Saturday, September 3, 2011
ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટું ગજુ કરી ગયેલા ભાઇ અંકિત ત્રિવેદી પોતે એક અચ્છા કવિ, સાહિત્યકાર અને ઉદઘોષક છે. હું એમનો ચાહક અને પ્રશંસક છું (અને રહેવાનો પ્રયત્ન કરીશ). માણસના એકબીજા સાથેના સંબંધો ઋણાનુબંધથી જોડાયેલા હોય છે અને એ હિસાબે એ એકબીજા સાથે લેણદેણ સરભર કરતો રહે છે એવું તત્વચિંતકો માને છે. આવા જ કોઇ કારણથી અંકિત ત્રિવેદી મારા જીવનનું સૂત્ર શોધવાનું અઘરું કામ મારી પાસે કરાવવા કોઇ છૂપો બદલો લેવાની ભાવનાથી પાછળ પડયા છે એવું હું માનુ છું. ઘણું મનોમંથન કર્યું પછી લાગ્યું કે આમાં લખીને છૂટી જવાતું હોય તો જોખમ પ્રકાશકને અને વાંચવાવાળાને છે. આપણે લખી નાંખો ! એટલે આ લેખ સાથે તંત્રી, પ્રકાશક બંને સંમત હોઇ શકે પણ હું વર્તમાનકાળમાં સંમત છું ભવિષ્યની કોઇ ખાતરી મારા તરફથી ગણવી નહીં.
નાનપણમાં અમે એરગનથી નિશાન ટાંચવાની પ્રેક્ટિસ કરતા હતા. એક પૂંઠા ઉપર ચિતરામણ કરી એને નિશાન બનાવાતું. આમ તો ગોળી એના કેન્દ્રમાં વાગવી જોઇએ પણ એમાંય મેં એક સંશોધન કર્યું હતું. આપણી ગોળી જયાં વાગે તેની આજુબાજુ સર્કલ દોરી દેવાનું એટલે ધાર્યું નિશાન પાર ! મોટાભાગે માણસ કાંઇક મેળવી લે પછી એ જયાં નિશાન વાગ્યું હોય ત્યાં વર્તુળો દોરવાનું લાયસન્સ પ્રાપ્ત કરી લે છે અને એમાંથી કયારેક સામાન્ય માણસ પ્રેરણા પણ લેતો હોય એવું બનતુ હોય છે બાકી આ જીવનમાં કોઇ સૂત્ર લઇને જનમતુ નથી અને સફળ થયા બાદ સૂત્ર વગર મરતુ નથી.
મારા જીવનમાં પણ કાળક્રમે એક સૂત્ર ઉપસ્યું છે. ટકી રહો બાકીનું બધું આવી મળશે. કોઇ મોટા ક્રિકેટરે કહયું છે - " ઇફ યુ હેવ એ કેપેસીટી ટુ સ્ટે એટ ધ વિકેટ રન્સ વીલ ફોલો " આમાં બે વાત આવી જાય છે. એક સાચા મજદૂર તરીકે વિકેટ પર ટકી રહેવાનું એટલે કે જીવનમાં ઝઝૂમવાનું કામ કરતો રહે ( જો આઉટ નહીં થઇ જવાય તો ). નાનો મોટો સ્કોર થયા જ કરશે. આને કર્મનો સિધ્ધાંત કહેવો કે મજબૂરી એ હજુ સમજણ પડી નથી પણ જે કોઇ કામ હાથમાં લીધું તેમાં વિકેટ પર ટકી રહેવાનો પ્રયત્ન અને વિકેટ અધિરાઇમાં નહીં ફેંકી દેવાની ધીરજ મેળવી શકાઇ એને ઇશ્વરની કૃપા ગણું છું અને એટલે જીવનનું સૂત્ર જાણે અજાણે કાંઇક એવુ બની ગયું છે કે –
મને શેની ફિકર હો રામ !
ગાડું મારું તું હાંકનારો, હું તો
બેઠો આમ ...
આમેય જીવનને હળવાશથી લેવાની અને છતાંય સંપૂર્ણ સંવેદનાથી જીવવાની આ મથામણમાં મને કવિ નિરંજન ભગતની પંક્તિઓ હંમેશા દીવાદાંડી સમી બની દોરતી રહી છે –
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
આ સાવ સાચી વાત કહી. સફળ થયા પછી સૂત્રો તો મળી જ જતાં હોય છે કારણ કે તમેજ સૂત્રધાર બની જાવ છો ! અને નિષ્ફળ નીવડેલાને કોઇ પૂછતું પણ નથી. આ મેં દિલની વાત કહી. કદાચ આ સંગ્રહમાંથી પણ જીવનમાં સરિયામ નિષ્ફળ ગયેલા વ્યક્તિનું જીવનસૂત્ર શોધવાનો કોઇ પ્રયાસ આપને હાથ નહીં લાગે. શું નિષ્ફળતા મળે એ વ્યક્તિનું કોઇ ધ્યેય કે સૂત્ર નહીં હોતું હોય ?