સિદ્ધપુરના એક અતિ પુણ્યશાળી બ્રાહ્મણ પરિવાર જે શ્રીનાથજીના મુખિયાજી તરીકે ભગવાનની સેવાપૂજામાં રત હતા તેમને ત્યાં એક બાળકનો જન્મ મહા સુદ પંચમીના દિવસે થયો. એ બાળક આગળ જતાં શ્રી સમર્થ મોતીરામ ગુરુ તરીકે ઓળખાયા. શ્રી સમર્થ મોતીરામ ગુરુ મહારાજ પાકા વૈષ્ણવ હતા. સિદ્ધપુર છઠ્ઠા પદના મહાડમાં પોતાના પૈતૃક નિવાસસ્થાનમાં તેમનો જન્મ થયો. જન્મથી જ કાંઈક અલગારી એવા આ બાળકે વયસ્ક થતાં પોતાના માતપિતાની ઈચ્છાને આધીન ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. સાંસારિક જીવનથી એમને બે સંતાન પ્રાપ્ત થયાં, દીકરો મોહન અને દીકરી કમળા. પોતાની સાંસારિક જવાબદારીઓ નિભાવતા એમણે દીકરા તેમજ દીકરીનો ઉછેર કર્યો. તેમને પરણાવ્યા અને દીકરો મોહન અમદાવાદ કાપડ મિલમાં નોકરીએ લાગ્યો.
સમય વિતતાં તેમની પત્નીનું નિધન થયું તે સાથે જ તેમનામાં હજુ સુધી દબાવી રાખેલો વૈરાગ્ય જાગી ઉઠ્યો. ભવિષ્ય હવે એમને કોઈ જુદા જ રસ્તે લઈ જવા માંગતુ હતું. આ રસ્તો હતો ત્યાગ અને વૈરાગ્યનો. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે તેમણે ગૃહસ્થ જીવન છોડ્યું અને મા સરસ્વતીના પૂર્વ કિનારે તેમના લાંબા સમયના સાથી અને મિત્ર પૂ. દેવશંકર ગુરુ મહારાજની સાથેસાથે એક જ દિવસે બંનેએ ગૃહત્યાગ કરી લંગોટી ધારણ કરી. બંનેએ સિદ્ધપીઠ એવી મા હિંગળાજના પાવનકારી ચરણોમાં ત્રણ દિવસ સાથે પસાર કર્યા. બંને વિભૂતિઓની પૂર્વ જન્મના સંસ્કાર આધારિત કાર્યપદ્ધતિ અને જીવન સંકલ્પ ભિન્ન પ્રકારના હતા એટલે સાથે રહીને એની પ્રાપ્તિ નહીં કરી શકાય એવું લાગ્યું હશે જેથી ગુરુ મહારાજ મોતીરામ મા હિંગળાજના પાવનકારી ચરણોમાં સ્થિર થયા જ્યારે પૂ. દેવશંકર ગુરુ મહારાજે ભગવાન અરવડેશ્વરના સાંનિધ્યમાં પોતાની સાધના, તપ અને આરાધના શરૂ કરી. આગળ જતાં આ બંને મહાન વિભૂતિઓ પુણ્યશાળી સંતપુરુષો તરીકે પૂજાવાની હતી. એમનું પુણ્યબળ હવે જાગૃત થયું હતું અને એના કારણે જાગેલી ચેતનાથી પ્રેરાઈને આ બંને સંતપુરુષો સંકલ્પસિદ્ધિ અર્થે પોતપોતાની સાધનામાં લાગી ગયા.
શ્રી મોતીરામ ગુરુ મહારાજની સાધનાના ભાગરૂપે કર્મ એ જ પૂજા એમનો જીવનમંત્ર બન્યો અને સાથોસાથ ‘શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ’ એટલે કે કોઈ પણ સાધના સફળ કરવી હોય તો એનું માધ્યમ શરીર છે. નિર્બળ શરીર, રોગગ્રસ્ત શરીર એ સાધનાના માર્ગમાં બાધક બને છે એટલે સંપન્ન શરીર, તંદુરસ્ત શરીર હોય તે સાધક માટે જરૂરી છે. આ વિચારથી દોરાઈને તેમણે વ્યાયામશાળા, ગૌશાળા વિગેરે વિકસાવ્યાં.
દરમ્યાન તેઓ ગુરુના ભાંખરે અવારનવાર જતાં. ગુરુનો ભાંખરો પાલનપુરથી અંબાજી જતા ૧૮ કિલોમીટરના અંતરે જલોત્રા નામના એક નાના ગામ પાસે આવેલો છે. ગુરુના ભાંખરો તરીકે જાણીતી આ જગ્યા અતિ પ્રવિત્ર મનાય છે. અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલ આ જગ્યા સુધી પહોંચવા માટે પર્વતીય ચઢાણના અતિ દુર્ગમ રસ્તેથી પસાર થવું પડે છે. આ જગ્યાએ ગુરુ દૂધલીનાથની પ્રતિમા આવેલી છે અને એનાં દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ અહીંયાં આવે છે. આ મુર્તિનું વજન લગભગ ૬૪૦ કિગ્રા છે. પ્રચલિત લોકવાયકા મુજબ પાવઠીના જાગીરદાર મૂળસિંહના વડવા રતનસિંહ ઘણા વરસો સુધી ગુરુબાપાનો દીવો કરવા દર સોમવારે ૪૦૦૦ ફૂટ ઊંચે આવેલી ગુફા ઉપર જતા. રતનસિંહની પાછલી ઉંમરે શરીર કામ ન આપે તો પણ આ ક્રમ એમણે જાળવી રાખેલો. સોમવારે અચૂક ગુરુનો દીવો પુરવા જવાનું. રસ્તામાં જતાં અણીયાળા પથ્થરોની ઠોકરો વાગે, કાંટાળી ઝાડીને કારણે ઉઝરડા પડે, લોહીલુહાણ થઈ જવાય, પણ ગુરુની ગુફાએ તો પહોંચવાનું જ. તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ ગુરુ સાધુરૂપે પ્રગટ થતા અને એમના ઘા ઉપર પોતાનો પ્રેમાળ હાથ ફેરવી દુ:ખદર્દથી મુક્ત કરતા. ગુરુએ તેમને વચન આપેલું કે તારી પેઢીમાં એક યુવાન વીર યોદ્ધો પાકશે. આ રતનસિંહના વારસદાર અને પાવઠીના જાગીરદાર મૂળસિંહ અને મુમનવાસ ખાતે રહેતા ખુશાલ મહારાજ વ્યાસ દ્વારા મુર્તિ પધરાવતાં પૂર્વે એક વાર ગુરુ મહારાજ એમનો યુવાન પુત્ર મોહન અને સેવક શામળીયાને સાથે લઈને પાવઠી દરબારના ડેરે ગયા અને આ મુર્તિ પધરાવવાના કાર્યને પૂર્ણ કરવા પાવઠી દરબારે પોતાના કુટુંબના તમામ બાંધવો અને વડીલોને એકત્ર કરી મુર્તિ ઉપર લઈ જવા માટે જંગલમાં રસ્તો બનાવેલો જે કાર્ય છ મહિના સુધી ચાલ્યું અને મહા સુદી પંચમીના દિવસ સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યું.
મહા સુદી એકમના દિવસે અલગારી સંત શિરોમણી મોતીરામજીએ મા હિંગળાજના મંદિરેથી મુર્તિ ગામમાં લાવી સિદ્ધપુર નગરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા કાઢેલી અને મહા સુદ એકમના દિવસે સમસ્ત બ્રહ્મસમાજને અર્પણ કરી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવી નાત કરેલી અને મુર્તિ સાથે ચોથના દિવસે ૧૦૦ યુવાનો જેમાં રમણભાઈ શામળીયા, રમણલાલ શાસ્ત્રી, બાબુભાઇ પાધ્યા, ભક્તિલાલ પંડ્યા, અરવિંદભાઈ પટેલ, બાબી પટેલ, માધવલાલ ઠાકર જેવા યુવાનોનો કાફલો લઈ મૂર્તિ સાથે પાવઠી દરબારના ત્યાં આંબાના ઝાડ નીચે વિસામો કર્યો. દરબારે આવેલા બ્રાહ્મણોને બ્રહ્મભોજન આપી મુર્તિ અને ગુરુ મહારાજનું રાજાને શોભે તે રીતે સામૈયું કર્યું. આમ ચોથના દિવસે મુર્તિ પાવઠી પહોંચી અને જે ક્ષણ માટે અલગારી સંત પોતાની નિજ ઈચ્છા મુજબ આ સંસારમાં આવ્યા હતા તે કાર્ય પૂર્ણ કરવાના દિવસે સૂર્યનારાયણ સવારે પ્રગટ થયા અને ગુરુ મહારાજની મુર્તિ ઉપર લઈ જવાની કાર્યવાહી શરૂ થઈ.
અહીં પાવઠી દરબારે તેમના કુટુંબના અને સમાજના અનેક આગેવાનો, વડીલ બાંધવો અને યુવાન ભાઇઓની સાથે રાતે મિટિંગ કરી આ કાર્યક્રમ કઈ રીતે પૂર્ણ કરવો તેનું આયોજન કર્યું હતું. તે મુજબ સવારના ૧૦ના ટકોરે પાવઠીથી નદીના પટમાં આવેલા મહુડાના ઝાડ પાસે મુર્તિ પહોંચાડવામાં આવી હતી ત્યાં ભગીરથ કાર્ય શરૂ થયું અને “જય ગુરૂમહારાજ”ના નાદ સાથે પાલખીને ઉપર લઈ જવા માટે લાકડીની ડોલી બનાવી હતી તે ડોલીમાં મુર્તિને ગોદડાઓની અંદર લપેટી ફીટ કરી હતી અને મજબૂત રીતે બાંધી તે મુર્તિને લઈ જવાનું કાર્ય શરૂ કરવા જતાં હતા ત્યાં આ મુર્તિના બનાવનાર, આ મુર્તિના ઘડવૈયા જે શર્મા હતા તેમને થયું કે, ‘આ મુર્તિ મેં બનાવી છે તો મારો હાથ પહેલો હું લગાવું.’ તે વખતે ગુરુ મહારાજ મોતીરામ ગુસ્સામાં આવી ગયેલા અને ગુસ્સાના આવેશમાં કહેલું, ‘આ પથ્થરો એમ હાથહાથ અડાડી ઉપર નહીં ચઢે. સિદ્ધપુરના બ્રાહ્મણોએ, વડીલોએ અનેક ગાળો ભાંડી છે. પણ યાદ રાખશો એક દિવસ એવો આવશે કે ગામ છોડીને ભાગવું પડશે અને સો ઘેર એક દીવો રહેશે. અહીંયાં તમો આવ્યા છો તો તમે તમારા ઘરે છોકરાંઓને કહેજો. આ પરિસ્થિતીમાં આ ડુંગર આવીને પથ્થરે પથ્થરે છાપરાં બાંધીને રહેવું પડશે.’
આ બાજુ દરબાર પરિવાર મુર્તિને ઉપર લઈ જવા માટે પાલખી ઉપાડવાનું ચાલુ કરે છે ત્યાં હરિગુરુ મહારાજનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહ્યું, ‘આ મારો પથ્થરો સાંજના પાંચના ટકોરે ઉપર પહોંચવા જોઈએ.’ ત્યારે દરબારે એટલા જ ઉત્સાહથી કહેલું કે, ‘બાપજી આપની મુર્તિ પાંચના ટકોરે ગુફામાં પહોંચાડી દઇશ.’ આમ, સાત કલાકના ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં ૩૨ મણ વજનની મુર્તિ ગુરુ ગુફાએ પહોંચાડી. ગુરુકૃપાથી પાવઠી દરબાર પોતાના કાર્યમાં સફળ બન્યા અને મુર્તિ પધરાવી. રમણભાઈ શાસ્ત્રી મારફતે કે જેમને પરણે થોડો સમય થયેલો અને તુમડી પણ પરણેલા અને તેમના પિતાશ્રી આ જંગલમાં મોકલવા પણ તૈયાર ન હતા પરંતુ તેમને જોરાઈથી લઈ ગયેલા તેમના હાથે મૂર્તિમાં સ્થાપિત કર્યું અને પોતે નિસ્તેજ બની ગયા અને આવેલા બ્રાહ્મણો તથા રબારીઓને કહ્યું, હવે તમારે જે ખાવું હોય તે ખાવ અને જે કરવું હોય તે કરો મારૂ કામ પૂરું થયું અને બ્રાહ્મણોને તથા દરબારીઓને ઉપર શીરો બનાવી જમાડેલા અને મુર્તિનું સ્થાપનનું કામ પૂર્ણ થતાં તેમના દીકરા મોહન, પાવઠી દરબાર મૂળસિંહ તથા તેમના અંગત એક માત્ર વિશ્વાસુ સેવક શામળીયાને એક બાજુ પથ્થર પર બોલાવી તેમના દીકરાને કહ્યું હવે તારે આ જગતમાં ત્રણ વર્ષ, ત્રણ માસને ત્રણ દિવસ રહેવાનુ છે – તારો પરિવાર પત્નીની છોકરાં આગળ મોકલી દીધાં છે. હવે તું ફરી સંસારમાં પડીશ નહીં અને આ લંગોટી પહેરી હિંગળાજના ચોકે બેસજે. શામળીયો તારી સાથે રહેશે. તને મેં જ ઉત્સાહિત, પ્રેરિત કર્યો હતો. દૂધલીમલ હું પોતે જ છું. આ મોતીરામ તરીકે મારી પાદુકાની જગ્યાએ પથ્થરો બેસાડવો હતો તે બેસાડી દીધા હવે મારે જગતમાં આવવું નથી. એમ તારે પણ આવ-જા કરવાની નથી. આમ કહી મૂળભાઈને કહ્યું મહાવદી એકમના દિવસે ખુશાલ મહારાજશ્રી સાથે આપ અવશ્ય પધારશો. આમ, મુર્તિ સ્થાપનોમાં પોતાના સંકલ્પ પૂર્ણ કરવા દૂધલીમલે દેહમાં પરકાયા પ્રવેશ કર્યો. દૂધલીમલના નિજ મંદિરમાં મહા વદી એકમના દિવસે પ્રભાતે પ્રવેશ કરી મોતીરામનું શરીર મા ભગવતીના શરણમાં છોડી દીધું.
કુલ ૬૪૦ કિગ્રા એટલે કે ૩૨ મણ કરતા વધુ વજનની આ મુર્તિ ગુરુના ભાંખરા ઉપર ગુરુ ગુફામાં માત્ર સાત કલાકમાં જ પહોંચી એ પાછળના કારણમાં લોકવાયકા એવું કહે છે કે આ કાર્ય મોતીરામ ગુરુના સ્વરૂપે સ્વયં ગુરુ દૂધલીનાથે જ પૂર્ણ કર્યું હતું. લોકો કહે છે કે પ્રાચીન કાળમાં ગુરુ દૂધલીનાથ આ જ પર્વત પર રહ્યા હતા અને ઉગ્ર તપ કરી ચમત્કારિક શક્તિઓ મેળવી હતી. આજે પણ ગુરુના ભાંખરા આજુબાજુના વિસ્તારના લોકો અહીંયાં દર્શને આવે છે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે બાધાઓ પણ રાખે છે. કુટુંબમાં પહેલો દીકરો જન્મે ત્યારે ગુરુનો લોટ કરવાનો રિવાજ પણ પ્રચલિત છે.
આમ અરવડેશ્વરના સંત પૂ. દેવશંકર બાપા, તે જ રીતે હિંગળાજના તપસ્વી અને દૂધલીનાથદાદાનો જેમણે સાક્ષાત્કાર કર્યો હતો તેવા પૂ. મોતીરામ ગુરુ બંને કિસ્સામાં એક જ દિવસે ઘર છોડીને સરસ્વતી નદીનો પટ ઓળંગી સામે કિનારે પહોંચેલા આ બંને સંતપુરુષોએ જે ઘડી, પળ અને ચોઘડિયું આ માટે પસંદ કર્યું હશે તે દેવદુર્લભ સમય કેટલો ઉત્તમ હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી.