સ્ત્રીને ગૃહસ્વામિની કહે છે. પુરુષ મકાન બાંધે છે જે ઈંટ, માટી, જૂનો કે સિમેન્ટ અથવા લાકડાનું નિર્જીવ ખોખું હોય છે. એ ઘરને કલ્લોલતું અને ગાજતું એની જીવનસંગીની કરે છે અને એટલે એ ગૃહસ્વામિની, ગૃહિણી કે ઘરની રાણી કહેવાય છે. એવું પણ કહ્યું છે કે ગમે તેવા સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. શિવાજી મહારાજને તાલીમ અને ઘડતર આપી એક મહાન લડવૈયા બનાવ્યા તે જીજાબાઈ તેમજ મહારાજા સયાજીરાવને જમનાબાઈએ પોતાની દેખરેખ નીચે સર માધવરાવ તેમજ અન્ય ઉચ્ચ ચારિત્રશીલ અને હોશિયાર વિદ્વાનો પાસે તાલીમ અપાવી એવા કુશળ રાજવી બનાવ્યા કે જેનો રાજ્ય વહીવટ બ્રિટિશ કરતાં પણ સારો અને કલ્યાણરાજ્ય તરીકેનો રહ્યો. ગાયકવાડી રાજ્ય એમની હકુમત હેઠળ છ દાયકા કરતાં વધુ સમય ચાલ્યું. નેપોલિયનને એક સ્કૂલની બહાર એક ફળ વેચનારી એની પાસે પૈસા ન હોવા છતાં આ બાળક નિરાશ ન થાય તે માટે વર્ષો સુધી ફળ મફત આપતી રહી અને નેપોલિયન પણ એને ન ભૂલ્યો. આ બધાં નામ તો માત્ર ઉદાહરણરૂપે મૂક્યાં છે. ઈશ્વર બાદ માણસના માથા પર એના મા-બાપનું ઋણ હોય છે જે ક્યારેય ઉતારી શકાતું નથી. આ દુનિયામાં ફૂટી કોડી પણ ના હોય એવા સંસારીનું ઘર અત્યંત કુશળતાપૂર્વક ચલાવતી ગૃહિણી માતા તરીકે પોતાનાં બાળકો પણ સંભાળે છે એટલે જ કહ્યું છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’. માને આપણે દેવ તરીકે પૂજીએ છીએ પણ જ્યારે પત્નીની વાત આવે ત્યારે એની સમજદારી અને ઉપકારોની વાત કરતા ક્યાંક આપણું પુરુષત્વ ઘવાય છે. પુરુષના ઘરે શાંતિ જાળવી રાખી એને કદીએ પોતે એકલો છે તેનો અહેસાસ ન થાય એ સુનિશ્ચિત કરનાર જગતની ઘણી બધી માતાઓ કે પત્નીઓ માત્ર પુરુષ સમોવડી નહીં પણ પુરુષથીય મુઠેરી ઊંચી હોય છે.
આપણને એ પણ ખબર હોવી જોઈએ કે નારી એક જ પાત્ર નથી ભજવતી. એણે આખા દિવસ દરમિયાન જુદાં જુદાં પાત્રો ભજવવાં પડે છે જે મુજબ –
કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી ભોજયેષુ માતા શયનેષુ રમ્ભા,
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી સાદ્ગુણ્યમેતિદ્ધિ પતિવ્રતાનામ્.
અર્થાત આદર્શ સ્ત્રી કે પતિવ્રતા સ્ત્રી કેવી હોવી જોઈએ? કામકાજમાં સહાયક બનનાર મંત્રી જેવી, ઘરકામમાં વિનમ્રતા દાખવતી દાસી જેવી, ભોજન કરાવવામાં માતા જેવી, શરીરસુખ આપવામાં રંભા અપ્સરા જેવી, ધર્મને અનુકૂળ વ્યવહાર કરનારી અને ધરતીની જેમ ભાર ઉપાડનારી તેમજ ક્ષમા આપનારી હોવી જોઈએ.
એક સાવ અજાણ અને મધ્યમ વર્ગના પણ નીચેના પગથિયે જન્મીમીને આજે દુનિયા સમક્ષ જાણીતો થયેલ હું - જય નારાયણ વ્યાસ - મારી માના મારા ઉછેરમાં પ્રદાન માટે ઘણું બધું લખી ગયો છે અને હજુ પણ લખાશે.
