હીરાબહેન એક અત્યંક પ્રેમાળ અને આદરણીય વ્યક્તિત્વ હતું. એક વખત કોઈ એમના પરિચયમાં આવે એટલે કાયમી ધોરણે એમનો પ્રશંસક અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભક્ત બની જાય. સંપૂર્ણપણે સમર્પિત અને આદર્શ ગૃહિણી. જયદત્ત શાસ્ત્રીજી જેવા માણસ સાથે પનારો પડે અને એમને જાળવવા એ કાચો પારો પચાવવાથી જરાય ઓછું ન હોતું. શાસ્ત્રીજીને સવારમાં જાગે ત્યારથી માંડીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી અનેક વખત કંઈક ને કંઈક વસ્તુની જરૂર પડે. ક્યારેક પાણી જોઈએ, ક્યારેક પાન જોઈએ, ક્યારેક નાસ્તાનો વખત થયો હોય કે ક્યારેક બીજું કાંઈક જોઈતું હોય, શાસ્ત્રીજી, “અરે...” એમ અવાજ દે એટલી વારમાં તો બહેન ગમે તે કરતાં હોય, બાજુ ઉપર મૂકી પહોંચી જાય. દિવસમાં આવા કેટલાય ધક્કા થતા હશે, પણ બહેનના ચહેરા પર ક્યારેય કંટાળો કે થાક જોયો નથી. સવારે સૂરજ ઊગે એ પહેલાં જાગી જવાનું. મહા મહિનામાં તો કડકડતી ઠંડી હોય ત્યારે પણ બહેન હજુ આકાશમાં તારા દેખાતા હોય અને બરફ જેવા ઠંડા પાણીએ સ્નાન કરે આને “તારોડીયું” કહેતા. આગળ જતાં એમની ઉંમર થઈ. તબિયત થોડી નરમ થઈ. તો પણ બહેનનું આ “તારોડીયું સ્નાન” બંધ નહોતું થયું. ઘણીવાર મારી મા એમને હસતાં હસતાં કહે પણ ખરી કે સ્વર્ગમાંથી વિમાન આવે તો અમને અંદર બેસવા તો નહીં મળે, પણ પૂંછડી પકડીને લટકવા દેજો. ટૂંકમાં એમનો નિત્યક્રમ હજુ બળભાંખરૂં ન થયું હોય અને શરૂ થઈ જાય. શાસ્ત્રીજી ઊઠે એ પહેલાં એમના નાનાં-મોટાં કામ તો પૂરા થઈ ગયાં હોય. ઘરે ગાયો રાખે અને એને ખાણ તેમજ દોહવાનું કામ માત્રને માત્ર પોતાના હસ્તક રાખે. એક ગાયનું નામ ગીતા. એકનું ગંગા. દૂધ વપરાય તેટલું વપરાય બાકીનું ચાર કે પાંચ દિવસે વલોણું થાય. આ વલોણું ખેંચવાનું કામ મારી પસંદગીનું હતું અને ઘણીવાર એકલા અથવા કોઈની સામે બેસીને છાશનું ઘમ્મર વલોણું ખેચ્યું છે. ગાયના દૂધનું માખણ સહેજ પીળાશ પડતું આવે અને વલોણું હોય ત્યારે અચૂક સવારમાં બેનની દસમી (ઘઉંના લોટમાં પાણી નાખી ભાખરી બનાવે તેવી જ રીતે પાણીના બદલે દૂધથી લોટ બાંધી જે ભાખરી બને તેને દસમી કહેવાય છે) અને માખણનો નાસ્તો મળે. સિદ્ધપુરના ભૂદેવો તે સમયે ખાસ્સા રૂઢિચુસ્ત અને તેમાંય આ રોત શાસ્ત્રીજીનું ઘર. એથીયે આગળ વધીએ તો ચૂસ્ત તો રૂઢિઓનું પાલન કરતા હીરાબેનનું ઘર. એમના રસોડામાં નાહ્યા-ધોહ્યા વગર કોઈ ન પ્રવેશી શકે. પાણીમાં લોટ બાંધી અથવા પલાળી જે કંઈ વસ્તુ બને તે એંઠી કહેવાય. જમવા બેસીએ અને જેવો હાથ રોટલી કે ભાત અથવા દાળને અડે એટલે એ હાથ એંઠો થાય.. એંઠા હાથે ક્યાંય ન અડાય. તે જ રીતે ઘર અથવા જ્યાં વિધિવત્ મર્યાદાપાળીને રસોઈ થતી હોય તે સિવાય કોઈ જગ્યાએ ખવાય નહીં. સ્ટેશન ઉપર વેચાતાં ભજીયા કે હૉટેલમાં બેસીને ચા પીવાનો તો વિચાર ન થાય અને એટલે આ ભૂદેવોના ત્યાં બહારગામ જવું હોય તો ભાથા તરીકે ઢેબરાં, દસમી અથવા કાળંગડાનું પાણી જેવી વસ્તુથી બાંધેલ લોટમાં બનેલ રસોઈ સાથે લઈ જવાય. બેનના ત્યાં કાળંગડાની સિઝન ચાલે ત્યાં સુધી કાળંગડાની દસમી બને. સિદ્ધપુરમાં એક બીજું અચરજ જોવા મળે. દસમી માટેનું દૂધ સસ્તા ભાવે મળે. એ દૂધ મલાઈ કાઢી લીધેલું સેપરેટ દૂધ હોય. આ બધા રૂઢિ મેં સિદ્ધપુરમાં જોયા છે એટલા બીજે ક્યાંય પળાતા જોયા નથી. એ જમાનો હતો જ્યારે દળવા ખાંડવાનું કામ ઘરે થતું. પીવાનું પાણી કૂવેથી ભરી લવાતું અને અંબોટીયું પહેરીને જ મા હોય કે ભાભી રસોડામાં જઈ શકતી. પ્રભાતિયા અથવા ભજન કે હરિસ્મરણ કરતાં કરતાં દળવા ખાંડવાનું કામ પણ થાય અને રસોઈ પણ થાય. સ્વાભાવિક છે આ રીતે સાત્વિક વિચારો સાથે જે કાંઈ રસોઈ બને તે ખાનારના મગજમાં પણ સાત્વિક વિચાર જ આવે. કદાચ આ જ કારણથી એ જમાનામાં માણસોના મનમાં પવિત્રતા હતી. ઈશ્વરનો ડર હતો. સ્વભાવમાં તમોગુણ ઓછો હતો અને હેતપ્રિત વધારે હતાં. માનસિક ઉચાટ અને ઉદ્વેગ ઓછો હતો અને એટલે જ આજના જમાનાની માફક ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ત્યારે ઘેર ઘેર નહોતાં પહોંચ્યાં. માણસ ઓછું કમાતો હતો અને સાદગીભર્યા જીવનમાં સંતોષ માનતો હતો ઘોડાગાડીના કે ગાડાના પૈડા નીચે કૂતરીનું કુરકુરીયું ચગદાઈ જાય તો પણ એને બાજુ પર લઈ જઈ ડોલ ભરીને પાણી રેડનારા હતા. મોતને સાથે ઊભેલા આ જીવની સદગતિ માટે પ્રાર્થના કરી એની પાછળ અગિયારસ માનવાવાળી બહેનો હતી. કૂતરીને ગલુડીયાં આવે ત્યારે દસ દિવસ એને પણ ઘીનો શીરો બનાવીને ખવડાવનાર હતાં. ત્યારે માણસ માણસ હતો આજે માણસ મશીન બન્યો છે. સંવેદનશીલતા ખોવાઈ છે. અમારાં હીરાબહેન સંવેદનશીલતાનો અદભુત નમૂનો હતાં. જેટલો પ્રેમ એ એમનાં પૌત્રો-પૌત્રીઓ કે દોહિત્રો ઉપર વરસાવતાં તેટલો જ પ્રેમ એ ગંગા કે ગીતા ગાય ઉપર પણ વરસાવતાં અને એટલા જ પ્રેમથી કૂતરાને રોટલી નાખતાં. એની સાથે વાતો કરતાં. હીરાબેનમાં લાગણી અને દયા જાણે ભગવાને ઠાંસી ઠાંસીને ભર્યા હતા.
પણ આ બધી લાગણીથીયે ઉપરવટ એમનો એક વ્યક્તિ માટે પ્રેમ કહો તો પ્રેમ અને પક્ષપાત કહો તો પક્ષપાત હતો. આ વ્યક્તિ અંગેની કોઈ પણ વાત હોય, હીરાબહેન સંપૂર્ણપણે પક્ષપાતી બની જતા. દૂધ ગરમ કરે અને ઉપર મલાઈનો પોપડો બાઝે એ આ વ્યક્તિ માટે જૂદી કાઢી લેવાતું. માખણ થયું હોય તો એ આ વ્યક્તિ માટે જૂદું રાખી મૂકાતું. નાની-મોટી કોઈ પણ વિશિષ્ટ વાનગી અથવા વસ્તુ હોય તો તેમાંથી ચૂપચાપ એક ભાગ અલગ તારવીને આ ખાસ વ્યક્તિ માટે મૂકાઈ જાય. અનહદ લાગણી અને પ્રેમ હતો હીરાબહેનને આ વ્યક્તિ માટે અને આ વ્યક્તિને અનહદ્ લાગણી અને પ્રેમ હતો હીરાબહેન માટે. આ વ્યક્તિ એટલે શ્રી કનૈયાલાલ ઠાકર ઉર્ફે કનુભાઈ. આ ભાઈ-બહેનનો કદાચ દેહ જૂદો હતો, પણ આત્મા એક જ હતો. શ્રી કનુ ઠાકર એ ઘણી બધી બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. નિષ્ઠાનું અદભુત ઉદાહરણ. સમજશક્તિમાં કદાચ થોડીક ખોટ વર્તાય. ક્યારેક નાની-નાની બાબતો માટે મન મોટું ન કરી શકે તો પણ કનુ ઠાકરની બહેન અને શાસ્ત્રીજી માટેની નિષ્ઠા રામભક્ત હનુમાન જેવી હતી અને એટલે જ બહેનનો પ્રેમ અને લાગણી ધોધમાર બનીને એમના માટે વરસતી. કસરતી શરીર. પાંચને પાછા પાડે એટલી તાકાત. એકદમ દબંગ વ્યક્તિત્વ. આમ, મંડીબજાર વચ્ચે ચ્હા-ગ્રોસરી અને બીજી પરચૂરણ વસ્તુઓની દુકાન. પણ આ માણસ ક્યારેય વેપારી ન બની શક્યો. એ જમાનામાં સરસ્વતિ નદીમાં પાણી વહેતું. ઘરે નળ નહોતા અને ન્હાવા કે કપડાં ધોવા નદીનાં વહેતાં જળ અનુકૂળ રહેતા. આ રસ્તા ઉપર જ કનુ ઠાકરની દુકાન. જતાં-આવતાં કોઈ સાબુની ગોટી લઈ જાય તો કોઈ નાહવાનો સાબુ લઈ જાય. કોઈ ચ્હા લઈ જાય તો કોઈક બીજું કાંઈક લઈ જાય. ઘણો બધો વેપાર ઉધારમાં ચાલે. આ માણસને બે વસ્તુ જિંદગીમાં ન આવડી. પહેલું હિસાબ-કિતાબ એટલે કે નામાનાં ચોપડાં રાખતા ન આવડ્યા. સેલ્સટેક્ષના કે કોઈ અન્ય અધિકારી આવે એટલે આ પાંચને પાછા પાડે એવો માણસ મીયાની મીંદડી થઈ જાય. કારણ કે એના ચોપડા ચીતરાયેલા ન હોય. બીજું એને ઉઘરાણી કરતા ન આવડ્યું. કોઈના પૈસા બાકી નીકળતા હોય તો એના ઘરે ન તો પોતે માગવા જાય કે ન તો ગુમાસ્તાને મોકલે. ઉઘરાણી ખૂબ વધી ગઈ ત્યારે આ હવાલો એમના પત્ની નારાયણીબહેને સંભાળ્યો અને માંડમાંડ થોડીક વસુલાત આવી, પણ બંગલાની વાત આવે એટલે કનુ ઠાકર બધું મૂકીને દોડે અને તેમાંયે રાત્રે જમીને સીધા વરસતો વરસાદ હોય કે શિયાળાની કડકડતી ઠંડી એ ઉપડે શાસ્ત્રીજીના બગલે. બે ભાઈ-બહેન આખા ગામની નવા-જૂનીની ચર્ચા કરે. પેલી મલાઈ કે માખણ સાથે ભાખરી કે દસમી કનુ ઠાકર આરોગે ત્યારે જ હીરાબહેનને શાંતિ થાય. જ્યારે પણ કનુ ઠાકરની વાત નીકળે તેની શરૂઆત હીરાબહેનના મ્હોંએથી “મારો કનુ” શબ્દોથી જ થાય. રાત્રે દોઢ-બે વાગ્યે આ માણસ બંગલેથી પાછાં ઘરનો રસ્તો પકડે. આખા ગામની નીંદર પૂરી થવા આવી હોય ત્યારે ઘેર પહોંચે. ભાઈ અને બહેન વચ્ચેનો આવો પ્રેમ અને પ્રતિબદ્ધતા જવલ્લેજ જોવા મળે છે.
બહેન સતત કામમાં હોય. સૌથી વહેલાં ઊઠી જાય અને પોતાનાં નિત્યક્રમ નીપટાવી કામે લાગી જાય. એમના ચહેરા પર ક્યારેય ઉદ્વેગ જોવા ન મળે. ચા બનાવતાં હોય કે રસોઈ બહેન કાંઈકનું કાંઈક જીણું જીણું ગુનગુનાતાં હોય. વચ્ચે વચ્ચે શાસ્ત્રીજીની ફરમાઈશ પણ પૂરી કરવાની.
બહેનના જમવાનું બનાવવાના રસોડામાં ચૂલો, સગડી, એ બધું ખરૂં પણ બહાર તેમની પાસે સગડી ઉપરાંત કેરોસીનથી ચાલતો દીવેટવાળો નિર્ભય સંચો અને ગેસના જેવી જ સિસ્ટમવાળો પણ કેરોસીનથી ચાલતો ડબલ ચૂલો હતાં. બહેનનાં છોકરાં મોટાં થવાં માંડ્યાં અને તેમાંય ખાસ કરીને એમના મોટા દીકરી મીનાબહેન અથવા મોટાં પૂત્રવધુ વીણાબહેન મુંબઈથી આવે ત્યારે મગફળી દળવાના સંચાથી માંડી નાનું-મોટું કિચન ગેજેટ પણ લેતા આવે. આમ, બહેનની રસોડાની સામગ્રી થોડી થોડી મોડર્ન બનવા માંડી હતી. સદા આનંદિત રહેતાં બહેન વેકેશનમાં જ્યારે એમનો દોહિત્ર યતીશ અને પૌત્રીઓ શેફાલી કે રોમશા આવે ત્યારે વધુ ખીલી ઊઠતા. યતીશની સાથે એનો એક દોસ્તાર પ્રેમચંદ પણ આવતો. આ બાળમંડળી માટે શીરાથી માંડી લાડુ સુધીનું કાંઈક ને કાંઈક બહેન બનાવતાં હોય. કંઈ નહીં તો છેવટે સુખડી તો ખરી જ. આ બધું બને બાળકો માટે પણ એના લાભાર્થીઓમાં અમે પણ ખરાં. એમનાં મોટાં પૂત્રવધુ હાજર હોય, મોટી દીકરીઓ હાજર હોય, પણ બહેન એમના રસોડાના સામ્રાજ્યમાં કોઈને ઘૂસવા ન દે. ક્યારેક ક્યારેક તો ખાસ્સી સંખ્યા થઈ જાય. મુંબઈના આ મહેમાનોની સાથોસાથ અમદાવાદથી હરીશંકર કાકાના દીકરા દત્તુ અને કપિલ જે મારા તેમજ ભાઈ પતંજલિના સમવયસ્ક હતા. તે ઉપરાંત શાસ્ત્રીજીના વચેટ જમાઈ બકુભાઈ તેમજ એમના બહેન-બનેવી આમ ખાસ્સી વસતી ભેગી થાય પણ બહેન કોઈનેય રસોડામાં ન ઘૂસવા દે, ન ઘૂસવા દે ને ન જ ઘૂસવા દે.
