ગામધણી ગોવિંદરાયજી-માધવરાયજીની નગરયાત્રાઓ
સિદ્ધપુરના નગરદેવતા તરીકે જેમનામાં સમગ્ર ગામ આસ્થા ધરાવે છે એવા ભગવાન ગોવિંદરાય માધવરાય ગામધણી તરીકે પણ સંબોધાય છે. અષાઢ સુદ બીજ – ખેડૂત એ દિવસે હળોતરાં કરે (કેટલીક જગ્યાએ અખાત્રીજે પણ હળોતરાં કરવાનો રિવાજ છે) એ દિવસ પાટીદાર ભાઈઓ સાંતી લઈને ખેતરમાં જાય. ખેડ ખાતર અને પાણી, નસીબ લાવે તાણી. હું ત્યારે દસ-બાર વરસનો થયો ત્યાં સુધી ઉનાળો આવે, હોળી જાય અને ચૈત્ર-વૈશાખનાં અજવાળીયાં તેજ રેલાવવા લાગે ત્યારે પોતાના ઘરે રાખેલ પશુઓનું છાણ અને ઓગાટ આખું વરસ એક ખાડામાં ભેગું કરીને ઉકરડો બનાવ્યો હોય તે ઉકરડો ખોલાય. સરસ મજાનું કોહવાયેલ છાણ, રાડાં તેમજ વનસ્પતિનું છાણિયું ખાતર ગાડામાં ભરાય અને એ ખેતરમાં નાખવા માટે લઈ જાય. ખેતરમાં એની નાની નાની ઢગલીઓ પાડતા જાય, જે બધું ખાતર નખાઈ જાય ત્યાર પછી ફેંદીને સરખી રીતે ફોળી નખાય. ખેતરના શેઢા વાળી, સાફ કરી નખાય. ક્યાંય કાંટોબાંટો હોય તે સમેત બધો કચરો વાળી નાખે એટલે ચોમાસામાં ઢોર માટે શેઢેથી ચાર વાઢવાની હોય ત્યારે ચારીયાના હાથમાં કાંટો વાગે નહીં. એ જમાનામાં થોરની વાડ થતી. ક્યાંક એમાં છીંડુ કે નેળ પડી હોય તો થૂવરનાં ડેંડાં કાપી એ પૂરી દેવાય. આમ ખેતર ખેડાણ માટે તૈયાર હોય. હળોતરાના દિવસે હળ, કોદાળી, પાવડો વિગેરેને નાડાછડી બાંધી પૂજન કરે, બળદને પણ તિલક કરી ગાંદરેથી પોતપોતાને ખેતરે જવા નીકળે પડે. બપોર થાય એટલે બધી ભથવારીઓ ગામના ગોંદરે ભેગી થાય અને ગાતી ગાતી ગોળ, રોટલો, શાકનું ભાત લઈ પોતપોતાના ખેતરે પોતાના પતિને કે દીકરાને જમાડવા જાય. આમ હું જે ગામમાં રહી મોટો થયો તે રાજપુરમાં અષાઢી બીજની સવારથી શરૂ કરીને સંધ્યાકાળે સાંતી પાછું આવે ત્યાં સુધી આનંદ આનંદ હોય. નિશાળમાં એ દિવસે રજા. મારા પટેલ મિત્રોની સાથે એ દિવસે ખડાલીયા હનુમાનનાં દર્શન કરવાને બહાને વડવાઈઓ પકડી ખૂબ હીંચકા ખાઈએ. મા કહેતી જેઠ અરધો થાય એટલે વરસાદ માંગીએ. ક્યારેક અષાઢી બીજના થોડા દિવસ પહેલાં સારો એવો વરસાદ પડી ગયો હોય તો હડમાનીયું એટલે કે ખડાલીયા હનુમાનની સામે આવેલું તળાવ ભરાયું હોય, થૂવરને પાન ફૂંટ્યાં હોય, એના ઉપર અને આકડાની ડાળીઓ ઉપર ક્યાંક તપખીરીયા રંગનાં નાનાં તીડગોલાં તો ક્યાંક આપણને ઈર્ષ્યા આવે એવી સરસ મજાની સુશોભિત રંગની પાંખોવાળું મોટું તીડગોલીયું જોવા મળે. આ મોટા તીડગોલીયાને પકડી અને એને હવામાં ઉછાળીએ એટલે એ પાંખો ફફડાવતું થોડું અંતર ઊડી નાખે. આવો ચોમાસાની શરૂઆતનો અષાઢી માહોલ, હળોતરાંના સમયે જો વરસાદ સમયસર થયો હોય તો, મજોમજો આવી જાય. જો કે હવે વરસાદ સમયસર આવતો નથી એટલે મારા ગામ રાજપુરમાં પણ હળોતરાં અખાત્રીજે થાય છે. પણ અષાઢી બીજ એ આ રીતે મારા બાળપણમાં રખડવાના ઉત્સવ તરીકે હું ઉજવી નાખતો. માની એક ખાસ ટેવ અથવા રિવાજ હતો. એ રિવાજ એટલે કોઈક પણ સારા દિવસે કે શુભ પ્રસંગે કંસાર રાંધવાનો. મા કંસાર સરસ બનાવતી. વરાળ નીકળતો કંસાર પણ ક્યાંક ઢેફું ન દેખાય એવો સરસ મજાનો છુટ્ટો ચુરમા જેવો અને એના ઉપર પછી તાજું ચોખ્ખું ઘી, એની સોડમ અને સ્વાદ હજુય નથી ભૂલાતો. અષાઢી બીજના દિવસે મા કંસાર બનાવે. માત્ર ને માત્ર કંસાર જ એ દિવસે બપોરનું ભોજન. દાળભાત કે શાકને અડવાનું પણ નહીં. મા રાડો પાડે ‘ખાતાં ક્યારે શિખીશ?’ મા સાચી હતી. ખાતાં તો મને હજુય નથી આવડતું. કદાચ ‘આ ભાવે અને આ ના ભાવે’ એવું વધારે પડતા લાડમાં માએ ચલાવી લીધું એ એક કારણ હશે પણ એમાં માનો દોષ નહીં. દોષ મારો કે હું મોટો ઢોંઢોં થયો પણ ખાતાં ના શીખ્યો તે હજુય બધું ભેગું કરીને ખાતા નથી ફાવતું.
આ દિવસનું બીજું મહત્વ. બપોર પછી અમે બે-ચાર મિત્રો ઉપડીએ ગામમાં. અષાઢી બીજનો દિવસ એટલે સિદ્ધપુરમાં ગામધણી ગોવિંદરાય માધવરાય ચાંદીના રથમાં સવાર થાય અને દબદબાભેર નગરયાત્રાએ નીકળે. મંડીબજારથી સહેજ આગળ જઈએ એટલે ભગવાન ગોવિંદ-માધવનું બસો વરસ કરતાં પુરાણું મંદિર આવે. સંવત ૨૦૦૦ની સાલમાં સિદ્ધપુરના શ્રેષ્ઠી ગોરધનદાસ શેઠ તરફથી ભગવાનને ચાંદીથી મઢેલો રથ અર્પણ કરાયો એ પહેલાં ભગવાન લાકડાંના કલાત્મક રથમાં મંદિરમાં જ ભ્રમણ કરતા. આ રથ અર્પણ કરાયો એટલે ભગવાન નગરયાત્રાએ નીકળે એ માટેની પરંપરા શરૂ થઈ. આ દિવસ સિદ્ધપુર શહેર માટેનો ખાસ દિવસ. સવારથી જ ભગવાન ગોવિંદરાય માધવરાયના મંદિરે દર્શન માટે કતારો લાગે. પહેલાં ભગવાન લાકડાના કલાત્મક રથમાં બેસીને મંદિર પરિસરમાં જ ભ્રમણ કરે. ત્યારબાદ બપોરે ૧૦૦ દીવાની આરતીથી ભગવાનની આરતી ઉતારાય. ભક્તિભાવનો માહોલ ચરમસીમાએ પહોચે. લગભગ સાડા ચાર વાગે મહાઆરતી થાય અને પાંચ વાગ્યે ભગવાનની નગરયાત્રા શરૂ થાય. રસ્તામાં ચોકે ચોકે ભગવાનની આરતી-પૂજા, અનેક જગ્યાએ ઠંડા પીણાં, શરબત તેમજ ઠંડી છાશનું વિતરણ અને બરાબર આનંદ ઉલ્લાસ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં નિજ મંદિરેથી ગોવિંદ-માધવના મહાડવાળા દ્વારે થઈને ભગવાન નગરયાત્રાએ નીકળે, ખારપાડો, મંડીબજાર, પથ્થરપોળ, અલવાનો ચોક, રુદ્રામહાલય થઈને ધર્મચકલા અને છેલ્લે માધુ પાવડિયાં. સાંજે નવ વાગ્યે પ્રભુ નિજ મંદિરે પરત પધારે. ભગવાનની પણ કેવી લીલા ! એ સવારે ૧૦૦ વરસથી પણ વધુ જૂના લાકડાના આ રથમાં નિજ મંદિરમાં ભ્રમણ કરે અને સાંજે પચાસ કિલો ચાંદીથી મઢેલા ગોરધનદાસ શેઠ દ્વારા અર્પણ કરાયેલ રથમાં દબદબાભેર નગરયાત્રા. વરસોથી ભોગીલાલ પંચાલનું પુણ્યશાળી પરિવાર ભગવાનના રથની મરામતનું કામ સંભાળે છે. નસીબ હોય તેને જ આવી સેવાનો લાભ મળે, બરાબર ને? આ અષાઢી બીજની ભગવાનની રથયાત્રા. બરાબર આ જ દિવસે અમદાવાદમાં અને પુરીમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. લગભગ આઠ-દસ વરસની ઉંમર હશે, એક વખત બાપાની સાથે ખાસ અમદાવાદ રથયાત્રા જોવા આવેલો અને ત્યારે બનતાં લગી તેલિયા મિલ કે એવી કોઈ મિલના છજ્જા ઉપર ચઢીને પ્રેમ દરવાજા પાસેથી પસાર થતી રથયાત્રા જોઈ હતી. હાથી અને પહેલવાનોના કરતબ મને ખૂબ ગમેલા. રથયાત્રાની ભવ્યતા જોઈને અંજાઈ જવાયેલું. ઉગાડેલા મગ અને જાંબુનો પ્રસાદ ખાઈને ત્યારે ધન્યતા અનુભવેલી. તે દિવ્ય અનુભવ અવિસ્મરણીય હતો.
આ થઈ ભગવાન ગોવિંદ-માધવની અષાઢી બીજની રથયાત્રાની વાત.
સાથોસાથ બીજી એક વાત પણ વણી લેવી છે. સિદ્ધપુરમાં ધૂળેટીના દિવસે પણ સાંજે ગોવિંદરાય માધવરાય, ગોવર્ધનનાથજી અને રણછોડરાયજીની ભવ્ય પાલખી શોભાયાત્રા નગરની પરિક્રમાએ નીકળે છે. આ શોભાયાત્રાનું પણ ઠેર ઠેર સ્વાગત અને પૂજન થાય છે. નગરજનો હર્ષોલ્લાસથી એના દર્શનનો લાભ લે છે. હવે મજાની વાત આવે છે. આપણે હિન્દુ ધર્મમાં ક્યારેક ક્યારેક વાડાબંધી ભગવાનો સુધી પણ વિસ્તારીએ છીએ. વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય પણ એમાંથી બાકાત નથી. બાળપણમાં એવું સાંભળેલું કે કટ્ટર વૈષ્ણવ પોતાને મોંએથી ‘શિવ’ શબ્દ પણ ન બોલે. એના મોંએ ‘દરજીના ત્યાં કપડાં સિવડાવવાં છે’ એવું ના આવે ! કદાચ આવા વાડાબંધીવાળાઓને કે કટ્ટરપંથીઓને બોધ આપવા માટે સિદ્ધપુર જેવા સુસંસ્કૃત અને ધાર્મિક શહેરમાં ધૂળેટીના દિવસે એક સુંદર પ્રસંગ રચાય છે. શોભાયાત્રામાં નીકળેલા આ ચારેય ભગવાન જે આમ તો વિષ્ણુ સ્વરૂપ સાથે જોડાયેલા છે જેમની પૂજાઅર્ચનામાં પણ મહદઅંશે વૈષ્ણવ પરંપરા જ અપનાવાય છે તે ચારેય ભગવાન પટલોકના મહાડમાં આવેલા સિદ્ધનાથ મહાદેવને મળવા જાય છે ! અને આ પાલખીઓ જ્યારે સિદ્ધનાથ મહાદેવ પહોંચે ત્યારે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ અને ‘જય રણછોડ’ના નાદથી ગાજી ઊઠે છે. હર અને હરિનું મિલન થાય છે. બધા ભગવાન ભેગા થઈને જાણે કે સંદેશ આપે છે કે અમે બધા તો એક જ છીએ. તમે આવી વાડાબંધી કરીને અંદરોઅંદર વૈમનસ્ય ઊભું ન કરશો. હર અને હરિ જે પ્રેમથી ધૂળેટીના રંગોત્સવથી મળે છે તે જ પ્રેમથી તમે શૈવ હોવ કે વૈષ્ણવ, એકબીજામાં ઈશ્વર સ્વરૂપનું નિરૂપણ કરશો તો તમે પણ સદાય ધૂળેટીના રંગોત્સવના આનંદમાં જીવી શકશો. ભગવાનની આ લીલા અને આ પરંપરા જેણે શરૂ કરી હશે તેણે ખૂબ સરળ, સહજ અને પ્રેમભરી રીતથી જીવનનું એક મહાન સત્ય ધૂળેટીના આનંદોત્સવ સાથે આપણી સમક્ષ રજૂ કર્યું છે. આ સત્ય સમજી અને જીવનમાં ઊતારીએ તો બસ મજા જ મજા છે.
સિદ્ધનાથ ખાતે મહાઆરતી બાદ આ ચારેય પાલખીઓ નગરની પરિક્રમા પૂરી કરી નિજમંદિરે પરત ફરે છે જ્યાં આરતી અને પૂજા સાથે ભગવાન પાછા મંદિરમાં સ્થાપિત નિજ સ્વરૂપમાં જોડાઈ જાય છે.
રથયાત્રા હોય કે ધૂળેટીની નગરયાત્રા, એમાં રથને ખેંચતા કે પછી પાલખી વહન કરતા પીતાંબરધારી ભસ્મ અને ચંદનની અર્ચાથી શોભતા ભૂદેવો અને તેમાંય ખાસ કરીને યુવાનોના ચહેરા પર મેં હંમેશા એક દિવ્ય તેજ જોયું છે. આ નસીબદાર જીવોની દૂર રહેરહે ક્યારેક ઈર્ષ્યા પણ કરી છે. એમની પીતાંબર પહેરવાની છટા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠાથી પ્રભાવિત થયો છું. હું એ જમાનાની વાત કરું છું જ્યારે ટોળામાં ક્યાંક દૂર ઊભા રહીને ચડ્ડી અને ખમીસ કે બુશર્ટ અને પગમાં જોડા ના હોય એવો એક કૃશકાય બાળક ભગવાનની ઝાંખી કરવા મથતો હતો. ક્યારેક એ ધક્કામુક્કીમાં પાલખી સુધી પહોંચી પણ જતો પણ એની ઊંચાઈ ભગવાનની ઝાંખી પૂરેપુરી કરવા દે એટલી નહોતી એટલે છાના છાના પેલા પીતાંબરધારી ભૂદેવોને અહોભાવથી જોઈને ભગવાનને એ માથું નમાવતો. મા સાથે ગોવિંદમાધવના મંદિરે, રણછોડજીના મંદિરે અને રાધાકૃષ્ણના મંદિરે અને પટલોકના મહાડમાં સિદ્ધનાથ મહાદેવના મંદિરે મા સાથે જવાનું થયું હોય ત્યારે ભગવાનની જે ઝાંખી થઈ હોય તેની કલ્પના આંખો મીંચીને એ કરી લેતો. એની નજર ભલે પાલખી કે રથમાં આરૂઢ થયેલા ભગવાનની મુર્તિ સુધી નહોતી પહોંચતી પણ એની પ્રાર્થના અને ભાવના જરૂર પહોંચી હશે. અને એટલે જ આજે પણ આમાંના કોઈ પણ મંદિરમાં શ્રીજી સમક્ષ કે પછી ભોળાનાથ સામે રૂબરૂ થવાનું થાય છે ત્યારે પ્રાર્થના માટે મસ્તક નમાવીને આંખ મીંચતા જ નજર સામે ઉપસી આવે છે બાળપણમાં જોયેલી એ નગરયાત્રાઓ અને એની સાથોસાથ પેલો માએ ઉદારતાપૂર્વક તેલ નાખીને ઓળેલ ચપ્પટ વાળવાળો ચડ્ડી અને બુશર્ટ કે ચડ્ડી અને ખમીસધારી પગમાં જોડા વગરનો એક કૃષકાય બાળક !