વડોદરા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, એનું મ્યુઝિયમ, એનું ન્યાયમંદિર, કમાટીબાગ, કલાભવન, લક્ષ્મીવિલાસ પેલેસ આ બધાં એવાં સ્થળો છે જેના ઉપર સર સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ અને PANCHANT FOR EXCELLENCE એટલે કે સર્વોત્કૃષ્ટતા માટેની તલબની છાપ જોવા મળે છે. આપણે ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સની વાત કરી. સર સયાજીરાવ ગાયકવાડ કલાના એક મોટા પુરસ્કર્તા હતા. આ કારણથી વડોદરા શહેર કલાકારો અને વિદ્વાનોનું એક મોટું કેન્દ્ર બન્યું. આવા વિદ્વાનોમાં ખ્યાતનામ ચિત્રકાર રાજા રવિ વર્મા પણ હતા, જેમણે મહારાજાના સાનિધ્યમાં સારો એવો સમય વડોદરામાં વીતાવ્યો.
ભારતીય શાસ્ત્રીય સંગીતના પણ સયાજીરાવ મોટા સંવર્ધક હતા. એમના સંવર્ધન હેઠળ ઉત્સાદ મૌલાબક્ષે સન 1886માં ભારતીય સંગીત એકેડેમી (ગાયનશાળા)ની સ્થાપના કરી. આ એકેડેમી આગળ જતાં ફેકલ્ટી ઑફ પર્ફોર્મીંગ આર્ટ્સ તરીકે દેશભરમાં ખ્યાતિપ્રાપ્ત બની. ઉસ્તાદ મૌલાબક્ષ ઉપરાંત સયાજીરાવના દરબારમાં તે સમયના મહાન કલાકારો ઉસ્તાદ ઈનાયત ખાઁ અને ઉસ્તાદ ફૈયાઝ ખાઁ પણ હતા. આ કારણથી ઈ.સ. 1916માં પહેલી ઑલ ઈન્ડિયા મ્યુઝિક કૉન્ફરન્સ વડોદરામાં યોજાઈ.
સંગીતક્ષેત્રે શિક્ષણને યુનિવર્સિટીની કોઈ ફેકલ્ટી એટલે કે વિદ્યાશાખા સાથે જોડીને આ રીતની વ્યવસ્થા ઊભી કરનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. ઉસ્તાદ મુર્તુઝા ખાન અને ત્યારબાદ રશિયન મૂળના યહૂદી શ્રી ફ્રેડલીસ જે રાજ્યના બેન્ડ-મેનેજર પણ હતા. તેમણે વડોદરા રાજ્યની મ્યુઝિક કૉલેજની કામગીરી આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ઉસ્તાદ તસદ્દુક હુસૈન ખાન, આફ્તાબ-એ-મૌસીક્કી, ઉસ્તાદ ફૈયાઝ હુસેન ખાન “રંગીલે”, ઉસ્તાદ અતાહુસૈન “રતનપીયા”, ઉસ્તાદ નિસ્સાર હુસૈન ખાન (રામપુર ઘરાના) અને ગાયનાચાર્ય પંડિત મધુસુદન જોષી જેવી હસ્તીઓ અહીયાં શિક્ષણ કાર્ય કરતી હતી. પંડિત વી. એન. ભાતખંડેને આ સંગીત શિક્ષણના કાર્યક્રમના પુનઃ અંકન અને ગ્રેડેડ સિસ્ટમ ઊભી કરવા માટે કામગીરી સોંપવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા દ્વારા નૃત્ય મહોત્સવનો પહેલો કાર્યક્રમ 1950માં યોજાયો. એ જમાનો હતો જ્યારે રાજા મહારાજાઓમાં કરિયાવર તરીકે નૃત્યાંગનાઓ અથવા નૃત્યકારો આપવામાં આવતા. મોટા મોટા કવિઓ તેમજ સંગીતકારો રાજદરબારની શાનમાં વધારો કરતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એટલે કે ગોપાલરાવ ગાયકવાડ પોતે રાજગાદી પર આવ્યા ત્યારબાદના પહેલા જાહેરકામ તરીકે એમણે વડોદરા કૉલેજની સ્થાપના કરી હતી. આ બરોડા કૉલેજ જે એક સમયે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી તે આગળ જતાં યુનિવર્સિટી બની અને તેની સાથે મહારાજા સયાજીરાવનું નામ જોડવામાં આવ્યું.
વડોદરા યુનિવર્સિટીમાં આર્ટ્સ અને કલા સાથે જોડાયેલ વિદ્યાશાખાઓનો આ ઈતિહાસ છે અને મને લાગ્યું કે, ફેકલ્ટી ઑફ આર્ટ્સ અને સાયન્સનાં ભવ્ય મકાનો આપણને મંત્રમુગ્ધ કરી દે છે, પણ એનો આત્મા તો રાજા રવિ વર્મા, ઉત્સાદ ફૈયાઝ ખાઁ, પ્રો. શંખો ચૌધરી જેવા પોતપોતાના ક્ષેત્રના ટોચના નિષ્ણાતો છે. મોટાં મોટાં આયોજનો અને ભવ્ય ઈમારતો સાથે રૂપકડા નામને જરૂર જોડી શકાય, પણ એ વિદ્યાશાખાનો આત્મા તો ત્યાં ભણાવતા નિષ્ણાતો છે. વડોદરા યુનિવર્સિટીનું એ સદભાગ્ય રહ્યું કે, ત્યાં મહર્ષિ અરવિંદ, ડૉ. આઈ. જી. પટેલ, પ્રો. શંખો ચૌધરી, પ્રો. સુબ્બારાવ તેમજ ફેકલ્ટી ઑફ એજ્યુકેશનમાં પ્રો. મેનન જેવા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રોફેસરોનાં નામ જોડાયેલાં છે.
આ વિશિષ્ટ કારણોસર ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ જેવી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કલાના ક્ષેત્રે ઉચ્ચતમ આરાધનામાં રત હોય અને એમની એ મૌલિક કલ્પના શક્તિનો સહજ રીતે જ આ ફેકલ્ટી દ્વારા આયોજીત ફનફેરના આયોજનમાં પડધો પડે એ સમજી શકાય તેમ છે.
એ પણ જાણવું ઉપયોગી થઈ પડશે કે, મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ ઉપર આધારિત ફાઈન આર્ટ્સના અભ્યાસક્રમો અમદાવાદમાં શરૂ થયા અને જેણે ગુજરાતમાં ફાઈન આર્ટ્સનું શિક્ષણ વિક્સે તે માટે ભેખ ધર્યો તે શ્રી રસિકલાલ પરીખ સી. એન. કૉલેજ ઑફ ફાઈનઆર્ટ્સનું ઘણા લાંબા સમય સુધી ચાલકબળ બની રહ્યા.
હવે આવીએ હૉમ સાયન્સ કૉલેજ. એટલે કે ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કૉમ્યુનિટી સાયન્સીઝ તરીકે જાણીતી વિદ્યાશાખાની વાત ઉપર. આ વિદ્યાશાખા ભારતની આ પ્રકારની કેળવણી શરૂ કરનાર સૌથી પહેલી સંસ્થા છે. 1953-54માં બી.એસસી. ડિગ્રી થી અભ્યાસક્રમ શરૂ થયો તે 1962-63માં અનુસ્નાતક ડિગ્રી અને ત્યારબાદ 1988-89માં ડૉક્ટરેટ ડિગ્રીના અભ્યાસક્રમ સુધી પહોંચી. આમ, હૉમ મેનેજમેન્ટ ફેકલ્ટી તરીકે શરૂ થયેલ આ વિદ્યાશાખા આજે વૈવિધ્યપૂર્ણ અભ્યાસક્રમો ચલાવે છે. શરૂઆતથી જ આ વિદ્યાશાખા છોકરીઓના અભ્યાસના વિધિવત્ પ્રોગ્રામ માટે પ્રચલિત બની. ભારતભરમાં આ પ્રકારની એક જ સંસ્થા હતી. કદાચ આજે પણ ન્યૂટ્રીશનથી માંડી ઈન્ટિરીયર ડિઝાઈન અને હૉટેલ મેનેજમેન્ટ સુધીનું વૈવિધ્યપૂર્ણ શિક્ષણ આપતી દેશની આ એકમાત્ર સંસ્થા છે. કેટરીંગ ઈન્સ્ટિટ્યૂટ, ઈન્સ્ટિટ્યૂટ ઑફ હૉટેલ મેનેજમેન્ટ, ઈન્ટિરીયર ડિઝાઈન જેવાં વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રે આ સંસ્થા અભ્યાસક્રમો આપે છે. લગભગ 70ના દાયકા સુધી ભારતમાં આ પ્રકારની કદાચ આ એક જ સંસ્થા હતી અને એટલે દેશભરમાંથી અને વિદેશથી પણ વિદ્યાર્થીનીઓ અહીયાં અભ્યાસ કરવા આવતી.
