આમ તો આ વ્યક્તિ સાથેનો પરિચય માંડ છ મહિના જેટલો જ
ભણતર શૂન્ય
કોઠાસૂઝ ભારે
ખુદ્દારી એક જીંદાદિલ માણસને શોભે તેવી
કોઈ જગ્યાએ એ પાણી માટેની પાઈપલાઈન ફીટ કરી દિવસના ૫૦૦-૭૦૦ રૂપિયા રેળવી લે.
કોઈ દિવસ રજા રાખે નહીં, થોડું કામ વધારે હોય તો મોં બગાડે નહીં એટલે મિસ્ત્રીનો પણ લાડકો.
સમય વીતતો ગયો તેમ એની જુબાન ખૂલતી ગઈ, પેલો પેશન્ટ પણ વાતોડિયો તો ખરો
બંને વચ્ચે એક સામાન્ય શોખનો વિષય જુના ગાયનો સાંભળવાનો
એક દિવસ વાત નીકળી, ‘એ ભણ્યો કેમ નહીં?’
એનો જવાબ હતો, ‘ભૂખ્યા પેટે ભણાય નહીં અને મારા કુટુંબમાં બે મોટી બહેનો, મા-બાપ અને પોતે,
બાપ ખૂબ ઢીંચે
ઘરમાં પૈસો પણ ના આપે
એના માટે કમાવું ફરજિયાત હતું.
એની એવી દૃઢ માન્યતા હતી કે સખત મહેનત કરીને કમાવું પણ ભીખ ક્યારેય નહીં માંગવી.
એણે શરૂઆત કરી રોજના પાંચ રૂપિયાના મહેતાણાવાળી પ્લાસ્ટિકનો કચરો વીણવાની નોકરીથી.
પછી ચાની લારીએ કપરકાબી ધોવાની પગાર દસ રૂપિયા રોજના
ત્યારબાદ એક પ્રિન્ટિંગ પ્રેસમાં પગાર રોજનો પંદર રૂપિયા
પછી ડાઇંગ અને પ્રિન્ટિંગ માટેના પ્રોસેસિંગ હાઉસમાં નોકરી રોજના સો રૂપિયા
પણ આ માણસ બાબરો ભૂત હતો
એ સળંગ બે દિવસ અને બે રાત ભરે
ત્યાંથી કડિયાકામ અને ત્યારબાદ પાઇપ ફિટિંગ અને સેનિટેશન અને બીજી નોકરી
એનો રોજ હવે એક હજાર રૂપિયાનો પડે
આ એની પ્રગતિ કથા કહેતાં કહેતાં એ વચ્ચે અટકે છે, ‘સાહેબ, આ બધામાં હું આવડો મોટો ક્યાં થઈ ગયો એ ખબર જ ના પડી.’
પોતાનું કુટુંબ વસશે કે ક્યારે વસશે એની ચિંતા નહીં પણ તેણે ભીખ ના માંગી અને કુટુંબમાંથી પણ કોઈને ભીખ માંગવા ના દીધી.
બે બહેનોનાં લગ્ન કરી સાસરે વળાવી.
જે કંઈ હતું તે લગ્નમાં વપરાઇ ગયું અને ઉપરથી થોડી રકમ વ્યાજે પણ લેવી પડી.
‘હવે સાહેબ મારે એક ઘર બનાવવું છે એટલે ભાડૂઆત તરીકે ક્યારે કોઈ ખાલી કરાવે નહીં ચિંતા ન રહે.’
આ છે આ વ્યક્તિની છેલ્લા દસેક વરસમાં કરેલ પ્રગતિની કહાણી.
રોજના પાંચ રૂપિયામાંથી ૧૦૦૦ રૂપિયા સુધીની એક સાવ અંગૂઠાછાપ માણસની સફર.
માણસ ભણ્યા વગર પણ આજે દર મહિને ૩૦ હજાર કે ક્યારેક વધારે પૈસા કમાઈ લે છે.
બાપ હજુ પણ દારૂ પીવે છે.
હવેનો એનો મુકામ છે પોતાનું ઘર.
સાવ પારદર્શક અને ઝૂંઝારું માણસ.
એની જગ્યાએ કોઈ ભણેલ-ગણેલ હોત તો કદાચ હિંમત હારી ચુક્યો હોત
અથવા આ વ્યક્તિ ભણ્યો હોત તો આથી પણ આગળ નીકળ્યા હોત
જીવનમાં એણે ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ પંક્તિને સાર્થક કરી
‘મન હોય તો માળવે જવાય’ એ કહેવતને આત્મસાત કરી
ખુદ્દારીથી જીવતો રહ્યો, જે કંઈ મળ્યું તે પરસેવાનો પૈસા
જે કામ કરવું તે ખંતથી કરવું એનો સિદ્ધાંત
મારી પાસે ઘણી વાર ગ્રેજ્યુએટ કે એમબીએ થયેલ નોકરીની શોધમાં હોય એવા વ્યક્તિઓ પણ આવે છે.
પણ...
જે સૂત્રને આત્મસાત કરી અને રોજના પાંચ રૂપિયાથી રોજના ૧૦૦૦ એટલે કે ૨૦૦ ગણો વધારો દસ વરસમાં હાંસલ કર્યો. મજબુત ઇચ્છાશક્તિ, પ્રમાણિકતા અને સતત કંઈક નવું શીખવાની નવું કરવાની ભાવના.
એણે જે પ્રગતિ હાંસલ કરી તેની કથા પૂરી થઈ ત્યારે મનોમન બોલાઈ જવાયું –
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ ।
નહિ સિંહસ્ય સુપ્તસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ ॥
પરિશ્રમ વગર કાંઈ મળતું નથી અને મળે તો ફળતું નથી.
એક નાનો માણસ, એણે મજૂરી કરી, નિર્ધારિત દિશામાં આગળ વધવા માટે પરિશ્રમ કર્યે રાખ્યો, રાતોરાત કશું નથી થતું.
આ છોકરાએ સિદ્ધ કરી બતાવ્યું કે
शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलंघनम ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चतानि शनैः शनैः ॥
રસ્તો ગમે તેટલો લાંબો હોય તે ધીરે-ધીરે કપાય છે, કંથા એટલે કે ગોદડી ધીરે ધીરે ભરાય છે, પર્વતના શિખરે ધીરે ધીરે જ પહોંચાય છે, અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય કે દ્રવ્ય અર્જિત કરવું હોય તે પણ ધીરે ધીરે જ થાય છે.
જીવનમાં આગળ વધવું હોય તો ધીરજ રાખવી, પોતાના નિર્ધારને મક્કમપણે વળગી રહેવું અને મથ્યા કરવું, ચોક્કસ નિર્ધારિત લક્ષ્ય પર પહોંચાડે જ છે.
એની જીવન કથની તો પૂરી થઈ પણ અનેકોને પ્રેરણા મળે તેવી આ સત્યકથા મને લાગ્યું કે જેટલા વધારે લોકો સુધી પહોંચે એટલા વધુ લોકોને નિરાશાની પળોમાં પ્રેરણા મળશે.
નિરાશ ન થશો. જ્યારે તમને નિષ્ફળતા મળતી લાગે ત્યારે જ ક્ષિતિજે સૂર્યોદય થવાની તૈયારી હોય છે.
(સત્ય ઘટના પર આધારિત)