featured image

મહાનગરોની ચૂંટણીમાં સુરતમાં ૨૭ સીટો જીતીને આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું અને ગુજરાતમાં એનું નામ ગાજતું થયું. ગુજરાત આમ તો દ્વિપક્ષીય રાજનીતિને જ સ્વીકારે છે. એણે ક્યારેય ત્રીજા પક્ષના હાથમાં શાસન આપ્યું નથી. આના ઉદાહરણો જોઈએ તો ઇન્દુચાચાની મહાગુજરાત જનતા પાર્ટી, ભાઈકાકા અને જયદીપસિંહ બારીયાની સ્વતંત્ર પાર્ટી, સંસ્થા કોંગ્રેસ, જનતા પાર્ટી, ચીમનભાઈ પટેલની કિસાન મઝદૂર લોક પક્ષ, ચીમનભાઈ પટેલની જનતા દળ ગુજરાત, શંકરસિંહ વાઘેલાની રાજપા, ગોરધન ઝડફિયા અને કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી વિગેરે નામો ગણાવી શકાય. વચ્ચે ક્યાંક ક્યાંક NCP કે BSP પણ રમી ગઈ. સરવાળે તો બે જ પાર્ટી મુખ્ય પ્રવાહની પાર્ટી રહી અને તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. કોંગ્રેસ ભલે નામશેષ થઈ જતી દેખાય પણ ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એકધારો જાદુ ચાલ્યો ત્યારે પણ કોંગ્રેસે ૩૨ ટકા જેટલા મત મેળવીને પોતાની એક અકબંધ વોટબેંક છે એનો પુરાવો આપ્યો.

દરમ્યાનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ૨૭ સીટ મેળવીને બધાને ચોંકાવી દીધા. જોકે એના કારણો એક કરતાં વધારે હતાં. એટલે સુરતમાં આમ આદમી પાર્ટી પોતાના બલબૂતા પર કે સંગઠનની તાકાતને કારણે ૨૭ સીટ જીતી એમ કહેવું જરા વધારે પડતું ગણાશે.

સુરતની આ જીત બાદ આમ આદમી પાર્ટી એકાએક ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મોટું ગજું કાઢશે એવી વાતો માધ્યમોમાં અને લોકમાનસમાં પણ ચર્ચાવા લાગી. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી જોર પકડતી જતી હતી અને એનું મૂળ કારણ પાટીદારોનો એક વર્ગ જે ભારતીય જનતા પાર્ટીથી સંતુષ્ટ નહોતો તેણે આમ આદમી પાર્ટીનો પાલવ પકડયો. ગુજરાતી ટેલિવિઝન નેટવર્કના એક મોટા ગજાના એન્કર પોતાના વ્યવસાયિક કામને તિલાંજલિ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા જેણે તે સમય પૂરતું આમ આદમી પાર્ટીને પ્રસિદ્ધિ માટેનું એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું.

બરાબર ત્યાંજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થઈ અને આમ આદમી પાર્ટીએ એમાં પુરા જોશથી ઝંપલાવ્યું. એનું પ્રચાર તંત્ર અને જે રીતે એની સભાઓમાં ભીડ ઉમટી હતી તે જોતાં ગાંધીનગરની ચૂંટણીમાં કાંઈક મોટી નવાજૂની થશે એવી વાત ચૂંટણીલક્ષી રાજનીતિના ખેરખાંઓ અને પૃથ્થકરણકારો કરવા માંડ્યા. ભારતીય જનતા પાર્ટી માટે આમેય ગાંધીનગર વિસ્તાર બહુ આસાન નથી અને તેમાં દેખીતી રીતે આમ આદમી પાર્ટીને જે પ્રતિસાદ મળતો હતો તે જોતાં ભારતીય જનતા પાર્ટી માટે ગાંધીનગર મહાનગરપાલિકાનો ચુંટણી જંગ કપરાં ચઢાણ સાબિત થશે એવાં એંધાણ વરતાવા માંડ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીએ પણ સરકારના તમામ મંત્રીઓને અને સંગઠનના ધુરંધરોને આ ચૂંટણીમાં કામે લગાડી દીધા કારણકે ગાંધીનગર ગૃહ મંત્રી શ્રી અમિત શાહને મતવિસ્તાર છે અને મોદીના ગુજરાતનું પાટનગર છે. અહીં ભારતીય જનતા પાર્ટીનો રકાસ થાય તો બહુ મોટા પડઘા પડે. આખરે ચૂંટણી થઈ. મતદાન બાદ પણ ભારતીય જનતા પાર્ટી બહુ મોટી બહુમતીથી જીતી જશે એવું કોઈ અનુમાન નહોતું કરતું. જેને પૂછો મોટાભાગે જવાબ એક જ હતો, ‘આ વખતે અણધાર્યું પરિણામ આવશે’. છેવટે પરિણામનો દિવસ પણ આવી પહોંચ્યો. તારીખ પાંચમી ઓક્ટોબરના દિવસે જેમજેમ પરિણામો જાહેર થતાં ગયાં તેમતેમ પેલું અણધાર્યું પરિણામ આવશે એ ઉક્તિ સાચી પડતી ગઈ. આમેય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલે તો બધી જ સીટો જીતી જવાનો હુંકાર કર્યો હતો. તકદીર જાણે કે એમની તરફેણ કરી રહ્યું હતું. પરિણામ આવ્યાં. ૪૪માંથી ભારતીય જનતા પાર્ટી ૪૧ બેઠકો જીતીને મેદાન મારી ગઈ. બે બેઠક કોંગ્રેસને મળી અને માત્ર સોગંદ ખાવા પૂરતી એક બેઠક આમ આદમી પાર્ટીને મળી. આવું આશ્ચર્યજનક પરિણામ કેમ આવ્યું તેનો જવાબ શોધવો હોય તો નીચેના કોઠા પર એક નજર નાખીએ.

કોઠો : ગાંધીનગર મહાનગર પાલિકામાં કયા પક્ષને કેટલા મત મળ્યા

વોર્ડ

ભાજપ વોટ

કોંગ્રેસ વોટ

આમ આદમી પાર્ટી વોટ

કોંગ્રેસ + આપ

ભાજપ કરતાં વધારે/ઓછા

1

19470

8974

8347

17321

ઓછા

2

24652

20401

6203

26604

વધારે

3

16605

15957

8625

24582

વધારે

4

24036

20286

11095

31381

વધારે

5

18810

8320

4054

12374

ઓછા

6

16094

11992

14053

26045

વધારે

7

25035

18045

9209

27254

વધારે

8

28083

13515

15423

28938

વધારે

9

30298

12357

19607

31964

વધારે

10

34245

6969

16350

23319

ઓછા

11

27574

23019

11088

34107

વધારે

કૂલ

264902

159835

124054

283889

 

 

