સિદ્ધપુર શહેરની હોળી અને એની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો ખૂબ પુરાણા સમયથી હોળી સાથે વેરઝેરની વસૂલાતના પ્રસંગો પણ જોડાયેલા છે. આજે પણ કેટલાક ગામડાંઓમાં હોળી-ધૂળેટીનો તહેવાર હેમખેમ અને શાંતિથી પસાર થાય એટલે બધાં નિરાંતનો શ્વાસ લે છે. એક તો તહેવારનાં નામે આ દિવસે દારૂ પીવાય અને બીજું એ દારૂના નશામાં ભૂતકાળમાં થયેલા ઝગડા અથવા વેરઝેર યાદ કરી એનો બદલો લેવાના કારસા રચાય. આવો જ પણ કોમી વૈમનસ્યના દાવાનળમાંથી પેદા થયેલો એક કરૂણ પ્રસંગ સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામની હોળી સાથે જોડાયેલો છે. ૧૯૮૧નાં અનામત આંદોલનના પડઘા બિલિયા ગામે પણ પડ્યાં હતાં. મૂળ પાટીદારોનું આ ગામ. ગુજરાતમાં અનામત આંદોલને પૂર જોશ પકડ્યું તે સમયે બિલિયા પણ એની આગમાં ઝડપાયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બિલિયા ખાતે એસઆરપીનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ૨૦ માર્ચ ૧૯૮૧ની મોડી રાત્રે હોળી પ્રગટ્યા બાદ ધૂળેટીના તહેવારની તૈયારીમાં ડૂબેલા ગામમાં એસઆરપીના જવાનોએ પાટીદારોના મહોલ્લામાં ઘૂસી રાત્રે ૧૨ કલાકે પટેલ પ્રહલાદભાઈ વેલજીભાઇના ઘરનો દરવાજો નકૂચા સહિત તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં કોઈ ન મળતાં તેમણે બાથરૂમમાં તપાસ કરી હતી અને બાથરૂમમાં ડરથી ફફડતા બે યુવાન પુત્રોને બંધબારણે ગોળીઓ મારીને વીંધી નાખ્યા હતા. જેના શોકમાં ગામ ૨૮ વરસ સુધી ડૂબેલું રહ્યું હતું અને હોળી-ધૂળેટી ઉત્સવ ઉજવાતો ન હતો. જે ઇ.સ. ૨૦૧૦થી ફરી શરૂ કરાયો છે. ભૂતકાળના બનાવને ભૂલી જઇ વર્ષ ૨૦૧૦થી હોળી મનાવવાની શરૂ કરવામાં આવી છે. જેથી કોઈના ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો તે પરીવાર હોળી મનાવી બાધા-આખડી પૂરી કરી શકે છે. આ પ્રથા ૨૯ વરસ બાદ ૨૦૧૦માં ફરી શરૂ થઈ અને હોળીના તહેવારની ઉજવણી રૂપે બિલિયા ખાતે હોળી પ્રગટાવી ત્યારે મૂળ બિલિયાનાં વતની પણ સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ સહિતના સ્થળોએ રહેતા ગામવાસી ઉમટી પડ્યાં હતાં અને ગામમાં આનંદનું વાતાવરણ ફરી જોવા મળ્યું હતું. હોળી સાથે જોડાયેલી બીજી એક પરંપરા જે સિદ્ધપુરમાં પણ ઘણા બધાને ખયાલ નહીં હોય તે સવાસો કરતાં પણ વધુ વરસથી ચાલી આવતી ભવાઇની પરંપરા છે. સિદ્ધપુરમાં ભીલવાસ ખાતે છેલ્લાં ૧૨૫ વરસથી ચાલી આવતી ભવાઇની પરંપરા આજ પર્યંત ચાલુ રહી છે. છેલ્લાં ઘણાં વરસોથી ધૂળેટીના તહેવારમાં સાત દિવસ અંબાજી માતાના ચોકમાં ભવાઇનો કાર્યક્રમ યોજાય છે. જેમાં અબાલ-વૃદ્ધ તેમજ પટાવાળાથી અધિકારી કક્ષાના વ્યક્તિઓ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. ધૂળેટીના સમાપન પ્રસંગે રામ-રાવણનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. છેલ્લાં કેટલાક સમયથી ભવાઇકળા લુપ્ત થવા જઇ રહી છે. ટીવી, કમ્પ્યુટરના યુગમાં લોકો ભવાઇને ઓછી પસંદ કરે છે ત્યારે સિદ્ધપુર ભીલવાસ આદિવાસી યુવક મંડળ દ્વારા ધૂળેટીના સાત દિવસ દરરોજ રાત્રે જુદાજુદા વિષયો ઉપર માતાજીના ચોકમાં ભવાઇ રમવામાં આવે છે. વંશપરંપરાગત ચાલતી આ ભવાઇમાં