રૂમ નં.૩૭ (યંગસ્ટર્સ) એમ. વી. હોલ મારું આગામી પાંચ વરસ માટેનું સિરનામું
છેવટે કલાભવનમાં સિવિલ એન્જીનિયરીંગમાં દાખલ થવાનો અભરખો પૂરો થયો. ફી ભરી દીધી. આઇડેન્ટી કાર્ડ માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ આપી દીધો. આવતાં અઠવાડીયેથી કોલેજ ચાલુ થશે. કયા વર્ગમાં તમે મુકાયા છો તે ખબર પણ થોડા દિવસમાં જ લીસ્ટ મુકાશે એટલે પડી જશે. અગાઉ પહેલા વરસને F. E. એટલે કે First Year Engineering, બીજા વરસને S. E. એટલે કે Second year Engineering, ત્રીજા વરસને T. E. એટલે કે Third year Engineering અને છેલ્લે Final year એમ કહેવાતું એને બદલે હવે પાંચ વરસનો અભ્યાસક્રમ થતાં એકથી પાંચ વર્ગને અનુક્રમે B.E.I, B.E.II, B.E.III, B.E.IV, અને B.E.V એમ ગણવાનું હતુ એટલે અમારું B.E.Iનો ક્લાસ નક્કી થાય તેને B.E.I ( C) એટલે કે સિવિલ કહેવાય. શરૂઆતનાં બે વરસ બધી જ બ્રાન્ચ માટે એટલે કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કેમિકલ માટે સરખા જ વિષયો હતા જેમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મૅથેમૅટિક્સ, અપ્લાઇડ મિકેનિક્સ, મશીન ડ્રોઈંગ અને વર્કશોપ જેવા વિષયો આવતા. એટલે પહેલા સિવિલનો ક્લાસ અને પછી બાકી ખૂટતી જગ્યા હોય તેમાં મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલવાળા આવે અને એ રીતે જુદી જુદી બ્રાંચવાળા વિદ્યાર્થીઓ પહેલા બે વરસ સાથે ભણે.
હજુ આ લીસ્ટ મુકાયું નહોતું, ટાઈમ ટેબલ પણ મુકાયું નહોતું એટલે થોડા દીવસ ખાલી હતા. આ વખતે આ ખાલી દિવસોમાં સિધ્ધપુર ભાગી જવાનો વિચાર જરાય નહોતો. હજુ એક મહત્વનું કામ બાકી હતુ તે હતું હોસ્ટેલમાં એડમિશન લેવાનું. મુકુંદ સિધ્ધપુરીયા અને જશભાઈ ભગત પ્રેપરેટરી સાયન્સમાં મારી સાથે હતા ત્યારથી અમારી મંડળી જામેલી. એટલે મને કોલેજમાં એડમિશન મળ્યું કે તરત જ મેં બંનેને પત્ર લખી નાખ્યાં. હવે લાંબા ગાળા માટે હોસ્ટેલમાં રહેવાનું હતુ અને આ માટે બધું ગોઠવવાનું કામ મુકુંદ સિધ્ધપુરીયાને સોંપ્યું. વેકેશન હજુ પૂરું નહોતું થયું તો પણ એ ચાર પાંચ દિવસ વહેલો આવી ગયો અને છેવટે હું, મુકુંદ સિધ્ધપુરીયા જે મિકેનિકલ એન્જીનિયરીંગમાં હવે મારાથી બે વરસ આગળ હતો અને ઇંદ્રવદન શાહ જે MBBSમાં ડિગ્રી માટે અભ્યાસ કરતો હતો એમ ત્રણ જણા રૂમમાં ભેગા થયા. જશભાઈ અને બી. આર. પટેલ બંને ઇલેક્ટ્રિકલમાં. એ અમારા લોબી પાર્ટનર બન્યા. પણ છેક છેલ્લે સુધી એમની રૂમમાં ત્રીજો પાર્ટનર કોઈ અડુકીયો દડુકિયો આવતો રહ્યો. એક વખતે મિકેનિકલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમા બાદ એડમિશન લેનાર પૂજારા કરીને વિદ્યાર્થી તો થોડોક સમય ભરુચ બાજુના ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા પટેલ અટક લખતા કોઈ મુસ્લિમ ભાઈ તો એકાદ વખત નવસારી બાજુના કોઈ ઉનીયા અટકવાળા વિદ્યાર્થી ભગત અને બી. આર. પટેલના પાર્ટનર બન્યા.
અમને એડમિશન મળ્યું પોલીટેકનીક-૨ એટલે કે સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા હોલ અથવા એમ. વી. હોલમાં પાંચ વરસ સુધી રૂમ નં.૩૬ અને ૩૭માં અને એની સામે રૂમ નં.૧૯ અને ૨૦માં મોટા ભાગે અમે મિત્રમંડળે જ રૂમનો કબજો રાખ્યો. અમે રૂમ નં.૩૬નું હુલામણું નામ આપ્યું “ગેંગસ્ટર્સ (કેમ એ નહીં પૂછવાનું)” અને બે વરસ બરબાદ કર્યા બાદ પણ હું ઉંમરની દ્રષ્ટિએ સૌથી નાનો હતો એટલે રૂમ નં. ૩૭નું નામ રાખ્યું “યંગસ્ટર્સ”. છેક ડિગ્રી મેળવી ત્યાં સુધી હું રૂમ નં. ૩૭માં રહ્યો. ઇંદ્રવદન શાહ પણ છેક સુધી રહ્યો. મુકુંદના ગયા પછી થોડો સમય એક પોલીટેકનીકનો વિદ્યાર્થી જેઠાલાલ પટેલ અમારો પાર્ટનર બન્યો અને એકાદ વરસ ઇનકમ ટેક્સ ઓફીસરના પુત્ર જયપ્રકાશ શાહ અમારા રૂમ પાર્ટનર રહ્યા. જેઠાલાલ પટેલ ઉત્તર ગુજરાતનો વતની અને જયપ્રકાશ શાહ એ માંડલ બાજુના કોઈ ગામનો વતની અને ચુસ્ત જૈન ધર્મ પળતો એક શાંત વિદ્યાર્થી હતો.
અમારી સામેના રૂમમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી શ્રી જયંતીભાઈ નાયક અને એમના પાર્ટનર નવસારીના શ્રી અબુલી (અબ્દુલ હુસેન), મોહસીનભાઈ શ્યામવાલા અને જયંત કાનજીભાઈ ફીટર હતા. શ્યામવાલા ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બન્યા અને ફીટર મિકેનિકલ એન્જીનિયર બન્યા. મારી બરાબર સામેની રૂમમાં દિલ્લીના ત્રણ વિદ્યાર્થીઓનું ગ્રૂપ આધ્યા(સિવિલ), દેસાઇ(ઇલેક્ટ્રિકલ) અને સરદારજી (મિકેનિકલ) હતું.
મુકુંદે રૂમનો કબજો વિગેરે લઈને બાકીનું બધું જ ગોઠવી કાઢ્યું. હોસ્ટેલ માટેનું ફોર્મ ભરીને આવ્યો, ફી પણ ભરાઈ ગઈ અને હવે હું અધિકૃત રીતે એમ. વી. હોલ રૂમ નં.૩૭નો રહેવાસી બન્યો. અમારા હોલ ક્લાર્ક કરશનકાકા (કે. એમ. શાહ) નિવૃત્ત રેવન્યુ અધિકારી હતા. માણસ ભલા પણ ચીકણા બહુ એટલે હોસ્ટેલમાં થોડા અપ્રિય ખરા.
એમ. વી. હોલને આ નામ મળ્યું તે પહેલાં એ હોસ્ટેલ પોલીટેકનીક-૨ તરીકે જાણીતી હતી. અગાઉ પ્રેપરેટરી સાયન્સમાં હું જે હોલમાં રહેતો હતો તે સિધ્ધરાજ જયસિંહ હોલ એટલે કે પોલીટેકનીક-૩ અને ડો. રમેશ શુકલ જેની રૂમમાં રહીને મેં પરીક્ષા આપી હતી તે રવિન્દ્રનાથ ટાગોર હોલ એટલે કે પોલીટેકનીક-૧ તરીકે જાણીતા હતા.
જેમ કલાભવન સાથે ગજ્જર સાહેબનો નાતો અને ટી. કે. ગજ્જર સાહેબનું નામ જોડાયેલું તે રીતે સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા આ દેશના એક અગ્રણી સિવિલ એન્જીનિયર, મૈસૂર રાજ્યના દીવાન, દક્ષ વહીવટકાર અને પૂરા સ્વદેશાભિમાની ઇજનેર હતા. આજે સર એમ. વિશ્વાસરૈયાની યાદમાં 15મી સપ્ટેમ્બર એન્જીનિયર ડે તરીકે ઉજવાય છે.
આ વિસ્તાર મારા માટે નવો નહોતો. ધીરે ધીરે અમારી મંડળી પણ જામી ગઈ હતી એટલે જે અનુભવ પહેલા વરસે હું સિદ્ધરાજ જયસિંહ હોલમાં દાખલ થયો ત્યારે થયો હતો તે અનુભવ અને સિધ્ધપુર માટેનો તલસાટ હવે નહોતો. હવે મારી પાસે સાયકલ પણ હતી એટલે રખડવાની પણ પૂરી સ્વતંત્રતા હતી. હોસ્ટેલમાં મારી રૂમમાં પલંગ ઉપર ગાદલુ બીછાવી ચાદર વિગેરે વ્યવસ્થિત કરી, બારી પાસે ટેબલ અને ખુરશી ગોઠવી ટેબલ પર ટેબલક્લોથ ઓઢાડી અને કપડાં વિગેરે વસ્તુઓ કબાટમાં ખાનામાં મૂકી ટ્રંકને કૉટ નીચે ધકેલી દીધો એટલે રૂમમાં મારી વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ. બહાર કવર્ડ લોબીમાં કપડા સુકવવા માટેનો તાર અને માટલું વિગેરેની વ્યવસ્થા મુકુંદ સિધ્ધપુરીયાએ કરી નાખી હતી. સામાન્ય રીતે કોઈપણ કોમન ખર્ચ આવે ત્યારે તે જશુભાઇ ભગત અથવા તો મુકુંદ સિધ્ધપુરીયા કરે અને ભાગે પડતા પૈસા અમારી પાસેથી લઈ લે તેવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ.
આમ હવે મારું નવું સરનામું બન્યુ રૂમ નં. 37, એમ. વી. હૉલ, પંડ્યા હોટલ પાસે, ફતેહગંજ, વડોદરા - ૩૯૦૦૦૨
અમારા વોર્ડન હતા ડો. આર. એમ. મહેતા સાહેબ એક સહહદય અને ભલા માણસ. બાજુના આર. ટી. હોલના વોર્ડન પ્રો. સી. એચ. ખાડીલકર (જે પોલીટેકનીકના પ્રિન્સિપાલ હતા) હતા જે ખૂબ જ કડક અને જ્વલનશીલ સ્વભાવ ધરાવતા વ્યક્તિ હતા. બરાબર અમારા આર. એમ. મહેતા સાહેબથી ઊલટી પ્ર. વાન સહેજ ગોરો હતો અને ગુસ્સો આવે ત્યારે લાલચોળ થઈ જાય !
આમ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થાનું પણ બધું સુપેરે થાળે પડી ગયું. હવે કેટલીક નવી વસ્તુઓ સાથે પરિચય અને પનારો પાડવાનો હતો. આ વરસથી કેટલાક નવા શબ્દો મારા શબ્દભંડોળમાં ઉમેરાવાના હતાં. આ શબ્દો હતા ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, સ્ટેડલર કંપાસ, એરિસ્ટો સ્ટુડિયો સ્લાઇડરુલ, ડ્રોઈંગ બોર્ડ, ક્લિપ અને જુદી જુદી હાર્ડનેશ ધરાવતી પેન્સિલ. એક બીજું આકર્ષણ પણ ઉમેરાવાનું હતુ એ હતુ વર્કશોપ ડ્રેસ. વર્કશોપમાં એટલે કે સ્મિધી (લુહારીકામ) અથવા કાર્પેન્ટરી (એટલે કે સુથારીકામ)નું ટાઈમ ટેબલ હોય ત્યારે ગાઢો બ્લ્યુ અથવા કાળો ડ્રેસ પેન્ટ, શર્ટ અથવા ટીશર્ટ ફરજીયાત હતો. શરૂઆતમાં આ ડ્રેસ પહેરીને વર્કશોપ ન હોય ત્યારે પણ રોડ પરથી પસાર થતા જાણે આપણે આજે એન્જીનિયર થઈ ગયા છીએ તેવો રોમાંચ થતો. પોલીટેકનીક હોસ્ટેલથી એન્જીનિયરીંગ કોલેજ એટલે કે કલાભવન જે દાંડીયા બજાર વિસ્તારમાં હતી ત્યાં સુધી સાયકલ પર જવાનો રસ્તો હોમ સાયન્સ ફેકલ્ટી અને ગર્લ્સ હોસ્ટેલને રસ્તે થઈને જતો. એટલે અમથા અમથા પણ ક્યારેક આ ડ્રેસ પહેરીને કેટલાક મિત્રો રોબ જમાવવાનો પ્રયત્ન કરતા. જો કે એમ કરવાથી કોઈ ગર્લફ્રેન્ડ મળી ગઈ હોય એવો દાખલો મારી જાણમાં નહોતો આવ્યો અને એમ છતાંય “હજારો એ નિરાશામાં અમર આશા છુપાઈ છે” એ ન્યાયે આ ભાવિ ઇજનેરો બીચારા વળખાં માર્યા કરતા.
એન્જીનિયરીંગના અભ્યાસમાં તે વખતે ભાગ્યેજ છોકરીઓ આવતી. અમારી આખી કોલેજમાં એન્જીનિયરીંગમાં માત્ર ચાર છોકરીઓ જ હતી. એમાં અમારી બેચમાં એક સિવિલ એન્જીનિયરીંગમાં હતી અને એક ઇલેક્ટ્રીક એન્જીનિયરીંગમાં હતી. બાકી બધા જ છોકરાઓ અને એટલે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગને બજરંગ ફેકલ્ટી કહેવામા આવતી. ભૂલે ચૂકે પણ ત્યાંથી સાયકલ પર કોઈ છોકરી જતી દેખાય તો બધા લોબીમાંથી ડોકાચિયાં કરવા માંડે એવો વિદ્યાર્થીનીઓની અછતવાળો આ અભ્યાસક્રમ હતો.