ઉપરોક્ત વિગતો પરથી જોઈ શકાશે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતની ટકાવારી ભેગી કરીએ તો કુલ ૧૧માંથી ૮ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સારી એવી લીડથી પાછળ રહી જાય એવું થાત. બાકી ત્રણ વોર્ડમાં પણ બે-ત્રણ સીટ બીજી નીકળી જાય તો કોંગ્રેસ - આમ આદમી પાર્ટી કમ્બાઈન સામે ભારતીય જનતા પાર્ટી માત્ર આઠથી દસ સીટ જીતી શકી હોત. કમાલ ત્રિકોણીયા હરિફાઈએ કરી. આમ આદમી પાર્ટી એનો અહંકાર ગણો, હઠાગ્રહ ગણો કે દુરાગ્રહ, આ પરિણામો માટે જવાબદાર બની. તે જ રીતે કોંગ્રેસ વ્યૂહરચનાની સંપૂર્ણ ખામી અને મતોના રાજકારણની ગણતરીમાં સાવ ઠોઠ નિશાળીયો પુરવાર થઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ જો અફસોસ કરવાનો હોય તો પોતાની સમજણ શક્તિના ભયંકર અભાવ માટે કરવો જોઈએ. ‘બે બિલાડી અને વાંદરો’એ વાર્તા આ બંને પક્ષના આગેવાનોએ સાથે બેસીને વાંચવા જેવી છે. આમ આદમી પાર્ટીનું મિથ્યાભિમાન અને અહંકાર અને કોંગ્રેસની આટલી જૂની પાર્ટી હોવા છતાં ટૂંકી બુદ્ધિ અને વ્યૂહરચનાનો અભાવ એમના કમનસીબ માટે જવાબદાર છે. આ બેમાંથી એકેય પાર્ટીએ બહાર કોઈને દોષ દેવાની જરૂર નથી. આજ બુદ્ધિહીનતા ચાલુ રહી તો વિધાનસભાનું પરિણામ પણ આ બંને પક્ષો માટે ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામથી જુદું નહીં હોય. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્ને પોતપોતાના અહંકારમાં રત રહીને ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી માધવસિંહ સોલંકીનો ૧૪૯ સીટનો રેકોર્ડ તોડી નાખે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ઠોકર વાગવાથી લોહી નીકળે છે એ કોઈના દાખલા પરથી સમજે તે માણસ બુદ્ધિમાન કહેવાય, પોતાને ઠોકર વાગે અને લોહી નીકળે એ અનુભવ પરથી જે શીખ લે તે વ્યવહારુ કહેવાય પણ એક વખત ઠોકર વાગી અને લોહી નીકળ્યું તેટલું જ બીજી વખત વાગશે તો નીકળશે કે કેમ એવો અખતરો કરવા જાય તે મૂર્ખ કહેવાય. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રીજી કક્ષામાં આવે એવાં એંધાણ અત્યારે વરતાય છે. અને ત્યાં સુધી ચંદ્રકાંત પાટીલ ભારતીય જનતા પાર્ટીના નસીબદાર પ્રદેશ પ્રમુખ પુરવાર થયા કરે તો એમાં એમના નસીબને જેટલો ફાળો આપીએ એટલો જ બલ્કે એથીય વધારે ફાળો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની બુદ્ધિમતાના અભાવને આપવો જોઈએ.

એક વધુ વાત કરી લઈએ ઓવૈસીની AIMIM પાર્ટીની. ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં આવી છે. એણે થોડોક પરચો અમદાવાદમાં બતાડયો પણ ખરો. આ પાર્ટી જો ગુજરાતમાં અમુક વ્યૂહાત્મક જગ્યાએ પોતાના ઉમેદવારો ઉભા રાખે તો વિધાનસભામાં એ ૪-૫ બેઠક લાવી શકે પણ એના કરતાં વધુ ગંભીર બાબત તો એ છે કે એ મુસ્લિમ મતોને વિભાજિત કરે જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય અને સીધું નુકસાન કોંગ્રેસને થઈ શકે. આ માટે નીચેની વિગતો પર એક નજર નાખીએ. નીચેના આંકડા ૨૦૧૧ના સેન્સસ પર આધારિત છે. ૨૦૨૧માં એ આંકડા વધી શકે છે. આ આંકડાઓની રમત ચાર ભાગમાં વહેંચવા માગીશ.

(અ) વિધાનસભાની એવી સીટ જેમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ખૂબ મોટી છે.

ખાડિયા : ૧,૦૮,૩૬૪

દરિયાપુર : ૭૮,૫૫૦

ભરૂચ : ૭૮,૨૧૦

વાગરા : ૭૪,૨૧૫

લીંબાયત : ૬૪,૩૬૩

જંબુસર : ૬૧,૩૩૨

(બ) જેમાં મુસ્લિમ મતદારો હાર-જીત પર મોટો ફેર પાડી શકે તેમ છે.

