હૉસ્ટેલની આજુબાજુનો વિસ્તાર પંડ્યા હૉટલ તરીકે જાણીતો હતો. હૉસ્ટેલની બરાબર પાછળ નિઝામપુરા ગામ હતું. પૂર્વમાં યુનિવર્સિટી થઈ, આગળ જઈએ એટલે ફતેહગંજ પોસ્ટ ઑફિસ અને તેની આગળ માઉન્ટ કાર્મેલ તેમજ આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર આવતો. પંડ્યા હૉટલથી પશ્ચિમમાં આગળ જઈએ એટલે એલેમ્બિક, મૉડેલ ફાર્મ અને સારાભાઈ કેમિકલ્સનો ઔદ્યોગિક તેમજ કૃષિ વિસ્તાર હતો. ઉત્તર બાજુ જઈએ તો નવા યાર્ડ.
નાની-મોટી વસ્તુ જોઈતી હોય તો પંડ્યા હૉટેલ જવું પડે. આ પંડ્યા હૉટલ વિસ્તારમાં જ ડૉ. શિરિષ પુરોહિતનું દવાખાનું હતું. આમ તો યુનિવર્સિટી ડિસ્પેન્સરી પણ હતી, પણ ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પેવેલિયન પાસે આવેલા આ દવાખાનામાં દવા લેવા જતું. સ્ટેશનથી બસમાં આવવું હોય તો સારાભાઈ કેમિકલ્સ, મૉડલ ફાર્મ, એલેમ્બિક અથવા નવા યાર્ડની બસ પકડવી પડે અને પંડ્યા હૉટલ ઉતરીને પછી પૉલિટેકનિક વટાવી આગળ ચાલીએ એટલે ડાબા હાથે વળવાનો રસ્તે આવે, જેમાં વળો એટલે એક બાજુ પૉલિટેકનિક કૉલેજનું મકાન અને રસ્તાની બીજી બાજુ દાખલ થતાવેંત રવિન્દ્રનાથ ટાગોર હૉલ એટલે કે આર.ટી. હૉલ ત્યારબાદ મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા હૉલ એટલે કે એમ.વી.હૉલ અને સૌથી છેલ્લે સિધ્ધરાજ જયસિંહ એટલે કે એસ. જે. હૉલ આવે. સિધ્ધરાજ જયસિંહ હૉલની બરાબર સામે પૉલિટેકનિક કેન્ટીન હતી. આ બધી હૉસ્ટેલોની પાછળ એક જ છત નીચે ત્રણેય હૉલનાં ત્રણ અલગ અલગ રસોડાં (મેસ) અને ચોથી હૉસ્ટેલ કેન્ટીન હતી. પૂરતી સંખ્યા મળે તો કેન્ટીનમાં નૉનવેજ મેસ ચલાવાતું, નહીં તો પેસ્ટ્રી, અન્ય બેકરી પ્રોડક્ટ્સ અને કૉકાકોલા તેમજ અન્ય કૉલ્ડ્રીંક્સ વિગેરે મળતું. મોટાભાગે ચા પીવા અથવા નાસ્તો કરવા માટે વિદ્યાર્થીઓ એસ. જે. હૉલની સામે આવેલી પૉલિટેકનિક કેન્ટીનનો ઉપયોગ કરતા. આ કેન્ટીનમાં બટાટાવડાં, બ્રેડબટર, બનબટર વિગેરે વેજીટેરીયન અને ઈંડા ખાનાર માટે અંડા બ્રેડ, આમલેટ, હાફફ્રાય તેમજ અન્ય આઈટમો મળતી. આ કેન્ટીનમાં કેટલાક વિદ્યાર્થીઓનું નામું પણ ચાલતું. પંડ્યા હૉટલ કોઈ બહુ મોટી હૉટલ નહોતી. આમ છતાંય ત્યાંનું સેવઉસળ અને ભજીયાઉસળ વખણાતું.
વડોદરામાં આવ્યા પછી એક બીજો અનુભવ પણ થયો. અત્યાર સુધી કેળાં ડઝનના ભાવે વેચાતાં જોયાં હતાં અને એ મુજબ જ ખરીદ્યાં હતાં. અંકગણિતમાં દાખલો આવે તેમાં પણ કેળાં, સંતરાં, ચીકુનો ભાવ ડઝનના હિસાબે જ લખેલો હોય. વડોદરામાં આવીને એક નવો અનુભવ થયો. વડોદરામાં કેળાં સરસ મળે, પણ વેચાય વજનથી. અત્યાર સુધી 500 ગ્રામ કેળાં અથવા 1 કિલો કેળાં એ શબ્દ જ સાંભળ્યો નહોતો. વડોદરાએ એ શીખવાડ્યું. પંડ્યા હૉટલ પાસે ફળની એક-બે લારી ઊભી રહેતી. બાકી કરિયાણું અને બીજી નાની-મોટી વસ્તુઓ મળે, જેમાં ખાસ દમ નહીં. પંડ્યા હૉટલથી આગળ જતાં થોડી આગળ પંજાબ સ્ટીલ રોલિંગ મિલ કરીને સ્ટીલના સળિયા અને અન્ય આઈટમો બનાવતી પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવી ફેક્ટરી હતી, જ્યાં ઘણાં મજૂરો કામ કરતાં. આ મજૂરોને કારણે પંડ્યા હૉટલની શાકભાજી, કરિયાણું વિગેરે દુકાનો અને ડૉ. શિરિષ પુરોહિતની ડિસ્પેન્સરી ધમધમતાં રહેતાં.