પણ આજે મારી જીવનસંગીની હૃદયસ્થ સુહાસિનીનો જન્મદિવસ છે. અમારે ત્યાં જન્મદિવસ, લગ્ન જયંતિ કે એવા શુભ પ્રસંગો કેક કાપીને નથી ઉજવાતા, એ દિવસે ઘરમાં લાપસી અને સિદ્ધપુરમાં મૃત્યુંજય મહાદેવના મંદિરે રુદ્રાભિષેક થાય. આ અમારી ઉજવણી. આખો દિવસ આનંદમાં વિતાવીએ. બાળકોને વિશેષ આનંદ કારણ કે એમને એ દિવસે ચોકલેટ કે થોડો ઘણો ધનલાભ પણ થાય. અમારી આ ટેવ પ્રમાણે આજે સુહાસિનીનો જન્મદિવસ ઉજવાશે કારણકે એ ભલે અમારી સાથે નથી પણ મેં એના વિશે લખતા મારા પહેલા જ લેખમાં કહ્યું હતું કે સુહાસિનીના નામ આગળ ક્યારેય સ્વર્ગસ્થ નહીં લખાય એ અમારી સાથે જ છે અને એના વિચારોથી અમને દોરતી હૃદયસ્થ બની ગઈ છે. ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૦ એનો જન્મદિવસ, ૧૯ મે ૧૯૭૦ એ અમારો લગ્ન દિવસ. ત્યાંથી શરૂ કરીને ૧૬ માર્ચ ૨૦૨૧ એ મોટા ગામતરે ચાલી નીકળી. મારી ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને તેમાં પણ સાંઈનું શરણ મને અનેક વાર ફળ્યું છે. એ સાંઈની ઉદી, મૃત્યુંજય મહાદેવના અભિષેકનું બિલીપત્ર કે મા શક્તિને પૂજવવામાં વપરાતું અખંડ સૌભાગ્યનું પ્રતીક કુમકુમ, આ બધું હાથમાં લઈ હોસ્પિટલને બીછાને એનો હાથ પકડી મેં આ મારા આરાધ્ય દેવોને વિનંતી કરી હતી કે મારું જે કાંઈ જીવન બાકી હોય એમાંથી અડધું સુહાસિનીને આપી દે. અરજી મંજૂર ના થઈ. આજે લાગે છે કે એ ઈશ્વરીય નિર્ણય સાચો હતો.
મારા ઘરની એ સર્વોચ્ચ સત્તા હતી. ક્યારેક અમારો મત જુદો પડે ખરો પણ સરવાળે બધું જળવાઈ રહે. બાળકોને કાંઈ જોઈતું હોય તો માને કહે, કોઈપણ વ્યવહાર જાળવવાના હોય તો એ સંભાળી લે કારણકે એ લગ્ન કરીને અમારા ઘરે આવી ત્યાર પછી આ બધા જ વ્યવહારોનો સુવાંગ કબજો એને હસ્તક. મારી માના સુપરવિઝનમાં ગણો કે સલાહ પ્રમાણે ગણો એ ક્યારે ટ્રાન્સફર થઈ ગયો કંઈ ખ્યાલ જ ન આવ્યો. અમારા લગ્નજીવનનાં પહેલાં ૨૫ વરસ તો બળદિયાની માફક ધુસરું ખેંચી ગરીબીના અભિશાપને અને મજબૂરીને મારી હટાવવામાં સમય ક્યાં વીતી ગયો એ ખબર જ ન પડી. હું ઘરે અથવા સુહાસિનીને પૂરતો સમય નહીં આપી શકવા માટે ગુનેગાર છું એ મેં અગાઉ પણ કહ્યું છે પણ મારા જેવા અડબોથ માણસનું ઘર ચાલ્યું કારણકે મારું ઘર સંભાળનાર અત્યંત સહનશીલ અને જિંદાદિલ વ્યક્તિ મારી પત્ની સુહાસિની ખભેખભો મિલાવીને કોઈપણ પ્રકારની કડવાશ કે અસંતોષ વગર મારી સાથે ઉભી રહી. હા, અમારે