૫મી જાન્યુઆરી ૨૦૨૦, નવા વર્ષના પહેલાં મહિનાના પહેલાં અઠવાડિયાનો પહેલો રવિવાર. ગુજરાત ઇકોનોમિક એસોસિએશન અને ઇન્ડિયન ઇકોનોમિક એસોસિયેશનના ઉપક્રમે ગુજરાત ઇકોનોમિક એસોસિયેશનના સુવર્ણ જયંતી વરસના એક ત્રિદિવસીય (૩ થી ૫ જાન્યુઆરી) સેમિનાર એન. એસ. પટેલ આર્ટસ કોલેજ, આણંદ ખાતે યોજાઈ ગયો. ઇન્ડિયન ઈકોનોમીક એસોસિયેશન સાથે જોડાયેલા દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓ તેમજ ગુજરાતના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓની હાજરીને કારણે આ સેમિનાર દીપી ઉઠ્યો. આ સેમિનાર દરમિયાન હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી - શિમલાના વાઇસ ચાન્સેલર ડૉ. એ.ડી.એન. બાજપેયીએ પ્રો. બી. આર. શિનોય મેમોરિયલ લેક્ચર આપ્યું ત્યારે અધ્યક્ષસ્થાને નર્મદા યોજનાના આયોજનમાં શરૂઆતના તબક્કે નર્મદા પ્લાનિંગ ગ્રુપના અધ્યક્ષ તરીકે ખૂબ મહત્વનું પ્રદાન કરનાર વિદ્વાન અર્થશાસ્ત્રી પ્રો. મહેશભાઈ પાઠક તથા સેમિનારને બીજે દિવસે પ્રો. આર. નાગરાજ, ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ, મુંબઈ દ્વારા અપાયું જેના અધ્યક્ષસ્થાને અલકનંદાબેન પટેલ હતા. અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રો. તુષારભાઈ શાહ, પ્રો. બિશ્વજીત ચેટરજી, પ્રો. ઇન્દિરા હીરવે અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. હરીશ પાધની પેનલના અધ્યક્ષ તરીકેની કમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્લાનિંગ કમિશનના સભ્ય અને ઇરમાના અધ્યક્ષસ્થાને રહી ચૂકેલા પ્રો. વાય. કે. અલઘે સંભાળ્યું. એ જ દિવસે ગુજરાતના એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી અને પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી એકેડેમીશિયન ડૉ. ડી. ટી. લાકડાવાલા મેમોરિયલ લેક્ચર બિરલા ગ્લોબલ યુનિવર્સિટી, ભુવનેશ્વર, ઓરિસ્સાના વાઇસ ચાન્સેલર ડૉ. સુધાકર પાંડાએ આપ્યું, જે સેશનના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના આ સ્વર્ણિમ જયંતી વર્ષના અધ્યક્ષ વિદ્વાન પ્રો. રોહિતભાઈ શુક્લા હતા. માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરમાંથી આ ત્રિદિવસીય સેમીનારમાં ભાગ લેવા હાજર એવા કેટલાક વિશિષ્ટ મહાનુભાવો પ્રો. એ. એ. શેખસાહેબ, પ્રો. તુષારભાઈ હાથી, પ્રો. એસ. શ્રીનિવાસ રાવ, પ્રો. જી. એસ. રાણા, ડૉ. આલોક શર્મા, ડૉ. ગૌરાંગ રામી, ડૉ. જ્હોન પરમાર, ડૉ. હેમંત શાહ, ડૉ. મુનિશ અલઘ, પ્રો. એસ. એસ. કલમકર, પ્રો. જી. એમ. ભટ્ટ, ડૉ. મહેશ પંડ્યા, ડૉ. દલીપકુમાર, ડૉ. સ્મૃતિ બનવારી, ડૉ. આર. નટરાજન જેવા લબ્ધપ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ તેમજ આ ક્ષેત્રે રિસર્ચથી માંડી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સમેત લગભગ ૮૦૦ જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો.
આવા આ વિશિષ્ટ સેમિનારનું સમાપન ઉદ્બોધન (Valedictory Address) છેલ્લાં દિવસે ભારતીય અર્થવ્યવસ્થા અને આવનાર સમયમાં એની દશા અને દિશા વિષયને લઈને મેં આપ્યું ત્યારે સ્ટેજ પર જ્યાં આ સમગ્ર સેમિનાર યોજાયો હતો તે સંસ્થા સરદાર પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મોહનભાઈ પટેલ, એક દાયકા સુધી ગુજરાત ઇકોનોમીક એસોસિએશનના સેક્રેટરી તરીકે જેમણે જવાબદારી સંભાળી તે પ્રો. બી. એન. પટેલ, પ્રો. રોહિત શુક્લા, પ્રો. તુષાર હાથી, પ્રો. એસ. શ્રીનિવાસ રાવ, પ્રો. જી. એસ. રાણા અને ડૉ. આલોક શર્મા હાજર હતા.
આ પ્રકારના સેમિનારમાં ઉદબોધન કરવાની તક મળવી એ તમારા વિચારો દેશના સર્વોત્કૃષ્ટ અર્થશાસ્ત્રીઓ સાથે વહેંચવાની એક સુંદર તક પૂરી પાડે છે એવું હું માનું છું.
ગુજરાત ઇકોનોમીક એસોસિયેશનના ઉપક્રમે અગાઉ પ્રો. બી. આર. શિનોય અને ડૉ. ડી. ટી. લાકડાવાલાની સ્મૃતિમાં યોજાતા વ્યાખ્યાન આપવાનું વિશિષ્ટ માન મને પ્રાપ્ત થયું હતું અને ડૉ. આઈ. જી. પટેલ સાહેબ સાથે ઘણા બધા સેમિનારોમાં એમની અધ્યક્ષતામાં મારા વિચારો વ્યક્ત કરવાનો અને એમના વકતવ્યોથી શીખવાનો મને મોકો મળ્યો હતો.
એના શિરમોર સમું રવિવારનું આ વેલીડિક્ટરી સેશન હતું. આ વિદ્વાનોની હાજરીમાં મેં કરેલ ઉદબોધનની ગુજરાતી નકલ અલગથી હું ફેસબુક પર મૂકીશ. પણ એ દરમિયાનમાં સરળ હિન્દી ભાષામાં બે વિડિયો મેં તાજેતરમાં મારી યુટ્યુબ ચેનલ ‘Talking Economics with Dr. Vyas’ પર મૂક્યા છે. આમાંના એકનો વિષય છે, ભારતીય અર્થવ્યવસ્થાની દશા અને દિશા જ્યારે બીજો અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલી ભારતની અર્થવ્યવસ્થાને કેટલી અસર કરી જશે તેના ઉપર છે. આપ મારી સાથે યુટ્યુબ ચેનલ પર જોડાવો એવું ફરી એકવાર આમંત્રણ આપું છું. માત્ર આપ જ નહીં પણ આપના મિત્રોને પણ ભારતીય અર્થવ્યવસ્થાની બહુ ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિ બાબતે જાણકાર રહેવા આ ચેનલ પર જોડાવા કહો. બધાને સમજ પડે એ હેતુથી મેં હવે મારા અર્થશાસ્ત્ર પરના વીડિયોની ભાષા હિન્દી રાખવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને UPSC કે GPSC કે અન્ય પરીક્ષા કે ઈન્ટરવ્યૂ આપનાર વિદ્યાર્થીઓને આ ચર્ચા ખૂબ ઉપયોગી બની રહેશે એમાં મને કોઈ શંકા નથી.