સ્ત્રી-પુરુષના અદભૂત પાત્રો કળા પીરસે છે જેમાં અધિકારીથી લઈને નાના પટાવાળા સુધીના વ્યક્તિઓ ભાગ લે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારી નાનાભાઇ ભીલના કાનગોપી અને મહાકાળીનું પાત્ર તેમજ હાલ પાટણ સિટી સરવે કચેરીના કનુભાઈ ભીલનું રાવણનું પાત્ર વરસોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માતાજીનું કરવઠું હોવાથી ભારતમાં ક્યાંય પણ હોય છતાં ધૂળેટીની માતાજીની ભવાઇમાં આ કલાકારો અચૂક હાજરી આપે છે. આ સાત દિવસ માતાજીના પવિત્ર દિવસ હોવાથી ક્યાંય કોઈ વ્યસન કરતું નથી. વ્યસન કર્યું હોય તેવા વ્યક્તિ માતાજીના ચોકમાં ફરકતા નથી. ધૂળેટીના દિવસે લોકો ઘરનાં છાપરાં, ધાબા ઉપર ચડીને રામ-રાવણનું યુદ્ધ જોવા ઉમટી પડતાં હોય છે. ભીલવાસ એકલવ્ય ખંડના યુવાનો શિસ્તબદ્ધ દરેક લોકો ભવાઇની રંગત માણી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવે છે. ગધેડું આમ તો બિચારું મૂંગું અને મહેનતુ પ્રાણી છે. માણસ માટે એવું કહેવાય છે કે એની ગ્રહદશા બદલાય એમ એ સારાનરસા સમયમાંથી પસાર થાય છે. ગધેડાનાં કોઈ ગ્રહો હોય કે નહીં એ તો ખબર નહીં પણ સિદ્ધપુરમાં એના જીવનકાળમાં બે સમયખંડ બહુ મુશ્કેલીવાળા આવે છે. એક છે દિવાળી સમય. ગધેડાની પૂંછડે ડબ્બો બાંધીને એને છૂટું મૂકી દેવું અથવા એના પૂછડે ફટાકડાંની સેર બાંધી એને સળગાવી ફટાકડા ફૂટે એટલે ગભરાયેલું આ પ્રાણી બિચારું જીવ બચાવવા દોટ મૂકે. છોકરાંઓને જોણું થાય પણ આ મૂંગા જીવ પર શું વિતતી હશે એ તો ભગવાન જ જાણે. આવું જ કાંઈક હોળી-ધૂળેટી સમયે બનતું હોય છે. રંગોત્સવના પર્વ હોળી અને ધૂળેટી સમગ્ર ભારતભરમાં એકબીજા પર રંગો છાંટીને મનાવવામાં આવે છે ત્યારે સિદ્ધપુરમાં આ હોળી-ધૂળેટીના પર્વે બાળકો દ્વારા ગધેડા પર બેસી ગધેડાની શાહી સવારી કરી એક અનોખી રીતે આ પર્વને મનાવે છે. સિદ્ધપુર શહેરમાં હોળી અને ધૂળેટીના પર્વે શહેરના નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધી નગરમાં ફરતાં ગધેડાઓને પકડી તેને પોતાના મહોલ્લા કે પોળોમાં લઈ જઇ ગધેડાને રંગોથી શણગારીને તેની ઉપર સવારી કરી ગામમાં ફેરવે છે. દિવસ દરમ્યાન એકબીજાને અબીલ-ગુલાલ અને રંગોથી રંગે છે. તેની સાથે એક પૂતળું (ચિમનીયો) બનાવવામાં આવે છે. બાળકો ગધેડા પર બેસી આ ચિમનીયાને લઈ ઢોલનગારા સાથે ગામમાં ફરી ‘હાય ચિમનીયા હાય હાય’ના નારા લગાવે છે. અને ગામના ચોકમાં ચિમનીયાના પૂતળાનું દહન કરે છે અને ત્યાર બાદ સ્નાન કરે છે. હોળી-ધૂળેટીના પર્વે સિદ્ધપુરમાં ગધેડાની શાહી સવારી શહેરમાં એક અનોખુ આકર્ષણ ઊભું કરે છે. હોળી અથવા હોલિકાદહનનો પ્રસંગ અત્યંત પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવાય છે. હોળીના થોડા દિવસ પહેલાં હોળી દહન માટે લાકડાં ભેગા કરવાની ઝુંબેશ ચાલે છે. ક્યાંક છૂટું પડી રહેલું કોઈ લાકડું અથવા એની આઈટમથી શરૂ કરીને વખત આવે કોઈના કમાડનાં મજાગરાં ઢીલા હોય તો ત્યાં સુધીનું બધું જ રાતમાં ઉપડી જાય છે. હોળીનાં દિવસે એ હોળી માતાને હવાલે થઈ જાય છે. ગામડામાં સૂકા લાકડાંનાં થડીયા અથવા ઠૂંઠાં પડ્યાં હોય તે પણ લઈ આવે છે. એક બાજુ જંગલો કપાતા જાય છે અને બીજી બાજુ આ રીતે લાકડું બાળી નખાય છે એનાથી મોટી બીજી કરુણતા કઈ હોય શકે? શહેરોમાં ડામરનાં રસ્તા હોય છે. આ રસ્તાની બરાબર વચ્ચે ખાડો ખોદી હોળી પ્રગટાવે એટલે સરસ મજાનાં રસ્તાનું સત્યાનાશ નીકળી જાય. ધાર્મિક વિધિઓ અથવા માન્યતાઓ પૂરી કરવા જતાં સામાજિક નુકસાન કેટલું થાય એની ખબર આપણને એ ઉન્માદમાં પડતી નથી. જ્યાં સિમેન્ટ કોંક્રીટનાં રોડ થયા હોય ત્યાં સિમેન્ટ કોંક્રીટની મોટી પાઇપો અથવા કોલર મૂકીને હોળી ગોઠવાય છે. સિદ્ધપુરમાં સૌ પ્રથમ જોષીઓની ખડકીમાં હોળી પ્રગટાવ્યા બાદ મુખ્ય અંબાવાડી ખાતે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ અલવાનો ચકલો,ધર્મ ચકલો, નિશાળ ચકલો, ઉપલી શેરી, ભાટવાડો,લક્ષ્મીપોળ, પથ્થરપોળ, મહેતાઓળનો મહાડ,દેસાઇનો મહાડ તેમજ શહેરની સોસાયટી, મહોલ્લા અને પોળોમાં ૪૦ ઉપરાંતના સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ તાલુકાના ગામોમાં કોઈ ગામમાં એક અને કોઈ ગામમાં બેથી ત્રણ હોળી પ્રગટાવવામાં આવે છે. તાલુકાના ગામોમાં પણ અંદાજીત ૧૦૦ ઉપરાંતના સ્થળોએ હોળી પ્રગટાવાય છે. હોળીની અગ્નિ સહેજ શમવા માંડે, રાતનાં અગિયાર-બાર પછીનો સમય થાય ત્યારે સિદ્ધપુરમાં કેટલાક મહોલ્લાઓમાં હોળીની અગ્નિ ઉપર તાવડી મૂકે ગોટાં કે ભજીયાં બનાવી બધાં સામૂહિક ઉજાણી માણે છે. એવી માન્યતા છે કે હોળીમાં હોમેલું નાળિયેર કાઢી એનું કોપરું ખાવાથી શક્તિ વધે છે. હોળીનાં અંગારા ઉપર ગરમ પાણી મૂકી એનાથી સ્નાન કરવાથી નિરોગી રહેવાય છે અને હોળીના તાપણે તપવાથી શરીર નિરોગી રહે છે. શિયાળાની ઠંડી છેલ્લે છેલ્લે હોળીનું તાપણું તાપી વિદાય લે છે અને ઉનાળાની ગરમી જોર પકડે છે. સિદ્ધપુર શહેરમાં જોષીઓની ખડકી દ્વારા પરંપરાગત રીતે બિલોરી કાચથી હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ સિદ્ધપુરમાં આવેલ જોષીઓની ખડકીના રહીશો દ્વારા સૂર્યના કિરણોથી બિલોરી કાચ વડે છાણાંમાં સૌપ્રથમ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ સંધ્યાકાળે સારા મુહૂર્તમાં હોળી પ્રગટાવવાના સમયે બિલોરી કાચથી સળગાવેલા છાણાંમાંથી ડોકા વડે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેટલાક યુવાનો છાણાંની અંદર અગ્નિ લઈ જઇ પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવતા હોય છે. હોલિકાદહન બાદ શહેરીજનો પોતપોતાના વિસ્તારમાં ધાણી અને પાણી લઈ હોલિકાની પ્રદક્ષિણા અને પૂજા કરી શ્રીફળ વધેરે છે. હોળી પ્રગટાવવામાં આવે તે સમયે નાના ભૂલકાંઓ હોળીની સામે બેસીને ઢોલનગારા વગાડે છે. સિદ્ધપુરમાં વરસોથી ચાલતી પરંપરા મુજબ જેમને ઘેર પુત્રની પ્રથમ હોળી હોય તેવા બાળક તેની ફોઇ હોલિકા માતાને પગે લગાડવા લઈ જાય છે. બાળકના માતપિતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હોલિકા માતાની પૂજા-અર્ચના કરે છે.
સિદ્ધપુર શહેરની હોળી અને એની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો
Written by, Dr. Jaynarayan Vyas,
JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger
જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર
Share it