“ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ।।”
ખાલી ગુરૂને મહિમા મંડિત કરતો શ્લોક નથી,
એમાં આદર્શ શિક્ષકની વ્યાખ્યા પણ છીપાયેલી છે.
ભાવસાર સાહેબની અગમચેતી બાળમાનસ અને માનવ સ્વભાવની સહજ સમજ મને તારી ગઈ. જ્યાં મને બીક હતી કે મને ઠઠ્ઠા-મશ્કરીનું પાત્ર બનાવવામાં આવશે તે જ મુદ્દાને તેમણે સફળતાપૂર્વક મારી પ્રશસ્તિ માટે વાપરીને મારી ભીતિ જડમૂળથી ભાંગી નાંખી. એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ ? એનો આ પ્રત્યક્ષ દાખલો મને જિંદગીભર યાદ રહી જાય તેવો બની રહ્યો.
વ્યક્તિત્વ ઘડતર એ કોઈ ચોક્કસ પ્રક્રિયા કે ઉંમરના કોઈ ચોક્કસ તબક્કે બનતી ઘટના નથી તે વાત આજે જ્યારે હું ભૂતકાળમાં ડોકીયું કરીને વિચારૂં છું ત્યારે મારી સમજમાં આવે છે. તે દિવસે આટલી સમજ નહોતી. સાથોસાથ એટલી સમજ તો હતી જ કે, ભાવસાર સાહેબે આપણને બચાવી લીધા.
આ જ ઘટનાને આજે જ્યારે વિચારૂં છું ત્યારે એ સમજાય છે કે, વ્યક્તિના ઘડતરમાં માતા-પિતા, પરિવાર, સમાજ, ગુરૂ એટલે કે શિક્ષક, સંયોગો અને અનુભવ જેવાં અનેક પરિબળોનો ફાળો હોય છે. ઘણીબધી શૈક્ષણિક સંસ્થાઓ અને તેમાંય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના કાર્યક્રમમાં જવાનું થાય છે ત્યારે ગુરૂવંદનાનો આ શ્લોક સાંભળવા મળે છે.
“ગુરુ બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ।।”
આમ તો આ ગુરૂવંદના અથવા ગુરૂનું મહિમામંડન કરતો શ્લોક છે, પણ એને જરા જૂદી રીતે જોઈએ તો શિક્ષક અથવા ગુરૂની વ્યાખ્યા સમજવામાં થોડી વધુ અનુકૂળતા રહે તેમ લાગે છે.
બ્રહ્મા – સર્જનનું કામ કરે છે એટલે કે ઘાટ આપવાનું કામ વિશ્વકર્મા તરીકે બ્રહ્માજીનું છે. ઘડતરનો પહેલો પાયો ઘાટ ઘડવો તે છે. જેમ માટીનો લોંદો ચાકડે ચઢાવી કુંભાર એમાંથી જુદા જુદા આકારની માટલાથી માંડી કોડિયા સુધીની વસ્તુઓ બનાવે છે તે જ રીતે શિક્ષકનું પાયાનું કામ ઘડતર કરવાનું છે. જરાક ધ્યાનથી આ પ્રક્રિયા જોઈ હોય તો એ ઘડતરનાં ભાગરૂપે જ્યારે માટલું કે વાસણ અડધું-પડધું સૂકાય ત્યારે એને ટપલાથી ટીપવામાં આવે છે. આ ટપલાથી ટીવાની પ્રક્રિયા પણ ઘડતરનો એક ભાગ છે. કોઈ સર્જકને એના સર્જનથી વિશેષ વ્હાલું કશું હોતું નથી, પણ એ વ્હાલું છે માટે એના ઘડતરમાં એને ટપલું ન મરાય એ વાત સર્જનની પ્રક્રિયા સ્વીકારતી નથી. આ કારણથી ઘડતરની કોઈ પણ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટપલું મારવાની વાત આવે છે. જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને એમાં પેલા કહેવાતા માનવ અધિકારવાદીઓની ઝાઝી કટકટ ચાલતી નથી. ત્યારપછીની પ્રક્રિયા તો એથીયે વિકટ છે. એ પ્રક્રિયા અગ્નિપરીક્ષામાંથી પસાર થવાની છે. નિભાડે પાકે નહીં ત્યાં સુધી માટલું હોય કે ઈંટ જરૂરી તાકાત મેળવતાં નથી. કોઈ પણ ઘડતરની પ્રક્રિયામાં કડકમાં કડક ચકાસણી અથવા ગુણવત્તા પરીક્ષણ જરૂરી છે. આમ, જ્યારે “ગુરૂ બ્રહ્મા” એમ કહીએ ત્યારે એ પ્રજાપતિ વિશ્વકર્મા બ્રહ્માજીના સમકક્ષ અથવા તો તેમના જેવી ઘડતરની પ્રક્રિયાનો પાયો નાંખે છે એટલે આ શ્લોકમાં પણ પહેલા બ્રહ્માજીને યાદ કર્યા છે.
