Saturday, December 17, 2016
બન્યું એવું કે આ સમયગાળા દરમ્યાન અમારા એક ડેપ્યુટી એન્જિનીયર લાંબી રજા પર ગયા. યોગાનુયોગ પેલા કાર્યપાલક ઈજનેર ઈશ્વરભાઈ ઠક્કરના હાથ નીચેના સબ ડિવીઝનનો વધારાનો હવાલો મને સોંપવામાં આવ્યો. સીધેસીધા ફીલ્ડવર્કનો આ મારો પહેલો અનુભવ હતો. M.B. એટલે કે મેઝરમેન્ટ બુકથી માંડીને સ્ટોર અને મટીરીયલ એટ સાઈટ એકાઉન્ટ કે અનમેઝર્ડ એકાઉન્ટ અનેR.A. Bill એટલે કે રનીંગ એકાઉન્ટ બીલ, ટુલ્સ એન્ડ પ્લાન્ટ એકાઉન્ટ જેવાં શબ્દો મારા માટે નવા હતાં. નોકરીની શરુઆતમાં જ કરેલ કે.એન. પંડ્યાના પુસ્તકનો અભ્યાસ અને ક્યારેક ક્યારેક બીજા ડેપ્યુટી એન્જિનિયરો સાથે એમનાં કામોની મુલાકાતનો અનુભવ અહીં ખૂબ કામ લાગ્યો. મારા હાથ નીચે કનુભાઈ શાહ નામના સુપરવાઈઝર હતા જે કાર્યદક્ષ અને વિશ્વાસ મુકી શકાય તેવા અધિકારી હતા. મને એ પણ ખબર હતી કે જો જરાક જેટલી ચૂક થઈ તો ઠક્કર સાહેબ હિસાબ કિતાબ પુરો કરી નાંખશે. આવા વાતાવરણમાં નવી જવાબદારીની શરુઆત થઈ તે સમયે વડોદરા પાસે તરસાલી ખાતે લો કોસ્ટ હાઉસીંગનો લગભગ તેરસો કરતાં વધુ ટેનામેન્ટો બાંધવાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. આમાં ગમે તેટલી કાળજી રાખીએ તો પણ ખૂણા ઉપરની બન્ને દિવાલોમાં તિરાડ પડતી અને એને કારણે બાંધકામ નબળું હોવાની છાપ ઉભી થતી. મેં જાતે ઉભા રહીને સ્પેસીફીકેશનનું કોઈપણ ક્ષતિ કર્યા વગર સંપૂર્ણ પદ્ધતિસર દિવાલનું કામ કરાવ્યું અને તેના ઉપર સ્લેબ ભરી. જેવું સેન્ટરીંગ હટાવ્યું કે એ જ રામાયણ, તિરાડ બન્ને બાજુના પ્લાસ્ટરમાં દેખાવા માંડી. મેં ખૂબ વિચાર કર્યો પણ કોઈ જ કારણ નહોતું જડતું. મારા બે મિત્ર શ્રી કિરીટભાઈ સી. પટેલ અને શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર. આમ તો એન્જિનિયરીંગ કોલેજમાં મારા શિક્ષક અને ત્યારબાદ હું ત્યાં જોડાયો ત્યારે સાથી રહી ચૂક્યા હતા પણ કોલેજમાં ભણાવવા ઉપરાંત સિવિલ એન્જિનિયરીંગ પ્લાનીંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનનું સારું એવું કામ તેઓ કરતા. મેં એમની સમક્ષ આ પ્રશ્ન મુક્યો. ખૂબ વિચારણાને અંતે એવા તારણ પર આવ્યા કે સ્લેબના ખૂણામાં નાંખેલ સળિયાને કારણે સ્લેબના ખૂણા આપોઆપ ઉંચકાતા અને એને કારણે સાથે જોડાયેલ દિવાલમાં ટેન્શન ક્રેક એટલે કે તિરાડ પડતી. એમણે સલાહ આપી કે સ્લેબ ભરાઈ ગયા બાદ બીજા કે ત્રીજા દિવસે એના ઉપર પેરાપેટ વોલ ચણી લેવી જેના વજનથી સ્લેબના છેડા ઉંચકાશે નહીં અને ત્યારબાદ સેન્ટરીંગ કાઢવું. આ સૂચન અમલમાં મુક્યું અને જાણે કે ચમત્કાર થયો હોય તે રીતે ખૂણાની દિવાલોમાં પડતી તિરાડ અદ્રશ્ય થઈ ગઈ. એક ઈજનેર તરીકે આ ઉકેલ મળ્યો અને એનો સફળતાપૂર્વક અમલ કરી શકાયો એનો ખૂબ આનંદ થયો. કામ આગળ ચાલવા લાગ્યું તેટલામાં એક દિવસ હાઉસીંગ કમિશ્નર આ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા. બધું જોયું. આ પ્રકારની ડિઝાઈનવાળાં કામ બીજે પણ ચાલતાં હતાં એટલે એમણે એક ટેનામેન્ટમાં અંદર જઈને ચારેતરફ નજર ફેરવી સીધો જ પ્રશ્ન પૂછ્યો – “Where are the cracks ?” એટલે કે તિરાડો કેમ નથી દેખાતી ? મેં તેમને આખી વાત સમજાવી અને અમે કઈ રીતે એનું નિરાકરણ કર્યું તે બાબત પણ સમજાવી. કમિશ્નર સાહેબ ખૂબ ખુશ થયા. એક ટેકનીકલ માણસ તરીકે અને અગાઉ રોડ એન્ડ બિલ્ડીંગ જેવા ખાતામાં મુખ્ય ઈજનેર તરીકે કામ કરી ચૂક્યા હોઈ તેઓ મેં શોધી કાઢેલ ઉપાયથી પ્રભાવિત થયા. એમના પીએસને અન્ય જગ્યાએ પણ આ સૂચના આપવા અને જરુર જણાય તો મારો સંપર્ક કરવા સલાહ આપવા કહ્યું. કમિશ્નર સાહેબની છાપ એક અત્યંત કાર્યદક્ષ પણ ખૂબ કડક અધિકારી તરીકેની હતી. તેમણે બપોર બાદ મને સરકીટ હાઉસ ખાતે મળવા કહ્યું.
કમિશ્નર સાહેબે કહ્યા મુજબ ચાર-સાડા ચારે હું સરકીટ હાઉસ પહોંચ્યો. અમારા સીનીયર અધિકારીઓ સાથે સાહેબ કંઈક ચર્ચા કરી રહ્યા હતા. બધાંને લાગ્યું હશે કે આ માણસ અમારા વગર બોલાવે ક્યાંથી આવી ગયો. કમિશ્નર સાહેબે મને બેસવા કહ્યું. ચર્ચા પુરી થઈ એટલે પેલા અધિકારી સાહેબો બહાર નીકળ્યા. હવે બે જ વ્યક્તિ હાજર હતા એક હું અને એક હાઉસીંગ કમિશ્નર સાહેબ. એમણે સીધો જ પ્રશ્ન કર્યો શું ભણ્યા છો ? મેં આઈઆઈટી મુંબઈથી એમ.ટેક. મારી બેચમાં પ્રથમ નંબરે પાસ કરી સીધીભરતીના અધિકારી તરીકે અહીં જોડાયો છું તેમ કહ્યું. સાહેબે મને સલાહ આપી “વ્યાસજી ! તમારો એકેડેમીક રેકોર્ડ ખૂબ જ બ્રીલીયન્ટ છે. તમારી તેજસ્વીતા આ તમારા સાહેબો સહન નહીં કરી શકે. બધાં ભેગા થઈને તમને શાંતિથી જીવવા નહીં દે. ઈન્કવાયરી અને ચાર્જશીટના જવાબો આપવામાં થકવાડી દેશે. વહેલામાં વહેલી તકે કોઈક સારી નોકરી શોધી અહીંથી નીકળી જાવ.”
