વડોદરાના મારા શરૂઆતના વસવાટમાં બીજાં કેટલાક વ્યંજનો સાથે પરિચય થયો. અત્યાર સુધી વડોદરાનો ચેવડો એટલે કે પૌવા (જેને વડોદરાની તળપદી ભાષામાં ચૂણ મમરા પણ કહેતા)નો ચેવડો હતો. અમારા વડોદરા રહેતા સંબંધી વરસે બે વરસે કોઈક વખત આવે ત્યારે આ ચેવડો લાવતા. પણ આ સિવાય લીલો ચેવડો જે તાજા બટાકાની લાંબી છીણીમાંથી બને અને તળેલી ચણાની દાળ જેમાં તલ ભેળવ્યા હોય, લીલાં મરચાં કાપીને સાંતળી નાખ્યાં હોય, ખાંડ ભભરાવી હોય અને ક્યાંક ક્યાંક કાજુ દ્રાક્ષ પણ દેખાય એવો આ લીલો ચેવડો મે વડોદરા આવ્યા બાદ પહેલી વાર જોયો. જગદીશની ભાખરવડીની જેમ આ લીલો ચેવડો પણ વખણાય. બીજી એક આઈટમ સાથે પરિચય થયો હતો અમદાવાદથી વડોદરાની ગાડીમાં બેસતાં જ. એ આઈટમ હતી ભીગવીને પછી તળી નાખેલી ચણાની દાળ. એમાં મરચું મીઠું ભભરાવ્યું હોય અને પેલો ખૂમચાવાળો કાપેલો કાંદો ભેળવી ઉપર લીંબુના થોડા ટીપાં નિચોવે તે ચણાની દાળ પણ પહેલી વાર મારા પરિચયમાં આવી.
આજ રીતે આણંદ સ્ટેશન આવે એટલે ત્યાં પ્લેટફોર્મ પર વેચાતા દાળવડા સાથે પરિચય થયેલો તે વડોદરામાં સુરસાગરની પાળે વેચાતા દાળવડાની લારીએ ગાઢો બનાવ્યો. રાવપુરા લોહાણા બિલ્ડીંગથી દાંડિયા બજાર જતાં જમણી બાજુ વળવાનો એક રસ્તો આવે છે ત્યાં ફૂટપાથ ઉપર એક કેબીન હતી. બિલકુલ પાતળી વેફર જેવી બટાકાની કાતળીથી પુરીની જેમ ફૂલીને દડા જેવા થતાં ભજીયા આ દુકાને સાંજે પાંચથી રાતના આઠ વાગ્યા સુધી મળતાં. આ ભજીયાની હરીફાઈ કરી શકે તેવી ગુણવત્તાવાળા ભજીયા હજુ સુધી મેં ખાધા નથી.
બરાબર આ જ રીતે કાચા કેળાનું શાક થાય એ વડોદરા આવ્યા બાદ ધ્યાને આવ્યું. બુમિયાનું ફ્લેવર્ડ મિલ્ક ખસ, ગુલાબ વિગેરે ફ્લેવરમાં કાચની બોટલમાં ડીપ ફ્રિજરમાં ઠંડુ કરે. પહેલું વહેલું બુમિયાની દાંડિયા બજારની દુકાને ચાખ્યું. દૂધ મને ન ભાવતી આઇટમોમાંનું એક હતું. પણ આ ફ્લેવર્ડ મિલ્કનો ચસ્કો લાગ્યો. પચાસ પૈસામાં એક બોટલ મળતી. કોકોકોલા પણ પચાસ પૈસામાં મળતું. કોકોકોલા અને હજૂરીનો સોસિયો બંને સાથેનો પરિચય મને વડોદરે કરાવ્યો. દૂધ કોલ્ડડ્રિંકની માફક કોફી ઠંડી હોય તો તેને કોલ્ડ કોફી કહેવાય એવું વડોદરાએ શીખવ્યું. ચાર આના બોક્સમાં નાખીએ એટલે મનગમતું ગાયન સાંભળી શકાય તે પણ વડોદરામાં જોયું. રાવપુરા પોસ્ટઓફિસની લગભગ સામેના રોડ ઉપર એક મહારાષ્ટ્રીયન ભજીયા ઉસળવાળાની દુકાન હતી. તીખા તમતમતા ભજીયા ઉસળ માટે પ્રખ્યાત. ખાતાં કપાળે પરસેવાનાં ટીપાં બાજે. સેવઉસળ ક્યારેક ખાધું હતું પણ ભજીયા ઉસળ સાથેનો પરિચય મને વડોદરે કરાવ્યો. મે અત્યાર સુધી માવાના સફેદ કે કેસરી રંગના પેંડા જે લગભગ નાના નળાકાર જેવા હોય તેને બદલે બહાર બુરુખાંડ ઘાંટી હોય તેવા ચોકલેટ રંગના અનિયમિત આકારવાળા જાણે બે આંગળી વચ્ચે કોળિયો મૂક્યો હોય તેવા દુલીરામના પેંડા વડોદરાએ આપ્યા. આજે પણ દુલીરામના પેંડા ભાવે છે. ક્યારેક વડોદરા જઉ ત્યારે અથવા મારા કોઈ અંગત સ્નેહી વડોદરાથી આવે ત્યારે અચુક દુલીરામના પેંડા અને એવી જ બીજી એક આઈટમ જગદીશની દાળમોઠ લેતા આવે છે. મજાથી એ વખતે આ આઇટમો એકાદ બે વખત ચાખી તેથી વધુ આગળનું ગજું ગજવાને પોસાય તેમ નહોતું. પણ એનો સ્વાદ હજુયે મારા મોં માં મમળાવ્યા કરું છું.
બાલુભાઈનાં ખમણ વિષે કહ્યું પણ આ ખમણમાં જાતજાતની વેરાઈટીઓ હોય એટલે કે ટમટમ, અમીરી, દહીનાં, સાદાં વિગેરે જાતો ઉપરાંત સેવખમણી નામની નવી આઈટમ સાથે મારો પરિચય વડોદરાએ કરાવ્યો. આ એ સમય હતો જ્યારે વજન વધી જશે કે સુગર આવી જશે એવી કોઈ ચિંતા નહોતી પણ પૈસા પણ નહોતા. આજે પરિસ્થિતી ઊલટી છે.
હું ઘરેથી વડોદરા આવ્યો ત્યારે મારા માટે એક ફરજિયાત હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. એ હુકમની નીચે સહી મારી મા ની હતી. બાપા પ્રેમાળ વ્યક્તિત્વની દ્રષ્ટિએ કસાયેલ શરીર પણ એમની કદી બીક ના લાગી અને ક્યારેય એમણે મને ટપલી પણ મારી નથી. મા આથી વિપરીત તીખા મરચા જેવી અને વખત આવે ઝુડી નાખે. એટલે આ વાઘણ નખોરિયા ના મારે એની બીક હંમેશા રહેતી.
મા એ વડોદરા આવવા નીકળ્યો ત્યારે હુકમ કર્યો હતો દર અઠવાડિએ બુધવારે અચુક ખેમ કુશળનો પત્ર લખવાનો જ. પત્ર વ્યવહાર સિવાય ટેલિફોન જેવી સવલત તો હતી જ નહીં. મા ના આ હુકમે મને પરિચિત કરાવ્યો વડોદરા રેલ્વે સ્ટેશનની R.M.S.(Railway Mail System)ની પોસ્ટઓફિસ સાથે. એ જમાનામાં ૫ પૈસાનું પોસ્ટ કાર્ડ મળે અને 10 પૈસાનું અંતર્દેશિય. ૨૫ પૈસાનું પરબીડિયું. આપણે આ ૫ પૈસાનું પત્તું ખરીદીને ત્યાં ઉભા ઉભા લખવા માટે સપોર્ટ બોર્ડ હતું. તેના ટેકે ખુશી આનંદનો કાગળ ઘસી નાખીએ. આ પોસ્ટઓફિસનો ફાયદો એ હતો કે બીજે બધે ચાર વાગ્યા સુધી કાગળ એ જ દિવસે જાય પણ અહીંયાં સાંજના ૬ વાગ્યા સુધી પોસ્ટ કરી શકાતો. જો મોડા પડીએ તો ૧૦ પૈસાની વધારાની ટિકિટ લગાડવાની જેને “લેટ ફી પેઇડ” કહેવાય અને એવું કાગળ ઉપર લખીને જુદા ડબ્બામાં નાખી દેવાનું તો રાત્રે ૮ વાગ્યા સુધી ચાલે. રવિવારે કે જાહેર રજાના દિવસે ટપાલની વહેંચણી નહોતી થતી. પણ વધારાની ૨૫ પૈસાની ટિકિટ ચોંટાડી હોય તે “એક્સપ્રેસ ડિલિવરી” કહેવાતી અને એ ટપાલ રજાના દિવસે પણ ડિલિવર થઈ જતી. આ રેલ્વે સ્ટેશનની પોસ્ટઓફિસમાં ઉભા ઉભા જાતજાતના અને ભાતભાતના લોકોને પત્રો લખ્યા છે. મિત્રોથી માંડી ઘરે અને ચર્ચાપત્રથી માંડી અરજી આ બધું જ અહીંથી લખતો. જો એ લખાણની લીટીઓ કદાચ લાઈનબંધ ગોઠવાય તો સિધ્ધપુરથી પણ ક્યાંય આગળ પહોંચી ગઈ હોત તેમાં કોઈ શંકા નહોતી. સ્ટેશન ઉપરની R.M.S. પોસ્ટઓફિસ મારા માટે કમસે કમ અઠવાડિયે એક વખત રૂબરૂ થવા માટેની જગ્યા હતી. આ એ જગ્યા હતી જ્યાંથી લખાયેલ પત્રો મને વડોદરા બહારની દુનિયા સાથે જોડતા. સ્વાભાવિક રીતે મારી યાદદાસ્તમાં કાયમ અંકિત થઈ જાય તેવી જગ્યા હતી.
આ પોસ્ટઓફિસની સાથે બીજા બે સ્થળો જોડાયા તેમાનું એક હતું રેલ્વે સ્ટેશનના બીજા માળે આવેલું ઉપાહાર ગૃહ. અહીં વળી એક નવી આઈટમ સાથે પરિચય થયો એ હતી “બટરટોસ્ટ”. મે વડોદરામાં બટરટોસ્ટ પહેલી વાર ચાખી. આજ દિન સુધી હું એનો ચાહક રહ્યો છું. ૫૦ પૈસામાં બટરટોસ્ટ અને ૩૦ પૈસામાં કોફી આમ કુલ ૮૦ પૈસામાં આ રેલ્વે ઉપાહાર ગૃહમાં બેસીને કલાકો પસાર કર્યા છે. ક્યારેક ચેન્જ ખાતર એટલા જ પૈસામાં મળતા બટાકાવડાની લિજ્જત પણ માણી છે. રેલ્વે પ્લેટફોર્મ હોય કે સ્ટેશન ઉપાહાર ગૃહ હોય કે ક્લોકરૂમ, મારી જીંદગીનો શરૂઆતનો ઘણો બધો ભાગ રેલવે સાથે જોડાઇને વિત્યો છે.
રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ અને આગગાડી (હવે ડીઝલ કે ઇલેક્ટ્રીક એંજિનથી ખેંચાતી ગાડી) મારા માટે હંમેશા એક છુપા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વડોદરા સ્ટેશનથી દિલ્લી તરફ જતી ગાડીઓ મોટાભાગે રાત્રે આવે છે પણ રાજધાની એક્સપ્રેસ જેવી કેટલીક ગાડીઓ દિલ્લી તરફ જવા માટે સાંજે આવે છે. આ એરકન્ડિશન ગાડીને અને એની ભવ્યતાને જોવા માટે ક્યારેક પ્લેટફોર્મ ટિકીટ લઈને વડોદરા સ્ટેશનનાં પ્લેટફોર્મ પર પહોંચી જતો. બે નંબરના પ્લેટફોર્મ પર જ્યારે આ ગાડીનું એન્જિન પ્રવેશે ત્યારે કોઈ મહારાજાની સવારી પ્રવેશી રહી હોય એવું ભવ્ય દ્રશ્ય મારા માનસપટલ ઉપર સર્જાતું. અત્યાર સુધી આવી ટ્રેન મે માત્ર જોઈ જ હતી. જે ટ્રેનોમાં મુસાફરી કરી તે પણ થર્ડ ક્લાસ એટલે કે નીચેમાં નીચેના ક્લાસમાં કરવાનું બનેલું. ફર્સ્ટ ક્લાસ અને તે પણ એરકન્ડિશન હોય એ મારા માટે અચરજ હતું. આ ટ્રેન વડોદરા સ્ટેશને માંડ ૫-૭ મિનિટ રોકાતી. તે ઉપડે અને છેલ્લે ટેઇલ લેમ્પવાળો Last Compartment દેખાતો બંધ થાય ત્યાં સુધી હું આ ટ્રેન જોઈ રહેતો. મનમાં વિચારતો કેવા હશે એ સદનસીબ મુસાફરો જેમને આવી મુસાફરી નસીબ બની. ક્યારેક ક્યારેક રેલ્વે સ્ટેશન પર મુકેલા વજન કાંટામાં 10 પૈસાનો સિક્કો નાખી વજન કરતો. વજન જાણવાનો રસ હતો એટલા માટે નહીં કારણ કે લાખ પ્રયત્ને વજન તો ૪૪-૪૫ કિલોની વચ્ચે જ રમ્યા કરતું અને વધતું નહીં. પણ વજનની એ ટિકીટ પાછળ ભવિષ્યવાણી લખાઈને આવતી. કોઈક રોમાંચક આગાહીવાળી ટિકીટ નીકળી આવે ત્યારે જાણે કે કોઈ મોટો ખજાનો હાથ લાગ્યો હોય તેવી ખુશી સાથે પ્લેટફોર્મમાંથી બહાર નીકળી વડોદરા રેલ્વે સ્ટેશનનાં પગથિયાં ઉતરી જતો. સામે જ બસ સ્ટેન્ડ હતું જ્યાંથી ૧૦ પૈસામાં પંડ્યા હોટેલની ટિકિટ કપાવી મારી પોલિટેકનિક હોસ્ટેલ તરફ પ્રયાણ કરતો. બસમાં બેઠા બેઠા પણ મને પેલી ડિલક્ષ ટ્રેન રાજધાની યાદ આવતી અને ક્યારેક આપણે પણ એમાં બેસીશું એવા સપનામાં ખોવાઈ જવાતું. પંડ્યા હોટેલનું સ્ટેન્ડ આવે અને બ્રેક મારીને ઉભી રહેતી બસનો આંચકો આવે એટલે બસમાંથી પગથિયાં ઉતરી સીધા નીચે ધરતી પર.
વડોદરા
કેટલાંક સ્થળો
કેટલાંક વ્યંજનો
કેટલીક વાનગીઓ
દુલીરામના પેંડા અને બુમિયાનું ફ્લેવર્ડ મિલ્ક
જગદીશનો લીલો ચેવડો
પોસ્ટઓફિસ અને રેલ્વે પ્લેટફોર્મ
સ્ટેશનથી પોલિટેકનિક હોસ્ટેલ વાયા પંડ્યા હોટેલ
રેલ્વે ઉપહાર ગૃહ, બટરટોસ્ટ અને બટાકાવડા
રાજધાની જેવી ડિલક્ષ ટ્રેનનો વૈભવ
૧૦ પૈસામાં ભવિષ્ય કથન કરતી વજન ટિકીટ
વડોદરા જાણે કે મને એક નવી જ દુનિયામાં લઈ ગયું.
નવી એટલે નવી નક્કોર
હજુ તો માત્ર સાત જ મહિના વિત્યા હતા.
ગમે તેટલી ફી ભરી હોત તો પણ હું નથી માનતો કે કોઈ યુનિવર્સિટીએ મને આટલું શીખવ્યું હોત.
જેટલું...
વડોદરાએ મને સાત માહિનામાં શીખવાડ્યું
હવે હું બિલક્રીમ, ચેરીબ્લોઝમ અને પાર્ટીશૂઝ જેવા શબ્દો સમજતો થયો.
કોકોકોલા, સોસિયો અને ફ્લેવર્ડ મિલ્ક
મારી જિંદગીમાં પ્રવેશી ચૂક્યાં હતાં
૫૦ પૈસામાં લોઅર ક્લાસની ટિકિટ લઈને
છેક આગળ બેસી જોયેલાં અંગ્રેજી ચલચિત્રો
એમનો પ્રભાવ બતાવવા માંડ્યાં હતાં.
ધાણીફૂટ તો ન કહી શકાય પણ
હું હવે સારું અંગ્રેજી સમજતો થયો હતો.
મારૂ શબ્દ ભંડોળ વધ્યું હતું.
અંગ્રેજી બોલવામાં હજુ થોડીક ઝીજક થતી
પણ ધીરે ધીરે તે દૂર થઈ રહી હતી.
સિધ્ધપુરથી સાત મહિના પહેલાં
વડોદરામાં ખાબકેલો એક સાવ અબુધ
પ્રમાણમાં ગામડીયો કહી શકાય એવો
હું
હવે ઘડાઈ રહ્યો હતો.
હવે મને આવતી કાલની બીક નહોતી લાગતી
કદાચ આને જ આત્મવિશ્વાસ કહેતા હશે ને?