ચાનો એક કપ અથવા જ્યુકબોક્ષનાં થોડાં ગાયનના સહારે ખૂબ સુખદ રીતે વિતાવી શકાશે એ વાત ગેલોર્ડમાં મેં પહેલો વહેલો પગ મૂક્યો ત્યારે મને નહ
ફેબ્રુઆરીનો મહીનો ધીરે ધીરે અંત તરફ જઇ રહ્યો હતો. પાનખરનું આગમન થવામાં હતું. વાતાવરણમાં બપોરે સહેજ ગરમી પણ સવારે ઠંડી વાય અને ઓઢવાની જરૂર પડે તેવી બે ઋતુ ચાલતી હતી. યુનિવર્સિટી હોસ્ટેલ વિસ્તારમાંથી પસાર થઈએ ત્યારે ત્યાં ઉભેલા આંબાના ઝાડ પર હવે મોર ફૂંટવા માંડ્યા હતા. શિયાળાનાં ફૂલ હવે વિદાય લઈ રહ્યાં હતાં. થોડા જ સમયમાં કેસૂડો અને શિમળો ફૂલ ખીલવે અને ધીરે ધીરે ગરમી વધે તેમ ક્યાંક ક્યાંક મોગરા ઉપર પણ કળી દેખાવા માંડી હોય તેવું વાતાવરણ હતું. શિયાળામાં વેકેશન પર ગયેલા શેરડીના રસના સંચા પાછા શરૂ થવા માંડ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોર હોલથી સ્ટેશન તરફ જતાં પ્રતાપગંજ તરફથી આવતો રસ્તો જ્યાં ભેગો થાય તે ખૂણા પર એક નાની પણ ખૂબ જાણીતી દુકાન પર વળી પાછી ડીપ ફ્રિજરમાં થીજવી દીધેલ કોકોકોલાની બાટલીની માંગ ઉઘડવા માંડી હતી. આ દુકાનની વિશેષતા જ એ હતી કે ત્યાં બાટલીમાં લગભગ બરફ થઈ ગયો હોય તેવું કોકોકોલા મળતું અને એના ચાહકો બરફનો ગોળો ચૂસતા હોય તેમ સ્ટ્રોથી ચૂસકી મારીને થીજી ગયેલ કોકોકોલાનો સ્વાદ માણતા. આ દુકાને ખાસ કરીને બાનાઓ એટલે કે ઓવરસીઝ વિદ્યાર્થીઓની અને મુંબઈ-દિલ્લી તેમજ અન્યત્રથી આવતા પ્રમાણમાં ધનાઢ્ય કુટુંબના નબીરાઓની ભીડ જામતી. તે વખતે ગમ્મતમાં એમ કહેવાતું કે આ બાનો જો બેભાન થઈ જાય તો એના ચહેરા પર પાણીને બદલે કોકોકોલા છાંટો તો જ ભાનમાં આવે! કોકોકોલા માટેના તેમના વિશિષ્ઠ પ્રેમને કારણે કદાચ આવી વાત વહેતી થઈ હશે. મેસમાં પણ બાજુની કેન્ટીનમાંથી કોકોકોલાની બાટલી લઈ આવે અને જમતા જમતા એની ચૂસકીઓ લેતો જાય તો સમજવાનું કે આ કોકોકોલા પ્રેમી દરિયા પારથી આવેલું પક્ષી છે.
એ ખૂણેથી આગળ વધીએ એટલે અમારા જેવા કડકા બાલૂસો માટે મદ્રાસ કેફે આવે. રવિવારે સાંજે જમવાનું ન હોય ત્યારે અમે અહીંયા 50 પૈસાનો ઢોંસો અને 25 પૈસામાં ઇડલીની જ્યાફત માણતા. ચા મંગાવીએ તો 1 રૂપિયામાં ડિનર પૂરું થાય અને ઠંડુ પીણું મંગાવીએ તો સવા રૂપિયો.
મને આ જગ્યાએ પરિચય થયો સોસિયોનો. સુરતમાં બનતો હજૂરીનો સોસિયો. (આજે પણ સુરતથી નીકળતાં અચૂક ટોલટેક્ષ નાંકા પહેલા જે હોટલ કેમ્પસ છે ત્યાંથી સોસિયો પીવાનું ભાગ્યે જ ચૂકું છુ.) કોકોકોલા કરતાં આ સહેજ જુદી જાતનુ પીણું હતું. આ પીણું પીતાં પીતાં એક નવું ધતિંગ શીખ્યા. એની બાટલીમાં ચપટીક મીઠું નાંખો અને પછી એનું મો અંગૂઠાથી દબાવી રાખો તો પ્રવાહીમાં જે ઊભરો આવે એનો રીતસરનો ફૂંવારો આજુબાજુ કોઈ બેઠું હોય તો એને નવડાવી દે. એક વખત આ અળવીતરું કરેલું. ઊભરો આવીને પીણું બહાર ન ઢળે એટલા ખાતર થઈ એને અંગૂઠાથી દબાવી રોકવાનો પ્રયત્ન કર્યો. જે થવાનું હતુ તે થયુ, સામે બેઠા બંને જણાને સોસિયોની ધારથી નવડાવી નાખ્યા. સદનસીબે બધા અમારા જ ગ્રૂપના હતા નહીં તો કોઈક મોટો હાદસો થયો હોત પણ જ્યારે નસીબ પાંસરું હોય ત્યારે આંખ બંધ કરીને પણ નિશાન તાકો તો પણ એ ધાર્યું પડે છે. બચી ગયો. ત્યાર પછી સોસિયોમાં મીઠું નાંખીને પીવાનું સાહસ કર્યું હશે તો પણ બાટલી અડધી થઈ જાય ત્યારબાદ થોડુંક મીઠું નાખી ઊભરો આવે તેમ પીતા જવાનું તે રીતે. મીઠું નાખવાથી આ પીણાનો સ્વાદ કંઈક જુદો જ આવે છે. (આ સોસિયો સાથેની ભાઈબંધી મદ્રાસ કેફેમાં કોલેજના પહેલા વરસમાં થઈ. વચ્ચે માલીકોની કૌટુંબિક તકરારને કારણે સોસિયો બંધ થઈ ગયું હતું પણ જેવુ ચાલુ થયું તેવું જ એ ભાઈબંધી પણ ચાલુ થઈ ગઈ અને આજે પણ નભી રહી છે.)
મદ્રાસ કેફેથી આગળ જઈએ એટલે એક જોરદાર જગ્યા આવે એનું નામ ગેલોર્ડ. ગેલોર્ડ રેસ્ટોરાં રાતરાણીની જેમ દીવાબત્તી પછી જ એ ખીલે. વડોદરા સ્ટેશન આખી રાત જાગતું હોય છે કારણ કે દિલ્લી તરફ જતી અને આવતી ઘણી બધી ગાડીઓ ત્યાં રાત્રે આવે છે. આ કારણથી આ ગેલોર્ડ પણ દિવસે સુસ્ત હોય અને રાત્રે પૂરબહારમાં ખીલી ઊઠે.
ફેબ્રુઆરી મહિના બાદ કોલેજ જવાનું ઝાઝું નહોતું. ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનાં જર્નલ લખાઈ ગયાં હતાં. હવે પરીક્ષા પહેલાંનો વાંચવાનો સમય શરૂ થતો હતો. અત્યાર સુધીમાં લગભગ આઠેક મહિના વડોદરા વાસ થયો તે દરમિયાન હોસ્ટેલમાં પણ નાની-મોટી ઓળખાણો અને દોસ્તી થઈ ગઈ હતી. મને વોલીબોલ રમવાનો શોખ એટલે રવિવારે વોલીબોલ રમનારા ભેગા થાય ત્યારબાદ રમત પતે એટલે બાજુમાં જ આવેલી કેન્ટીનમાં નાનો-મોટો નાસ્તો કરવા જઈએ અને પછી નાહી-ધોઈ તૈયાર થઈ લગભગ એક દોઢ વાગ્યાની આજુબાજુ જમવા માટે જઈએ. લગભગ આંતરે રવિવારે ફિસ્ટ હોય. ક્યારેક ગુલાબજાંબુ, ક્યારેક ફ્રૂટસલાડ, ક્યારેક શ્રીખંડ, ક્યારેક દૂધીનો હલવો આવું કંઇને કંઇ હોય. એના પછી હરીફાઈ થાય. 45-50 ગુલાબજાંબુ ઝાપટી જનાર પણ અમારી હોસ્ટેલમાં હતા અને 12-14 વાટકીઓ ફ્રૂટસલાડ પી જનાર પણ અમારી હોસ્ટેલમાં હતા. આ ખાઉધરાઓને થોડો પાનો ચઢાવનાર કોઈ મળે તો એમને ચાનક ચઢતી. અમે પણ અમારી શક્તિ પ્રમાણે સ્કોર નોંધાવતા. ધીરે ધીરે એમાં સુધારો થતો જતો હતો પણ હવે હોસ્ટેલના મેસનું ખાવાનું કોઠે પડી ગયું હતું. મારા ઘરે દાળ-શાકમાં ગોળ નહોતો નખાતો. મા તળવા માટે તેમજ વઘારવા માટે સરસિયું વાપરતી. બાપાની રેલવેની નોકરી અને ઉત્તર ભારતીયોના સહવાસનો આ પ્રભાવ હતો. હોસ્ટેલમાં ધીરે ધીરે પંજાબી દાળ અને શાક માટે ટેસ્ટ ડેવલોપ થયો અને તે ક્વચિત અપવાદને બાદ કરતાં કઢી, દાળ અને શાક પંજાબી જ ખાવાનું એ રીતે જામી પડ્યો. ખાલી એક અપવાદ હતો બુધવારે સુકી ભાજી, કઢી અને તુવેરની લચકો દાળ હોય ત્યારે હું ગુજરાતી શાક પસંદ કરતો. લચકો દાળ, કઢી અને ગરમા ગરમ રોટલી સુકી ભાજી સાથે ખાવાની એક ઓર મજા હતી. એટલે પહેલા વરસમાં લગભગ ફેબ્રુઆરી સુધીમાં હોસ્ટેલ જીવન થાળે પડી ગયું અને સોસિયો જેવા નવા પીણા સાથે તેમજ પંજાબી શાક અને દાળ-કઢી જેવાં નવાં વ્યંજનો સાથે મારો પરિચય થયો. આજે પણ દાળ કે શાકમાં ગળપણ નાખ્યું હોય તો જાણે વિદેશથી મંગાવુ હોય તેવું લાગે છે.
હવે મૂળ વાત પર આવીએ. ગેલોર્ડ સાથેનો અમારો પરિચય શરૂઆતમાં નહોતો. પરીક્ષા નજીક આવવા માંડી એટલે રાત્રે જાગીને વાંચવાનો નવો ઉદ્યમ શરૂ થયો. આ વાંચતાં વાંચતાં એકા’દો અમારો સાથી લગભગ અગિયાર-સાડા આગિયારે બધાને કહેવા નીકળે. “પાર્ટનર ચા પીવા જઈશું?” મારી પાસે તો સાઇકલ હતી નહીં એટલે કોઈકની સાયકલના કેરિયર પર બેસી અમે 5-6 જણા રાત્રે અગિયાર-સાડા આગિયાર વાગ્યે પોલિટેકનીક હોસ્ટેલથી સ્ટેશન ગેલોર્ડ રેસ્ટોરાં તરફ ગતી કરીએ. ગેલોર્ડનું બીજું એક આકર્ષણ હતુ ત્યાનું જ્યુકબોક્ષ. ચાર આના નાખી મનપસંદ ગાયન વગાડી શકાય. બધા સોલ્જરી કરે અને જે 5-6 ગાયનો નક્કી થાય તે માટેના પૈસા ભાગે પડતા આપી દઈએ પછી ચા પીતાં પીતાં એ ગાયનો વાગતાં જાય તેમજ અમારી વાતોનો દોર ચાલતો જાય. ગેલોર્ડ મધરાતે પહોંચ્યા હોઈએ તે ક્યારેક ક્યારેક અમને વહેલી પરોઢની નજદીક લઈ જાય અને બે-અઢી વાગે આ બધા વાંચનવીરો હોસ્ટેલ પાછા જવા નીકળે. પાછા આવ્યા પછી શું કપાળ વાંચે? અડધા કલાકમાં તો નિન્દ્રાદેવીને શરણે થઈ જાય !
ગમે તે કારણ હોય ચા પીવાથી જાગી શકાય છે એ વાત મારી શરીરરચના સાથે ક્યારેય સુસંગત ન થઈ શકી. તે વખતે પણ ચા પીધા પછી ઘસઘસાટ ઉંઘી શકાતું, આજે પણ ચા પીવાથી રાત્રે ઉંઘ ઊડી જાય એવી કોઈ ફરિયાદ નથી. આ અમારા ગેલોર્ડ સાથેના પરિચયની શરૂઆત હતી. ત્યારે કદાચ ખ્યાલ નહોતો કે આગળ જતાં આ પરિચય વધુ ગાઢ બનશે અને વડોદરાનાં એ સ્થળો જ્યાં જીંદગીનો એક ભાગ ફિકરની ફાકી અને ચિંતાની ચાસણીમાં નાખીને પી ગયા બાદ નિજાનંદની નિર્બંધ મસ્તીમાં ગાળવાનું તેવાં સ્થાનોમાં આજે પણ સ્મરણમાં એવું ને એવું જ તાજું ગેલોર્ડ રેસ્ટોરાંનું સ્મરણ છે. ગેલોર્ડ રેસ્ટોરાં સાથેનો આ પરિચય અને ત્યાં વિતાવેલો સમય એ જીવનનો મહામૂલો સમય હતો એમ કહેવામાં મને જરાય ખચકાટ નથી. મિત્રો સાથે નિર્દોષ મસ્તી અને આનંદ, વ્યસન ગણો તો ચાનો એક કપ અથવા જ્યુકબોક્ષનાં થોડાં ગાયનના સહારે ખૂબ સુખદ રીતે વિતાવી શકાશે એ વાત ગેલોર્ડમાં મેં પહેલો વહેલો પગ મૂક્યો ત્યારે મને નહોતી સમજાઈ. અમારી આ મહામૂલી યાદો સાથે જોડાયેલ રેસ્ટોરાં છેક 2017ના મધ્ય સુધી હયાત હતું. હવે ત્યાં બધુ તોડફોડ કરીને કંઈક આલીશાન પ્રોજેકટ બનવાનો છે. જે બને તે ગેલોર્ડનો કોઈ વિકલ્પ હોઇ શકે નહીં. અમારી પેઢીને ખાસ કરીને સિધ્ધરાજ જયસિંહ હોલથી રવિન્દ્રનાથ ટાગોર હૉલ સુધી હોસ્ટેલની એ વિદ્યાર્થી વસ્તીને ગેલોર્ડ પાસેથી જે મળ્યું છે તે હવે પછીની પેઢીને નહીં મળે તેવો વસવસો આજે ત્યાંથી પસાર થાઉં છું ત્યારે થાય છે.
ફેબ્રુઆરીનો મહિના માટે એમ કહેવાય છે...
કે ફેબ્રુઆરી ફાસ્ટીંગ(ઝડપથી પૂરો થાય છે)
ત્યાર બાદ...
માર્ચ ઇઝ માર્ચિંગ (માર્ચ પરેડની માફક આગળ વધી જાય)
અને આવે...
એપ્રિલ.
એપ્રિલ એટલે એપ્રિલફૂલનો મહિનો.
એપ્રિલ એટલે પરિક્ષાનો મહિનો
એપ્રિલ એટલે વસંત ઋતુ મંડાઇ ચૂકી હોય તે મહિનો
એપ્રિલ એટલે આંબા ડાળે કેરીઓના મરવા ઝૂલવા માંડે તે મહિનો
એપ્રિલ એટલે લીમડાં ઉપર લીંબોળી આવે તે મહિનો
એપ્રિલ એટલે કેસૂડો બરાબર ખીલીને વિદાય લઈ રહ્યો હોય તે મહિનો
એપ્રિલ એટલે ઝાડને નવી કૂંપળો ફૂંટી હોય અને નવપલ્લીન થયાં હોય તે મહિનો
એપ્રિલ એટલે આ બધાની સાથોસાથ...
મારો જનમદિવસ આવે તે મહિનો !!
આમ...
ફેબ્રુઆરી ઝડપથી વીતી ગયો
માર્ચના મંડાણ થઈ ચૂક્યાં હતાં
યુનિવર્સિટીની પહેલી પરીક્ષા
કરિયર માટે ખૂબ અગત્યનો એ વળાંક
જીવનમાં કંઈક ધ્યેય લઈને ચાલતા વિદ્યાર્થીઓ માટે...
આ પાર કે પેલે પારનો સમય
આવી રહ્યો હતો.
માર્ચ મહિનાની સાથોસાથ વાતાવરણ ગરમ થવા માંડ્યુ હતું
બધા ગંભીરતાથી હવે પરીક્ષાની તૈયારીઓમાં પડ્યા હતા
મારું પણ એક ધ્યેય હતું
જાણે અજાણે, મુગ્ધાવસ્થામા, મારા મગજમાં રોપી દેવાયેલ એ ધ્યેય
શું હતું એ ધ્યેય?
કોણે રોપ્યું હતું એને?
ક્યા જવું હતું મારે?
શું કરવું પડે એના માટે?