હંસા મહેતા હૉલ અને શ્રીમતી સરોજીની દેવી હૉલ આ એના કેમ્પસ સાથે જોડાઈને સ્થાપેલ લેડીઝ હૉસ્ટેલનાં નામ છે. વડોદરા આમેય કૉસ્મોપોલિટન કલ્ચર ધરાવતું શહેર હતું અને એમાંય વિવિધ શહેરો તેમજ ઑવરસીઝથી અહીયાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓ જમાના કરતાં ફેશન અને જીવનપદ્ધતિમાં તે સમયે પણ થોડીક આગળ હતી એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. આમ લેડીઝ હૉસ્ટેલ્સ અને હૉમ સાયન્સ વિસ્તાર એ વડોદરા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે લગભગ વરસ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારો હતા. આથી ફનફેર કે ડિબેટ જેવા કોઈ અન્ય કાર્યક્રમને કારણે જ્યારે હૉમ સાયન્સ ફેકલ્ટીમાં જવાનો મોકો મળે ત્યારે ઘણા બધા તો એને ધન્યતાની એવી ચરમસીમા સમજતા કે દિવસો સુધી એમનાં કપડાંથી માંડી હેર સ્ટાઈલ સુધીની તૈયારીઓ કરતા. ક્યાંક કોઈ પરિચય થઈ જાય, ક્યાંક કોઈ નજર મળી જાય તો જીવન ધન્ય બની જાય એવું માનવાવાળાઓ માટે હૉમ સાયન્સ ફેકલ્ટીનો ફનફેર એ યુનિવર્સિટીમાં યોજાતા બધા જ ફનફેરમાં જાણે કે કુંભમેળો હોય તેવું મહામ્ત્ય અને સ્થાન ધરાવતો. આ ફનફેરમાં જનારા કેટલાક એવા પણ હતા કે, જેમની બહેનપણીઓ લેડીઝ હૉસ્ટેલમાં રહેતી અથવા હૉમ સાયન્સ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. પેલી છોકરીઓ આ મોકાનો ઉપયોગ કરી એમનાં આ દોસ્તારને પોતાના સ્ટોલની સારી એવી કૂપનો વેચવા માટે પધરાવી દેતી. આ ભાઈ વટના માર્યા ગાજર ખાઈ પણ જતા અને એ રીતે હૉમ સાયન્સના ફનફેરમાં જેમણે સ્ટોલ કર્યા હોય એ છોકરીઓને માર્કેટીંગ માટેની કોઈ ચિંતા કરવી પડતી નહીં. કેટલાટ કિસ્સાઓમાં તો પિક્ચર રિલિઝ થાય તે પહેલાં હાઉસફૂલ થઈ જતું. બધી કૂપનો વેચાઈ જતી. એ પણ કહેવું જોઈએ કે, છોકરીઓ છોકરાઓ કરતાં વધારે હોંશિયાર હતી. એમના સ્ટોલમાં ભાવ પણ ચીરી નાંખે તેવા રહેતા અને આમ છતાંય એમને કૂપનો વેચવા જવાની ચિંતા નહોતી. ખેર, નસીબ આને જ કહેવાય ને !
આમ તો ગુજરાતીમાં કહેવત છે –
દીકરી ને ગાય
જ્યાં દોરે ત્યાં જાય.
પણ હૉમ સાયન્સના કેટલાક ફનફેર જોયા બાદ
અને
યુનિવર્સિટીની આર્ટ્સથી માંડીને અને વિદ્યાશાખામાં ભણતી
વિદ્યાર્થિનીઓ વિશે થોડી નિકટથી જાણકારી પ્રાપ્ત થઈ ત્યારે
કેટલાક વરસોના અનુભવના અંતે મને આ કહેવત વડોદરાની
વિદ્યાર્થિનીઓ માટે થોડીક જુદી રીતે પેશ કરવાનું ઉચિત લાગે છે.
આપણે જોયું –
દીકરી ને ગાય
જ્યાં દોરે ત્યાં જાય
પણ...
આ દીકરી કે ગાય જો વડોદરાની હોય તો
ઉપરની કહેવત થોડી સુધારી નાંખીએ જેથી
વાસ્તવિકતાની નજદીક જવાય
આ સુધારેલી કહેવત –
(વડોદરાની)
દીકરી ને ગાય
મન ફાવે ત્યાં જાય !
એટલું જ નહીં, પણ...
માથું મારીને ખાય ! ! !
એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી
દેશના ખૂણેખૂણેથી આવતી વિદ્યાર્થિનીઓ
સાચા અર્થમાં જબરી હતી.
અને એટલે જ...
હૉમ સાયન્સનો ફનફેર પૂરો થાય
એના બીજા દિવસે
અમારી હૉસ્ટેલોમાં કેટલાક દેવદાસ
થોડા પૈસા ઉધાર શોધવા નીકળતા.
કારણ કે...
હૉમ સાયન્સનો ફનફેર...
એમની બરાબર કલાઈ કરી નાંખતો.
આમાં ઑવરસીઝ અને પ્રમાણમાં સારા આવકવાળાના
ઘરેથી આવવાવાળા છોકરાઓનું પ્રમાણ થોડું વિશેષ રહેતું.
કારણ કે,
“બહેનપણી” અને કેટલાક કિસ્સાઓમાં તો
“જથ્થાબંધ બહેનપણીઓ” ની લક્ઝરી આ લોકોને જ પોસાતી.
બાકીનાની સ્થિતિ
તીરે બેઠા જૂએ તમાશા જેવી રહેતી.
અમારા જેવા
કડકા લોકો પણ
હૉમ સાયન્સના ફનફેરમાં જતા ખરા
પણ, જેમ જેમ રેઈનકોટ પહેરીને શાવર નીચે ઊભા રહીએ અને
કોરાધાકોર રહી જવાય તેમ કોરાધાકોર પાછા આવતા.
જો કે, ફનફેર પ્રત્યે ઉધાર પૈસા શોધવા માટે
અમારે કોઈ જરૂર નહોતી પડતી.
હૉમ સાયન્સનો આ ફનફેર સારૂં હતું વરસમાં એક જ વાર આવતો.
મને ક્યારેક વિચાર આવતો,
આવો ફનફેર વરસમાં ઘણી બધીવાર આવતો હોત તો ?
પણ...
એવું નહોતું થતું.