Wednesday, March 8, 2017

સિદ્ધપુરમાં એ સમયે ગંજબજાર અચલાપુરા પાસે હતું. આ વિસ્તાર આજે જુના ગંજબજાર તરીકે જાણીતો છે. ચારેબાજુના ગામડેથી અહીંયા ખેત ઉત્પાદન વેચાવા માટે આવતાં. વેપારી પેઢીઓનો ધમધમાટ અને ગામડેથી આવેલ ગાડાંખેડૂ સતત આ વિસ્તારને ગાજતો રાખતા. એમાંય હરાજી ચાલતી હોય ત્યારે તો બહુ રસપ્રદ ચડસા ચડસી ચાલતી. હરાજીનો સમય પતી ગયા બાદ માલનો પાલો કરી કોથળા ભરાતા અને એને હાથલારીમાં મુકી હમાલ ગોડાઉન સુધી પહોંચાડતા. દેશાવરનો માલ હોય એના ખટારા ભરાય અને વિદાય થાય. ખેડૂત જે માલ લઈને વેચવા આવ્યો હોય તે વેચાઈ જાય એટલે જે પેઢી થકી માલ વેચાયો હોય ત્યાંથી રોકડામાં ચૂકવણું લઈ ગામડે પોતાને ઘેર જવા રવાના થતો. સિદ્ધપુરના બજારમાંથી આ ખેડૂત ખાંડ, ચા, ગોળ, કરિયાણું વિગેરેથી માંડી લગનસરાની સીઝનમાં કપડાં અને દાગીના સુદ્ધાંની ખરીદી થતી. મેળોજ, આંકવી, મુડાણા, લુખાસણ વિગેરે ગામેથી આવતાં ગાડાં અથવા એક્કો પશવાદળની પોળ તરફથી શહેરમાં દાખલ થઈ બજાર ચીરીને ગંજબજારમાં પહોંચતાં. આ સામે બિલિયા, નાગવાસણ, સમોડા, ગણવાડા વિગેરે ગામો તરફથી આવતો ટ્રાફીક માધુપાવડીયા તરફથી દાખલ થઈ ગંજબજાર પહોંચતો. જ્યારે કામળી, બ્રાહ્મણવાડા, ખળી, પુનાસણ વિગેરે ગામો તરફથી આવતો ટ્રાફીક નદી પાર કરીને રેલવેપુલથી આગળ હરિશંકરના આરા તરફથી પ્રવેશતો. દેથળી, ગણેશપુરા, ઠાકરાસણ વિગેરે ગામો રેલવેલાઈન પસાર કરી આવતાં તો ગાંગલાસણ, કુંવારા, મેત્રાણા, સેંદ્રાણા, કલ્યાણા વિગેરે ગામો કાકોશી ફાટકના રસ્તે થઈ પોલીસ લાઈન અને ઝાંપલીપોળ-અફીણવખારનો રસ્તો લેતા. આમ, ગંજબજાર અચલાપુરા પાસે હતું ત્યારસુધી સિદ્ધપુર ગામની મધ્યમાં આવેલ બજારો ધમધમતાં રહેતાં.

 

શાળા નંબર એક અને ગંજબજારની વચ્ચે અચલાપુરા વિસ્તાર આવેલ. મોટી રીસેસમાં અમે પકડદાવ રમતા ત્યારે શાળાનો કોટ કૂદી પાછળ સરકારી દવાખાનાને રસ્તે થઈ ગંજબજારનું ચક્કર કાપી છેક જડીયાવીર બાજુ નીકળતા. અચલાપુરામાં મારા બાપાના ખાસ મિત્રશ્રી પુરુષોત્તમદાસ હાથીભાઈ પટેલ ઉર્ફે દાસ કાકા રહેતા. એમના બહેનનું નામ ડાહીબેન જેમને હું ડાહીફોઈ અથવા ડાહીબા કહેતો. છેક છેવાડે કુવા પાસે એમનું ઘર હતું. દાસ કાકા મહેસૂલ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા એવું મારું માનવું છે. એમના ભાણાભાઈ એટલે સિદ્ધપુરમાં દાંતના ડોક્ટર તરીકે ખૂબ જાણીતું નામ એવા ડૉ. રુદ્રદત્તભાઈ પટેલ. ઝાંપલીપોળથી ત્રણ કબર તરફ જતાં મેડા ઉપર એમનું દવાખાનું હતું. એક હોંશિયાર ડોક્ટર તરીકે સારી નામના ધરાવતા ડૉ. રુદ્રદત્તભાઈ દાંતના ચોકઠાં બનાવવામાં નિષ્ણાત હતા અને એ કારણથી ખાસ કરીને સિદ્ધપુરની વોરા કોમની સારી એવી ધરાગી એમને ત્યાં હતી. ડૉ. રુદ્રદત્તભાઈનો એક દિકરો મારો સમવયસ્ક. એનું નામ જયપ્રકાશ. આ જયપ્રકાશ પટેલ આગળ જતાં સિદ્ધપુરમાંથી ગુજરાતની રણજી ટ્રોફીમાં પસંદ થનાર પહેલો ક્રિકેટર બન્યો. લેફ્ટ આર્મ મીડીયમ પેસર ઓલરાઉન્ડર તરીકે એણે ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન શોભાવ્યું. એક મેચમાં એણે જોરદાર ફટકાબાજી કરીને પંચોતેર રન ઝુડી કાઢેલા એવું મને યાદ છે. આજે જયપ્રકાશભાઈ અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહે છે અને ક્રિકેટ કોચ તરીકે સારી નામના મેળવી છે. ડૉ. રુદ્રદત્તભાઈ પોતે પણ સરળ અને સજ્જન માણસ હતા. મારા બાપાને એ મામા કહેતા. મને એમની ખૂબ બીક લાગતી. કારણકે એકવખત દાઢમાં દુઃખાવો થયેલો તે આ દાઢ સડી ગઈ છે કહીને એમણે ખેંચી કાઢેલી. આજે પણ ડેન્ટલ ક્લીનીકમાં મને ચેર પર બેસવાનું કહેવામાં આવે ત્યારે શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય છે. દાસ કાકા પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા. પોતાની બેન અને ભાણેજને મુશ્કેલી ન પડે તે માટે તેમણે આજીવન કુંવારા રહેવાનું સ્વીકારેલું. સફેદ ટોપી, સહેજ મોટી કહી શકાય એવી ફ્રેમના ચશ્મા, મૂંછ અને ઝભ્ભો તેમજ ધોતીનો પહેરવેશ, પગમાં બુટ અને હાથમાં છત્રીના હાથા જેવી વાળેલી લાકડી. અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ. ડાહીબા પણ ખૂબ પ્રેમાળ. મૂળ ચરોતરના પટેલ એટલે ખાનદાની પાટીદારની માફક મલાજાવાળી જીવનપદ્ધતિ. ડાહીબા મઠીયાં બહુ સરસ બનાવતાં અને કંઈ ના હોય તો છેવટે બદામ, પીસ્તા, ચારોળી કે ચીલગોજા જેવો સૂકોમેવો મુઠી ભરીને ગજવામાં પધરાવી દેતાં. સાથે મીઠો ઠપકો આપતાં કહેતાં કે “કંઈક ખાવાપીવાનું રાખ તો આ સળેકડી જેવા શરીર ઉપર જરા ચરબી દેખાય. એકલું ભણવું કામમાં નહીં આવે.” સિદ્ધપુરમાં ચરોતર સ્ટાઈલનાં મઠીયાં માત્ર બે જ ઘેર ખાવા મળતાં. એક અચલાપુરામાં ડાહીબાને ત્યાં અને બીજાં મૂળજીકાકાને ત્યાં ગંગાબા પાસે. મને આજે પણ મઠીયાં ખૂબ ભાવે છે ત્યારે પણ ભાવતાં. મારી મા પણ દિવાળી વખતે મઠીયાં બનાવતી પણ એ કડક અને પુરી જેવડી સાઈઝના રહેતાં. ક્યારેક રીસેસમાં તરસ લાગે તો દાસકાકાને ત્યાં પાણી પીવા જતો. જો કે એ સીલસીલો બહુ લાંબો નહોતો ચાલ્યો કારણકે રીસેસનો સમય રમવામાંથી કપાઈ જાય એ પોસાય તેમ નહોતું. ધીરે ધીરે શાળા નંબર એકની પરબનું પાણી કોઠે પડી ગયું. પાણીની ગુણવત્તા બાબતમાં ત્યારે બહુ સમજ નહોતી પડતી તે સારું હતું.

 

એ સમયે બાળવાર્તાનાં બે સાપ્તાહિક આવતાં. એક ઝગમગ જેમાં ખાસ તો જીવરામ જોશીની વાર્તાઓ આવતી અને બીજું બાળસંદેશ. અમે બે-ચાર મિત્રો વચ્ચે આ બન્ને સાપ્તાહિક મંગાવતા અને વારાફરતી વાંચી લેતા. રાજપુરની પ્રાથમિક શાળામાં જેટલી વૈવિધ્યપૂર્ણ રમતો રમાતી તેટલી રમતો અહીંયા નહોતી રમાતી. શાળાનું મેદાન પણ ખાસ મોટું નહોતું અને રમતોમાં કોઈ ઝાઝો રસ પણ લેતું નહોતું. રાજપુરની શાળામાં આંબલી-પીપળી રમવાની જે તાલીમ મળી હતી તે અહીંયા રીસેસમાં દોડપકડ રમવામાં ખૂબ કામ આવતી. અમારો વર્ગખંડ પહેલા માળે હતો. એની લોબીના એક ખૂણે કોઈ જુના વખતમાં વાવેલી વેલ ચડી હતી જેનું થડ ઠીક ઠીક જાડું થઈ ગયું હતું. લોબીના કઠેડા ઉપરથી આ વેલના થડ પર કૂદીને સડસડાટ કરતો નીચે ઉતરી જવામાં મને ફાવટ રહેતી. ત્યાંથી સીધા શાળાનો કોટ કૂદીને પાછલા રસ્તે સરકારી દવાખાના અને પોસ્ટ ઓફિસની બાજુમાં થઈ સીધા ગંજબજારમાં જ્યાં અશોક સિનેમા હતું ત્યાં નીકળાય. મારી આ વાનરવિદ્યાને કારણે મને ભાગ્યે જ આઉટ કરી શકાતો. પેલું સૂકલકડી શરીર અને ચપળતા તે સમયે મારા માટે વરદાનરુપ બની રહેતાં. આ રમતમાં અમારી ટોળીમાં મોટાભાગે ચીમન, જીવત, નાગર અને ક્યારેક બીજા એકાદ બે જોડાતા. રીસેસ ક્યાં પુરી થઈ ગઈ એ ધ્યાન પણ નહોતું રહેતું. સમય હવે મસ્તીથી વ્યતિત થઈ રહ્યો હતો. શાળા નંબર એક સાથે લાગણીના તાર જોડાવા મંડ્યા હતા.

 

ચીમનભાઈ ખત્રી સાહેબ ખૂબ સારું ભણાવતા. એમાં પણ ગણિત, વિજ્ઞાન અને ભુગોળ જેવાં વિષયો ઉપર એમનો ખૂબ સારો કાબૂ હતો. ભણાવવાની પદ્ધતિ પણ સારી અને મહેનત પણ પુષ્કળ કરાવે. પશવાદળની પોળે બહુચરાજી માતાના મંદિરવાળા ખાંચામાં એ રહેતા. તંદુરસ્તી ખૂબ સારી. ક્યારેક હળવાશના મૂડમાં હોય ત્યારે રાધાસ્વામી સાવનબાગથી માંડીને રોટલીની કણક વધુમાં વધુ પાણી પચાવીને બાંધી ત્યારબાદ એને ભીનું કપડું ઓઢાડી ઢાંકી રાખીએ તો રોટલી ખૂબ સરસ બને એવી ઘણી બધી વાતો એ સમજાવતા. પ્રકૃતિપ્રેમી હતા. સવારે પાંચ વાગ્યે ઉઠીને નિત્યકર્મ વિગેરેથી પરવારી સરસ્વતી નદીને સામે તીર રાધાસ્વામી સંપ્રદાયના પૂજ્ય કીંકરાનંદજી મહારાજ રહેતા ત્યાં જાય. એ જગ્યા બાવનીયાવાળાની જગ્યા કહેવાતી અને એ કારણથી કીંકરાનંદજીને સિદ્ધપુર અને આજુબાજુ બધા બાવનીયાવાળા મહારાજ તરીકે ઓળખતા. બાપજી ખૂબ અચ્છા વૈદ્ય હતા અને ઘણા લોકો એમની પાસેથી દવા લઈ આવતા. આ દવા આપવાનો તેઓ કોઈપણ પ્રકારનો પૈસો નહોતા લેતા એટલે ગરીબો માટે ખૂબ રાહત હતી. આગળ જતાં મહારાજશ્રી રાજપુર પાસે ગોરજીના આશ્રમમાં રહ્યા અને ત્યારબાદ રાધાસ્વામી સત્સંગનું કામ મહેતા ભુવનની પાછળ એલ.એસ. હાઈસ્કુલ પાસે જગ્યા લઈ આગળ વધારેલું. ખત્રી સાહેબ મારા માટે વિશેષ કાળજી લેતા. એ જમાનો એવો હતો કે જ્યારે પોતાનો વિદ્યાર્થી આગળ વધે તો શિક્ષક અમથો અમથો હરખાતો. ખત્રી સાહેબે મારા બાપને કહ્યું હતું કે ચાલુ સાલે મને હાઈસ્કુલ સ્કોલરશીપ પરીક્ષા અપાવવી. તે માટે જરુરી એક-બે પુસ્તકો પણ તેમણે સૂચવ્યાં હતાં. મને અલગથી લેસન આપી એમાંથી પ્રશ્નો વધારાના કામ તરીકે તૈયાર કરી લાવવાનું કહેતા. મહેનત ખાસ્સી કરવી પડી. હાઈસ્કુલ સ્કોલરશીપની આ પરીક્ષા આપવા માટે ટી.જે. હાઈસ્કુલ, મહેસાણા કેન્દ્રમાં ગયેલો ત્યારે પહેલીવાર આ પ્રકારની કોઈ પરીક્ષા આપી. પરીક્ષા અપાવવા મારા બાપા સાથે આવેલા એટલી હૂંફ હતી. પરીક્ષા આપીએ એટલે પાસ થવું જ પડે એવો કોઈ અભરખો મનમાં નહોતો. કર્મણ્યેવાધિકારસ્તેના સિદ્ધાંત મુજબ મેં પરીક્ષા આપી. મારું કામ પુરું થયું. લગભગ બે-અઢી મહિના બાદ એનું પરિણામ આવ્યું. હું હાઈસ્કુલ સ્કોલરશીપની પરીક્ષામાં સમગ્ર મહેસાણા જીલ્લામાં પ્રથમ આવ્યો હતો. મને હવે આઠમા ધોરણથી અગિયારમા ધોરણ સુધી સ્કોલરશીપ મળશે એ ખ્યાલ માત્ર રોમાંચીત કરી દે તેવો હતો.

 

હાઈસ્કુલ સ્કોલરશીપની પરીક્ષા પસાર કરી

સાતમા ધોરણનો અભ્યાસ આગળ ધપી રહ્યો હતો

આ સ્ટેશને તો ગાડી એક જ વરસ રોકાવાની હતી

આખર તારીખે બે પીરીયડ વહેલા છુટતા એલ.એસ.ના વિદ્યાર્થીઓ

અમારા વર્ગખંડની બારીમાંથી અમને દેખાતા

હાથમાં ચોપડીઓ, દફ્તર કે બેગ નહીં

પ્રમાણમાં સુઘડ કહી શકાય તેવા ચહેરા

મનમાં એક છુપો અહોભાવ થતો

વિચાર આવતો

ક્યારે આપણે પણ આમની જેમ મુક્ત બનીશું ?

 

એ મુક્તિ હતી કે બંધન તે તો નહોતું સમજાતું

પણ....

ફાઈનલની પરીક્ષા નજદીક આવી રહી હતી


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles