોઇન્ટ કોમેન્ટ બહાર પડે તે જરૂરી નથી તેવો જયશંકરનો સૂર નિરાશાજનક છે.

આમ, એક પ્રચલિત કહેવત, ‘લશ્કર કા ભેદ પાયા કી આગે સે ગધ્ધા આયા’ અથવા અંગ્રેજીમાં ‘કમીંગ યુ એન્ડ શેડો બીફોર’નો વર્તારો થઈ ગયો છે એ દિલ્હી ખાતે યોજાનાર જી-૨૦ની શિખરવાર્તા કોઈ પણ પ્રકારની જાહેરાત વગર પૂરી થશે અને આ આખું વરસ મીટીંગોના ધમધમાટ સિવાય આટલા બધા દેશોએ ભેગા થઈને ઝાઝું કશું ઉકાળ્યું નહીં એવી છાપ ઊભી થશે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles