આ રવિવાર, તારીખ ૮ મે ૨૦૨૩, વિશેષ યાદગીરીરૂપ બની રહ્યો. હળવદ નજીક તલનાં લહેરાતા પાક વચ્ચે મધમાખી પાળીને એમાંથી મધનું ઉત્પાદન કરવાની આખીયે પ્રક્રિયા જોવા અને સમજવાનો મોકો મળ્યો. આદરણીય સનતભાઈ મહેતા સાથે ખાસ્સો એક દાયકો જેણે નિકટથી કામ કર્યું છે અને આજે તેમની સ્મૃતિમાં ગરીબો માટે છ જેટલી પેથોલોજી લેબોરેટરી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવાઓ આપવાનું કામ કામ અંકલેશ્વરથી અમદાવાદ સુધીમાં ‘સનત મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામે કરે છે, જેની પ્રશંસનીય કામગીરી કોવિડ દરમ્યાન અનેક ગરીબ લોકો માટે આશીર્વાદ બની રહી હતી, તેવા મારા મિત્ર જહુર સાથે આ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી. જહુર આ ક્ષેત્રે નિપુણતા ધરાવે છે અને ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતું મધ તૈયાર કરે છે. ટૂંક સમયમાં જ એનું ઉત્પાદન ઓનલાઇન પણ મેળવી શકાશે.
એના આ કેન્દ્રની મુલાકાતે અમદાવાદથી લગભગ સાડા ત્રણ કલાકના મોટર માર્ગે પહોંચવા થયા ત્યારે બળબળતો બપોર જામ્યો હતો. એક સમયે લાગતું હતું કે રવિવારની રજા બગાડીને જહુરને હેરાન થવા માટેનો સમય ન આપ્યો હોત તો સારું. પણ જ્યારે અમે ચારે તરફ હર્યાભર્યા ખેતરોમાં તલનો પાક લહેરાતો જોયો, ગણ્યાગાંઠ્યાં આંબા પર લચી રહેલી કેસર કેરીઓ જોઈ, સુગરીની આખી વસાહત જોઈ જ્યાં આ નાનકડું ચકલી જેવડું પંખી કલકલાટ કરી રહ્યું હતું ત્યાં ઝાડના છાંયે એક ઓટલા પર કશુંય પાથર્યા વગર બેસીને ફ્લેશબેકમાં જતા રહેવાયું. મારું બાળપણ બરાબર આ જ રીતે કુદરતને ખોળે ખીલીને મોટું થયું હતું. જહુર આયોજિત આ મુલાકાત મને મારા જીવનમાં ૬૦ વર્ષ પાછળ લઈ ગઈ. SSC પાસ કરી અને વડોદરા ગયો ત્યાં સુધીના પંદર વર્ષ આ કુદરતી ખજાનાના ખોળે રમતા સમય ક્યાં વીતી ગયો, આજે આ બધું નજર સામે કોઈ ફિલ્મ ચાલી રહી હોય તે રીતે પસાર થઈ ગયું.
મધમાખીઓની કોલોની જોઈ. એમાં રાણી બધી જ માખીઓ ઉપર પોતાની હુકુમત ચલાવે. રાણી જ્યાં જાય ત્યાં આ બધી માખીઓ એની પાછળ. રાણીને ખૂબ જાળવે. એના માટે પ્રોટીનથી યુક્ત ખોરાક (રોયલ જેલી) બનાવે. રાણીને જરા પણ તકલીફ નહીં લેવાની. રાણી સાથે ફલીનીકરણ માટે જે નર માખી હોય તેને ડ્રોન કહેવાય. માખી સાથે એક વખત સંબંધ બાંધ્યા પછી પેલી માખી જ એને મોતને ઘાટ ઉતારી દે!! આ રાણી માખી રોજનાં ૩૦૦ ઈંડા મૂકે પણ એમાંથી કેટલી માખી જન્મવા દેવી એ પેલી એની સેના નક્કી કરે. એટલાને જ એ સેવે, બાકીના મરી જાય. આ એમનું સંતતિ નિયમન.
નર કે માદા કોઈને કરડે નહીં, બાકીની માખી કરડે. ડૉ. રાજ ભગત કહે છે કે જેને માખીના દંશની એલર્જી હોય તે આવા કિસ્સામાં માખી કરડ્યા બાદ ખૂબ ટૂંકા સમયમાં સોજો આવવાથી શ્વાસનળી બંધ થાય અને ગૂંગળાઈને મરી જાય. એટલે માખી જોવા જનારાઓએ આ બાબત ધ્યાનમાં રાખવી. ઉપરાંત પગનાં આંગળાના ટેરવેથી છેક માથા સુધી ઢંકાઈને રહેવું. અમારો સમૂહ ફોટો આ બતાવે છે. એની હેટ એવી હોય છે કે આગળ જાળી હોય તેમાંથી બહાર જોઈ શકાય, નીચેનો ભાગ ગળું ઢાંકી અને શર્ટના બટન વાસી દેવાથી ફિટ થઈ જાય.
સુગરીના માળા, માથે સહેજ પીળો રંગ હોય તેવી ચકલી જેવી જ લાગતી સુગરી અને ચારે બાજુ તલના તૈયાર થવા જઈ રહેલ પાકથી લહેરાતાં હરિયાળાં ખેતર. અમે લગભગ દોઢેક કલાક ત્યાં રોકાયા એણે કુદરતને ખોળે, ખેડૂતના ખેતરે, સુગરીના સાનિધ્યમાં અને મધમાખીની વસાહત વચ્ચે આનંદની અનુભૂતિ કરાવી. અમારી સાથે મિત્રો પણ એવા જિંદાદિલ હતા કે સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન રહી.
અને છેલ્લે...
તમે ક્રિકેટના શોખીન છો? સર જાડેજાનું નામ સાંભળ્યું છે? આપણો એક અચ્છો ઓલરાઉન્ડર. તેમની સરસ મજાની વિશાળ એર કન્ડિશન્ડ રેસ્ટોરન્ટમાં બાજરીનો રોટલો, રીંગણાનું ભરથુ, તળેલાં મરચાં, વિગેરેનો સ્વાદ માણ્યો. ભૂખ કકડીને લાગી હતી. કહે છે ‘ભૂખ મોટી છે, અનાજ નહીં’!!!
જમ્યા ઉપર બે સરસ મજાના ગુલાબજાંબુ ખાઈને મધુરેણ સમાપયેત્ કર્યું. છેક અમદાવાદ સુધી અમારા આ પ્રવાસની મધુરપ માણતા પાછા આવ્યા ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા. ધન્યવાદ જહુર આવી સુંદર અનુભૂતિ માટે. કહે છે ‘જીવ્યા કરતા જોયું ભલું’. અહીં તો બેવડો ફાયદો થયો, જીવ્યા પણ ખરા, કુદરતનો ખોળો અને કાઠીયાવાડી ભોજન પણ માણ્યું અને મધુસંચયનું કારખાનું મધમાખી કોલોની પણ જોઈ. મજા આવી.