સાવ ઝઘડો ન થાય એવું કહું તો એ અપ્રમાણિકતા ગણાશે. બે-ચાર કલાકમાં ઝઘડો પાછો સમેટાઈ જાય. અમે કાળજી રાખી આવા મતભેદો મનભેદમાં પરિવર્તિત નથી થવા દીધા અને એટલે જ મારી જીવનચર્યાના એક ભાગરૂપે ભક્તિ અને ઇશ આરાધનાનું મારું ખાતું સુહાસિનીના ભાગ હતું. મારે ત્યાં ચોપડાપૂજન કે લક્ષ્મીપૂજન, નાગપાંચમ કે શીતળાસાતમ, નવરાત્રિ કે શિવરાત્રી આ બધાનો સુવાંગ હવાલો એનો. ઘરમાં નવી ગાડી આવે એટલે સ્વસ્તિક કરી અને એની પૂજા કરવાનો અબાધિત અધિકાર એનો કારણ કે અમારા સ્વાર્થમાં અમે શીખ્યા હતા કે એનો હાથ શુકનિયાળ છે. એટલે મારું ઘર હોય કે ગાડી એના ઉપર સુહાસિનીની વ્યવસ્થાની છાપ આજે પણ મને દેખાય છે. સિધ્ધપુરમાં શ્રી હર્ષદભાઈ જોશીને પણ એણે નાનામાં નાના સભ્યથી માંડી મારા સુધી બધાની જન્મ તારીખ કે લગ્ન તારીખ આપી રાખી છે અને એ દિવસે અમારો અભિષેક મૃત્યુંજય મહાદેવના મંદિરમાં થઈ જ જાય છે.
એણે મારા ઘરે આવીને શરૂઆત બહુ પ્રતિકૂળ સંજોગોમાં કરી. ઘરડાં મા-બાપ, એમને સિદ્ધપુરમાં જ રહેવું હતું એટલે એમને જાળવવાનાં. બી.એ. ઇકોનોમિક્સથી આગળ એ ભણી શકી હોત પણ અમારું ઘર અને મા-બાપની સેવા વેરવિખેર થઈ ગયાં હોત. એટલે મારા વગર કહે એણે એક દિવસ જાહેર કરી દીધું કે આ તમે વડોદરામાં એમ.એ કરાવવાની પેરવી કરો છો અને એડમિશન પણ નક્કી કરી દીધું છે પણ મારે હવે આગળ ભણવું નથી. એણે અમારી સૌની જવાબદારી સામે શિક્ષણની ગુણવત્તાના ફરફરીયે તોલવા મૂક્યા, એમાં જવાબદારીનું પલ્લુ નમ્યું અને એણે આગળ ભણવાનું માંડી વાળ્યું. આ સમજદારી હતી કે પછી કુટુંબના મહાન હિતમાં સમર્પણ હતું, હજી સુધી હું નક્કી નથી કરી શક્યો. મારો ઇરાદો એને ઇકોનોમિક્સમાં પીએચડી કરાવવાનો હતો, પણ મારું ન ચાલ્યું.
અમે સહજીવન શરૂ કર્યું ત્યારબાદ લગભગ એક દાયકો વિત્યે મારી મા અને બીજો દાયકો વિત્યે મારા પિતાશ્રી સદેહે અમારા વચ્ચેથી વિદાય થયા. એ વખતે હું એટલો બોઘો હતો, ક્યારેય સ્મશાનમાં નહોતો ગયો તે ચિતા સળગાવવા માટે લાકડા ગોઠવાતાં હતાં ત્યારે મારા બે સ્નેહી શ્રી ભોળાભાઈ શુક્લ અને શ્રી કનુભાઈ ભટ્ટને મારી અક્કલનું પ્રદર્શન કરતાં કહ્યું હતું કે જરૂર લાગે તો બીજાં વધારાનાં લાકડાં ગોઠવજો પણ મારી માના શરીરને વાંસડો મારીને તોડશો નહીં. મારા આ પરમ હિતેચ્છુ અને વડીલોએ ચિતાને મુખાગ્નિ આપ્યા પછી મને ત્યાંથી દૂર લઈ જઈ ધર્મશાળામાં બેસાડી દીધો.
