Thursday, April 30, 2015
હોસ્ટેલની પણ એક અજબની દુનિયા હતી. તેમાંય પોલીટેકનીક હોસ્ટેલ્સ એટલે કે રવિન્દ્રનાથ ટાગોર હોલ, મોક્ષગુંડમ્ વિશ્વસરૈયા હોલ અને સિધ્ધરાજ જયસિંહ હોલ નવાં નવાં જ તૈયાર થયેલાં. આ કારણથી જીવરાજ મહેતા હોલ, ટી.કે. ગજ્જર હોલ, મનુભાઈ મહેતા હોલ, મહર્ષિ અરવિંદ હોલ અને દાદાભાઈ નવરોજી હોલ બધા કરતાં આ હોસ્ટેલ્સ જુદી પડતી. ડી.એન. કોલેજ જુનામાં જુની હોસ્ટેલ હતી તેને બાદ કરતાં બાકીના હોલ એક જ કેમ્પસમાં હતા. અમારું કેમ્પસ જુદું પણ બાંધકામ નવું હતું એટલે પ્રમાણમાં સવલતોની ગુણવત્તા સારી. પોસ્ટલ વિસ્તાર ફતેગંજ કહેવાય પણ આમ પંડ્યા હોટલ વિસ્તાર તરીકે વધુ ઓળખાય. એસ.ટી. બસમાં દસ પૈસા અને રિક્ષામાં જેવો સમય સ્ટેશનથી પચાસ પૈસાથી માંડી રુપિયા સુધીમાં જઈ શકાતું. અમારી હોસ્ટેલોની સામે જ પોલીટેકનિક કોલેજ અને બાજુમાં રાજ્ય સરકારની ડ્રગ લેબોરેટરી. પંડ્યા હોટલથી ફતેગંજ જતો રસ્તો અમારા કેમ્પસને અને યુનિવર્સીટી ઓફિસ સંકુલને જુદાં પાડતો. આ સંકુલમાં થઈને પણ એક નાનો ત્રણ ચાર ફુટનો સિમેન્ટ કોંક્રીટ રોડ છેક મહર્ષિ અરવિંદ હોલ સુધી લઈ જતો. જુનાં હોસ્ટેલ બ્લોકની અને અમારી વચ્ચે એક મોટો તફાવત એ હતો કે ગાઢી વનરાજી જુનાં હોસ્ટેલ કેમ્પસનું ઘરેણું હતી. બે ત્રણ હોલની સામે તો સરસમજાના હોજ અને એમાં ખીલતાં ગુલાબી કમળ નયનરમ્ય દ્રશ્ય પૂરું પાડતાં. એક રુમમાં બે વિદ્યાર્થીઓ રહેતા પણ પછી જેમ ભારણ વધ્યું તેમ રુમમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ મુકાવા માંડ્યા. જો કે આમાં પણ કેટલાક સીનીયર વિદ્યાર્થીઓની દાદાગીરી ચાલતી અને યેનકેન પ્રકારેણ એ થર્ડ પાર્ટનરને ભગાડી મુકતા. હોસ્ટેલમાં નામ આવડે કે ન આવડે કોઈપણ હોસ્ટેલના વિદ્યાર્થીને “પાર્ટનર” કહી બોલાવાતો. અગાઉ જોયું તેમ બધી જ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે રહેતા. મજાની વાત એ હતી કે મેડીકલનો વિદ્યાર્થી એપ્રોન પહેરીને સાયકલ સવારી કરતો દેખાતો જ્યારે એન્જિનિયરીંગના શરુઆતના વરસોના વિદ્યાર્થીઓ વર્કશોપનો કાળો અથવા બ્લુ ડ્રેસ પહેરતા. સરોજીનીદેવી હોલ અને હંસા મહેતા હોલ એ વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલ હતી અને એ હોસ્ટેલો તેમજ ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ સામે પસાર થતા રોડ ઉપરથી આ શહેનશાહો રુઆબ મારતા હોય તે રીતે વટભેર પસાર થતા. એ જમાનામાં એન્જિનિયરીંગમાં ભાગ્યે જ છોકરીઓ દાખલ થતી. મારા વર્ગમાં અપવાદરુપે એક છોકરી હતી. વાર્ષિક ફીશપોન્ડ અને બ્રેઈન ટ્રસ્ટ એ બહુ પ્રચલિત પ્રસંગો હતા. ફીશપોન્ડમાં વિદ્યાર્થી, વિદ્યાર્થીની કે પ્રોફેસરોને પણ એમની લાક્ષણિક્તા વર્ણવતાં ઉપનામો કે જોડકણાં લખાતાં અને પછી આ ડબ્બો ખુલે અને ચિઠ્ઠીઓ બહાર પડે અને વંચાય ત્યારે આખું ઓડિટોરીયમ હાસ્યથી ગાજી ઉઠતું. મારા ક્લાસમાં જે છોકરી ભણતી હતી એને કોઈક કલ્પનાશીલ ભેજાએ ફીશપોન્ડ લખ્યું હતું “નોર્મલી ધેર આર બોયઝ ઈન ટેકનોલોજી” (અમારી કોલેજ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાંથી ટૂંકાવીને ટેકનોલોજી કહેવાતી. કેટલાક એને ગમ્મતમાં ફેક્ટરી ઓફ ટેકનોલોજી પણ કહેતા !) યસ, ધેર ઈઝ એ ગર્લ “બોયીશ” ! નિર્દોષ આનંદ મેળવવા માટેનો આ એક સરસ પ્રસંગ હતો અને વરસમાં એકવખત યોજાતા ફીશપોન્ડ ડેની અમે આતૂરતાપૂર્વક રાહ જોતાં. આજ રીતે “બ્રેઈન ટ્રસ્ટ” એટલે કે ચીઠ્ઠીમાંથી જે પ્રશ્ન નીકળે તેનો શીઘ્ર જવાબ આપવા માટેનો પણ એક પ્રસંગ ઉજવાતો. આમાં પ્રોફેસરો પણ ખેલદિલીપૂર્વક ભાગ લેતા. પ્રો. રુમી મિસ્ત્રી, પ્રો. સુરપ્પા જેવા ફેકલ્ટી મેમ્બર અત્યંત હળવાશપૂર્વક હાસ્યપ્રેરક જવાબ આપવા માટે મશહુર અને વિદ્યાર્થી પ્રિય હતા ! આમ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ભલે બજરંગ કોલેજના વિદ્યાર્થીઓ કહેવાતા હોય પણ યુનિવર્સીટીની ચૂંટણીઓ થાય અથવા તો ડિબેટ હોય ત્યારે સહુથી વધારે સપોર્ટ હોમ સાયન્સ કોલેજનો મળતો. કદાચ આ સહાનુભૂતિની અભિવ્યક્તિ હશે બાકી કારણ ખ્યાલ આવતું નથી.
પંડ્યા હોટલ એ વડોદરા સ્ટેશનના નવા યાર્ડ, એલેમ્બિક કેમિકલ્સ અને સારાભાઈ કેમિકલ્સના સંકુલો તરફ જતા રસ્તા ઉપરનું નાકુ હતું. પંડ્યા હોટલમાં આઠ આનામાં સરસમજાનું સેવઉસળ મળતું (આજે પંડ્યા હોટલ ભૂતકાળ બની ગઈ છે). આ પંડ્યા હોટલની બાજુમાં ડૉ. શીરીષ પુરોહિતનું દવાખાનું હતું. આમ તો યુનિવર્સીટી પોતાની ડિસ્પેન્સરી અને ડોક્ટર રાખતી પણ બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા. એવું કહેવાતું કે યુનિવર્સીટી ડિસ્પેન્સરીમાં બે બાટલા છે. ગુલાબી મિક્ષ્ચર છોકરાઓ માટે અને આસમાની છોકરીઓ માટે. આમ ડૉ. શીરીષ પુરોહિત અમારા ફીજીશીયન અને ત્યારપછી મિત્ર બન્યા. એમની કોર્પોરેટર માટેની ચૂંટણીમાં અમે પુરા ખંતથી ભાગ લેતા. ડોક્ટર પણ મૃદુભાષી અને સેવાભાવી હતા જે કારણ એમને જીતાડી દેતું. ડૉ. પુરોહિત આગળ જતાં સયાજીગંજમાંથી ધારાસભ્ય ચૂંટાયા અને વિધાનસભામાં ચીફ વ્હીપ રહ્યા. અમારી મૈત્રી છેવટ સુધી ટકી રહી.
હું જ્યારે પોલીટેકનિક હોસ્ટેલમાં ગયો ત્યારે આ હોસ્ટેલો નવી હતી અને આ કારણથી કોલેજના સમયને અનુરુપ બસ સેવા ઉપલબ્ધ નહોતી. પેલી ચીકન એન્ડ એગ થિયરી ચાલતી. એક તો મોટાભાગે છોકરાઓ સાયકલ વાપરે એટલે પેસેન્જર લોડ હોય નહીં. જે રડ્યા ખડ્યા હોય તે પણ કાં તો થોડું ચાલી નાંખી સ્ટેશન અથવા ફતેગંજ પહોંચી જાય. આમ નવી બસ શરુ કરવા માટેનો ટ્રાફિક લોડ થાય નહીં. છેવટે અમારી મદદે આવ્યા યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી જશભાઈ પટેલ. આ જશભાઈ પટેલ પણ જાણવા જેવો માણસ હતો. યુનિવર્સીટીમાં એ જશભાઈ એટીકેટી તરીકે ઓળખાતા. વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય જશભાઈ સહુના લાડકા હતા. આ જશભાઈના મગજમાં નવો જ તુક્કો સ્ફૂર્યો. એમણે ડેપોમાં જઈ એક મહિનો અજમાયશી ધોરણે બસ મુકવા દરખાસ્ત કરી. ટ્રાફિક ના મળે તો બંધ કરી દેજો એમ પણ કહ્યું. ડેપો મેનેજરને લાગ્યું પ્રયોગ કરવામાં કંઈ ખોટું નથી એટલે પ્રયોગરુપ સ્ટેશનથી પોલીટેકનિક હોસ્ટેલ વાયા પંડ્યા હોટલ બસ શરુ થઈ. હવે પ્રશ્ન હતો ટ્રાફિકનો. એકાએક તો ટ્રાફિક ક્યાંથી ઉભો કરવો ? પણ જશભાઈના ફળદ્રુપ ભેજામાં એનો ઉકેલ ઉગ્યો. જશભાઈ રોજ બે ચાર સાથીઓ સાથે સ્ટેશનથી આ બસમાં બેસે અને બસની પુરી કેપેસીટીની ટિકિટો પોતે એકલાં જ ખરીદી લે. એ વખતે સ્ટેશનથી પોલીટેકનિક હોસ્ટેલનું ભાડું હતું દસ પૈસા ! વળી પાછી બસ પાછી ફરે ત્યારે પુરી ટિકિટો જશભાઈ ખરીદી લે. આ આયામ આખો મહિનો ચાલ્યો. ધીરે ધીરે ટ્રાફિક પણ ઉભો થતો ગયો અને એમ કરતાં અમારી સ્ટેશન – પોલીટેકનિક બસ ચાલુ રહી ગઈ. આજના અતિમહત્વકાંક્ષી વિદ્યાર્થી આગેવાનો ક્યારેય આવું વિચારે છે ખરાં ? આ જશભાઈ એટલે જશભાઈ એટલે જશભાઈ ઉર્ફે જશભાઈ એટીકેટી અમારી યુનિવર્સીટીના ચાલીસ હજાર વિદ્યાર્થીઓનો આગેવાન સતત વિદ્યાર્થીહિત અને પ્રશ્નો એના હૈયે. આ જશભાઈ પણ ઓળખવા જેવું પાત્ર છે. હવે પછી જશભાઈની ઓળખાણ કરી અને આગળ ચાલીશું.