ગાંધીવિચાર આજના યુગમાં કેટલો પ્રસ્તુત, કેટલો અપ્રસ્તુત
- જય નારાયણ વ્યાસ
મહાત્મા ગાંધીજી એ યુગપુરુષ હતા. વિશ્વવંદ્ય વિભૂતિ હતા. ૧૮૬૯ની બીજી ઓકટોબરે જન્મેલા ગાંધીબાપુની આ દોઢસોમી જન્મજયંતિ છે ત્યારે આ વિભૂતિના વિચારો આજના સમયમાં કેટલા પ્રસ્તુત છે એ સમજવું હોય તો સૌથી પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી નાનાજી દેશમુખ મહાત્માજી વિશે શું કહે છે તે જોઈ લઈએ. નારાયણ દેસાઇ લિખિત પુસ્તક ‘ગાંધીકથા’ના ૨૨મા પાને નારાયણભાઈ આ સંદર્ભે સંઘના સ્વયંસેવક અને કેન્દ્રમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર રચનાર જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી, મધ્ય પ્રદેશમાં ચિત્રકૂટ ખાતે એક અનોખી વિદ્યા સંસ્થાના સ્થાપક શ્રી નાનાજી દેશમુખ કહે છે – “મૈં નાના દેશમુખ, આર.એસ.એસ. વાલા, ગાંધીકા હત્યારા, ૩૨૦ કી કલમ જિસ પર લગી. હું આવો માણસ નાના દેશમુખ આપસે કહ રહા હૈ કિ ૫૦૦૦ સાલકા ભારત કા ઈતિહાસ જિતના જાનતા હૂઁ, ઔર જિતના પઢા ભી હૈ. કિસી એક વિષય કો છુએ ઉસકો સમગ્રતા સે સ્પર્શ કરનેવાલા ગાંધીસે અધિક દૂસરા કોઈ આદમી હમકો મિલા નહીં.”
આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી વિષે કહે છે – “On the occasion of Mahatma Gandhi's 70th birthday. "Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth. અર્થાત આવનાર પેઢીઓ આ પ્રકારનો હાડ, માંસ અને રુધિરનો બનેલો માણસ આ પૃથ્વી પરથી પસાર થયો હશે તે સરળતાથી સ્વીકારી નહીં શકે.”
ગાંધીવિચારમાં એવું તે શું છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે જે આજથી વર્ષો પહેલાં હતું? અનેક દાખલા આપી શકાય તેમ છે પણ માત્ર ગણતરીના દાખલા જ આપવા છે.
સમય વ્યવસ્થાપન (Time Management)
અત્યારે આપણે સખત ભાગદોડ અને તેજ ગતિના જીવન પદ્ધતિના યુગમાં જીવીએ છીએ. કોઈની પાસે સમય નથી, ભાગમભાગ છે ત્યારે ગાંધીજી પોતે સમય વ્યવસ્થાપન કઈ રીતે કરતા હતા તેનો મંત્ર જો આપણે જીવનમાં ઉતારીને ઉતારીએ તો આપણને આ તાળું ખોલવાની ગુરુ ચાવી મળી જાય.
સેવાગ્રામમાં બાપુ જે કુટિરમાં બેસતા એમાં પાછળ ભીંત પર ત્રણ સૂત્રો લખેલાં રહેતાં.
આ જાણે કે એમના મુલાકાતીઓ માટે લખાયાં હતાં.
પહેલું સૂત્રઃ Be Quick – ઝડપ કરો
બીજું સૂત્રઃ Be Brief – ટૂંકમાં વિષયની રજૂઆત કરો અથવા ટૂંકમાં વાત કરો
અને....
ત્રીજું સૂત્રઃ Be Gone – વિદાય થાવ.
આમ, ગાંધીજી ગમે તેટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ હોય તો પણ નીપટી લેતા.
પણ...
આ બે મિનિટ જેટલા ટૂંકાગાળામાંય એ સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મુકી શકતા.
પોતાના વિચારોનું પ્રત્યારોપણ સામેની વ્યક્તિમાં કરી શકતા.
કદાચ આ કારણ હતું ગાંધીજી પોતાને લખાયેલા હજારો પત્રો વાંચતા અને એનો જવાબ લખતા.
ગાંધીજીએ ૨૫૦૦૦૦ કરતાં વધુ પત્રો લખ્યા છે.
આશ્રમમાં પોતાને ભાગ આવતી કામગીરી પણ કરતા.
નવજીવન અને અન્ય પ્રકાશનો માટે લેખ પણ લખતા.
દેશ અને વિદેશના મહાનુભાવોને પણ મળતા.
બ્રિટીશ સરકાર સામેના જંગનું સક્રિયતાથી નેતૃત્વ પણ કરતા
અને આમ છતાંય...
બાળસહજ નિખાલસતાથી ખડખડાટ હસી પણ શકતા, મશ્કરી પણ કરી શકતા અને પ્રેમનો ઝઘડો પણ કરી શકતા!
આથી મોટો ટાઈમ મેનેજમેન્ટનો કેસ હિસ્ટ્રી મળે ખરો?
પ્રમાણિકતા (Spotless Integrity and Honesty)
એકવખત કોઈ મુલાકાતીએ આશ્રમ માટે થોડા પૈસા મુક્યા.
કસ્તુરબાએ વિચાર કર્યો કે આનાં કેળાં લઈશું બધાં છોકરાઓને ભાવશે.
આ રકમમાંથી એમણે છ રુપિયા રાખી લીધા.
ગાંધીજીને ખબર પડી.
કસ્તુરબાને પૂછ્યું કે તમે આશ્રમના વ્યવસ્થાપક નારણદાસની મંજૂરી લીધી?
નારણદાસ એમના ભત્રીજા હતા.
કસ્તુરબાનો જવાબ હતો ‘ના’
ગાંધીજીએ સ્પષ્ટ સંભળાવ્યું – વ્યવસ્થાપકને પૂછ્યા વગર પાઈ પણ ન વપરાય.
ગાંધીજીએ આ સમગ્ર બાબત “નવજીવન”ના તે પછીના અંકમાં લખી.
લેખનું શીર્ષક હતું “ઘરમાં ચોર”
ભુલનો જાહેરમાં એકરાર કરવાની ગાંધીજી આ પદ્ધતિ હતી.
સિદ્ધાંતોના ભોગે કાંઈ નહીં
અસ્પૃશ્યતાની શરતે સ્વરાજ પણ નહીં
૧૯૨૧ની સાલની આ વાત છે.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.
વિદ્યાપીઠના નિયામક મંડળની બેઠકમાં મિ. એન્ડ્રુઝે પ્રશ્ન કર્યો.
પ્રશ્ન હતો – “વિદ્યાપીઠમાં દલિતોને દાખલ કરવામાં આવશે ને?”
જવાબ ‘હા’ માં હતો.
મુંબઈના કેટલાક ધનિકોએ બાપુને આ રાષ્ટ્રીય કાર્ય માટે જોઈએ તેટલા પૈસા આપવાનું કહ્યું.
શરત હતી અસ્પૃશ્યતા કાયમ રાખવી અને દલિતોને પ્રવેશ ન આપવો.
ગાંધીજીએ તેમને કહ્યું – “વિદ્યાપીઠ ફંડની વાત તો બાજુએ રાખો, અસ્પૃશ્યતા કાયમ રાખવાની શરતે મને કાલે કોઈ હિન્દુસ્તાનનું સ્વરાજ આપે તો તે સુદ્ધા હું ન લઉં.”
નિયમ જીવનને દોરે છે પણ જીવનને તોડે તેવી જડતા નિયમ પાલનમાં ન રાખી શકાય
બાપુ નિયમ તોડે ખરા?
બાપુના ભત્રીજા મગનલાલ ગાંધીની દીકરી રાધાને બાપુએ બિહાર મોકલી.
સમાજમાં ચાલતા કુવિચારો-પર્દાપ્રથા બંધ કરવા પ્રચાર કરવાનો હતો.
એકવખત મગનલાલભાઈ પોતાની દીકરીને મળવા બિહાર ગયા.
માંદા પડ્યા અને અવસાન થયું.
આશ્રમમાં તાર આવ્યો.
તે દિવસે સોમવાર હતો. બાપુનું મૌન હતું.
બાપુએ મૌન તૌડ્યું.
મગનલાલભાઈના દીકરા-દીકરીને બોલાવી દિલાસો આપ્યો.
તેમણે પોતાના નિયમમાં બે અપવાદ રાખ્યા હતા.
(1) મારા શરીરને કંઈ અસહ્ય પીડા થાય અથવા
(2) બીજાને એવું જ દુઃખ આવી પડે.
તો જરુરી વાત કરવા માટે મૌન તોડી શકાય.
ખપ પૂરતું જ વાપરો. બેફામ વપરાશ વિનાશ નોંતરશે
કુદરતી સંશાધનોનો બેફામ વપરાશ
માથાદીઠ વપરાશ એ સમૃદ્ધિનું પ્રતિક
આજની સંસ્કૃતિ યયાતિ સંસ્કૃતિ
ભાવિ પેઢીના મોઢામાંથી કોળીયો ઝૂંટવાઈ રહ્યું છે.
આજનો જમાનો કન્ઝ્યુમર યુગ છે.
આપણાં સંશાધન ઝડપથી ખવાઈ રહ્યાં છે.
આજનો જમાનો ઉપભોક્તાવાદને પોષે છે.
વપરાશકારનો જમાનો છે
ત્યારે?
આપણા પછી પણ પેઢી આવવાની છે એ ધ્યાનમાં રાખીએ છીએ.
યયાતિ સંસ્કૃતિ
યયાતિ રાજાએ વરદાન માગ્યું હતું કે એના પુત્રોનું યૌવન એને મળે.
પરિણામ?
એ યુવાન બન્યો. પુત્રો અકાળવૃદ્ધ બન્યા.
આજના સમયમાં માથાદીઠ વપરાશ એ સમૃદ્ધિનું પ્રતિક કે વિકાસનું પ્રતિક બન્યો છે. જેમ દેશ વિકસીત એમ
એનો માથાદીઠ ઉર્જા વપરાશ વધારે; સ્ટીલ વપરાશ વધારે; પાણી વપરાશ વધારે.
માથાદીઠ પાણી
૧૯૫૧ – ૫૦૦૦ ઘન મીટર
આજે – ૧૨૦૦ ઘનમીટર
એમાં પણ અસમતુલીત
ઉર્જા
એક એકમ જીડીપી માટે જાપાન/યુકે કરતાં ત્રણ ઘણી વિજળી
ક્યાં જઈ રહ્યા છીએ આપણે.
Sr. Bush ને યાદ કરીએ.
“We will not change our Lifestyle”
કોઈ ફિલસૂફે કહ્યું છે –
We have NOT inherited this Earth
What we are doing is borrowing from the Mouth of Future Generations.
“હવે પછીનું વિશ્વયુદ્ધ પાણી માટે થશે”
ડૉ. ઈસ્માઈલ સેરેગેલ્ડીન
ઝડપથી નાશ થતાં જંગલો – ગ્લોબલ વોર્મીંગ
ગ્લેસીયરો પીગળી રહ્યા છે. આ ચોમાસું હવામાન બદલાયું છે તેનું આદર્શ ઉદાહરણ
કુદરતી સાધનોના વપરાશ અંગે ગાંધી શું કહે છે?
સાબરનાં જળ વહ્યાં જાય... (- બાલમુકુન્દ દવે)
સાબરનાં જળ વહ્યાં જાય...
સવારનો પહોરઃ ગાંધી ઊઠ્યાઃ
મુખશુદ્ધિ કરવાને સાબરના જળમાંથી
ભરી એક નાનીશીક લોટી;
સાથી પૂછેઃ બાપુ, અહીં પાણીની શી ખોટ ?
નદી વહી જાય આવી મોટી–
અને તમે ભરી એક નાનીશીક લોટી ?
ગાંધીની ભ્રમર ઊંચકાયઃ
ભાઈ, નદી મારા એકલાની ઓછી છે કંઈ ?
જીવજંતુ, પશુપંખી, માણસ એ–
સહુનો છે એમાં ભાગઃ
હું તો મારા ખપ થકી એકે ટીપું અધિક ન લઈ શકું;
એમ કરું તો બનું પ્રભુતણો ગુનેગાર !
આપણે કદીય આવા સામૂહિક સુખનો શું
ખ્યાલ ભલા રાખીએ છીએ નજરમાં ?
ગાંધી ભલે લોટી રાખે–
આપણે તો ઘડેઘડા ઠાલવીએ ગટરમાં !
અને તોય અશુદ્ધિ તો રહી જાયઃ
ગાંધી જેવું મુખ નહીં સાફ થાય.
કુદરતી સંપત્તિનો કરીએ છીએ કેટલો બગાડ !
છીડેથી ન ખેતરમાં પેસીએ ને
આખેઆખી ભાંગીએ છીએ વાડ !
- તો પછી ગાંધી શી રીતે બની શકીએ ?
કેટલું બધું પ્રસ્તુત છે આ આજના સંદર્ભમાં નહીં?
નિયમપાલનની શરૂઆત પોતાની જાતથી જ થાય છે. ભરપેટ ગોળ ખાનાર ગોળ નહીં ખાવાનો ઉપદેશ આપે તો એ વાંઝીયો ઉપદેશ છે.
આ સંદર્ભમાં બે પ્રસંગો વર્ણવવા છે –
કસ્તુરબા અને બાપુ – ગરીબીનો આદર્શ
બિહારના ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરતાં કસ્તુરબાએ દારુણ ગરીબી જોઈ.
સ્વચ્છતા અંગેની વાતના જવાબમાં મહિલાઓએ કહ્યું અમારી પાસે તો એક એક સાડલો જ છે.
સ્નાન કરીને અડધો સાડલો પહેરીને અડધો પહેલાં અને અડધો પછી એમ સૂકવીએ છીએ.
બદલવાની વાત તો ત્યારે આવે જ્યારે ઓછામાં ઓછા બે સાડલા હોય.
આ વાત તેમણે બાપુને કરી.
તે દિવસે બાપુએ ધોતીના બે ટુકડા કરી નાંખ્યા.
એક ટુકડો કમર નીચે બાંધી લીધો
બીજાથી ઉપરનો ભાગ ઢાંકી દીધો.
બન્ને પતિ-પત્નિએ ઓછામાં ઓછા વસ્ત્રોથી કામ ચલાવવાનો નિર્ણય કર્યો.
કસ્તુરબાએ ઘરેણાં વગેરેનો પણ ત્યાગ કર્યો.
એમણે કહ્યું, દેશમાં કેટલાક લોકોની પ્રાથમિક જરુરીયાતો પણ પુરી ન થતી હોય અને બીજા લોકો અપવ્યય કરે એ સામાજીક ગુનો છે. હું આવાં ગુનાની ભાગીદાર શું કામ બનું.
આજે ધનસંપત્તિની અસમાનતા વધતી જાય છે.
એક ગરીબને માથા ઉપર છત નથી.
એક ધનપતિ ૪૭૦૦ કરોડના ઘરમાં રહે છે!!!
રોજ પાંચ વસ્તુઓ જ ખાવાનો નિયમ
બાપુ કલકત્તામાં ભુપેન્દ્રનાથ બસુના મહેમાન બન્યા.
બંગાળીઓની આગતા સ્વાગતા જાણીતી છે.
લીલો અને સૂકો મેવો જેટલો મળ્યો તેટલો ભેગો કર્યો.
તેમાંથી જેટલી વાનગીઓ બને તે બનાવી બાપુ સમક્ષ મુકી.
આ જોઈ બાપુ ચોંકી ઉઠ્યા.
મનમાં વિચાર્યું મારા જેવા સાદગી પસંદ માટે આટલી બધી માથાકૂટ ?
તે જ દિવસે બાપુએ વ્રત લીધું -
હું હવે રોજ કુદરતી પાંચ વસ્તુઓ ઉપરાંત એકપણ વધારે ચીજ ખાઈશ નહીં.
વૈષ્ણવ જનના સિદ્ધાંતો જીવનમાં પણ તલવારની ધાર પર ચાલીને જાળવ્યા
વણજોયતું નવ સંઘરવું – બાપીકી મિલ્કત હક્ક જતો કર્યો
ગાંધીજી બેરીસ્ટર હતા
એમની જીવનશૈલી બ્રિટીશરંગે રંગાયેલી હતી
દક્ષિણ આફ્રિકામાં મોરિત્સબર્ગનો બનાવ બન્યા પછી એમણે સમાજ સેવાના ક્ષેત્રે ઝંપલાવ્યું.
આધુનિકતાને બદલે સાદગી આવી.
આત્મનિર્ભરતા અને જાતમહેનત પર ભાર મુકાયો.
22 વરસ તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યા.
હિન્દુસ્તાન આવ્યા પછી બાપદાદાની મિલકતના ભાગ અંગે સવાલ ઉભો થયો.
બાપુએ આ હિસ્સો છોડી દેવાનું નક્કી કર્યું એટલું જ નહીં પણ ત્યાગપત્ર પર પોતાના ચારેય પુત્રોની સહી કરાવી લીધી કે તેઓ પણ પોતાના હક્ક છોડી દે છે.
આમ પોતાના પુત્રોને પણ પૈતૃક સંપત્તિના મોહમાંથી મુક્ત કર્યા.
ગાંધીજી આંતરરાષ્ટ્રીય પ્રતિભા
ઇઝરાયલની બાળકીને એની મા કહે છે - મોટી થઈને તું ગાંધી જેવી થજે
પ્રસંગ છે ઈઝરાયલનો.
આંતરરાષ્ટ્રીય શાંતિ અંગેની કોઈ મિટીંગ
નારાયણભાઈ દેસાઈ તેમાં હાજરી આપી રહ્યા હતા.
સ્થળ હતું ઈઝરાયલમાં આવેલું એ આરબ ગામની હાઈસ્કુલ.
કેટલીક છોકરીઓ નારાયણભાઈને પૂછે છે –
તમે હિન્દુસ્તાનના છો ?
જવાબઃ- હા
ગાંધીને જોયા છે?
જવાબઃ- માત્ર મેં ગાંધીને જોયા જ નથી પણ હું એમના એક આશ્રમમાં ૧૨ વરસ ને બીજામાં ૧૧ વરસ ગાળી ચુક્યો છું. ૧૦ વરસ તો એમની સાથે હતો.
પેલી છોકરીઓમાંની એક કહે છે –
“તો તમે મને ગાંધી વિશે કંઈક કહો.”
બહુ અઘરો પ્રશ્ન હતો.
૧૨ વરસની એક આરબ છોકરી જે અડધુ પડધુ અંગ્રેજી જાણે તેને શું જવાબ આપવો?
નારાયણભાઈ જવાબ આપે છે –
“તારા કરતાં અડધી ઉંમરનો હું હતો ત્યારે પણ ગાંધીજી અમારી સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે અમે કોઈક વ્યક્તિ છે, કોઈક માણસ છીએ, માણસ તરીકે વર્તતા હતા.”
આ ગાંધીજી વિશે જાણ્યા બાદ પેલી આરબ કન્યા કહે છે –
“હં, હવે હું સમજી
મારી મા મને હંમેશા એમ કેમ કહે છે કે મોટી થઈને તું ગાંધી જેવી થજે.”
ગાંધી માણસ હતા
આજે આપણામાંનો માણસ ખોવાયો છે
હવે કહો –
ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઈ માણસ પાછો માણસ બને તો પ્રસ્તુત કહેવાય કે નહીં?
અહિંસા : જગતમાં યુદ્ધથી કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી
હણો ના પાપીને
દ્વિગુણીત બનશે પાપ જગના
વેરથી વેર શમતું નથી
વેરથી વેર વધે છે.
મહાન સમ્રાટ અશોકને આ સમજાયું
બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
ભારતે અનેક આક્રમણો સહ્યાં
અનેક સંસ્કૃતિઓને પોતાનામાં સમાવી
એ જ એની મોટી તાકાત
આપણી પ્રાર્થના
1. આનો ભદ્રા કૃતવો યન્તુ વિશ્વત: એટલે દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચાર આવો.
2. સર્વત્ર સુખિનઃ સન્તુ.... એટલે કે બધાં જ સુખી થાવ
3. કામયે દુઃખ તપ્તાનાં પ્રાણીનામાર્તી નાશનમ એટલે કે પ્રાણીમાત્રની આર્તના (પીડા)નો નાશ થાય તેવી હું કામના કરું છું.
જગતમાં ક્યાંય પણ યુદ્ધે તબાહી વેરવા સિવાય કોઈ કામ કર્યું નથી.
અમેરીકા જેવો મિલીટરી પાવર કોઈ યુદ્ધ નિર્ણાયક રીતે જીત્યો નથી.
હિરોશીમા અને નાગાસાકી અણુબોમ્બની તબાહીના સાક્ષી છે.
ગાંધીજી અહિંસાના પ્રખર હિમાયતી હતા.
ચૌરીચૌરા કાંડને કારણે ટોળાએ પોલીસચોકી બાળી હિંસા કરી.
ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું.
જાતે જ જવાબદારી સ્વીકારી જેલમાં ગયા.
જાત ઉપર પડે તે બધાં જ દુઃખ સહન કરી લેવા.
અહિંસાનો આ મહામંત્ર એમણે આત્મસાત કર્યો.
આ સંદર્ભમાં જાગૃતિ ચલચિત્રના એક ગાયનની કેટલીક પંક્તિઓ :
धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई
दागी न कहीं तोप न बंदूक चलाई
दुश्मन के किले पर भी न की तूने चढ़ाई
वाह रे फ़कीर खूब करामात दिखाई
चुटकी में दुश्मनों को दिया देश से निकाल
साबरमती के सन्त तूने कर दिया कमाल
दे दी ...
रघुपति राघव राजा राम
ગાંધીજી કોઈને હરાવવામાં નહીં
દિલ જીતીને પોતાનો બનાવવામાં માનતા હતા.
જીંદગી જીંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
હાર પણ દિલ જીતી દે છે કો’કદી
મોત પણ જીવન અમરઝાંપો કદી
Not to Win Bus to Win Over
માત્ર જીતવા માટે નહીં પણ હૃદયને જીતવા માટે
અહિંસાની ઠંડી તાકાત
અસરકારક આંદોલન
“સત્યાગ્રહ” સત્યનો આગ્રહ
પ્રીટોરીયા થી ડરબન જતાં
ફર્સ્ટ ક્લાસની ટિકીટ હોવા છતાં ઉતારી મુક્યા ત્યારે મોરિત્સબર્ગ સ્ટેશને ઉતારી મુક્યા
આ અંધારી રાતની ઠંડીમાં કદાચ હિંદની આઝાદીનું પહેલું પ્રકરણ લખાયું.
હક્કોને સારુ લડવું
નામર્દી ન ચલાવી લેવી
ઉંડો રોગ નાબૂદ કરવો
જાત ઉપર દુઃખ પડે તો બધાં સહન કરવાં
શક્તિનો ઉપયોગ કરવો.
ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી
દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ ખૂબ રોષમાં હતા અને હુમલો કરશે તેમ લાગમાં મિત્ર કેલનબર્ગ રિવોલ્વર લઈને ગયા. પાછા કાઢ્યા.
આ કેલનબર્ગ અચ્છા કુસ્તીબાજ અને બોક્સર હતા.
ગાંધીજીનો એમના પર એટલો બધો પ્રભાવ પડ્યો કે ગોરા લોકોની એક સભામાં એમને પડકારનાર અંગ્રેજની ચેલેન્જ –
“કમ એલોંગ, લેટ અસ ફાઈટ ઈટ આઉટ” (આવ આપણે એ મુદ્દે લડી લઈએ)
કેલનબર્ગે ઠંડકથી જવાબ આપ્યો –
“બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ફાઈટ યુ” (પણ હું તારી સાથે લડવાનો નથી)
કેલનબર્ગ હવે શૂરની અહિંસા કેળવી ચૂક્યા હતા.
સરહદના ગાંધી અબ્દુલ ગફારખાને અંગરક્ષકો મોકલ્યા. ગાંધીજીએ એ ન સ્વીકાર્યા.
તેઓ માનતા કે ભયગ્રસ્ત માણસ અહિંસક થઈ જ ન શકે
આમ છતાંય...
સાબરમતી આશ્રમની નવી નવી સ્થાપના. એ દિવસોમાં ચોરોનો ઉપદ્રવ. આશ્રમવાસીઓ વારાફરતી ચોકી કરે. કોઈ હથિયાર નહોતું. સરકારને અરજી કરી આ માટે બંદૂક ખરીદવાનો પ્રસ્તાવ આવ્યો.
કેટલાકે વિરોધ કર્યો કે અહિંસાવાળા ગાંધીજીના આશ્રમવાસીઓ બંદૂકનું લાયસન્સ માંગે છે.
વાત ગાંધીજી સુધી ગઈ.
ગાંધીજીએ કહ્યું કે – જો બધા કહેતા હોય તો બંદૂક ખરીદી આપું. લોકો ટીકા કરે કે આ અહિંસક લોકો બંદૂક કેમ રાખે છે તો તેને જવાબ આપવાવાળો હું બેઠો છું.
તેથી એકલો આવ્યો છું.
ચંપારણની વાત છે.
ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરુ કરેલી અને પ્રજામાં કંઈક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઈએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યાઃ “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે મારાઓ રોક્યા છે, એટલે કોઈને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”
પેલો બિચારો સ્તબ્ધ થઈ ગયો !
ગાંધીજી સાચા અર્થમાં વિશ્વ નાગરિક
અમેરીકા છોડો એટલે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ભુલાતું જાય.
રુઝ્વેલ્ટ કે જેફરસન કે લીંકનની સ્મૃતિ ધૂંધળી થતી જાય.
રશિયાથી દૂર જાવ એટલે એ જ સ્થિતિ લેનિનની.
ફ્રાન્સથી દૂર ચાર્લ્સ દ’ગોલ
પાકિસ્તાનથી દૂર ઝીન્નાહ
ઈઝરાયલથી દૂર ડેવીન બીન ગુરિયન
ની સ્મૃતિ ઝાંખી થતી જતી લાગે.
પણ.....
એકમાત્ર ગાંધી એવા છે કે એમના માટેનો આદર વધુને વધુ વિસ્તરતો જાય છે.
સુપ્રસિદ્ધ કટાર લેખક જય વસાવડા કહે છે તેમ –
“સ્વયં મુરલીધર મોહન કરતાં આ મોહન ‘દાસ’ ગ્લોબલ સ્કેલ પર વધુ પોપ્યુલર છે.”
આમ, ગાંધીજી આજના યુગમાં થઈ ગયેલ બધીય વિભૂતિઓ કરતાં વધુ લોકપ્રિય અને સ્વીકૃત છે.