માનું શ્રાદ્ધ કર્મ વિગેરે પત્યું એટલે સુહાસિની મારા ઘરની બેતાજ વહીવટદાર બની ગઈ. બસ એ દિવસ પછી જે કંઈ પૈસા આવ્યા મુઠ્ઠી વાળીને એને આપ્યા. એમાંથી મને જે પાછા મળ્યા ખિસ્સા ખર્ચ માટે એ ગજવામાં મૂકી દીધા પણ અમારા વચ્ચે હિસાબ લખવાનો કે લેવાનો રિવાજ ક્યારેય ન રહ્યો. એ સાવ અશક્ત બની ગઈ અને હોસ્પિટલમાં શિફ્ટ કરવી પડી ત્યાં સુધી મારા ઘરના બધા જ વ્યવહારો મારી પુત્રવધૂ સાથે રહી સંભાળ્યા. પુત્રવધુને પણ એ બહાને ઘર ચલાવવાની તાલીમ અને મારી માની સંગાડા ઉતાર રસોઈ કરવાની પદ્ધતિમાં નિપુણતા આવી. સદ્નસીબે બંને ખાતાપીતા ઘરની સંસ્કારી દીકરીઓ મારા ઘરમાં આવી એટલે અમારા પરિવારની ગૂંથણી પણ એ રીતે થઈ.
મારાં બાળકો ૪૦ વર્ષના થયા તે બાદ પણ એ ક્યારેક એમના પર ગુસ્સો કરે ત્યારે ધમકી આપે, ‘રાત્રે પપ્પાને આવવા દે, બધું કહી દઈશ’. ૪૨ વર્ષના છોકરાને તમે બાપના નામે ધમકી આપો, એ પછી છોકરાં ભેગાં થઈ ખીલ્લી જ ઉડાડે ને? પણ મા માટેનો પ્રેમ અને લાગણી તો એટલી જ. આનો પુરાવો એના અવસાન બાદ અસ્થિ પધરાવવાથી માંડીને બધી જ ધાર્મિક વિધિઓ મારા સંતાનોએ સાથે રહીને કરી, ભક્તિભાવથી કરી અને ખાસ કરીને મને એક ઊંડો સંતોષ થયો કે મારો વારો આવશે ત્યારે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછીના સમયમાં પુત્રવધુઓના દાગીનાનાં લોકર હોય કે દીકરીના કરિયાવરનું લોકર હોય તે સૌ-સૌને સોંપાવી દીધું. જમીનો તો પહેલાથી જ બંને પુત્રવધુઓના નામે લીધી હતી એટલે એમાં કોઈ વહેચણીનો પ્રશ્ન નહોતો બાકી જે કંઈ છે તેના ટાઈટલ પણ ક્લિયર છે અને કોના ભાગમાં શું જશે તે પણ ક્લિયર છે. એના સંસ્કારોની કે પછી પોતાના હાડમાંસમાંથી જેમનું સર્જન થયું છે એવા અમારા બાળકોએ, મોટો દીકરો ૪૮ વર્ષનો થયો અને નાનો ૪૫ વર્ષનો, ક્યારેય વહેંચણીની કે પૈસો વધારે લેવાની ચિંતા કે ચર્ચા ઊભી કરી નથી, ઊલટાની દરેકની તૈયારી ક્યાંક જતું કરવાની રહી છે અને એટલે ક્યારેય આવા કોઈ વિવાદો ઊભા થયા નથી. બે દીકરા અને એક દીકરી બધાં અમદાવાદ-ગાંધીનગર સહુ સહુના રીતે પોતાનું ગૌરવ થાય તેવું વ્યક્તિત્વ વિકસાવીને આજે એમનો સંસાર સુપેરે સંભાળે છે. મને વિશ્વાસ છે કે આજના આ દિવસે અમારા દરેકના અસ્તિત્વમાં સમાઈ ગયેલી સુહાસિનીને ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ કહીશું ત્યારે એના ચહેરા પર સ્મિત હશે, એક સફળ સહજીવનનું સ્મિત, એક પારકી પંચાતમાંથી નવરા નહીં પડી ને દોડા કરતા એના અડબોથ જેવા વનેચર પતિનું ઘર સુપેરે સંભાળવાનું સ્મિત, અણીશુદ્ધ પરિશુદ્ધ વ્યવહારો નિભાવવાનું સ્મિત, મારા ઘરે આવેલ કોઈગામડાનો મારો સાથી પણ ચાપાણી પીધા વગર પરત ન જાય એ એક કુશળ ગૃહિણી અને એના આતિથ્ય-સત્કારનું સ્મિત, છોકરાઓ સફળતાપૂર્વક પોતાના જીવનમાં ગોઠવાઈ ગયા એનું સ્મિત, પોતાના પિયરમાં પણ એટલો જ પ્રેમ અને માનપાન પામવાનું સ્મિત, સાવ અકીંચન અવસ્થા કહેવાય એમાંથી આર્થિક દ્રષ્ટિએ પણ સધ્ધરતા માટે મને હિંમત આપવાનું અને ગમે તેટલી કરકસરમાં પણ ઘર ચલાવવાનું સ્મિત. મને ઘણા બધા કહે છે કે સુહાસિનીબેને કોઈ મોટા સરકારી અધિકારીનાં પત્ની અને આગળ જતાં મંત્રીના પત્ની તરીકેનો ભારેખમ વ્યવહાર અમારા જેવા સાથે રાખ્યો નથી.