ડૉ. શિરિષ પુરોહિત અને ડૉ. ચંદ્રિકાબહેન પુરોહિત બંને પતિ-પત્ની જનરલ પ્રેક્ટિશનર્સ તરીકે આ દવાખાનું ચલાવતાં. ડૉ. શિરિષ પુરોહિત અત્યંત સૌમ્ય અને માયાળુ સ્વભાવના વ્યક્તિ હતા. દરદીનું અડધું દુઃખ તો એમની પાસે પહોંચે એટલે જ મટી જતું. ખૂબ સરળ અને સજ્જન વ્યક્તિ, કોઈ પેશન્ટ ગરીબ લાગે તો એના પૈસા ન લે ઉપરથી એમની પાસે દવાનાં સેમ્પલ પડ્યાં હોય તે એને આપે. ધીરે ધીરે પ્રેક્ટિસ જામવાની સાથોસાથ ડૉ. શિરિષ પુરોહિત એ વિસ્તારમાં લોકચાહના મેળવતા ગયા અને પછી તો પંડ્યા હૉટલ વિસ્તારમાંથી જ એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાવા લાગ્યા. ચૂંટણી આવે એટલે અમે વગર નોંતરે એમના પ્રચાર કાર્ય માટે પહોંચી જતા અને પુરોહિત સાહેબ જીતે એટલે અભિનંદન આપી અમારા કામે લાગતા. ચંદ્રિકાબહેનનો સ્વભાવ પ્રમાણમાં આકરો એટલે પેશન્ટની બાબતમાં એમને નિરાંત રહેતી.
સિધ્ધપુરમાં ડૉ. મૂરજમલ નિહાલાની કે પછી ડૉ. સંત દાસાણી જેમની પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી તેવા આ ડૉક્ટરો અને ડૉક્ટર શિરિષ પુરોહિત વચ્ચે એક ગજબનું સામ્ય હતું. એ સામ્ય હતું એમનો સરળ અને મૃદુ સ્વભાવ તેમજ ગરીબ પ્રત્યે હમદર્દી.
ડૉ. શિરિષ પુરોહિત સાથે થોડાક સમયમાં સારી એવી દોસ્તી જામી, પણ એની સાથોસાથ એક મસમોટી ઓળખાણ પણ નીકળી. જયદત્ત શાસ્ત્રીજીના મુંબઈ ખાતે સૉલિસિટર તરીકે પ્રેક્ટિસ કરતા શ્રી બાબુલાલ પંડ્યા શિરિષભાઈના હૉસ્ટેલમેટ એટલે કે હૉસ્ટેલમાં સાથે રહેતા સહાધ્યાયી હતા. પછી તો બૉસ, જમાવટ થઈ ગઈ. આગળ જતાં શિરિષભાઈ સયાજીગંજ વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા અને કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક પણ બન્યા. આ બધું લગભગ પંદરેક વરસ બાદ બન્યું. એકાએક શિરિષભાઈ કોઈ મહારોગના ભોગ બન્યા અને પ્રમાણમાં નાની વયે એમનો દેહાંત થયો. ફરી એકવાર કાકાસાહેબ કાલેલકરના પુસ્તક “સ્મરણયાત્રા”માં કાકાસાહેબે એમનાં નાની વયે ગુજરી ગયેલ બહેન માટે લખેલ વાક્ય “શહાણું માણસ લાભત નાહીં” – એટલે કે સારૂં અને ડાહ્યું માણસ બહુ લાંબુ જીવતું નથી યાદ આવ્યું. કહે છે કે, જેની અહીં જરૂર છે તેની ભગવાનના ત્યાં પણ ખોટ છે. કદાચ ઉપરવાળાને ત્યાં સારા અને સજ્જન ડૉક્ટરોની ખોટ પડી હશે તે એણે ખૂબ નાની ઉંમરમાં શિરિષભાઈને ઉપર બોલાવી લીધા. આજે પણ ડૉ. શિરિષભાઈની યાદ આવે ત્યારે એક અત્યંત માયાળુ અને સંવેદનશીલ વ્યક્તિત્વનો હસમુખો ચહેરો સ્મૃતિપટલ પર ઉપસી આવે છે. જો શિરિષભાઈ આટલા બધા સારા નહોત તો ? તો કદાચ એ લાંબુ જીવ્યા હોત !
નાની-મોટી બિમારીમાં શિરિષભાઈ મારા ડૉક્ટર રહ્યા. મારી માફક હૉસ્ટેલના ઘણા વિદ્યાર્થીઓ એમના ચાહક હતા. ઘણા એમના લાભાર્થી પણ હતા. શિરિષભાઈ જો લાંબુ જીવ્યા હોત તો ગુજરાતને એક સારો, સંવેદનશીલ, ભણેલ-ગણેલ અને ખાનદાન મંત્રી મળ્યો હોત. ખેર ! એ ગુજરાતના પણ નસીબમાં હોવું જોઈએ ને ?
શિરિષભાઈની પ્રમાણમાં નાની ઉંમરે વિદાય ગુજરાતના અને ખાસ કરીને વડોદરાના જાહેર જીવનમાં એક ન પૂરાય તેવો ખાલીપો મૂકતી ગઈ. મારે કોણ જાણે કેમ કુંભ રાશિ સાથે લેણું હતું. સનતભાઈ મહેતા અને શિરિષભાઈ એનાં ઉદાહરણ છે.
વડોદરાના હૉસ્ટેલ જીવને મને એક બીજો પરિચય કરાવી આપ્યો. તે હતો – “હજૂરી નો સોસીયો”. કોકાકોલા સાથે હરીફાઈ કરતું આ પીણું મને ભાવી ગયું. કોકાકોલાની સરખામણીમાં જરા હટકે ટેસ્ટ અને જીભે ન ચચરે તેટલી કુમાશને કારણે સોસીયો મારૂં આજે પણ પ્રિય પીણું છે. અમે સોસીયો સાથેની ભાઈબંધીમાં વાનરવેડા કરવાની એક નવી ટેકનીક શીખ્યા. મોટા ગ્રુપમાં હોઈએ અને કોઈ કાફેમાં જઈએ ત્યારે સોસીયોની બોટલ થોડી ઉણી કરી એમાં ચપટીક મીઠું નાખવાથી ઊભરો આવતો. બૉટલના મ્હોં પર જો અંગૂઠો રાખો તો થોડા સમયમાં જ ફીણની એક પીચકારી ઊડતી જે સરળતાથી આઠ-દસ ફૂટ દૂર જતી. મોટાભાગે તો અમારા ગ્રુપનો જ કોઈ રંગાય, પણ ક્યારેક બીજા કો’કનો પણ વારો આવી જાય. આ વ્યક્તિ જો યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હોય તો “સૉરી પાર્ટનર” કહેવાથી વાત વળી જતી. સોસીયોનો દૂરૂપયોગ અમે કૉલેજના કોઈ ફંક્શનમાં પણ બે ધડક કરી લેતા.
કોકાકોલાના કિસ્સામાં આર.ટી.હૉલના ગેટથી સ્ટેશન તરફ આવતા પ્રતાપગંજના નાકે એક ડીપ ફ્રીજર વાળી દુકાન હતી જ્યાં બૉટલમાં જામીને બરફ થઈ ગયેલું કોકાકોલા મળતું. કેટલાક તો આ પ્રકારના થીજી ગયેલા કોકાકોલાના બંધાણી બની ગયા હતા. એ સમયે સોસીયો અથવા કોકાકોલા માત્ર 50 પૈસામાં આવતી. ચ્હા 25 પૈસામાં, મસાલાઢોંસો 50 પૈસામાં અને ઈડલી સંભાર 50 પૈસામાં મળતું. ટૂંકમાં એક – સવા રૂપિયામાં તો અમારૂં ડીનર થઈ જતું.
હૉસ્ટેલ લાઈફ શરૂ થઈ ચૂકી હતી.
કેટલાંક પાત્રો સ્ટેજ પર નવી એન્ટ્રી લઈ રહ્યાં હતાં.
આ પાત્રો એટલે...
મેસનો કપડા ધોવાવાળો અથવા નાસ્તો લઈ આવનાર નોકર
મહિને હિસાબ કરતો ઈસ્ત્રીથી માંડીને ડ્રાયક્લિનિંગ કરી આપતો ધોબી
બૂટના સૉલ રીપેર કરવાથી માંડી ચકચકાટ પૉલિશ કરી આપતો મોચી
સાંજે છ વાગે લૉબીમાં ટહુકો કરતો બ્રેડબટર – પેસ્ટ્રી અને બેકરી આઈટમોવાળો છોકરો.
મેડિકલના છોકરાઓ માટે ટિફિન પહોંચાડતો બાબુ સિંગ
હૉલક્લાર્ક કરસનકાકા
સાફસૂફી કરનાર અને પાણીનું માટલું ભરી આપનાર ભોલે
આ બધાં વિશિષ્ટ વ્યક્તિત્વ હતાં.
એમાંનાં કેટલાક તો એમ.બી.એ.વાળો પણ ન હોય તેટલા માર્કેટીંગના નિષ્ણાત હતા.
આ બધાના શિરમોર હતા.
અમારા સામ્રાજ્યના બેતાજ બાદશાહ
અમારા ખૂબ લાડકાં વોર્ડન
નિષ્ણાત આર્કીયોલોજીસ્ટ ડૉ. આર.એન.મહેતા સાહેબ
પણ....
વિદ્યાર્થીઓમાં એમનું પ્રચલિત નામ હતું...
ભીખુ ચડ્ડી !