ગોધરા: ૪૮,૩૬૮

બાપુનગર: ૪૬,૦૬૫

વાંકાનેર: ૪૫,૬૯૬

સુરત પૂર્વ: ૪૫,૭૭૧

અબડાસા: ૪૪,૭૧૯

સિદ્ધપુર: ૪૨,૭૬૯

ધોરાજી: ૪૨,૫૮૫

રાવપુરા: ૪૧,૬૧૬

સોમનાથ: ૪૦,૩૫૮

આણંદ: ૪૦,૨૫૬

વટવા: ૩૭,૯૯૦

માંડવી: ૩૭,૬૨૬

મહુધા: ૩૬,૩૫૬

ખંભાળિયા: ૩૬,૨૪૧

દસાડા: ૩૪,૭૮૨

અંજાર: ૩૪,૭૭૬

(ક) જેમાં મુસ્લિમ મતદારો જો એક થઈને મતદાન કરે તો કોઈ એક પાર્ટીના ઉમેદવારને હરાવી શકે.

ભુજ: ૩૨,૬૯૮

ઉમરેઠ: ૩૨,૪૩૫

જામનગર ગ્રામ્ય: ૩૨,૬૯૭

સાવરકુંડલા: ૩૦,૧૨૦

નડિયાદ: ૩૩,૪૭૯

જામનગર દક્ષિણ: ૩૨,૭૦૯

મોરબી: ૩૨,૧૮૭

કપડવંજ: ૩૨,૧૦૫

ઠાસરા: ૩૨,૭૩૫

જૂનાગઢ: ૩૦,૪૫૩

અંકલેશ્વર: ૩૦,૧૧૬

માંગરોલ: ૩૦,૫૫૨

બાલાસિનોર: ૨૯,૮૯૨

મહેમદાવાદ: ૨૯,૭૮૫

પેટલાદ: ૨૯,૯૧૧

વડોદરા શહેર: ૨૯,૮૦૩

મોડાસા: ૨૮,૭૯૨

દાહોદ: ૨૭,૪૦૪

કરજણ: ૨૭,૨૩૦

અકોટા: ૨૬,૧૧૨

ગાંધીધામ: ૨૫,૪૦૪

વડગામ: ૨૫,૬૮૦

કડી: ૨૫,૦૪૫

માતર: ૨૫,૨૦૯

(ડ) જેમાં મુસ્લિમ મત કોઈ એક પક્ષ સાથેના સંયોજનમાં હાર-જીત માટેનું પરિબળ બની શકે.

હિંમતનગર: ૨૨,૭૧૮

એલિસબ્રિજ: ૨૩,૯૦૬

ધોળકા: ૨૨,૬૯૩

ઇડર: ૨૦,૭૬૨

ધંધુકા: ૨૦,૯૯૬

ધાંગધ્રા: ૨૬,૪૯૭

રાજકોટ પૂર્વ: ૨૭,૯૪૨

જામનગર ઉત્તર: ૨૩,૨૪૮

કોડીનાર: ૨૧,૦૦૩

ઉના: ૨૦,૦૦૯

ધારી: ૨૦,૮૦૯

અમરેલી: ૨૫,૨૩૦

લાઠી: ૨૦,૩૭૦

રાજુલા: ૨૦,૮૩૮

ભાવનગર પૂર્વ: ૨૦,૮૧૧

ખંભાત: ૨૦,૩૯૧

બોરસદ: ૨૦,૯૭૪

લુણાવાડા: ૨૦,૧૫૦

સાંતલપુર: ૨૩,૪૪૦

કલોલ: ૨૦,૬૭૯

છોટા ઉદેપુર: ૨૦,૧૧૫

સયાજીગંજ: ૨૦,૧૭૯

ઓલપાડ: ૨૨,૫૨૮

સુરત પશ્ચિમ: ૨૩,૯૮૯

બારડોલી: ૨૦,૮૭૧

નવસારી: ૨૨,૫૦૩

ગણદેવી: ૨૩,૦૦૮

પારડી: ૨૧,૫૫૫

ઉપરોક્ત વિગતો પરથી જોઈ શકાશે કે ૧૮૨માંથી ૭૪ બેઠકો પર જો વ્યૂહાત્મક રીતે મુસ્લિમ મતો હરિજન અને આદિવાસી મતદારો સાથે જોડાય તો પરિણામો બદલી શકાય. આ વાત AIMIMના સંદર્ભમાં સમજવી જોઈએ. AIMIM અહીંયાં પોતાના ઉમેદવારો ઉભા રાખે તો સ્વાભાવિક રીતે જ એ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકે.

આ ઉપરાંત આદિવાસી મતદારોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ વધ્યો છે પણ કોંગ્રેસ પણ પ્રભાવી છે ત્યારે છોટુ વસાવા જેવા વર્ચસ્વ ધરાવતા આદિવાસી નેતા સાથે વ્યુહાત્મક જોડાણ કરવામાં આવે તો પણ જે પાર્ટી આવું કરે તેનો હાથ ઉપર રહે.

કોળી મતદારોમાં પુરુષોત્તમ સોલંકી ઘણા લાંબા સમય સુધી પ્રભાવી રહ્યા પણ આજની તારીખમાં એમનો પ્રભાવ ઘટયો છે. સાથોસાથ પુરુષોત્તમ સોલંકી કે કરમશી મકવાણાના ગજાના કોળી આગેવાનો બેમાંથી એકેય પક્ષો પાસે નથી. આમ કોળી મતદારો સાથે પનારો પાડવાનું વ્યૂહાત્મક આયોજન કઇ રીતે કરવામાં આવશે તે પણ વિધાનસભાના પરિણામોમાં મોટો ભાગ ભજવશે.

અત્યારની પરિસ્થિતિ જોતાં ત્રિપાંખીયો/બહુપાંખીયો મુકાબલો થાય તો એનો ચોક્કસ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય એવું લાગે છે. અંગ્રેજીમાં કહેવત છે ‘Wars are planned in the mind of Generals and only executed on the battlefield’. મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આજે પણ ડઘાઇ ગયેલી હોય તે સ્થિતિમાં છે. એના અંદરોઅંદરના ડખા બહુ મોટા છે. દિલ્હીમાં પણ બધું સમુસૂતર ચાલતું હોય એવું દેખાતું નથી. ‘ગ્રુપ ઓફ ૨૩’ નેહરુ-ગાંધી કુટુંબની નેતાગીરીને ધ્વસ્ત કરવા મેદાને પડયું હોય તે રીતે ચાલે છે. એમના નેતાઓના મોંએથી બગાવતના સૂર સંભળાય છે પણ જાણે કે કોઈની બીક ના હોય તે રીતના, કપિલ સિબ્બલ હોય કે શશિ થરૂર. જ્યારે સલ્તનતનો શહેનશાહ નબળો પડે ત્યારે સુબાઓ શહેનશાહ થઈ જાય તે પરિસ્થિતિ આજે કોંગ્રેસની છે. આવી હતપ્રભ કોંગ્રેસ ગાંધીનગરના પરિણામો પછી પણ જો સમજદારીથી નહીં વરતે તો વિજયશ્રીનો રાણીછાપના રૂપિયા જેવડો ચાંદલો અત્યારે પોતાનું એકચક્રી શાસન ચલાવતા ચંદ્રકાંત પાટીલના કપાળમાં ચોડાશે એમાં કોઈ બેમત નથી. કોંગ્રેસ માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો ખેલ છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીને વકરો એટલો નફો છે અને બાકી કોંગ્રેસને પાડી દેવાનું પુણ્યકાર્ય કરી દેવાનું અને બીજેપીને મદદરૂપ થવાનો યશ તો તેમને મળવાનો જ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી ઘણો બધો બોધપાઠ લઈ શકાય તેમ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની તાકાત કરતા મતોની વહેંચણીનો વધુ આભાર માનવા જેવું છે. બાકી તો રાજનીતિ એ તકદીરની રમત છે. ૨૦૨૨ હવે બહુ દૂર નથી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles