Friday, December 16, 2016
હાઉસીંગ બોર્ડમાં ધીરે ધીરે હું થાળે પડતો જતો હતો. ઓફિસની પાસે જ રહેવા માટેની સરસ વ્યવસ્થા હાઉસીંગ બોર્ડે આપી હતી. સવારમાં લગભગ સાડા નવ વાગ્યાથી મારો દિવસ શરુ થતો. કચેરીનો સમય સાડા દસ વાગ્યાનો હતો, એ પહેલાં જ મારા આખા દિવસના કામનું આયોજન કરી લેતો અને એ રીતે બધા માટે દિવસ શરુ થાય ત્યારે હું પૂર્ણક્ષમતાએ કામ કરતો હોઉં એ પદ્ધતિ હતી. શ્રીમતી ઈન્દિરા ગાંધીના કટોકટી સમયે અપાયેલ વીસ મુદ્દાના કાર્યક્રમમાંથી એક મુદ્દો “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” મેં આત્મસાત કર્યો હતો. આ કારણથી મારા ઉપરી અધિકારી લગભગ પૂરેપૂરા મારા પર આધારીત થઈ જાય એટલું કામ હું કરતો. આની સાથોસાથ સતત વિદ્યાર્થીભાવે જ્યાંથી પણ કંઈ શીખવાનું મળે તે શીખવા માટેની તૈયારી અને ભૂલ થઈ હોય તો કોઈપણ પ્રકારના બચાવ કે દંભ આધારીત મિથ્યાભિમાન વગર તે સ્વીકારવાનો મારો સ્વભાવ જીવનમાં આગળ જતાં પણ ખૂબ ઉપયોગી બન્યો તેનો પાયો નંખાતો જતો હતો. હોદ્દો કામ અને વ્યવસ્થા માટે છે. કેબીનમાં બેસનાર અને બહાર રહી કામ કરનાર બધા સરવાળે તો માણસ છે આ વિચારને હું હંમેશા અનુસર્યો છું. શિસ્તપાલન અને કડકાઈ માટે કંઈક અંશે દુરાગ્રહ કહી શકાય એટલી ચીવટ હોવા છતાં હોદ્દાની ગરિમાને જરાય ઝાંખપ લગાડ્યા વગર ડ્રાયવર કે પટ્ટાવાળા સાથે પણ ચા પીવામાં મને ક્યારેય નાનમ લાગી નથી. બધાં જ માણસ છે અને નાના માણસને પણ પોતાની લાગણીઓ હોય છે તે મેં સ્વીકાર્યું છે. સાથોસાથ એક જ સરખાં સંયોગોમાં નાના માણસની વ્યથા ક્યારેક ખૂબ મોટી હોય છે એ મારી માન્યતા છે. એક અધિકારીનું બાળક માંદુ હોય તો એની પાસે ડોક્ટરની ઓળખાણથી માંડી વાહન અને નાણાંકીય સવલત બધું જ હોય છે. એ નોકરી આવે તો પણ ટેલીફોનથી ઘણું બધું કામ કરાવી શકે છે. જેટલો અધિકારી મોટો તેટલી એની વગ વધારે. આથી ઉલટું વર્ગ ત્રણ કે ચારનો નાનો કર્મચારી આવી જ બિમારીમાં પોતાના બાળક માટે સરકારી દવાખાનાના ધક્કા ખાય છે. એની વગ ઓછી છે અને નાણાંકીય સાધનો પણ મર્યાદિત છે. આમ, એકસરખા સંજોગોમાં પિતા તરીકે બન્નેની ચિંતા અને વ્યગ્રતાની માત્રા અલગ અલગ હોય છે. નાનો માણસ નોકરી પર તો આવે છે પણ પેલી ચિંતાઓ, હાડમારી અને પોતાના બાળક માટેની લાગણી એને પીંસી નાંખે છે. આ સંવેદનશીલતાનો મુદ્દો છે. ઘણા અધિકારીઓ આ વાત સમજતા નથી અને પેલો કર્મચારી કહ્યા વગર રજા પર રહે અથવા મોડો આવે તો ઉકળી પડે છે. પરિણામે એક નોકરીયાત અને અધિકારી તરીકેના એમનાં સંબંધો ક્યારેય ટીમલીડર અને એ ટીમના એક સભ્ય તરીકેના સંબંધોમાં બદલાતા નથી.
મારું બીજું પણ એક માનવું છે. જ્યાં કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યાં હંમેશા ખાતાના વડા કે પછી સરકારના વડા બધો જ જશ પોતાના ખાતામાં જમા કરાવવા તલપાપડ બની જાય છે. જે સફળ થયું તે મારે કારણે અને નિષ્ફળતા મળી તો બીજા કોઈના કારણે આવી મનોવૃત્તિથી પીડાતા અને
“હું કરું... હું કરું.. એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે”
આવી શ્વાનવૃત્તિથી પીડાતા અધિકારીઓ અને નેતાઓ જે નથી સમજતા તે કંઈક આવું છે. એક મોટરકારમાં એન્જિનમાં ખરાબી ઉભી થાય અથવા બંધ પડી જાય તો ઝાઝી ચિંતાનું કારણ નથી. વધુમાં વધુ મોડા પડાય અથવા પ્રવાસ શરુ ન થઈ શકે. પણ, પૂરઝડપે દોડતી મોટરકારનું એક પૈડું નીકળી જાય તો જીવલેણ અકસ્માત સર્જાય. પેલા સફળતાના શિખરે બેસીને બરાડતા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ક્યારેય એ વાત નથી સમજતા કે નાનામાં નાનો કર્મચારી કે કાર્યકર જ્યારે તમે કટોકટીની લડાઈ લડતા હશો અને પૂરેપૂરી તાકાત જરુરી હશે ત્યારે પેલા મોટરકારના પૈડાની માફક નિષ્ક્રિય થઈ જશે કે છુટો પડી જશે તો પરિણામ અતિભયાનક હશે. સત્તાનો મદ અને પ્રસિદ્ધિની ભૂખ જ્યારે માથે ચડી જાય છે ત્યારે જીવલેણ અકસ્માત તરફ કોઈપણ સંસ્થા કે દેશ મક્કમ ગતિએ આગળ વધે છે એમાં કોઈ સંશય નથી.
આ બન્ને બાબતો અનુભવસિદ્ધ અને ઈતિહાસસિદ્ધ હોવા છતાં માણસના મનમાં બેઠેલો પેલો રાવણ જેવો અહંકાર તેને આ સમજવા દેતો નથી અને ક્યારેક મરણશૈયાએ પડેલા રાવણની માફક આ સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
મેં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં આ કારણથી મારા સંબંધો નાના કર્મચારીઓ સાથે હંમેશા સુમેળભર્યા અને મધુર રહ્યાં છે. પરિણામે ક્યારેક આવી કોઈ ઓફિસમાં જવાનું થાય ત્યારે આ કર્મચારીઓએ પણ લાગણી અને હૂંફથી મને આવકાર્યો છે. હાઉસીંગ બોર્ડની મારી શરુઆતની કારકીર્દીમાં ચોકીદાર ભૈયો માતાપ્રસાદ, પટ્ટાવાળાનો નાયક સંતબહાદુર, ડ્રાયવર નારણ અને ટ્રેસર જેવાં કર્મચારીઓ સાથે પણ ધીરે ધીરે આત્મિયતાના સંબંધો બંધાતા ગયા. ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર હરિભક્તિ અને સિવિલ સુપરવાઈઝર કનુભાઈ શાહ જેવાં નામો પણ એમાં ઉમેરાયાં.
હાઉસીંગ બોર્ડમાં એ વખતે કર્મચારી યુનિયનની મોટી ધાક હતી. એનાં મહામંત્રી ખાન અમારા હેડ ક્લાર્ક હતા. સાચા અર્થમાં મગજ ફરેલો માણસ. યુનિયનના પ્રમુખશ્રી જી.જી. પરાડકર (પરાડકર દાદા) હતા. હાઉસીંગ બોર્ડમાં અધિકારી અને કર્મચારીઓનું જેટલું રાજકારણ ચાલતું હતું તેટલું મેં બીજે જોયું નથી. ખાન એકલપંડે હતા. પોતે ભ્રષ્ટાચારથી સંપૂર્ણ પર એ એમનું જમાપાંસુ હતું, તો કાચા કાનના અને પ્રમાણમાં અહંકારી હોવું એ એમની મર્યાદા હતી. હાઉસીંગ બોર્ડમાં બધા એમની સામે પંગો લેતા ગભરાતા. એકાદ દિવસ મારે પણ એમની સાથે ચકમક ઝરી ગઈ. હું પણ મગજ વગરનો માણસ. વડોદરામાં ભણેલો અને ભણવા કરતાં ઈત્તરપ્રવૃત્તિ વધારે એટલે મારામારીસુદ્ધાની તાલીમમાંથી પસાર થયેલ. આ સમયે પેલા નીચેના કર્મચારીઓ સામેથી આવીને મને કહી ગયા કે તમે સાચા છો અને અમે પણ યુનિયનમાં છીએ ચિંતા ના કરશો. ખાન પણ ઢીલા પડ્યા અને ત્યારબાદ આજદીન સુધી મારી સાથે તેમના મિત્રાચારીભર્યા સંબંધો છે. આજે એ નિવૃત્તિ જીવન મહેસાણામાં વીતાવે છે.
આ ઘટનાએ મને નીચેની પંક્તિઓની યાદ તાજી કરાવી.
પાની જબ દૂધ મેં મિલ જાતા હૈ
તબ...
પાની ભી દૂધ હી કહલાતા હૈ
સિર્ફ ઈતના હી નહીં...
દૂધ પાની કો અપને ભાવ બિકાતા હૈ
મગર...
દૂધ જબ આગ પે ચડ જાતા હૈ
પાની પાની હી જલ જાતા હૈ
દૂધ દૂધ હી રહ જાતા હૈ
નીચેના કર્મચારીઓને પોતાથી ઉતરતા ગણનાર અધિકારીઓ અથવા કાર્યકરોને પોતાના ગુલામ ગણનાર નેતાઓએ બરાબર સમજી લેવું જોઈએ કે જ્યારે આગ પર ચડવાનો એટલે કે કોઈ કટોકટીનો સામનો કરવાનો વખત આવશે પેલું પાણી જો નહીં ભળેલું હોય તો બળી જશો.
પણ...
આવું સમજે છે કોણ ?
હાઉસીંગ બોર્ડમાં આપણી ગાડી ઠીક ઠીક ગતિ પકડી ચૂકી હતી.
સખત મહેનત, કોઈની પણ પાસેથી શીખવાની તૈયારી, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નિર્ભેળ પ્રમાણિકતા અને પારદર્શિતા, વિષયનું જ્ઞાન તેમજ ડ્રાફ્ટીંગ એટલે કે નોંધ લખવી કે પત્રવ્યવહાર કરવો તે ઉપરનો અંગ્રેજી તેમજ ગુજરાતી બન્ને ઉપરનો ઠીક ઠીક કહી શકાય તેવો કાબૂ અને પેલા “છોકરા જેવા અધિકારી”માંથી એક સક્ષમ, કાર્યદક્ષ અને કડક અધિકારી તરીકેની છાપ ઉપસતી જતી હતી. કચેરીનું કામ હવે હળવુફૂલ લાગવા માંડ્યું હતું. અનિલ, વિક્રમ પરીખ, સુરેશ બોઘાણી, કે.બી. પટેલ, જશભાઈની અમારી આ ટુકડીમાં એક નવો સાથી ઉમેરાયો, તે હતો રાધેશ્યામ બ્રહ્મભટ્ટ. મારા સ્ટેનો તરીકે એ જોડાયો. તરવરીયો યુવાન, કામ શીખવાની પુરી તૈયારી અને મારી સાથે કામ કરવા માટે જરુરી સખત મહેનત. આ બધા માટેની એની તૈયારીએ મને એક વધુ સૈનિક મારી ટુકડીમાં મેળવી આપ્યો. દિવસો સરળતાથી વીતતા જતા હતા. એક સરસમજાની વોલીબોલની ટીમ પણ બની ગઈ અને સાંજ પડે આ પ્રવૃત્તિ લગભગ નિયમિત ચાલવા લાગી.
જીવનમાં જ્યારે બધું સમુસૂતર ચાલતું હોય બરાબર ત્યારે જ કોઈક ગરબડ ઉભી થાય તેવું બનતું હોય છે. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે મને અણસાર પણ નહોતો કે ખૂબ નજદીકના ભવિષ્યમાં એવી બે ઘટનાઓ બનવા જઈ રહી છે જે ફરી એકવાર મારા જીવનની દિશા અને દશા બદલવાનું નિમિત્ત બનશે.
આ અંગે હવે પછી.