Thursday, September 10, 2015
છેક સમજણ આવી ત્યારથી માંડીને છેલ્લી પરીક્ષા આપી ત્યાં સુધી પરીક્ષાની જંજાળમાંથી છુટીએ તો કેવું સરસ એ વિચારોના રોમાંચમાં જીવવાની મજા આવતી. સેમેસ્ટર પદ્ધતિ હતી એટલે સમય ક્યાં પસાર થઈ જતો ખ્યાલ જ નહોતો આવતો. ટર્મ શરુ થાય એટલે વચ્ચે વચ્ચે ઈન્ટરનલ એક્ઝામ માટેના ટેસ્ટ લેવાતા. ફાઈનલ પરીક્ષાનું પેપર સીત્તેર માર્કનું રહેતું અને ત્રીસ માર્ક આ આંતરિક પરીક્ષાઓમાંથી મુકાતા. સામાન્ય રીતે સારી ટકાવારી આવે તે માટે હોંશિયાર વિદ્યાર્થીઓ ટેસ્ટમાં સારા માર્ક લાવવા પ્રયત્ન કરતા. આમાં પણ એક પદ્ધતિ હતી. છેલ્લે કોમ્પેન્સેટરી ટેસ્ટ લેવાતો. ઘણીવાર પહેલા ત્રણ ટેસ્ટમાં જેની એવરેજ સારી હોય એવા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં બેસતા નહીં અને જેમને એવરેજ સુધારવી છે એ લોકો બેસતા. ક્યારેક આમાં પ્રોક્સી પ્રથા પણ ચાલી જતી. કોઈક હોંશિયાર વિદ્યાર્થી પોતાના દોસ્તની મદદ કરવા આવો ટેસ્ટ એનો નંબર લખીને પણ આપી આવતો અને એ રીતે કોઈકની એવરેજ સુધરી જતી. ક્યારેક સુપરવાઈઝર ઉદાર હોય તો આવા ટેસ્ટમાં નકલ કરવા માટેનો પણ અવકાશ રહેતો અને એનો ભરપુર લાભ ઉઠાવાતો. ક્યારેક આમાંથી કોઈ રમૂજી પ્રસંગ પણ બનતો. અમારા એક મિત્રે કોપી તો કરી પણ અથ થી ઈતી સુધી રોલ નંબર સાથે ! પરિણામે પરિક્ષક જ્યારે વિગતો તૈયાર કરતા હતા ત્યારે આ વાત ધ્યાનમાં આવી. પેલા રોલ નંબરવાળા વિદ્યાર્થીને જેનો કંઈ જ વાંક નહોતો અને જેણે માત્ર ધર્માદા ખાતર કોઈને મદદ કરી હતી તેને બોલાવીને પ્રોફેસરે લબડધકે લીધો. છેવટે ક્લાસના બે ચાર આગેવાન વિદ્યાર્થીઓ વચ્ચે પડ્યા અને માફા માફીથી વાત પતી ગઈ. આવા કેટલાય લોકો પસાર થઈ ગયા હશે પણ અહીં એક નાની ભૂલે ફસામણી કરી. ચોરી કરવી એ પાપ નથી પણ પકડાવું તે પાપ છે એવો અનુભવ પહેલીવાર થયો. પરીક્ષાનો સમય મારા માટે જરા જુદી રીતે વીતતો. માંડ બે છેડા ભેગા થાય તેટલી સ્કોલરશીપ મળતી. નવી ચોપડીઓ લાવવા માટે એમાં કોઈ જગ્યા નહોતી. બુક બેંકમાંથી બધી ચોપડીઓ મળે નહીં અને જે મળે તેમાંથી પણ કેટલાક અગત્યના પ્રકરઓનાં પાના ગુમ હોય. ટેક્સબુક લાયબ્રેરીમાંથી મળે નહીં કારણ કે મોટા ભાગે પ્રોફેસરોને જ એ ઈશ્યુ થઈ ગઈ હોય. આ પરિસ્થિતિ મારા માટે મોટી આફતરુપ હતી. પણ હું માનું છું કે આજ પરિસ્થિતિ મારા માટે છેવટે આશીર્વાદ સાબિત થઈ. એન્જિનિયરીંગના અભ્યાસના પાંચે પાંચ વરસ મેં એક પણ ચોપડી ખરીદી નહોતી. મિત્રો પાસેથી લઈ આવવાની પરીક્ષા આવે ત્યારે એમની અનુકૂળતા મુજબ એ જ્યારે સૂઈ જાય ત્યારે મારો અભ્યાસ શરુ થાય અને ઘણા બધા કિસ્સામાં સવારે એમને વહેલા જગાડી પુસ્તક પરત કરવાની જવાબદારી પણ ખરી. લટકામાં મેં જે નોટ તૈયાર કરી હોય એ વાંચવા આપવાની અને કોઈક મુશ્કેલી હોય તો એ પણ સમજાવાની. પરિણામ એ આવ્યું કે કોઈપણ પ્રયાસ વગર મારે રીવીઝન થઈ જતું અને સારા માર્ક્સથી પાસ થવાતું. છેલ્લા વરસે પણ ડીસ્ટીંક્શન સાથે પરીક્ષા પાસ કરી અને આઈઆઈટી મુંબઈમાં પ્રવેશ મેળવ્યો. તેમાં પણ આ મુશ્કેલીનો મોટો ફાળો છે. મને આજે પણ યાદ છે કે એમ.ટેકમાં પ્રમાણમાં માતબર કહી શકાય એવી દર મહિને સાડા છસ્સો રુપિયા સ્કોલરશીપ મળતી હતી તેમાંથી મેં પહેલું પુસ્તક તરઝાગી અને પેકનું સોઈલ મિકેનીક્સ ખરીદ્યું હતું. મને ત્યારે ખૂબ રોમાંચ થયેલો. મૂળ વાત તો એ છે કે આ તંગ નાણાંકીય પરિસ્થિતિ મારા માટે છેવટે વરદાન નીવડી અને રાજપુર જેવી નાના ગામની પ્રાથમિક શાળામાં ભણેલો વિદ્યાર્થી દેશની સર્વોચ્ચ ઈજનેરી કોલેજ એટલે કે આઈઆઈટીમાં પહોંચ્યો. ગુજરાતના અત્યાર સુધી આવેલા શિક્ષણ પ્રધાનોમાં સહુથી વધુ શિક્ષિત અને બનારસ હિન્દુ યુનિવર્સીટીના રેન્ક હોલ્ડર પણ સંપૂર્ણપણે ગાંધીવાદી વિચારસરણીને વરેલા શ્રી નવલભાઈ શાહ આ પ્રકારની પરિસ્થિતિ અંગે એમના પુસ્તક અમૃત પ્રવેશેમાં નોંધે છે કે – “કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે.
કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે એને અનુકૂળ ભોતિક સામગ્રીઓ પણ આવ મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે... શ્રદ્ધાને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે.” અમૃત પ્રવેશે, પાન નં. 56 અને 59. મારા જીવનમાં અનેક પ્રસંગે સાચા પડ્યા છે તેમાં આ પ્રસંગ પણ આવી જાય.
વળી પાછા મૂળ વાત પર આવીએ તો આ રીતે પરીક્ષાઓ આપતા આપતા પાંચ વરસ ક્યાં પસાર થઈ ગયા તે ખ્યાલ પણ ન આવ્યો અને એ દિવસ આવીને ઉભો રહ્યો જ્યારે વડોદરાને અલવિદા કહેવાની હતી. અલબત્ત, ભણીને પાછું વડોદરા જ આવવું છે એ દ્રઢ નિર્ધાર હતો એટલે વડોદરું છુટી જશે એનો ભય નહોતો સતાવતો. અત્યારે તો ઉલટી ગણતરી ચાલુ હતી. બેકાર નહીં થવાય એ ખાતરી હતી પણ હજુય વડોદરા છોડવાની માનસિક તૈયારી નહોતી. વિદાયનો દિવસ નજીક આવતો જતો હતો એવામાં એક દિવસ વળી પાછી એક નવી જ ઘટના ઘટી. એ દિવસે લગભગ બાર સાડા બારે એક માણસ મને શોધતો શોધતો એપ્લાઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટમાં આવ્યો. એ ડૉ. શિરીષભાઈ પુરોહિતને ત્યાંથી આવતો હતો. ડૉ. શિરીષભાઈ પુરોહિત અને એમના પત્નિ ચંદ્રિકાબેનનું દવાખાનું પંડ્યા હોટલ હતું. તેને કારણે હોસ્ટેલવાસ દરમ્યાન ક્યારેક ક્યારેક એમના પેશન્ટ બનવાનો લાભ મળ્યો હતો. આમ તો યુનિવર્સીટીનું મેડીકલ સેન્ટર હતું પણ જેને ખરેખર સાજા થવું હોય તે ત્યાં ભાગ્યે જ જવાનું સાહસ કરતું ! ડૉ. શિરીષભાઈ સયાજીગંજમાં રહેતા. શિરીષભાઈનો સ્વભાવ ખૂબ જ સારો. અડધું દરદ એમને જોઈને જ મટી જાય. હસમુખો ચહેરો. ગરીબ દરદી હોય તો પૈસા પણ ન લે. આ લોકપ્રિયતનાને કારણે એ વારંવાર કોર્પોરેટર તરીકે ચૂંટાતા. પરિચય વધ્યો એટલે અમે પણ એમના ચૂંટણી પ્રચારમાં ક્યાંક ક્યાંક મદદરુપ બનતા. આ ડૉ. શિરીષભાઈ આગળ જતાં સયાજીગંજમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક પણ બન્યા. શિરીષભાઈ ઘણા આગળ ગયા હોત પણ કમનસીબે જીવલેણ બિમારીએ એમનું આયખું ટૂંકાવ્યું. ડૉ. શિરીષભાઈ તે સમયે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં મેમ્બર હતા. એમના માણસે મને કહ્યું “સાહેબે તમને આજે સાંજ પહેલા સયાજીગંજમાં એમના ઘરે મળવાનું કહ્યું છે.” મને લાગ્યું ડોક્ટરને વળી મારું શું કામ પડ્યું હશે ? ખેર, જઈશું એટલે ખબર.
શિરીષભાઈના સંદેશા મુજબ હું લગભગ બપોરે સાડા ચારના અરસામાં તેમના ઘરે પહોંચ્યો. થોડી ઔપચારિક વાત પછી શિરીષભાઈએ મને જે કહ્યું તે સાચું હોઈ કે કેમ ? એ માનવું જરા અઘરું હતું. હું જાગું છું કે નહીં તેની ખાતરી કરવા મેં પહેલા મારી જાતને ચુટલી ભરી.
હું જાગતો હતો !
મેં સ્વપ્નેય કલ્પ્યું નહોતું એવું કંઈક શિરીષભાઈ મને કહી રહ્યા હતા.
શિરીષભાઈની વાત સાંભળ્યા બાદ ફરી એકવાર મારી વડોદરામાં રહેવાની આશા મહોરી ઉઠી.
મને વડોદરું છોડીને નહીં જવું પડે.
શું હશે એ સમાચાર ?