ત્યારપછી “ગુરુ વિષ્ણુ” એટલે કે ભગવાન નારાયણ સમાન છે. નરમાંથી નારાયણ થવાની પ્રક્રિયામાં ગુરૂ માર્ગદર્શક બને છે. એ ક્ષમતા પણ આપે છે અને સ્વસ્થતા પણ આપે છે. નારાયણ વૈભવ અને લક્ષ્મી સાથે પણ જોડાયેલા છે, જ્યાં ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણ છે ત્યાં લક્ષ્મીજી પણ છે. લક્ષ્મી એટલે માત્ર રૂપિયા – આના - પાઈ નહીં, લક્ષ્મી એટલે આવડત. લક્ષ્મી એટલે કોઈ પણ એવી ક્ષમતા જે વ્યક્તિને ધનિક બનાવે. ગુરૂ વિદ્યા આપે છે. આ વિદ્યાની સાથોસાથ એ પેટીયું રળવાનું તો શીખવાડે છે, પણ સાચા અર્થમાં જીવન જીવવાની કળા અને એ જીવનને RICH એટલે કે બુદ્ધિથી માંડી અન્ય ક્ષમતાઓથી સુસજ્જ બનાવવાનું કામ પણ કરે છે. એટલે બીજા પગલે “ગુરૂ વિષ્ણુ”ની વાત કરી છે.
માણસનું ઘડતર થયું, ક્ષમતા આવી ત્યારબાદ એ છકી જાય અથવા નિર્બંધ બની જાય તો એ ક્ષમતા વિનાશ તરફ લઈ જાય છે. રાવણ અત્યંત વિદ્વાન હતો, કૂશળ પ્રશાસક હતો, ભગવાન શંકરનો પરમ ભક્ત હતો આમ છતાંય એ નિરંકૂશ બન્યો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ, પરિણામે લંકાનો સકૂળ વિનાશ થયો. મહેશ્વર એટલે કે શિવ. શિવ એટલે કલ્યાણ. ગુરૂ કલ્યાણના કારક છે. સાથોસાથ અવગૂણો અને કૂટેવો જે કલ્યાણકારી નથી તેનો ત્રીજું નેત્ર ખોલીને વિનાશ કરવાનું કામ પણ કરે છે.
આમ, શિક્ષક એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને મૂર્તિમંત કરે છે – એવી કલ્પના કરવામાં આવી છે.
વાત આટલેથી અટકતી નથી. ગુરૂનો અર્થ અહીંયાં માત્ર ભણતર પૂરતો સીમિત રાખવાનો નથી અને એટલે એવા ગુરૂને વંદના કરતો આ શ્લોક છે જેમાં “ગુરૂસાક્ષાત્ પરઃબ્રહ્મ”ની કલ્પના સાકાર થતી હોય. એટલે કે છેલ્લા તબક્કે ગુરૂએ જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાન અને ઉપદેશનો બોધ એના શિષ્યને જીવમાંથી શિવ તરફ લઈ જવાં કારણભૂત બને. આ સ્થિતિ સુધી પહોંચાડનાર ગુરૂ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષકની આ મહત્તા છે. એ શિક્ષક માત્ર વર્ગખંડમાં જ ભણાવે છે તેવું નથી. શરૂ રાંગણેકર નામના એક વિખ્યાત મેનેજમેન્ટ ગુરૂનું આજથી ત્રિસેક વરસ પહેલાં એક વક્તવ્ય સાંભળ્યું હતું જેનો વિષય હતો “LEARNING MANAGEMENT LESSONS FROM MY WIFE” એટલે કે મેનેજમેન્ટ શીખવા હાર્વર્ડ કે IIM માં જવું જરૂરી નથી. નાની નાની બાબતો ધ્યાને લઈને જે રીતે તમારી પત્ની તમારૂં ઘર ચલાવે છે એ ક્ષમતા પણ કોઈ મેનેજમેન્ટ ગુરૂ કરતાં ઓછી નથી. આ વાત જો પત્ની પાસેથી શીખી શકાતી હોય તો તે પણ તમારી ગુરૂ છે. બાળક પાસેથી કંઈક શીખી શકીએ તો તે પણ આપણું શિક્ષક અથવા ગુરૂ બને છે. આ કારણથી લેખની શરૂઆતમાં મેં માતા-પિતાથી માંડીને અનુભવ સુધીના કેટલાક શિક્ષકોનો ઉલ્લેખ કર્યો છે. જો કે, આ યાદી માત્ર દાખલાપૂરતી છે એમાં ઘણાં બધાં નામો ઉમેરવાનો અવકાશ છે.
પરઃબ્રહ્મ એવા ગુરૂ જેને મળી જાય છે તેની સ્વમાંથી શિવ તરફ ગતિ કરવાની પ્રક્રિયાને દિશા આપવાનું કામ ગુરૂ કરે છે. આત્માના ઉર્ધ્વીકરણની આ પ્રક્રિયા છે. પોતાની જાતને ઓળખવાની આ પ્રક્રિયા છે અને જે જે વ્યક્તિ અથવા પરિબળો આ પ્રક્રિયામાં સહાયક બને તે બધા જ ગુરૂ એટલે કે શિક્ષકની વ્યાખ્યામાં સમાઈ જાય છે. આમ, શિક્ષક એ કોઈ ચોક્કસ ઢાંચામાં મુકી શકાય એ પ્રકારની વ્યાખ્યા નથી. ભાવસાર સાહેબના બે પ્રસંગો, પહેલો જે રીતે એમણે ચડ્ડી વિરોધી હડતાળની હવા કાઢી નાંખી એને બીજું જે રીતે એમણે હું મુંબઈની પરીક્ષામાં નાપાસ થયો હતો તે પછી પણ મોટો બનાવીને એક ક્ષોભજનક પરિસ્થિતિમાંથી બચાવી લીધો. આ બંને ઉદાહરણ મેનેજમેન્ટની કોઈ પણ ચોપડીમાં “HUMAN RELATIONS” એટલે કે માનવીય સંબંધોના મેનેજમેન્ટનાં ઉત્તમ ઉદાહરણ તરીકે સ્થાન પામી શકે તેમ છે.
ભાવસાર સાહેબ, પંડ્યા સાહેબ, શંકરલાલ વૈજનાથ પાદ્યા સાહેબ, એ. વી. સોની સાહેબ (ટીટીકાકા), બી. જે. સોની સાહેબ, બી. એમ. ભટ્ટ સાહેબ, વિજુભાઈ શાહ સાહેબ, બી. કે. ઠાકર સાહેબ, થોડા સમય માટે પણ એલ. એસ. હાઈસ્કૂલમાં ભણાવી ગયેલા બાલમુકુંદ જોષી સાહેબ, એમ. આઈ. પટેલ સાહેબ, આ બધાં જ એવાં શિક્ષકોનાં નામ છે જે ક્યાંય પણ હોત તો ઉત્તમ શિક્ષકોની યાદીમાં સ્થાન પામ્યા હોત. શ્રી ધનશંકરભાઈ મણિલાલ પંડ્યા સાહેબ તો આગળ જતાં અમારા પ્રિન્સિપાલ બન્યા. ખૂબ ઉત્તમ શિક્ષક, પણ દુર્વાસા જેવો સ્વભાવ. જેમ ભાવસાર સાહેબ પાસે કળ અને શીતળતા હતાં તેમ પંડ્યા સાહેબ પાસે કડક શિસ્તનો આગ્રહ અને જરૂર જણાયે હાથ ઉપાડવાની તૈયારી પણ હતી. સિદ્ધપુરનાં બ્રાહ્મણ એટલે આ ચાલી ગયું. આ ચાલી ગયું એટલે પંડ્યા સાહેબના ફાયદામાં નહીં, પણ એલ. એસ. હાઈસ્કૂલના ફાયદામાં. ભાવસાર સાહેબ પછી પંડ્યાસાહેબ પ્રિન્સિપાલ તરીકે આવ્યા એ રહ્યા ત્યાં સુધી લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલયના વહીવટ અને શિક્ષણનો સુવર્ણકાળ હતો. પંડ્યા સાહેબ એક ઉત્તમ શિક્ષક પણ હતા, માર્ગદર્શક પણ હતા અને અંગ્રેજી વિષય એમની પાસે ભણવો એ એક લ્હાવો પણ હતો, પણ આ બધાયથી ઉપર એ એક ઉત્તમ ADMINISTRATOR – વહીવટકાર હતા. આ જ રીતે શંકરલાલ વૈજનાથ પાધ્યા એટલે કે મોટા પાધ્યા સાહેબ. એ પોતાની કવિતા અને કૃતિના અંતે પોતાનું નામ “શંકર કાવ્યતીર્થ” એ રીતે લખતાં. પાધ્યા સાહેબ અમને સ્પેશ્યલ અંકગણિત અને અંગ્રેજી કવિતા ભણાવતા. સ્હેજ પાકો રંગ, ઊંચી દેહયષ્ટિ, માથે કાળી ટોપી, પ્રેમાળ આંખો અને એક ઉત્તમ શિક્ષકમાં જોઈએ તે બધું જ મોટા પાધ્યા સાહેબનાં વ્યક્તિત્વમાં હતું. અંગ્રેજી કવિતા ભણાવે ત્યારે એનો તરજુમો ગુજરાતી કવિતાઓ કરે. ક્યારેક ઉદાહરણ આપે ત્યારે એવાં સચોટ આપે કે, આ ઉંમરે પણ એ જેમનું તેમ યાદ રહે. SSCમાં મેં સંસ્કૃત લીધેલું ત્યારે પાધ્યા સાહેબ પાસે સંસ્કૃત ભણવાનો મોકો મળેલો. અમારી સ્કૂલમાં લગભગ સૌથી સિનિયર કહેવાય એવા બે શિક્ષકો જેમની પાસે ભણવાનો મને મોકો મળ્યો તેમાંના એક એ. વી. સોની સાહેબ (ટીટીકાકા) અને બીજા તે શંકરલાલ વૈજનાથ પાધ્યા સાહેબ. બંને ઉત્તમ શિક્ષકો હતા. પાધ્યા સાહેબ પાસે સિદ્ધપુર શહેરની ત્રણ પેઢી ભણી ચૂકી હતી એટલે કેટલાક છોકરાઓને એ ક્યારેક એમના પિતાશ્રીના નામે બોલાવતા. ભાઈ નવીનત ભગવાનભાઈ ઠાકર મારા સહધ્યાયી હતા. તેમને એ ઘણીવાર “ભગવાન” કહીને સંબોધતા. આમાં પોતાના વિદ્યાર્થીનો દીકરો છે એ રાહે એક પિતૃપ્રેમનો રણકો અને લાગણી દેખાઈ આવતાં. કમનસીબે નવનીતભાઈ જેટલો નસીબદાર હું નહોતો.
બાલમુકુંદ યશવંત જોષી. મૂળ મહારાષ્ટ્રીયન. વડોદરાના વતની ખૂબ ટૂંકા સમય માટે એલ. એસ. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા. સંસ્કૃત શ્લોક છંદ અને તાલબદ્ધ ગાતા એમણે શીખવાડ્યું. એક અસાધારણ પ્રતિભા ધરાવતા જોષી સાહેબ પાસે અર્જુન વિષાદયોગ ભણવાનો મોકો મળ્યો. તે ઉપરાંત સંસ્કૃત સુભાશિતો પણ એ ખૂબ સરસ રીતે ભણાવતા. મને સંસ્કૃતમાં આમેય રસ પડતો અને એટલે જોષી સાહેબનો પિરિયડ આવે તેની હું કાગડોળે રાહ જોતો. સંસ્કૃત ગદ્ય બી. કે. ઠાકર સાહેબ ભણાવતા. એમની કારકિર્દિની શરૂઆત હતી, પણ શિક્ષક તરીકે એમનો પ્રભાવ સારો. વિજુભાઈ શાહ સાહેબ જે આગળ જતાં “બૉસ” તરીકે વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય બન્યા તે અને થોડા સમય માટે આવેલા એ. કે. મોદી સાહેબ અમને હિંદી ભણાવતા. હિંદી વિષય અંગે અહીંયાં માત્ર ઉલ્લેખથી જ અટકું છું. એની સવિસ્તર વાત આગળ જતાં કરવી છે. નવમા અને દસમા ધોરણમાં નટુભાઈ ભટ્ટ સાહેબ (નટુબાપુ) અંગ્રેજી શીખવાડતા. રાજા માણસ. મ્હોંમાં પાનનો ડૂચો ભરેલો હોય. ભટ્ટ સાહેબ એક ઉત્તમ માનવ સ્વભાવ ધરાવતા અને માયાળુ વ્યક્તિ હતા. વિદ્યાર્થીઓમાં એમનો પ્રભાવ ભયના કારણે નહીં, પણ પ્રેમના કારણે હતો.
નંદલાલ ભટ્ટ સાહેબ એક અચ્છા ક્રિકેટર પણ બે સારા શિક્ષકો પાસે બહુ ઝાઝું ભણવાનો મને મોકો ન મળ્યો. તેમાંના એક નંદલાલ ભટ્ટ સાહેબ અને બીજા વિનુભાઈ લીલાચંદ ઘાંચી સાહેબ. બંને ઉત્તમ શિક્ષકો, પણ ઈતિહાસ – ભૂગોળ ભણાવે જે વિષય સાથે મારે બહુ મહોબ્બત નહતી. ભૂગોળમાંથી મને વિચલિત કરનાર એક પરિબળ ભારતનો નક્શો હતું. આ નક્શો સાચો દોરતાં મને આજેય નથી આવડતું. આપણો દેશ છે એનો નક્શો દોરતાં ન આવડે એ કોઈ ગૌરવ લેવા જેવી બાબત નથી, પણ મારા જન્માક્ષરમાં ચિત્રકામ સાથે મારે બારમો ચંદ્રમા અને આઠમો રાહુ પડેલા છે. ગાય દોર્યા પછી નીચે “આ ગાય છે” એવું ન લખ્યું હોય તો એમાં હાથીથી માંડી ગધેડા સુધીનો કોઈ પણ આકાર તમે જોઈ શકો ! આ કારણથી જ બીજા એક શિક્ષક શ્રી દિનેશભાઈ ડી. કડિયા સાહેબ જે ચિત્ર શીખવાડતા, એમનો હું પ્રિય વિદ્યાર્થી ન બની શક્યો.
આમ, શિક્ષક એટલે ગુરૂ. તમારો ઘડનાર કેવો હોવો જોઈએ તે ચર્ચામાંથી આપણે ભાવસાર સાહેબનો દાખલો અને ભાવસાર સાહેબના દાખલામાંથી બીજા કેટલાક અમારા આદરણીય શિક્ષક સાહેબો વિશે વાત કરી.
આ લેખની શરૂઆત કરી હતી ભાવસાર સાહેબથી
ત્યારબાદ શંકરલાલ વૈજનાથ પાદ્યા સાહેબ,
વીજુભાઈ શાહ સાહેબ,
નટુભાઈ ભટ્ટ સાહેબ,
પ્રિન્સિપાલ ડી. એમ. પંડ્યા સાહેબ,
બાબુભાઈ ભટ્ટ સાહેબ,
એમ. આઈ. પટેલ સાહેબ
જેવાં નામો જેમની સાથે મારે કાંઈક વિશેષ લેણું હતું, જેમણે મને જ્ઞાન તો આપ્યું, પણ આખી જિંદગી ચાલે એવો ખજાનો પણ આપ્યો.
આ ખજાનાને ક્યાંક ગુજરાતી અને હિંદી ઉપરનું પ્રભુત્વ,
ક્યાંક સંસ્કૃત, શ્લોક અને સુભાશિતો,
ક્યાંક અંગ્રેજી ભાષાનો પાયો
ક્યાંક અંકગણિત
તો ક્યાંક વળી ગુજરાતી સાહિત્ય
આ બધા તરફ મને લઈ જનાર અને જીવનભર ચાલે તેટલી અમીરાત મને ઘડતરરૂપે ભેટ આપનાર આ બધા મારા આદરણીય શિક્ષકો છે.
આ બધા સાથે કાંઈક ને કાંઈક વિશિષ્ટ યાદો અને સંભારણાં જોડાયેલાં છે.
“ગુરૂ બ્રહ્મા” થી શરૂ કરીને
“ગુરૂ સાક્ષાત પરઃબ્રહ્મ” સુધીની યાત્રામાં
આ બધા જ મહાનુભાવો મારા રાહબર રહ્યા છે.
એમને જોડતી કેટલીક ખાટી-મીઠી ઘટનાઓ....
હવે પછી ચર્ચીશું.
વાંચવી ગમશે ને ?