સાહેબની આ સલાહ વીજળી પડે તેમ મને ધ્રુજાવી ગઈ. પહેલીવાર ખ્યાલ આવ્યો ભણવામાં હોંશિયાર હોવું અને તમારા વિષય ઉપર પ્રભુત્વ હોવું એ તેજસ્વીતા પણ ગેરલાયકાત છે. કોઈપણ વાંક ગૂના વગર કે ઈરાદા વગર તેજસ્વીતા તમને તમારા પોતાના દુશ્મનો ઉભા કરી આપે છે. સરકારી નોકરીમાં તો ખાસ. સીધા હોવું, પ્રમાણિક હોવું, પારદર્શિતા હોવી અને મહેનતુ હોવું એ ગુણો લાભ કરતાં નુક્સાન વધારે કરે છે. કમિશ્નર સાહેબે કહેલી વાત એમના અનુભવમાંથી સાંપડી હશે. મારે હજુ ઘડાવાનું બાકી હતું. પ્રમાણમાં સારી કહી શકાય એવી આ નોકરીમાં હજુ તો વરસ પણ પુરું નહોતું થયું ક્યાં જવું ? કમિશ્નર સાહેબની વાત તો સાચી હતી. મને પેલા ઠક્કર સાહેબે એકસમયે ઉચ્ચારેલી ધમકી યાદ આવી ગઈ. એમના માટે અત્યારે તો બરાબર ઊંટ પહાડ નીચે આવ્યું હતું. ઠક્કર સાહેબ મારી કારકીર્દીને કોઈ નુક્સાન તો નહીં કરે ને ? કમિશ્નર સાહેબે મને ખૂબ હૂંફ આપી. મારા માટે ચા મંગાવી પણ જ્યારે મનને ચેન ન હોય ત્યારે ફૂલોની પથારીમાં પણ કાંટા વાગે છે. મારી ચા પૂરી કરી સાહેબની રજા લઈ આભાર માની હું બહાર નીકળ્યો. વિચારોનો વંટોળ અને કોઈ અદ્રશ્ય ભય જાણે કે મારો પીછો કરી રહ્યા હતા. યોગાનુયોગ કમિશ્નર સાહેબની અટક પણ વ્યાસ હતી. ઘણા એ ભ્રમમાં હતા કે હું એમનો સગો છું અને એમની જ લાગવગથી આ નોકરીમાં પસંદ થયો છું. વાસ્તવિક્તામાં બેમાંથી એકેય સાચું નહોતું. નહોતા કમિશ્નર સાહેબ મારા કોઈ સગા થતા કે નહોતી મારી એમની સાથે કોઈ ઓળખાણ કે લાગવગ. એકાએક એક વિચાર મનમાં ઝબુકી ગયો. આ ભ્રમ ન ભાંગે તેમાં જ મજા છે. સરકીટ હાઉસની લોબીમાં હું આગળ વધી રહ્યો હતો ત્યાં પાછળથી કોઈકનો હાથ મારા ખભા પર પડ્યો. મેં પાછું વળીને જોયું. એક અદ્રશ્ય ભયનું લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું. પણ, ઠક્કર સાહેબના ચહેરા પર કડકાઈ નહીં મિત્રાચારીનું સ્મિત હતું. કદાચ એ પણ એવું માનતા હશે કે હું કમિશ્નર સાહેબનો સગો છું. આજે કમિશ્નર સાહેબ સાથેની આ ખાસ મુલાકાતથી ઠક્કર સાહેબ સમેત ઘણા બધાંની માન્યતા દ્રઢ થઈ હશે કે ખરેખર આ માણસ કમિશ્નર સાહેબનો કોઈક સગો છે. આવું ન હોય તો આટલા કડક અધિકારીને આ ગઈકાલનો આવેલ ડેપ્યુટી એન્જિનિયર મળી કઈ રીતે શકે. ખેર, ઠક્કર સાહેબ સાથેના મારા ત્યારપછીના સંબંધો મધુર રહ્યા, કારણ અમદાવાદમાં હાઉસીંગ કમિશ્નર તરીકે વ્યાસ સાહેબ હતા !
વ્યાસ સાહેબની સલાહ મનમાં સતત ઘુમરાયા કરતી. અત્યારે તો વાંધો નથી, સાહેબ કંઈ કાયમી ધોરણે કમિશ્નર રહેવાના નથી. એ નહીં હોય ત્યારે ?નોકરીમાંથી મારો રસ ઉડી ગયો. સતત એક જ વિચાર મનમાં આવતો ભાગી છુટવાનો. બરાબર આ દરમ્યાન બીજી એક ઘટના ઘટી. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીએ કોમર્સ ફેકલ્ટીમાં મેનેજમેન્ટનો સાંજનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ શરુ કર્યો. માત્ર વર્કીંગ એક્ઝીક્યુટીવ્સ એટલે કે નોકરીમાં હોય તેવા મેનેજર માટેનો જ આ કોર્સ હતો. એડમીશન માટેની બધી જ લાયકાતો હું સારી રીતે પુરી કરતો હતો એટલે મેં અરજી કરી અને એડમીશન મળી ગયું.
ખરી વાત હવે શરુ થાય છે. સરકારના નિયમ મુજબ તમારે ચાલુ નોકરીએ આવો કોઈ કોર્સ કરવો હોય તો સક્ષમ ઓથોરીટીની મંજૂરી લેવી પડે. મેં એ માટે આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર (સુપ્રિટેન્ડીંગ એન્જિનિયર) સમક્ષ અરજી મુકી. આ અરજી ઉપર અમારા હેડ ક્લાર્કે નોંધ મુકી કે કોર્સ સાંજનો છે એ વાત સાચી પણ એ માટે રાત્રે મોડા સુધી વાંચવું પડે, પરીક્ષા હોય અથવા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય ત્યારે પણ ઉજાગરો થાય અને આની સીધી અસર બીજા દિવસે કચેરીના કામકાજ પર થાય એટલે આ મંજૂરી ન આપીએ !
જય હો !! કલ્પના પણ ન કરી શકાય તેવાં કારણો અને આ પ્રકારના વિચારો સરકારમાં આ કારકુનો અને અવલકારકુનોના ફળદ્રુપ ભેજામાં આવતા હોય છે. કમનસીબે ટેકનીકલ ઓફિસરો ભલે પોતે ચીફ એન્જિનિયર કે એનાથી ઉપર પહોંચે પણ કોઈ અગમ્ય કારણોસર એમને સલાહ આપનાર તો કોઈક અવલકારકુન, ડીવીઝનલ એકાઉન્ટન્ટ, ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એવા જ બિનટેકનીકલ માણસો હોય છે જે કેટલીક વાર ખાતામાં કે વિભાગમાં કે ફિલ્ટ ઓફિસમાં અમર્યાદ સત્તાઓ ભોગવે છે. મેં આજ પરિસ્થિતિ આરોગ્યમંત્રી બન્યો ત્યારે ડોક્ટરોના કિસ્સાઓમાં પણ જોઈ છે. ગમે તે કારણસર આ પ્રોફેશનલ કેડરના સીનીયર અધિકારીઓ કાયદો, વ્યવસ્થાપન, એડમીનીસ્ટ્રેશન અને નાણાં વ્યવસ્થાપન જેવી બાબતોમાં રસ નથી લેતા માટે આગળ જતાં પરવશ બને છે. ખેર, રાત્રે વાંચવાથી દિવસે નોકરી પર અસર થાય એ તર્ક એકબાજુ મારે માટે રમૂજ તો બીજીબાજુ ચિંતાપ્રેરક હતો.
શું કરવું હવે ?
ભણવું તો છે જ.
આપણે સંકટ સમયની સાંકળ ખેંચી.
સીધો ફોન લગાવ્યો કમિશ્નર સાહેબને અને તે પણ...
કચેરીના સમય બાદ.
પબ્લીક કોલ ઓફીસ (પીસીઓ) પરથી
તેમના નિવાસસ્થાને.
સાહેબ લાઈન પર આવે તે પહેલાંના હૃદયના ધબકારા જોશબંધ ચાલતા હતા
પ્રશ્ન થતો હતો કમિશ્નર સાહેબને આ રીતે ફોન કરવામાં કોઈ જોખમ તો નથી લીધું ને ?
આ ખરેખર સાહસિક કદમ હતું ખરું ને ?