એ જમાનો હતો શાસ્ત્રીજીની પાઠશાળા અને તેમના નિવાસસ્થાન “શારદા સદન”ની જાહોજલાલીનો. શાસ્ત્રીજીનું આ સામ્રાજ્ય એક નાનકડા રજવાડાની જેમ ચાલતું. એક અવાજ દો, ત્રણ-ચાર માણસો હાજર થઈ જતાં. એ જમીનમાં એટલી બધી ઊર્જા હતી કે કોઈ નબળો વિચાર કે નિરાશા નજદીક ન આવે. મેં એસ.એસ.સી. પસાર કરી ત્યાં સુધી શાસ્ત્રીજીનો બંગલો એ મારૂં બીજું ઘર હતું. એટલે સુધી કે ઘણીવાર મારી મા કંટાળીને ઠપકો આપતા કહેતી, “ઘડી વાર ઘરમાં ઊભો નથી રહેતો સમય મળે કે દોડીને પાઠશાળા ભેગો થઈ જાય છે.” મારી માની એ ફરિયાદ સાચી હતી. પાઠશાળામાં મારાં સમવયસ્ક, ભાઈ પતંજલિ અને નાની બહેન ઉપરાંત જેમની સાથે રમતો, રમતાં રમતાં સમય ક્યા વીતી ગયો તે ખબર ન પડી તેવા મારા લગભગ સમવયસ્ક વિદ્યાર્થીઓ અમૃત, બાબુ (ચંદ્રશેખર), ચંદુ, વિઠ્ઠલ અને ખૂબ નિકટના મિત્રો એવા ભાઈ કાંતિલાલ વ્યાસ અને પ્રભાશંકર ઠાકર સાથે ગામ ગપાટા મારવામાં કે રમવામાં સમય ક્યાં વીતી જતો તેનો ખ્યાલ નહોતો રહેતો. મારે કોઈ ભાઈ કે બહેન નહોતું. ક્યારેક આ બધાને જોઈને ત્યારે મનમાં ઘડીભર માટે એવો વિચાર ચમકી જતો કે મારે પણ બે-ત્રણ ભાઈ-બહેન હોત તો કેવી મજા આવત.
શાસ્ત્રીજીને છેલ્લે છેલ્લે જે બીમારી થયેલી તેમાં પેટમાં પાણી ભરાતું. ડોક્ટર સંત દાસાણીએ પંચર કરીને આ પાણી કાઢ્યું ત્યારે ખાસ્સી ડોલ ભરાય એટલું પાણી નીકળેલું એવું મારી સ્મૃતિમાં છે. આ સમય દરમિયાન જ લગભગ એમના અમદાવાદ પરણાવેલા દીકરી બ્રહ્મબાળા બહેન ગંભીર માંદગીમાં પટકાયા અને ગુજરી ગયા. શાસ્ત્રીજીને કદાચ એ આઘાત પણ લાગ્યો હશે. ધીરે ધીરે એમની તબિયત કથળતી જતી હતી અને છેવટે એક દિવસ સાંઈઠના દાયકાની શરૂઆતમાં એમણે વિદાય લીધી. ભર્યો ભાદર્યો લાભનો બંગલો હવે થોડો સૂનો થવા માંડ્યો. શાસ્ત્રીજીની વિદાય એ શારદાસદન તેમજ સંસ્કૃત મહાવિદ્યાલય બંને માટે ખરાબ પૂરવાર થઈ. પેલી સતત ધબકતી ઊર્જા જાણે કે એકાએક અહીંથી વિદાય થઈ ગઈ. શારદાસદન અને સંસ્કૃત પાઠશાળા બંનેના આ સારા સમયના અંતની આ નિશાની હતી.