Thursday, January 12, 2017
આઈઆઈએમ અમદાવાદના એફબીએ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેખિત પરીક્ષા પુરી કર્યા બાદ ગ્રુપ ડીસકશન અને પર્સનલ ઈન્ટરવ્યુ પણ સંતોષકારક રીતે પૂરાં કર્યાં. અંતરઆત્મા કહેતો હતો કે આ બધામાંથી પાર ઉતરીને પસંદગી થઈ જ જશે. બન્યું પણ એવું જ. લગભગ દસેક દિવસ બાદ વળી પાછો આઈઆઈએમનો લોગો છાપેલો કાગળ ટપાલી નાંખી ગયો. કાગળ જોઈને જ મનમાં આપણે પસંદ થઈ ગયા એવી ભાવના સાથે આનંદની હેલી ચડી. પરબીડીયું ખોલ્યું અને તેમાંથી પત્ર બહાર કાઢી એના પર નજર નાંખી. એ પત્ર હતો ફેલો ઈન બિઝનેસ એડમીનીસ્ટ્રેશન પ્રોગ્રામમાં મારા એડમીશનનો. છેવટે ઈડરીયો ગઢ જીતાઈ ગયો હતો. જ્યાં જવાનું માંડવાળ કરી આઈઆઈટીનો રસ્તો પકડ્યો હતો તે ભારતની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ અભ્યાસક્રમ સંસ્થામાં મને પ્રવેશ મળી ચૂક્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તકદીરનું ચકરડુ કંઈક વધુ પડતા વેગથી ફરી રહ્યું હતું. જેમાં દાખલ થવા માટે મંજૂરી મેળવવાનાં ફાંફા હતા એ એમ.એસ. યુનિવર્સીટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો એટલું જ નહીં પણ યુનિવર્સીટીમાં પ્રથમ આવ્યો અને ત્યારબાદ આઈઆઈએમની પ્રવેશ માટેની વિઘ્નદોડ સફળતાપૂર્વક પસાર કરી એફબીએ કોર્સમાં પ્રવેશ મળી ગયો એ કંઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. ઝડપથી બે કોળીયા જમીને મેં લગભગ દોટ મુકી ઓફિસ તરફ. મારી કેબિનમાં જઈને મેં અનિલ અને રાધેશ્યામને બોલાવ્યા. સંત બહાદુરને ત્રણ ચા લાવવા માટેનો ઓર્ડર આપ્યો અને હળવેકથી પેલું પરબીડીયું કાઢી એમાંનો કાગળ મારા આ બન્ને સાથીઓ સામે મુક્યો. બન્ને જેમ જેમ એ વાંચતા ગયા તેમના ચહેરા પર ખુશી છવાતી ગઈ. આમાંથી પહેલો બહાર આવ્યો અનિલ. એણે કહ્યું “સાહેબ ! હવે તમે અમને બધાને છોડી જવાના. ખેર, તમે અમને સહુને ગૌરવ થાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે માટે હાર્દિક અભિનંદન.” એણે હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો ત્યારે હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે એની એક આંખમાં ખુશી હતી બીજીમાં ગમ. આની સરખામણીમાં રાધેશ્યામે એ જ નફિકરાઈથી કહ્યું તમે અરજી કરી તે દિવસે જ મને ખ્યાલ હતો કે તમે અમને છોડી જશો. વાંકડીયા કાળા ભમ્મર વાળ અને પ્રમાણમાં સહેજ મોટી કહી શકાય એવી રતૂમડા ખુણાવાળી ભાવુક આંખો ધરાવતો રાધેશ્યામ યોગાનુયોગ મારી બધી જ સફળતાનો સાક્ષી અને સાથી રહ્યો હતો. એમ.