તમે જાવ અને તમારા પાછળ તમારા વ્યક્તિત્વની સુગંધ પ્રસરતી રહે એવું ધૂપસળી જેવું જીવન એણે સહજતાથી જીવી બતાવ્યું. વસ્તુઓની જાળવણી તો કાબીલેતારીફ. મારી કોઈ પણ વસ્તુ હાથવગી ન હોય અને ખાંખાખોળા કરતો હોઉ ત્યારે એ વસ્તુને શોધીને હાજર કરી દેતી એની ખોટ. હજુ પણ ક્યારેક અડધું વાક્ય બોલાઈ જાય છે, ‘સુહાસિની પેલું બ્લ્યુ રંગનું શર્ટ જડતું નથી, તે ક્યાં છે?’ અને એ શર્ટ કાં તો ધોબીને ત્યાં ઇસ્ત્રીમાં પડ્યું છે અથવા ઘરમાં જ્યાં હોય ત્યાંથી શોધીને મારી પાસે હાજર કરી દે. જીવનમાં એના જે શોખ હતા એમાંનો મોટો શોખ તરવા (સ્વિમિંગ)નો. ભલભલા શિયાળામાં પણ એલિસબ્રિજ સ્વિમિંગ પૂલના ૧૦૦ આંટા ક્યારેય ચૂકાય નહીં. બીજો શોખ હતો સારી સારી રસોઈની વાનગીઓ બનાવવાનો જેણે કંઈક અંશે મારું વજન વધારવામાં મોટો ફાળો આપ્યો હશે. (એના ગયા પછી વિવિધ કારણોસર મારું વજન ૧૫ કિલો ઘટ્યું છે). જોકે એનું કારણ એના ગયા પછી છ મહિના કરતાં વધુ હોસ્પિટલ વાસ વેઠ્યો. એમાંય જરાય ચિંતા નહીં. એના ગયા પછી છ મહિનામાં જ ઉપડી ગયો હોત તો કદાચ ઝાઝું છેટું ન પડી જાત. પણ એવું નસીબ ક્યાં? પણ બીમારીએ ૧૫ કિલો વજન ઘટાડી આપ્યું. હું નિયમિત કસરત કરું કે ચાલવા જઉ એ માટેના એનો કકળાટ હવે નથી અને એટલે જ મેં કોઈ પૂજાઅર્ચનાની માફક શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત નિયમિત બનાવી દીધી છે.
સિધ્ધપુર એના પિયર જાય ત્યારે એના મહેલ્લામાં દાખલ થતા સૌને બોલાવતી. મહેલ્લો રીતસરનો ગાજી ઊઠે. એના પિયરના મહેલ્લામાં તુલસીબા કે એ શાંતિબાની એ લાડકી. પ્રફુલ્લાબેન, ભારતીબેન બધા સાથે એને બને. ગોવિંદમાધવ દાદાનાં દર્શન અચૂક કરવાના. અને એના ઘરે જ સ્થપાયેલ ગજલક્ષ્મી માની તો પૂજા એણે લગ્ન સુધી મૂર્તિ તરીકે અને અમારા લગ્ન બાદ પૂજામાં ફોટા તરીકે કરી. મને લાગે છે કે લક્ષ્મી મા એના પગલે પગલે અમારા ત્યાં આવ્યાં અને તેમની દીકરીને ત્યાં સ્થિર થઈ ગયાં. હું બહુ દ્રઢપણે માનું છું કે સુહાસિનીના પગલે પગલે એના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા થઈ અને એ સુહાસનીને ત્યાં જ સ્થિર થઈ ગયા. ત્યારબાદ એ કૃપા એનાં ભાણેજીયાં પર પણ વરસતી રહી છે. હવે તો ભાઈ ઉપવર્શે નવું ઘર બનાવ્યું એમાં એણે માતાજીની સરસ મજાની મૂર્તિની આજુબાજુનું આખું મંદિર ખૂબ સુંદર રીતે સજાવ્યું છે. કાશ, આજના જન્મદિવસે સુહાસિની અમારા ઘરે સદેહે હાજર હોત તો એણે જેમ અમારા બધાનું ધ્યાન રાખ્યું એમ અમે પણ આખા કુટુંબ સાથે લક્ષ્મીજીનું દર્શન કર્યું હોત. પણ એમને કોઈક સાથસહકારની જરૂર પડી હશે એટલે અમારી સુહાસિનીને એ ઉપાડી ગયાં અને વિક્રમભાઈ પંચોલી જેવા શાસ્ત્રજ્ઞના અને પવિત્ર ભૂદેવના માર્ગદર્શન નીચે આ પુનઃપ્રતિષ્ઠા કરાયેલ મૂર્તિ ભાઈ હર્ષ અને ઉપવર્શ ઠાકરે જ્યારે દર્શન માટે ખુલ્લી મુકી અને વિધિવત એનો પ્રક્ષાલ વિધિ અને બાકીની ક્રિયાઓ સંપન્ન કરી ત્યારે સુહાસિની તો અમારા બધા સાથે હાજર હશે જ પણ એના માફક જ લક્ષ્મીજીની કૃપા જેને વરી છે એ અમારી ભત્રીજી શ્રેયા પણ હાજર હતી. બધાને જોઈને ખૂબ સંતોષ થયો. અમારી સુહાસિની અમારી વચ્ચે જ છે એવી એ સમયની એક દિવ્ય અનુભૂતિ હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બાકી રહેતું હતું તે એ વિશિષ્ટ દિવસની ભેટ તરીકે ભાઈ હર્ષની સગાઈ થઈ. એ દિવસ સંપૂર્ણ આનંદનો દિવસ હતો. હર્ષ અને ઉપવર્શ બંનેનો ફાળો માના મંદિરના પુનઃનિર્માણમાં ઘણો મોટો રહ્યો. આ જગતજનની તો આપણને બધું આપે છે પણ એમણે એમના ઋણસ્વીકાર તરીકે ખૂબ નમણું અને સિદ્ધપુરના વિદ્વાન સોમપુરાને હાથે નવરાશની પળોમાં આયોજિત થયેલું મંદિર એ જ દિવસે સિદ્ધપુરને તેમજ એના શ્રદ્ધાળુઓને સમર્પિત કર્યું.
આમ લખતો જઈશ તો ઘણું બધું લખાશે પણ દરેક સારી વસ્તુને ક્યાંક તો વિરામ આપવો જ પડે છે અને એટલે ૧૪.૯.૨૦૨૨ના સુહાસિનીના આ જન્મદિવસની યાદ એને ‘મેની મેની હેપ્પી રીટર્ન્સ ઓફ ધ ડે’ કહીને એના પરિવાર તરફથી એક મોભી તરીકે હું અર્પણ કરું છું. સુહાસિની સાચા અર્થમાં કાર્યેષુ મંત્રી અને ભોજ્યેષુ માતા હતી. એની સદેહે નહીં હોવાની ખોટ નથી સાલતી એવું જૂઠું એના જન્મદિવસે નહીં બોલું.
We all miss her.
We all love her.
We all ador her.
લક્ષ્મી માતાની એ વહાલસોયી પુત્રીને હેપ્પી બર્થ ડે.