એસ. યુનિવર્સીટીમાં આગળ અભ્યાસ માટેની અરજી કરવાથી માંડીને થીસીસ ટાઈપ કરવી તેમજ આઈઆઈએમ અમદાવાદ એફબીએ એન્ટ્રન્સ ટેસ્ટ માટેનું મારું અરજી ફોર્મ તેમજ જીઆઈડીસીની જાહેરાત અનુસંધાને મારી અરજી ટાઈપ કરવા અને પોસ્ટ કરવાનું બધું જ કામ રાધેશ્યામે કર્યું હતું. એની આ પહેલી નોકરી હતી અને બહુ થોડા સમયથી જ એ મારી સાથે કામ કરતો હતો પણ પૂર્વ જન્મની કોઈ લેણદેણ હશે એ મારો નજદીકનો અને વિશ્વાસુ સાથી બની ચૂક્યો હતો. જતાં જતાં એ કહેતો ગયો “સાહેબ ! તમે જીઆઈડીસીમાં પણ સીલેક્ટ થઈ જશો.” ઘડીભર મનમાં એક વિચાર ઝબકી ગયો. આ રાધેશ્યામ સ્ટેનો ટાઈપીસ્ટ હતો કે પછી કોઈ ભવિષ્યવેત્તા ? થોડીવાર બાદ મેં વિક્રમ પરીખ અને સુરેશ બોઘાણીને પણ આ વાત કરી. સાંજ સુધીમાં લગભગ બધા સુધી વાત પહોંચી ગઈ કે આઈઆઈએમ અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના કોર્સમાં હું પસંદ થયો છું અને હવે થોડાક મહિનામાં હાઉસીંગ બોર્ડ છોડી જઈશ. આ કોર્સ ઓગષ્ટમાં શરુ થવાનો હતો. હજુ ફેબ્રુઆરી શરુ થયો હતો એટલે છ મહિનાનો સમય હાથ પર હતો. એકાએક વડોદરા મને વધુને વધુ ગમવા લાગ્યું હતું. રેસકોર્સથી બેસીને માંડવી સુધીનો શહેરને ચીરીને જતો બસ રુટ મારે માટે માત્ર મુસાફરી નહીં પણ વડોદરા શહેરને ધરાઈ ધરાઈને માણી લેવાનો રાજમાર્ગ બની ગયો હતો. આ શહેર હવે છૂટી જવાનું હતું એ નક્કી. એવો કોઈ રસ્તો નહોતો જે મને હવે વડોદરુ છોડતાં અટકાવી શકે. આદિલ મન્સૂરી મારા પરિચયમાં આવ્યા અને અંગત મિત્ર બન્યા. તેમની એક રચના આમ તો અમદાવાદને ઉદ્દેશીને લખાઈ છે પણ એની પંક્તિઓનો એકેએક શબ્દ જાણે કે વિચાર સૃષ્ટિના મારા વિશ્વમાં મારા અસ્તિત્વના અણુએ અણુને ઢંઢોળી રહ્યો હતો. આદિલભાઈ લખે છે –
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વરસનો મોટો ભાગ માત્ર ગટરગંગા બનીને વહી જતી વિશ્વામિત્રીને કારણે આમાંની પહેલી પંક્તિ “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે” વડોદરા માટે બંધ બેસતી આવતી નથી. તે સિવાયની બધી પંક્તિઓમાં આદિલભાઈએ જે સંવેદના વ્યક્ત કરી છે તે જ પ્રકારની સંવેદના મારા મનમાં પણ ઉભી થવા માંડી હતી. આદિલભાઈ ઉપરવાળાની મહેરબાની લઈને જન્મ્યા હતા એટલે એ પોતાની સંવેદનાને કવિતા, ગઝલ કે અન્ય રીતે હૂબહૂ વર્ણવી શકતા. મારા માટે એ શક્ય નહોતું.
સમય ક્યાં કોઈની રાહ જોવે છે. દિવસો પસાર થતા જતા હતા. મનમાં એક છુપો આનંદ પણ હતો. છેલ્લી આગાહીમાં પેલો ભવિષ્યવેત્તા ખોટો પડવાનો હતો. કારણકે મારે ત્યાં બીજા દિકરાનો જન્મ આઠમી ફેબ્રુઆરી 1975ના રોજ થઈ ચૂક્યો હતો અને એના ત્રણ મહિનાની અંદર વડોદરુ છુટી જાય એવી કોઈ શક્યતા નહોતી. આઈઆઈએમનો એફબીએ પ્રોગ્રામ ઓગષ્ટમાં શરુ થવાનો હતો જેને હજુ છ મહિનાની વાર હતી. મારો આ છુપો આનંદ પણ બહુ ટૂંક સમયમાં પુરો થઈ જવાનો હતો. વળી એક દિવસ ટપાલીએ બારણા નીચેથી જે ટપાલ સરકાવી તેમાં એક સફેદ પ્લાસ્ટીક ફિલ્મ વીન્ડોવાળું કવર હતું. મેં આ કવર હાથમાં લઈને એના પર એક નજર નાંખી. આ પત્ર ફડીયા ચેમ્બર્સ, જીઆઈડીસીના સરનામેથી આવતો હતો. ખોલી અને જોયું તો મારી અરજીના અનુસંધાને અમદાવાદ સ્થિતિ ફડીયા ચેમ્બર્સમાં આવેલી જીઆઈડીસીની વડી કચેરી ખાતે ટેસ્ટ અને ત્યારબાદ જો જરુર જણાય તો મૌખિક ઈન્ટરવ્યુ માટે પણ હાજર રહેવાનું હતું. લગભગ દસ દિવસ પછીની આ તારીખ હતી. જવા આવવાનું ફર્સ્ટ ક્લાસનું ભાડુ આપવાનો પણ ઉલ્લેખ હતો.
આમ, તો મારી પસંદગી આઈઆઈએમ માટેની હતી. એફબીએમાં એડમીશન મળવાને કારણે હું ઉત્તેજીત પણ હતો. સામાન્ય સંયોગોમાં મેં જીઆઈડીસીના આ પત્રને ગંભીરતાથી ન લીધો હોત. જે ગામ જવું નથી એનો રસ્તો પૂછવાનો કોઈ અર્થ નહોતો.
પણ આ આખીય વાર્તામાં એક બીજો ટ્વીસ્ટ બાકી હતો. જે દિવસે જીઆઈડીસીએ મને લેખિત અને મૌખિક કસોટી માટે બોલાવ્યો હતો તેના એક દિવસ બાદ સિદ્ધપુર ખાતે મારાં સગાં ફોઈજીના દીકરાનાં લગ્ન હતાં. સામાજીક સંબંધે સાળો ગણાય પણ સમજણા થયા ત્યારથી એસએસસી સુધી એકસાથે જ ભણ્યાં, રમ્યા, ઉછર્યા અને એ કારણે એ મારો મિત્ર વધારે હતો સાળો તો થોડા વરસ પહેલાં જ બન્યો. મારો નાનો દિકરો તે સમયે માંડ દોઢેક મહિનાનો હતો. આ કારણથી સ્વતંત્ર વાહન લઈને જઈએ તો વધુ અનુકૂળતા રહે તેમ હતી. છેવટે એક મિત્રની ગાડી અને ડ્રાયવરનો બંદોબસ્ત કર્યો હતો. વડોદરાથી સિદ્ધપુર જતાં અમદાવાદ રસ્તામાં આવે એટલે જો આ પરીક્ષામાં અને ઈન્ટરવ્યુમાં હાજરી આપીએ તો આવવા-જવાનું ફર્સ્ટ ક્લાસનું ભાડુ મળે તેમાંથી આવવા-જવાનો પેટ્રોલનો ખરચ નીકળી જાય. આ ગણતરીએ મને જીઆઈડીસીની લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુમાં જવા માટે માનસિક રીતે તૈયાર કરી દીધો. કોઈપણ પ્રકારની તૈયારી વગર આ પરીક્ષામાં હાજરી આપવા હું અમદાવાદ પહોંચ્યો. મારા કુટુંબને અમદાવાદમાં અસારવા ખાતે રહેતા મારાં માસીના દિકરાના ઘરે મુકીને હું આશ્રમરોડ પર ફડીયા ચેમ્બર્સ ખાતે આવેલ જીઆઈડીસીના મુખ્ય મથક ખાતે પહોંચી લહેરીલાલાની માફક નિસરણીનાં પગથિયા ચડતો જીઆઈડીસીના વહીવટી અધિકારીશ્રી જોરુભા વાઘેલાની ચેમ્બરમાં પહોંચ્યો અને તેમના પત્રને અનુસંધાને ઈન્ટરવ્યુ માટે આવ્યો હતો તેમ જણાવ્યું. વાઘેલા સાહેબ તે વખતે ખાખી બીડીનો કશ લઈ રહ્યા હતા. તેમણે ઘંટડી વગાડી તેમના એક આસિસ્ટન્ટને બોલાવી મને આગળની વિધિ માટે તેના હવાલે કર્યો.
લગભગ પચીસેક જણને બોલાવ્યા હતા.
પોસ્ટ એક જ હતી.
આપણી કોઈ લાગવગ ઓળખાણ હતી નહીં.
આમેય આપણે ક્યાં આ નોકરી જોઈતી હતી ?